ગીરવી કાયમ મૂકી ચીસો

16 January, 2022 12:25 PM IST  |  Mumbai | Hiten Anandpara

જે રીસ બહાર નીકળે નહીં એ આખરે ચીસ બનીને ફાટી પડે છે.

ગીરવી કાયમ મૂકી ચીસો

જે રીસ બહાર નીકળે નહીં એ આખરે ચીસ બનીને ફાટી પડે છે. રીસની જગ્યાએ લાચારી પણ બંધ બેસે અને બીમારી પણ ગોઠવાઈ શકે. ઊંહકારાની પરાકાષ્ઠા ચીસ બને છે. ચીસ એક એવો આર્તનાદ છે જેમાં વેદનાનું વાવાઝોડું ભીંસ થઈને વીંઝાતું હોય. પાર્થ પ્રજાપતિ એને વાચા આપે છે...
આવી નહીં શકે કોઈ સૂરજ બચાવમાં
દીવાનું ખૂન છે ને હવા છે તપાસમાં
પડઘો થવાનું સ્વપ્ન અધૂરું રહી જશે
ચીસો બધી પિસાઈ ગઈ છે અવાજમાં
ચીસને પોતાની એક ઓળખ હોય છે. પ્રસૂતિની વેદના વખતે સ્ત્રી ચીસ પાડે એમાં એક તરફ પારાવાર દર્દ હોય તો બીજી તરફ અવતરવા મથી રહેલા નાનકડા જીવની પ્રતીક્ષા હોય. આ પીડા પ્રસન્નતા તરફ દોરી જનારી છે. બીજી તરફ જેના પર સામૂહિક અત્યાચાર થઈ રહ્યો હોય એ સ્ત્રીની ચીસ બંધ દીવાલોને કે અવાવરું જગ્યાઓને કંપાવીને અંતે એમાં જ વિલીન થઈ જાય. સર્વેક્ષણ પ્રમાણે ઓળખીતા ચહેરાઓ જ ગુનેગાર બનતા હોય ત્યારે પુરુરાજ જોષીની આ પંક્તિઓ વધારે કરપીણ લાગે છે...
પ્હેલ પરથમ પાંખ દીધી ને પછી પીંજર ધર્યું
ચોપડે ચીતરેલ ખાતું, એ રીતે સરભર કર્યું
પારધીના એક શરથી થઈ ગયું ઘાયલ વિહગ
ચીસથી જોકે યુગો લગ, આભ આખું થરથર્યું
ચીસ જ્યારે આછરે ત્યારે એ કણસ બની જાય. એનો અવાજ સંભળાય નહીં છતાં હૈયાને શાંત કરવતથી વહેર્યા કરે. એ શબ્દો છીનવી લે, અભિવ્યક્તિ છીનવી લે. આકારમાંથી એક આઘાત બનીને રહી જાય જે ભીતરથી શોષવાતો હોય, મૂંઝાતો હોય અને કંતાતો હોય. આપણે પીડા જોઈને થરથરી જઈએ છે તો જે વ્યક્તિ પીડાનું વહન કરતી હોય તેની હાલત કેવી થતી હશે. ભોગ બનનાર માટે કદાચ આકરી લાગે છતાં વિચાર કરવો પડે એવી શીખ વંચિત કુકમાવાલા આપે છે...  
દૃશ્ય જેવા દૃશ્યને ફોડી શકે, તો ચાલ તું 
દૂર સન્નાટા સુધી દોડી શકે, તો ચાલ તું 
મૌન ક્યાં છે મૌન, તિરાડો પડે છે હોઠ પર
છેક અંદર ચીસને તોડી શકે, તો ચાલ તું 
ચીસ હોઠો પર અટકી તિરાડો કોતરતી રહે. ચીસ હૈયામાં ધરબાઈ ગઈ હોય તો ફાંસની જેમ ચૂભ્યા કરે. અંદરથી ફાટી ન પડીએ એ માટે બહારથી ફાટી પડવું ક્યારેક જરૂરી બનતું હોય છે. કહેવા માટે કોઈ અંગત ન મળે અને સમજી શકે એવું સ્વજન ન મળે ત્યારે ઘૂંટાતો મૂંઝારો અનંત રાઠોડ પ્રણયની પંક્તિઓમાં વાંચી શકાય છે...
મારી જ ભીતરે છતાં મારાથી ગુપ્ત છે
ચર્ચાય સઘળું મધ્યમાં કાંઠાથી ગુપ્ત છે
થડની અબોલ ચીસ કુહાડીએ સાંભળી
પણ ધાર જાણતી બધું હાથાથી ગુપ્ત છે
સાંપ્રત ઘટનાની વાત કરીએ તો વડા પ્રધાનની સુરક્ષા-વ્યવસ્થામાં પડેલાં છીંડાંનાં પડીકાં કૅનેડાથી આવ્યાં અને પંજાબમાં એ ખોલાયાં. ગુપ્ત વાતો ધીરે-ધીરે છતી થઈ રહી છે. રાજકીય પક્ષો જ્યારે રાષ્ટ્રથી ઉપરવટ જઈને વિચારે ત્યારે પતનની શરૂઆત થાય. આવા પક્ષોનું પતન થાય તો આપણે રાજકોટના પેંડા વહેંચીએ, પણ દેશનું પતન કેમેય કરીને સાંખી ન શકાય. સાચો અવાજ જ્યાં સુધી પોંખાશે નહીં ત્યાં સુધી આવા ધમપછાડા ચાલતા રહેશે. પરશુરામ ચૌહાણ વરવી વાસ્તવિકતા નિરૂપે છે...  
પીડા વધે છે જોઈ જગતનું વલણ અરે!
કરવી ન’તી મદદ તો નજર પણ કરી નહીં
કરતો રહ્યો હું કેવી વિનંતી લળી લળી
નાખી ન ચીસ ત્યાં લગી તે પણ સુણી નહીં
ભૂખ લાગે તો બાળકે પણ માનું ધ્યાન ખેંચવા રડવું પડે. પોતાની માગણીઓ તરફ સરકારનું ધ્યાન ખેંચવા પીડિતોએ આંદોલન કરવાં પડે છે. જોકે કિસાન આંદોલન પછી તો આંદોલનની પવિત્રતા ખરડાઈને ખાબોચિયું બની ગઈ છે. મિલિંદ ગઢવીની આ પંક્તિઓમાં શાતિર ષડ્‍યંત્ર પામી શકશો...
એક સપનાને ફરી વાવી તમે
રાતને સાચે જ અજમાવી તમે
ચાંદની ચીસો નીચે દાબી દઈ
રાતને સંદિગ્ધ નોંધાવી તમે
ક્યા બાત હૈ
ફણગા થઈને ફૂટી ચીસો
કેટકેટલી ઊગી ચીસો

આંખો તો આકાર માત્ર છે
ખરેખર તો ત્યાં સૂઝી ચીસો

લાચારીને છોડાવવામાં
ગીરવી કાયમ મૂકી ચીસો

શોધો તો અવશેષ નીકળશે
મારામાં પણ ડૂબી ચીસો

ધન મુબારક ધનવાનોને
ગરીબની તો મૂડી ચીસો

ફંફોસો અંધાર હવે દોસ્ત
દબાઈ છે અહીં મૂંગી ચીસો

જિતેન્દ્ર પ્રજાપતિ
ગઝલસંગ્રહ ઃ ‘પાછો ફર્યો છું હું...’

columnists hiten anandpara