ફૅક્ટ એ છે કે ખીચડી પહેલેથી હિટ નહોતી

01 May, 2020 09:42 PM IST  |  Mumbai | ફૅક્ટ એ છે કે ખીચડી પહેલેથી હિટ નહોતી

ફૅક્ટ એ છે કે ખીચડી પહેલેથી હિટ નહોતી

આપણે વાત કરી રહ્યા છીએ ‘ખીચડી’ અને ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ની અને આપણી વાત પહોંચી હતી ‘ખીચડી’ના નામકરણ પર. મેં તમને કહ્યું એમ નૈરોબીથી મોમ્બાસા જતી વખતે રસ્તામાં આતિશને આ નામ સૂઝ્યું અને મેં મારી જાતને એવી રીતે સવાલ કર્યો જાણે ચૅનલ અમારી સામે સવાલ ઉઠાવી રહી છે ઃ ‘શોનું ટાઇટલ ‘ખીચડી’ શું કામ?’
જવાબ પણ આપવાના એમ જ શરૂ કર્યા. એક તો ‘ખીચડી’ એવી ડિશ જે આખા હિન્દુસ્તાનમાં પ્રચલિત છે અને બધાને ખીચડીની ખબર છે. બધી કૉમ્યુનિટીમાં એ બને. ખીચડીનો પોતાનો સ્વભાવ. તમે જુઓ. ખીચડી નામ આવે કે તરત એમાં બધું મિક્સ થઈ ગયું હોય એવું તમને લાગે અને એવું જ હોય. આ સિવાયની પણ એક વાત બહુ ઇન્ટરેસ્ટિંગ હતી. મેં આતિશને કહ્યું કે આપણે એવું કહેવાનું કે તમે આ ટાઇટલને ઇંગ્લિશમાં લખો તો એમાં ‘કે’ આવે છે. એ સમયે ‘કે’નો જબરદસ્ત ક્રેઝ હતો. એ સમયની સિરિયલ જુઓ તમે. ‘ક્યું કિ સાસ ભી કભી બહૂ થી, કહાની ઘર ઘર કી, કસૌટી ઝિન્દગી કી, કશ્મકશ અને એવી બીજી બધી, જે આ ‘કે’ એટલે કે ‘ક’થી જ શરૂ થતી હતી. ‘ક’ એટલે કે ‘કે’નો મોટો ક્રેઝ એટલે મેં કહ્યું કે આપણે સમજાવીશું તો એ લોકોને વિરોધ હશે તો પણ આ‘કે’ને કારણે એ માની જશે અને મારી આ ધારણા સાચી પડી. માની ગયા એ લોકો તરત જ.
હા, હા, હા...
અમે તેમને કહ્યું કે ‘કે’ સે શુરુ હોતા હૈ તો ખીચડી રખતે હૈં. બસ, વાત પતી ગઈ.
અમને એના લેટર્સમાં પણ મજા પડી હતી. તમે હિન્દીમાં ખીચડી લખીને જુઓ, ગુજરાતીમાં પણ જુઓ. એનું લેટરિંગ આડાઅવળા અક્ષરોનું છે તો શું સીધી વાત નહીં, આડાઅવળા લેટર્સ હોય તો થોડી મજા આવે. તમે માનશો, આની પહેલી જાહેરખબર બની હતી ત્યારે અમે કોઈને કહ્યું નહોતું કે અમે કૉમેડી બનાવીએ છીએ. કોઈને ખબર જ નહીં કે અમે એ જોનરમાં જઈ રહ્યા છીએ. આનું પણ એક કારણ છે. ‘ખીચડી’ પહેલાં ૧૫થી ૧૭ જેટલા કૉમેડી શો આવી ગયા હતા અને એ બધા ફેલ થઈ ગયા હતા તો અમારે એ કોઈને કહેવું જ નહોતું કે આ કૉમેડી છે. શરૂઆતમાં જ્યારે પહેલી ઍડ બની અને પહેલી વખત હોર્ડિંગ લાગ્યાં ત્યારે પણ એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. મને આજે પણ યાદ છે એનું પહેલું હોર્ડિંગ. આ હોર્ડિંગમાં એક તવો રાખવામાં આવ્યો હતો અને ઉપર એક કૅપ્શન લખી હતી, ‘દાના ગમ કા, દાના ખુશી કા.’
આ કૅપ્શનમાં જરાક આગળ-પાછળ હોઈ શકે પણ એટલું નક્કી કે લખ્યું હતું આવું જ કંઈક અને આવી કૅપ્શનને કારણે લોકોને એવું લાગ્યું કે આ તો કોઈ કુકરી શો છે. બધા એવું ધારીને બેસી રહ્યા કે હવે તો સ્ટાર પ્લસ પર કુકરી શો ચાલુ થશે, રેસિપી બનાવતાં શીખવશે અને એ મંગળવારે ૮ વાગ્યે શીખવા મળશે. મને બરાબર યાદ છે ૧૦ સપ્ટેમ્બરે શો લૉન્ચ થયો. ૯૯ ટકા ગણેશચતુર્થી હતી એ દિવસે અને વર્ષ હતું ૨૦૦૨નું. ૧૦ સપ્ટેમ્બર અને ૨૦૦૨ની રાતે ૮ વાગ્યે ‘ખીચડી’ શરૂ થઈ. આ સમયે હું મારા એક મિત્રને ખાસ યાદ કરીશ, રાજેશ સોની. ‘ખીચડી’ના રાઇટર રાજેશ સોની. દોઢેક વર્ષ પહેલાં રાજેશ સોની ગુજરી ગયા. બહુ યંગ એજમાં તેમણે વિદાય લીધી અને આ વિદાયના સમાચાર વહેલી સવારમાં આવ્યા હતા. મેં એ સમયે તેમના વિશે આર્ટિકલ પણ લખ્યો હતો અને મૃત્યુ પછી પાછળ પરિવારની હાલત કેવી થતી હોય છે, પરિવારજનો કેવી મનોદશા સહન કરતા હોય છે અને તેમની કેવી કફોડી પરિસ્થિતિ થાય છે એ વિશે આપણે લંબાણપૂર્વક વાત પણ કરી હતી. રાજેશ સોનીએ ‘ખીચડી’ પર જે કવિતા કરી હતી લૉન્ચ પર એ એટલી સરસ કવિતા હતી કે વાત ન પૂછો. મજબૂરી જુઓ તમે, એ સમયમાં મોબાઇલમાં બધું રેકૉર્ડ નહોતું થતું. રંગીન સ્ક્રીનવાળા મોબાઇલ પણ નવા-નવા હતા અને રેકૉર્ડિંગનો કોઈ ઑપ્શન નહોતો એટલે હું એ સેવ નહોતો કરી શક્યો, પણ મને આજે પણ યાદ છે કે એ ખૂબ સુંદર કવિતા હતી. હું તો અત્યારે અહીં પણ કહું છું કે કાશ કોઈ પાસે એ કવિતા હોય અને મને મેળવી આપે તો હું તેમનો ઘણો આભારી રહીશ. બહુ સુંદર કવિતા હતી એ અને એ કવિતા માટે અમે બધાએ રાજેશને ખૂબ અભિનંદન આપ્યાં હતાં.
૧૦ સપ્ટેમ્બરે શરૂ થઈ ‘ખીચડી’ અને લોકોને, સાચું કહું તો અમુક લોકોને પહેલા એપિસોડમાં બહુ જ મજા આવી. આ અદ્ભુત કન્ટેન્ટ છે આ. અફકોર્સ થોડા-થોડા લોકોને આ અણસાર આવ્યો હતો અને એ લોકોએ ખુલ્લેઆમ કહેવાનું પણ શરૂ કર્યું, પરંતુ એવા સમયે બન્યું એવું હતું કે બીજાને એ થોડા વિચિત્ર લાગવા માંડ્યા હતા કે આમાં શું અદ્ભુત છે. સમય પસાર થયો અને બીજા લોકોને થોડી-થોડી ગમવી શરૂ થઈ આ સિરિયલ. બીજા થોડા લોકોને. હું કહીશ કે આ સિરિયલ પહેલેથી હિટ નહોતી. જરા પણ એવું નહોતું કે પહેલા જ શોમાં બધા ખુશ થઈ ગયા હોય અને બધા પર સિરિયલે પકડ જમાવી દીધી હોય. વાતાવરણ ફૅમિલીનું હતું, પ્રિમાઇસ એક ઘરનું હતું, પણ એમાં જે ચાલી રહ્યું હતું એ કૉમેડી સાથે ચાલતું હતું. એકબીજાને ટોન્ટ મારે, એકબીજા પર મસ્તી કરે અને એ પછી પણ પાછા બધા હોય સાથે ને સાથે. આ એક પ્રકારે નવું જોનર હતું ઇન્ડિયન ટેલિવિઝન માટે. લોકોને આની આદત નહોતી. કહો કે લોકોને આની ટેવ જ નહોતી અને ટેવાયા નહોતા એટલે સ્વાભાવિક રીતે તેમને માટે આ આઉટ ઑફ બૉક્સ ટાઇપનું કન્ટેન્ટ હતું. ઑડિયન્સને એવી આદત હતી જેમાં સીધું અને સરળ કન્ટન્ટ હોય. ડેઇલી શૉપ હોય અને દરરોજના પ્રશ્નની ચર્ચા ચાલતી હોય. નાની-નાની વાતને મોટી કરીને કેમ જોવી એની આદત હવે ઑડિયન્સને પડી ગઈ હતી. આ સિવાયની જેકોઈ આદત હતી એ નાની હ્યુમરની હતી, એવું હ્યુમર જેને અમારી ભાષામાં જાડું હ્યુમર કહેવાય. આ હથોડાછાપ હ્યુમરની અમને બહુ ચીડ હતી, કારણ કે ગુજરાતીઓને હિન્દી પિક્ચરોમાં હંમેશાં કર્ટન કૉલ જેવાં બે કેરૅક્ટર આવી જાય. પારસી અને ગુજરાતી હોય. બન્ને એ લોકોની ટિપિકલ બોલીમાં કૉમેડી કરે અને ફાફડા-ગાંઠિયા પર કૉમેડી થાય અને એવું બોલી-બોલીને બધાને હસાવવાનો પ્રયત્ન કરે અને અમને એ બધાથી બહુ ચીડ ચડે. સાલું, કાંઈ ફાફડા-ગાંઠિયા બોલવાથી કંઈ કૉમેડી થાય, એમાં હસવું આવે! ઊલટું હું તો કહીશ કે આવું બોલવાથી કૉમેડી આવે એવો વિચાર જેને આવ્યો એના પર મને તો હસવું આવે છે. તમે ગુજરાતીઓને જુઓ. શું તેઓ આખો દિવસ ફાફડા ને ઢોકળાં ને એવું બધું ખાય છે? તમે ખાઓ છો? નહીંને, તો પછી કેવી રીતે એવું ખાવાવાળો વર્ગ હોય અને એમ છતાં તમે એ દેખાડ્યા જ કરો ટીવી પર, આ કોઈ રીત છે.
અમે એનાથી દૂર જઈ રહ્યા હતા અને લોકોને સમજાઈ પણ રહ્યું હતું. તેમને થતું હતું કે વાહ, આ કંઈક નવું છે. નવું છે અને હલકુંફૂલકું છે તો સાથોસાથ નિર્દોષ પણ છે. આખા દેશને આ એક વિચાર પર પહોંચાડવામાં અમને ૧૯ એપિસોડ લાગ્યા એટલે કે લગભગ ચાર મહિના. મહિનામાં ચારેક એપિસોડ થાય. આ ‌પિરિયોડિસિટી પણ જરા નવી હતી અને એને લીધે પણ ઑડિયન્સને પકડાતાં સહેજ વાર લાગે. તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું એ સમયની. લગભગ ચારેક મહિના થયા હશે અને એ સમયે અમને પાકિસ્તાનથી ઈ-મેઇલ આવી, જેમાં લખ્યું હતું કે ‘હમ તો યે સબ દેખતે નહીં હૈ. ક્યોં કિ બાકી સબ સિરિયલ મેં રોનાધોના ઔર દાવપેચ હોતે હૈં, આપ અપની સિરિયલ ‘ખીચડી’ મેં વો સબ નહીં દીખાઓના,
ઇમોશન જૈસા...’
કારણ પણ હતું આવું કહેવા માટે. અમે વચ્ચે એકબે વાર્તા એવી કહી હતી જેમાં પેલી ડેઇલી શૉપની પણ ફીલ આવતી હોય. એકેક એપિસોડની એ વાર્તા નહોતી, આખી સળંગ વાર્તા હતી અને એ વાર્તામાં બીજી વાર્તા ચાલ્યા કરે, પણ એ વાર્તામાં ઑડિયન્સને મજા નહીં આવી હોય એવું ધારી શકાય, પેલી ઈ-મેઇલ પરથી. એ પછી અમે શું કર્યું અને કેવી રીતે અમારી ‘ખીચડી’ને વધારે સ્વાદિષ્ટ બનાવવાનું કામ કર્યું એની વાતો હવે પછી.

columnists JD Majethia