માં મુઝે લડકા બના દો...

10 June, 2022 09:46 AM IST  |  Mumbai | Jigisha Jain

આ પેઇનને કારણે દીકરીઓનાં સપનાં ચકનાચૂર થાય એ પહેલાં આપણે સમજીએ કે પિરિયડ પેઇન નૉર્મલ નથી એટલે એને સહન કરતા રહેવાની જરૂર નથી, એને જરૂર છે ઇલાજની.

માં મુઝે લડકા બના દો...

હાલમાં ચીનની ટેનિસ પ્લેયર કીન્વેન ઝેંગ તેનું  ફ્રેન્ચ ઓપનનું સપનું પિરિયડ પેઇનને લીધે અચીવ ન કરી શકી ત્યારે તેણે કહ્યું હતું કે કાશ! હું પુરુષ હોત... પિરિયડ પેઇનને લીધે ઘણી વાર છોકરીઓ અતિ સહન કરતી હોય છે. આ પેઇનને કારણે દીકરીઓનાં સપનાં ચકનાચૂર થાય એ પહેલાં આપણે સમજીએ કે પિરિયડ પેઇન નૉર્મલ નથી એટલે એને સહન કરતા રહેવાની જરૂર નથી, એને જરૂર છે ઇલાજની.

વિશ્વમાં ૭૪મો રૅન્ક ધરાવતી ચીનની ટેનિસ પ્લેયર કીન્વેન ઝેંગે હાલમાં ફ્રેન્ચ ઓપન જીતવાનું તેનું સપનું તેના પિરિયડ પેઇનને લીધે ગુમાવી દીધું. વિશ્વની નંબર વન ટેનિસ પ્લેયર સામે બરોબરની ટક્કર આપનાર કીન્વેનના જીતવાના ચાન્સ ઘણા ઊંચા હતા. પરંતુ એ ન કરી શકી. એક પ્રસિદ્ધ ચૅનલે લીધેલા ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે મારી હાર પાછળનું કારણ મારું સ્ત્રી હોવું છે. (પિરિયડનો) પહેલો દિવસ મારો ખૂબ અઘરો નીકળે છે. મને હંમેશાંથી જ આ તકલીફ રહી છે. હું મારી પ્રકૃત્તિ વિરુદ્ધ કઈ રીતે જાઉં? કાશ, હું ટેનિસ કોર્ટની અંદર પુરુષ બનીને ઊતરી શકતી હોત તો મારે આટલી પીડા સહન ન કરવી પડી હોત અને મારું સપનું પણ હું સાકાર કરી શકી હોત. 
છોકરીઓ આજની તારીખે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ખૂબ મહેનત કરીને જુદા-જુદા ક્ષેત્રમાં નામ અને પૈસો બન્ને કમાઈ રહી છે. વર્ષોની મહેનત પર પાણી ફરી વળે કે દિલથી જોયેલાં સપનાંઓ ચકનાચૂર થઈ જાય એ પણ પિરિયડ પેઇનને લીધે તો એને કારણે છોકરી પર શું વીતતી હોય એ તો એક છોકરી જ સમજી શકે. આ એક તકલીફને લીધે ન જાણે કેટલીયે હાથમાં આવેલી સુવર્ણ તકો જતી કરી દેવી પડે છે. માન્યું કે દરેક છોકરીને આટલો પ્રૉબ્લેમ નથી હોતો પરંતુ ઘણીબધી છોકરીઓ પિરિયડ પેઇનની પીડા વર્ષોથી ભોગવે છે અને એને કારણે કેટલીયે તકોનું બલિદાન આપતી હોય છે. 
તકલીફ કોઈ સમજતું નથી
પાર્લામાં રહેતી ૨૪ વર્ષની શ્રેયા શાહ એક પ્રોફેશનલ છે. તેના માટે પિરિયડ્સ હંમેશાંથી દુખ દેનારા રહ્યા છે. શરૂઆતના બે દિવસ તેને એટલી પીડા થાય છે કે પેઇનકિલર લઈને તેણે ઑફિસ જવું પડે છે, કારણ કે એ તો શક્ય નથી કે ઑફિસથી દર વખતે રજા મળે. ઑફિસમાં કોઈને કહેતાં પણ તેને ક્ષોભ થાય છે. જ્યારે અસહ્ય દુખાવો થાય અને તેણે રજા લેવી પડે તે જુદાં બહાનાંઓ આપે છે કે તેને સોશ્યલ ફંક્શનમાં જવાનું છે કે ઘરમાં કોઈ બીમાર છે કે ક્યારેક તેને તાવ આવી જાય છે. તે ઑફિસમાં સાચું કેમ નથી કહી દેતી? આ પ્રશ્નનો જવાબ આપતાં એ કહે છે, ‘ઑફિસમાં મેં ખાલી મારી સ્ત્રી કલીગ્સને કહ્યું તો તેમણે કંઈ ખાસ રિસ્પૉન્સ ન આપ્યો અને પછી પાછળથી મને ખબર પડી કે તેઓ માને છે કે આ બધા ખાલી બહાનાં છે. એ વાત સાચી છે કે પિરિયડ્સ દરેક છોકરીને આવે છે, પરંતુ તકલીફ બધાની સરખી નથી હોતી એટલું તો દરેકે સમજવું જ જોઈએ. પણ લોકો સમજતા નથી ઊલટા અમને જ ખોટા ઠેરવે છે એટલે ઑફિસમાં કહેવાનો અર્થ નથી.’ 
મારો શું વાંક? 
શ્રેયાના પિરિયડસ અતિ પેઈનફુલ જ નથી પરંતુ થોડા અનિયમિત પણ છે. એટલે તકલીફ એ છે કે તેને હંમેશાં ખબર નથી હોતી કે એ ક્યારે આવશે? જેને લીધે એના કામ પર પણ ખૂબ અસર પડે છે. એ વિશે જણાવતાં એ કહે છે, ‘જે યુએસના ક્લાયન્ટ સાથે હું હંમેશાં ઑનલાઇન જ મળી હતી અને એમના માટે પ્રોજેક્ટ કર્યો હતો તેઓ ઇન્ડિયા ઑફિસમાં આવેલા. એમના માટે બે રાત જાગીને એક પ્રેઝન્ટેશન તૈયાર કરેલું. પરંતુ જે દિવસે એ આવવાના હતા એ જ દિવસે સવારથી તકલીફ શરૂ થઈ ગઈ. મારે રજા લેવી જ પડે એમ હતી, કારણ કે પેઇન એટલું હતું કે હું બેડ પરથી ઊભી થઈ શકું એમ જ નહોતી. મારી આટલી મહેનત અને છતાં શ્રેય કોઈ બીજું લઈ ગયું, કારણ કે ક્લાયન્ટને તો એવું કહેવાય નહીં કે જેણે આ મહેનત કરી છે એ આજે રજા પર છે. એ દિવસે મારાથી રોવાઈ ગયું. મને થયું કે મારો શું વાંક છે કે મારે આ પીડા સહન કરવાની?’
વારસાગત 
અંધેરીમાં રહેતી ૧૬ વર્ષની આદ્યા પરીખ મુંબઈની એક પ્રખ્યાત ડાન્સ સ્કૂલમાં શાસ્ત્રીય ડાન્સ શીખે છે. કોરોના પહેલાં એટલે કે ૧૩ વર્ષની ઉંમરે આદ્યાની ડાન્સ સ્કૂલનું ઍન્યુઅલ ફંક્શન હતું અને એ ગ્રુપની મેઇન ડાન્સર હતી. ડાન્સના બે દિવસ પહેલાં આદ્યાને પહેલી વખત માસિક શરૂ થયું. એ વિશે જણાવતાં તેનાં મમ્મી હેતલબહેન કહે છે, ‘અમે તેને નહોતું કહ્યું કે પિરિયડ્સ જેવું કંઈ હોય. એ ખૂબ ગભરાઈ ગઈ હતી અને એને જે પેઇન થતું હતું એમાં તેને લાગ્યું કે એને કંઈક થઈ ગયું છે અને હવે એ નહીં બચે. મેં એને કેમ સંભાળી છે એ હું જ જાણું છું. માંડ એને પિરિયડ્સ વિશે સમજાવ્યું તો એના પછી એ તકલીફ થઈ ગઈ કે એ ડાન્સ કરી શકે એવી હાલતમાં જ નહોતી. એના સ્ટેજ પર્ફોર્મન્સ માટે એ ખૂબ જ એક્સાઇટેડ હતી પણ શું કરીએ? એ બે દિવસ એ ખૂબ રડી. એણે બાળસહજ રીતે ત્યારે કહ્યું કે મમ્મી, તેં મને છોકરો કેમ ન બનાવી?’
હેતલ ખુદ એક સમયની બાસ્કેટબૉલ પ્લેયર હતી પરંતુ અસહ્ય પેઇનને કારણે એણે ત્રસ્ત થઈને ગેમ છોડી દીધી. પરંતુ પોતાની દીકરી સાથે આવું નહીં જ થાય એવી પ્રતિબદ્ધતા સાથે એણે આદ્યાનો ઇલાજ શરૂ કરાવ્યો. આજે આદ્યાનું પેઇન ઘણું ઓછું હોય છે. એટલું ઓછું કે એના માટે એણે ડાન્સ છોડવાની જરૂર રહેતી નથી. 
ઇલાજ જરૂરી 
પિરિયડ પેઇનનાં કારણો વિશે વાત કરતાં નાણાવટી હૉસ્પિટલનાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. સુરુચિ દેસાઈ કહે છે, ‘મેડિકલ ભાષામાં આ પેઇનને ડિસમેનોરિયા કહે છે. વારસાગત રીતે જો મા, બહેન, ફઈ, દાદી, નાની કોઈ પણને આ તકલીફ હોય તો છોકરીઓમાં એ જોવા મળે છે. જેને ફૅમિલિયલ ડિસમેનોરિયા કહેવાય છે, જે નાનપણમાં પિરિયડની શરૂઆત થાય ત્યારે વધુ રહે છે. જ્યારે એ છોકરી મોટી થાય અને એની નૉર્મલ ડિલિવરી થાય તો ઘણું પેઇન ઓછું થાય. બાકી બેઝિક ઍન્ગ્ઝાયટી, થાઇરૉઇડ ઇમ્બૅલૅન્સ, હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ, ફાઇબ્રૉઇડ્સ, એડીનોમાયોસિસ, એન્ડોમેટ્રિઓસિસને લીધે પિરિયડ અતિ પેઇનફુલ અને અસહ્ય બની શકે છે. મહત્વનું એ છે કે જો છોકરીને આ તકલીફો હોય તો ગાયનેકને મળીને એની તકલીફ પાછળના મુખ્ય કારણો જાણવા. જે પણ કારણ હશે એ મુજબ ઈલાજ થશે. ઘણા લોકો પેઈન કિલર લેવામાં આનાકાની કરતા હોય છે. ઘણી મમ્મીઓને લાગે છે કે એ લેવાથી એમની દિકરીને ભવિષ્યમાં પ્રોબ્લેમ થશે. એવું બિલકુલ નથી. એ સેફ છે. એનાથી ભવિષ્યમાં પ્રેગ્નન્સી બાબતે કોઈ તકલીફ નથી થવાની. 

  ઘણી મમ્મીઓને લાગે છે કે પિરિયડ માટે પેઇનકિલર લેવાથી તેમની દીકરીને ભવિષ્યમાં પ્રૉબ્લેમ થશે. એવું બિલકુલ નથી. એ સેફ છે. એનાથી ભવિષ્યમાં પ્રેગ્નન્સી બાબતે કોઈ તકલીફ નથી થવાની
ડૉ. સુરુચિ દેસાઈ, ગાયનેકોલૉજિસ્ટ

ઉપાય શું થઈ શકે?

આ સિવાય પિરિયડ પેઇન્સ માટે અમુક અકસીર ઉપાયો સૂચવતા ન્યુટ્રિશનિસ્ટ કેજલ શાહ કહે છે, ‘તમને જ્યારે પિરિયડ પેઇન હોય તો ઓમેગા ૩ ફૅટી ઍસિડ ધરાવતા નટ્સ, ઑઇલ 
સીડ્સ જેવી હેલ્ધી ફૅટ્સને રેગ્યુલર ડાયટમાં સામેલ કરો. પિરિયડ્સ શરૂ થાય એ પહેલેથી જ જે ચિહ્નો દેખાવા લાગે ત્યારે  એક ચમચી ગોળ અને ૧ ચમચી તલ કે પછી તલના લાડુ કે ચિક્કી ખાવાનું રાખો. બાલાસન, બધ્ધકોણાસન, કોમુખાસન, ઉત્તાનાસન જેવાં આસનો પણ ઘણા મદદરૂપ થાય છે. પિરિયડમાં નારિયેળપાણી સાથે કે વરિયાળીના પાણી સાથે ૧ ચમચી સબ્ઝાનાં બીજ અને ક્રશ કરેલો ફુદીનો ઉમેરો. કેળું પણ આમાં ખૂબ જ ઉપયોગી છે જે સેરોટોનિન લેવલ વધારે છે અને સ્નાયુઓના ક્રૅમ્પને ઘટાડે છે. આ સિવાય હીટિંગ પૅડ કે 
ગરમ પાણીમાં બોળેલા ટુવાલથી શેક કરજો. એનાથી પેઇન ઘણું હળવું થશે. આ દિવસોમાં ગરમ પાણી જ પીતા રહેવું. બહાર જાઓ તો પણ ગરમ પાણીની બૉટલ સાથે રાખવી. આ સિવાય આ ત્રણથી પાંચ દિવસ કૅફીન, સૉલ્ટ અને શુગર ઓછાં કરવાં; કારણ કે એને લીધે પેઇન વધી જાય છે.’

columnists Jigisha Jain