ગામ આખું યાદનું ડૂબી ગયું છે

18 December, 2022 12:45 PM IST  |  Mumbai | Hiten Anandpara

ગામની એક પેઢીનો જીવનગાળો પૂરો થાય એટલે એની સાથે ઘણું બધું જતું રહે

ગામ આખું યાદનું ડૂબી ગયું છે

વિકાસ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવાનો ભગીરથ પ્રયાસ કરી રહ્યો છે, જે પ્રશંસનીય છે. વિશ્વ ગ્લોબલ થવાને કારણે એકબીજા સાથે જોડાવું સરળ બન્યું છે, પણ આડઅસરરૂપે પ્રાદેશિક પરંપરાઓ ઓસરી રહી છે. ગામની એક પેઢીનો જીવનગાળો પૂરો થાય એટલે એની સાથે ઘણું બધું જતું રહે. વિકસતા ભારતમાં મૂળભૂત સુવિધાઓની અછત ઓછી થઈ રહી છે એનો આનંદ છે. આ આનંદ સંતોષમાં ત્યારે પરિણમે જ્યારે શહેરિયતની જેમ ગામિયત ટકી રહે. જે લોકોનું બાળપણ ગામમાં વીત્યું છે તેઓ ગમે એવા કરોડપતિ બને, તેમની પોતાના ગામ પ્રત્યેની મમત ઓછી થતી નથી. વંચિત કુકમાવાલા પડકાર ફેંકે છે...

દૃશ્ય જેવા દૃશ્યને ફોડી શકે, તો ચાલ તું 
દૂર સન્નાટા સુધી દોડી શકે, તો ચાલ તું
વસ્ત્ર પાદર પર ઉતારી નાખવાં તો ઠીક છે
ઘર, ગલી ને ગામ તરછોડી શકે, તો ચાલ તું

નવી પેઢીએ કામકાજ માટે ગામ છોડવું પડે છે. સીમિત તકો તેમને આવું કરવાની ફરજ પાડે છે. ભણતરને શોભે એવું કામ શહેરમાં મળવાની શક્યતા વધુ હોય છે. ખેતી સિવાયના કામકાજ માટે નજર બહાર જ દોડાવવી પડે. છતાં વિરોધાભાસ કહી શકાય એવો એક ટ્રેન્ડ પણ હાલ નાના પાયે જોવા મળી રહ્યો છે જેમાં પરદેશથી ભણી-ગણીને આવેલા યુવાનો શાંતિનું જીવન જીવવા ગામડું કે નાનું નગર પસંદ કરે છે. ભગવતીકુમાર શર્મા ગામત્વને મર્યાદા સાથે સ્વીકારે છે...

આખું ભલે હો ગામ અભણ છોડવું નથી
શબ્દો વહેંચવાનું વલણ છોડવું નથી
કોને ખબર કે ક્યારે ફરી સૂર્ય ઊગશે?
સંધ્યાનું છેલ્લું ઝાંખું કિરણ છોડવું નથી

તમે જે જગ્યામાં રહેતા હો એની તમને આદત પડતી જાય. મુંબઈ જે માણસને ફાવી ગયું હોય તેને બીજે ક્યાંય ન ફાવે. ગામની નિરાંત જેને આકર્ષતી હોય તેને શહેરનું વશીકરણ કોઈ અસર કરી શકતું નથી. કૈલાસ પંડિત ગામની યાદને આકારે છે...

કેડી હતી ત્યાં ઘાસ ને ઊગ્યાં છે ઝાંખરાં
પુરાઈ ગઈ છે ગામના પાદરની વાવ પણ
ભીનાશ કોરી ખૂંપશે પાનીમાં કો’ક દિ
ક્યારેક યાદ આવશે તમને તળાવ પણ

નદી, તળાવ, કૂવો, પાદર, વડલો, ખેતર વગેરે ગામના અંતરંગ હિસ્સા છે. એના વગર ગામની કલ્પના કરી ન શકાય. ગામના પરિસરમાં પાંગરેલી પ્રેમકથાઓ કે શૌર્યગાથાઓ સાહિત્યને રોમાંચિત કરતી રહી છે. અશોક જાની આનંદ કુમાશને કલમસ્થ કરે છે...

પાર ઘૂંઘટની કદી જે આંખ ના દેખાઈ’તી
ગામમાં એ નામ ચર્ચાયું અમે જોતા રહ્યા
રાતદિન મથતો રહ્યો’તો એ પ્રબળ ઇચ્છા લઈ
ભાગ્ય એનું પળમાં પલટાયું અમે જોતા રહ્યા

સરકારના વિવિધ પ્રાજેક્ટ્સને કારણે અનેક ગામનાં નસીબ પલટાઈ રહ્યાં છે. બુલેટ ટ્રેન જેવી યોજનાઓને કારણે ઘણાં ગામોની જમીન ગઈ, પણ એની સામે એકસાથે એવું વળતર મળ્યું છે જે કમાતાં પચ્ચીસેક વર્ષ થાય. ખેતીની જમીન જાય એનું દુઃખ થાય, પણ વિકાસનો યજ્ઞ તો ઓમ સ્વાહા માગવાનો. કોઈ લાગણીવશ હૃદય વેદના અનુભવે તો તેને રિન્કુ રાઠોડ શર્વરી જેવી અનુભૂતિ થાય...

ના ખુદા કે રામ કાગળ પર લખ્યું
ફક્ત માનું નામ કાગળ પર લખ્યું
જ્યાં પડી શૈશવ તણી કૈં સ્મૃતિઓ
ગોતું છું જે ગામ કાગળ પર લખ્યું

સ્કૂલમાં હતા ત્યારે અચૂક આપણને ગામડાનું ચિત્ર બનાવવાનું આવતું. પ્રત્યક્ષ ગામડું જોયું ન હોય છતાં આપણે કલ્પનાના રંગોથી એને કાગળ પર ઊભું કરતા. એમાં લીલું ઘાસ તો હોવાનું ને સાથે ઘર પણ હોવાનું. એક તરફ સધિયારો અને એક તરફ આશરો. આકાશ ઠક્કર થોડા વિષાદ સાથે ગામને યાદ કરે છે...

શ્વાસથી છૂટું પડીને નામ મારું
પથ્થરોમાં ગામને પાદર પડ્યું છે
ગામ આખું યાદનું ડૂબી ગયું છે
આ કયા તે ફૂલથી ઝાકળ દડ્યું છે

લાસ્ટ લાઇન
જ્યાં જવા ધાર્ય઼ું હતું દેખાય ગામ
ને ઘડીમાં લાગતું સંતાય ગામ

હઠ તમે કાયમ કરો છો એટલે જ 
બસ તળાવે પાદરે ઊભરાય ગામ

ઘોડલા બાંધ્યા હતા જે જે ગમાણ
એ બધીયે ડેલીએ ડોકાય ગામ

શ્રાવણે ઊભી બજારે દોટ દઈ
ઢાળમાં ઊછળે ઢળે રેલાય ગામ

ગામને ઇચ્છા થઈ કે શહેર બનવું
કોઈની જઈ પાંથીએ પથરાય ગામ

સ્હેજ તું અભિમાન છોડી દે અને જો
અહીં કહે તું ચાલ, ત્યાં હરખાય ગામ

ગામને મોઢે ન હાકલ બાંધ ગરણું
પાડશે જો ત્રાડ ના રોકાય ગામ

પ્રતાપસિંહ ડાભી હાકલ
ગઝલસંગ્રહ : એ માણસને શોધી કાઢો

columnists hiten anandpara