નફરતના પથ્થર - (લાઇફ કા ફન્ડા)

22 January, 2020 03:10 PM IST  |  Mumbai | Heta Bhushan

નફરતના પથ્થર - (લાઇફ કા ફન્ડા)

એક દિવસ શાળામાં એક વર્ગમાં બાળકો વચ્ચે ઝઘડો થઈ ગયો, વર્ગ શિક્ષકે ઝઘડો શાંત કરાવ્યો ...પણ પછી વર્ગનું વાતાવરણ ડહોળાઈ ગયું. ભાગલા પડી ગયા. કોઈ એકબીજા સાથે બરાબર વાત ન કરતું, કોઈ કોઈને મદદ ન કરતું. એક દિવસ સાંજે શાળા છૂટવાના સમયે શિક્ષકે કહ્યું ‘કાલે એક પ્રયોગ આપણે કરવાનો છે. આ પ્રયોગ સાત દિવસ ચાલશે. એ માટે બધા આવતી કાલે શાળામાં થોડા મોટા પથ્થરો અને કપડાંની થેલી લઈને આવજો.’

બધાં બાળકો શિક્ષકના કહ્યા મુજબ પથ્થરો અને થેલી લઈને આવ્યાં શિક્ષકે કહ્યું, ‘ચાલો પ્રયોગ શરૂ કરીએ - આ પ્રયોગનું નામ છે નફરતના પથ્થરો. તમારે તમારી પાસેના એક-એક પથ્થર પર તમે જેને નફરત કરો છો તેનું નામ લખવાનું છે અને શું કામ નફરત કરો છો એ પણ ટૂંકમાં લખવાનું છે. એક પથ્થર પર એક નામ લખી બધા પથ્થરને એક પછી એક તમારી પાસેની થેલીમાં ભરી દેવાના છે.’

બધાં બાળકોએ મોટે ભાગે એમનો જેની સાથે ઝઘડો થયો હતો તેમનાં નામ લખ્યાં. કારણ લખવાનું આવ્યું ત્યારે બધા જરાક મૂંઝાયા. ઘણાએ કંઈ ન લખ્યું, ઘણાએ એ મારી સાથે બોલતો નથી લખ્યું, ઘણાએ અમે બન્ને જુદા જુદા ગ્રુપમાં છીએ લખ્યું. કોઈ પાસે કોઈને નફરત કરવાનું કોઈ મોટું કારણ હતું જ નહીં...છતાં તેમણે નામ લખ્યા અને પથ્થરો થેલીમાં ભર્યા.

હવે શિક્ષકે આગળ કહ્યું, ‘બધા પોતપોતાની થેલી ખભા પર ચઢાવી દો...અને હવે આજથી સાત દિવસ સુધી તમારે આ થેલી શાળામાં લાવવાની અને શાળામાં આખો દિવસ તેને ખભે ચઢાવીને જ ફરવાનું...એક ખભો દુખે તો બીજે ખભે લટકાવવાની...અને હા, રોજ છેલ્લા પિરિયડમાં તમે મૂકેલા પથ્થરો બહાર કાઢવાના...દરેક પથ્થર પર જેને નફરત કરતાં હો તેનું નામ અને કારણ વાંચવાનું ...અને હા, જો તમારે થેલીનો ભાર ઓછો કરવો હોય તો તમે તમારી પાસેના પથ્થરોમાંથી તમને એમ લાગે કે તમે તે વ્યક્તિને ઘણી ઓછી નફરત કરો છો તો તેનું નામ ભૂંસી પથ્થર મને આપી દેવાનો અને હા, તમને કોઈના નામનો પથ્થર વધારવો હોય તો પણ છૂટ છે.’ પ્રયોગ શરૂ થયો. બધાનાં ખભા દુખી ગયા. રોજ-રોજ બધા પોતાની થેલીના પથ્થર ઓછા કરી શિક્ષકને આપવા લાગ્યા. જેમ પથ્થર ઓછા થવાથી થેલીમાં ભાર ઓછો થયો તેમ મનમાંથી નફરતનો ભાર પણ ઓછો થવા લાગ્યો. પાંચ દિવસમાં તો લગભગ બધા પથ્થર શિક્ષક પાસે આવી ગયા. જેમ પથ્થર પરથી નામ ભૂંસાયા તેમ કુમળા માનસમાંથી નફરત પણ ભૂંસાઈ ગઈ. બધા એક થઈ હળી-મળી રમવા-ભણવા લાગ્યા.

columnists heta bhushan