ભાષાપુરાણ : અસ્તિત્વની આ લડત તો જ જીતશો જો એનો વ્યાપ વધશે

06 October, 2019 01:35 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

ભાષાપુરાણ : અસ્તિત્વની આ લડત તો જ જીતશો જો એનો વ્યાપ વધશે

હા, આ જ સત્ય છે. વાત જ્યારે અસ્તિત્વની હોય ત્યારે ભૂલવું ન જોઈએ કે અસ્તિત્વ તો જ અકબંધ રહે જો એનો વ્યાપ વધવાનો હોય. સીધું ઉદાહરણ જુઓ તમે, ઋષિ-મુનિઓની મનાતી અને દેવો જેનો ઉપયોગ કરતા હતા એ સંસ્કૃત ક્યાં છે? એક સમય હતો કે સંસ્કૃત સૌકોઈ બોલતા હતા, પણ આજે સંસ્કૃતના ચાર શબ્દો કોઈને આવડતા નથી. પ્રશ્ન એ છે કે સંસ્કૃત ભાષા ગાયબ શું કામ થઈ અને કેવી રીતે થઈ?

સંસ્કૃત ગાયબ થવાનો સીધો અને સરળ એક જ જવાબ છે, એનો ઉપયોગ બંધ થઈ ગયો અને ઉપયોગ બંધ થયો એટલે ધીમે-ધીમે એની આવશ્કયતા ઘટવા માંડી અને આવશ્યકતા ઘટી એટલે ધીમે-ધીમે એનો વપરાશ બંધ થઈ ગયો અને પછી એ ભાષા લુપ્ત થઈ. મારું માનવું છે કે જો ભાષા બચાવવી હશે, જો ભાષાને આગળ લઈ જવી હશે કે જો ભાષાનું અસ્તિત્વ અકબંધ રાખવું હશે તો ભાષા બચાવવા માટેનું કોઈ અભિયાન શરૂ કરવાની જરૂર નથી, માત્ર એનો વ્યાપ વધે એના પર જ ધ્યાન આપવાની જરૂર છે. જો ભાષાનો વ્યાપ વધારવો હોય તો, જો એનું અસ્તિત્વ અકબંધ રાખવું હોય તો એની ઉપયોગિતા વધારવી પડશે. ભાષા ક્યારેય મરતી નથી એટલે એ પ્રકારના જેકોઈ દેકારા બોલાઈ રહ્યા છે એને સાંભળવાની જરા પણ જરૂર નથી. હકીકત એ છે કે ભાષા મરે નહીં, પણ ભાષા ભુલાઈ જાય અને જે સમયે ભાષા ભુલાવાનું શરૂ થઈ જાય એ સમયે એના અસ્તિત્વ પર જોખમ ઉમેરાવાનું શરૂ થઈ જાય.

ભાષાને સાચવવા માટે એનો શક્ય હોય એટલો વધારે ઉપયોગ થવો જોઈએ. ભાષાનો જો ઉપયોગ થાય તો અને તો જ એનું મહત્ત્વ અકબંધ જળવાઈ રહે. આ બાબતમાં હું કહીશ કે ગુજરાતીઓ કરતાં પણ મરાઠીઓ પોતાની ભાષા પ્રત્યે વધારે સજાગ અને વધારે ભાવુક છે. ગુજરાતીઓનાં ઇન્વિટેશન કાર્ડ પણ અંગ્રેજીમાં હોય છે અને ગુજરાતીઓ વાતો પણ અંગ્રેજીમાં કરવાનું પસંદ કરે છે. બે મરાઠી મળશે તો એ તરત જ પોતાની માતૃભાષામાં વાતો કરવા માંડશે પણ બે ગુજરાતીઓ મળશે અને બન્નેને ગુજરાતી આવડતું હશે તો પણ તેઓ તરત જ અંગ્રેજીની ફાંકા-ફોજદારી શરૂ કરી દેશે. ગુજરાતીનો ઉપયોગ બંધ થઈ જાય એવો રસ્તો અપનાવવાને બદલે વધુમાં વધુ ગુજરાતીનો ઉપયોગ થાય એવું કરવું જોઈએ.

ગુજરાતીઓ માટે આછીસરખીય શરમ કહેવાય એવી વાત એ છે કે આજે મોટા ભાગના ગુજરાતી પરિવારો એવા છે કે તેમને ત્યાં અંગ્રેજી અખબાર આવે છે અને તેમને પ્રાઉડ ગણવામાં આવે છે. અંગ્રેજી વાંચતાં આવડે એ પ્રાઉડ હોઈ શકે, પણ જો ગુજરાતી હો અને એ પછી પણ ગુજરાતી ભાષા પ્રત્યે સભાનતા ન હોય, એ વાંચી ન શકાતી હોય તો એ શરમજનક છે. ગુજરાતી અખબાર ઘરે મગાવવામાં શરમનો અનુભવ કરનારાઓનો પણ આપણે ત્યાં તોટો નથી.

આ શરમ હકીકતમાં તો ગુજરાતી અને ગુજરાતીત્વનું અપમાન છે અને જો તમે માતૃભાષાનું આવું અપમાન કરી શકતા હો તો ભવિષ્યમાં તમારું સંતાન માતૃભાવનાનું પણ આવું જ અપમાન આરામથી કરી શકશે એવી માનસિકતા અત્યારથી તમારે રાખવી પડશે.

manoj joshi columnists