હું તો નિમિત્ત છું - (લાઇફ કા ફન્ડા)

05 February, 2020 03:58 PM IST  |  Mumbai | Heta Bhushan

હું તો નિમિત્ત છું - (લાઇફ કા ફન્ડા)

મહાભારતના યુદ્ધ પછીનો પ્રસંગ છે. ૧૮ દિવસ સુધી પિતરાઈ ભાઈઓ કૌરવો અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્રના મેળામાં ઘમસાણ યુદ્ધ થયું, લોહિયાળ જંગ થયો. બન્ને પક્ષે ઘણી જાનહાનિ થઈ અને ઘણું ગુમાવ્યા બાદ પાંડવો યુદ્ધમાં વિજયી થયા. યુદ્ધમાં ભગવાન કૃષ્ણ પાંડવોના પક્ષે હતા, પણ હાથમાં હથિયાર લઈ લડ્યા ન હતા. ભગવાન કૃષ્ણ વીર અર્જુનના રથના સારથિ બન્યા હતા અને યુદ્ધના પહેલા દિવસે ગીતાનો ઉપદેશ આપી અર્જુનના અને સમગ્ર માનવજાતના જીવનના સારથિ બન્યા હતા.

ભગવાન કૃષ્ણએ યુદ્ધના પહેલા દિવસથી ૧૮ દિવસ સુધી સારથિ તરીકેની બધી ફરજ બખૂબી નિભાવી હતી. રોજ તેઓ રથ પરથી નીચે ઊતરે અને પાછળ જઈ રથનો દરવાજો ખોલી અર્જુનને ઊતરવાનો માર્ગ કરી આપે. અર્જુનને તેઓ વીર યોદ્ધા તરીકે આ માન રોજ આપે. યુદ્ધનો છેલ્લો દિવસ હતો. પાંડવોનો વિજય નિશ્ચિત હતો. પાંડવો જીત્યા અને યુદ્ધવિરામ થયું. બધા કૌરવો અને તેની સેના હણાઈ અને દુર્યોધન ભાગી ગયો. સાંજ પડી યુદ્ધનો અંત ઘોષિત થયો. આજે ભગવાન કૃષ્ણ અર્જુનના રથ પરથી પોતે ઊતર્યા નહીં. આંખોથી નીચે ઊતરવાનો ઇશારો કરતાં સસ્મિત કૃષ્ણ બોલ્યા, ‘પાર્થ, તું રથ પરથી ઊતર અને થોડે દૂર ઊભો રહે.’

અર્જુનને થયું, રોજ તો વાસુદેવ પોતે ઊતરી મને ઊતરવા માર્ગ કરી આપતા અને આજે આમ કેમ કહે છે? પણ કઈ બોલ્યા વિના અર્જુન રથ પરથી ઊતરીને થોડે દૂર ઊભો રહ્યો.

અર્જુન રથ પરથી નીચે ઊતરી ગયો બાદ કૃષ્ણએ રથ પર બેઠાં-બેઠાં જ ઘોડા છોડી નાખ્યા અને પછી પોતે નીચે ઊતર્યા. જેવા કૃષ્ણ નીચે ઊતર્યા કે રથ એક ધડાકા સાથે બળીને ભસ્મ થઈ ગયો. ઘોડાઓ ભાગ્યા. અર્જુન અવાચક થઈ ગયો. પાસે આવીને ઊભેલા ભગવાન કૃષ્ણનાં ચરણોમાં નમન કરી પૂછવા લાગ્યો, ‘પ્રભુ, આ શું થયું? આવી કેવી તમારી લીલા?’

ભગવાન કૃષ્ણ બોલ્યા, ‘પાર્થ, તારા રથ પર કેટલાંય દિવ્ય શસ્ત્રોના ઘા થયા હતા, પણ કોઈ કઈ નુકસાન ન કરી શક્યાં એમ ન હતું, પણ મેં મારી શક્તિથી એ નુકસાન અટકાવ્યું હતું. આજે યુદ્ધ પૂરું થયું છે. હવે આ રથની જરૂર નથી રહી એથી મેં જેવો એનો સાથ છોડ્યો એટલે એનો નાશ થયો.’

અર્જુનને સમજાયું કે ‘યુદ્ધમાં બધા મારી વીરતાની પ્રશંસા કરતા હતા અને હું રાજી થતો, પણ એ મારી શક્તિ ન હતી. વાસ્તવમાં હું તો માત્ર નિમિત્ત હતો, સાચી શક્તિ તો મારા ભગવાનની જ હતી.’ અર્જુને આંખોમાં આંસુ સાથે પ્રભુને પ્રણામ કર્યા.

આ મહાભારતની કથાનું સત્ય આપણે બધાએ જીવનમાં સમજવા જેવું છે. જીવનમાં જે કઈ પણ સારાં, નાનાં-મોટાં કામ કરી શકો ત્યારે સમજજો અને યાદ રાખજો કે તમે તો નિમિત્ત માત્ર છો, સાચી શક્તિ તો પરમાત્માની જ છે.

columnists heta bhushan