જે મળી જીવનની પળો

23 January, 2022 08:19 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

આપણે રાત-દિવસ સુખની શોધમાં હોઈએ છીએ. આ સુખ એટલે આપણને જે કંઈ ગમતું હોય એ બધાનાં ગાંસડાં-પોટલાં. માણસ ગમ્મે તેટલો સમર્થ હોય તો પણ જે કંઈ ગમતું હોય એ બધું જ મેળવી શકતો હોતો નથી. તો પછી સુખને મેળવવાનો અને પછી સાચવી રાખવાનો કાયમી માર્ગ કયો?

જે મળી જીવનની પળો

ઘરમાં સૌને ખબર છે કે તમને ભીંડાનું શાક ભાવતું નથી. તમે શાકભાજીના શોખીન છો અને આમ છતાં ભીંડાનું શાક તમને ભાવતું નથી. આવું કેમ છે એવું જો કોઈ તમને પૂછે તો એનો સંતોષજનક જવાબ તમને તરત નહીં જડે. ભીંડો તમને ભાવતો નથી એટલું જ તમે જાણો છો.      
ઘરમાં સૌને જાણકારી હોવા છતાં રસોડામાં અવારનવાર ભીંડાનું શાક તો બને જ છે. આનું કારણ એ છે કે ઘરમાં તમારા સિવાય સહુને ભીંડો ભાવે છે. આ સહુને ભીંડો કેમ ભાવે છે એવો પ્રશ્ન જો ઘરમાં સહુને પૂછીએ તો એનો જવાબ પણ એવો જ ગોળ-ગોળ મળશે - ભીંડો સરસ લાગે એટલે એમને ભાવે છે. જે ભીંડો તમને નથી ભાવતો અને ઘરમાં બીજા સહુને ભાવે છે એનું શું કારણ હોઈ શકે? ભીંડો એનો એ જ છે. એની રાંધણ પ્રક્રિયા પણ એકસરખી જ છે. ઘરમાં સહુની જીવનપદ્ધતિ અને રહેણીકરણી એકસરખાં જ છે તો પછી આવું કેમ બને છે?             
દુનિયામાં અનેક એવા પદાર્થો છે કે કેટલાક આપણને ગમે છે કે નથી ગમતા. જે રીતે ભીંડો ભાવે છે કે નથી ભાવતો એ જ રીતે કોઈક ચોક્કસ ડિઝાઇન કે અમુકતમુક રંગ આપણને ગમે છે કે નથી ગમતા. મને તો પીળો રંગ મુદ્દલ નથી ગમતો. મને ગુલાબી રંગ બહુ ગમે છે. એટલે મારા ઘરના પડદા, ઓછાડ, ચાદર આ બધામાં હું ગુલાબી રંગ જ પસંદ કરું છું. આવું કહેનારા તમને ક્યાંક ને ક્યાંક મળશે.
આ ગમવું શું છે?
ગમવુંને જો સગવડ સાથે સાંકળીએ તો એને સમજી શકાય એમ છે. ટ્રેનની મુસાફરીમાં મને બારી પાસેની બેઠક ગમે છે, કારણ કે એ સગવડભરી છે. જેનાથી સગવડ સચવાય અથવા સગવડ વધે એના માટે એ આપણને ગમે એ સમજી શકાય એમ છે. પણ પીળો રંગ કોઈ સગવડ વધારતો કે ઘટાડતો નથી. ભીંડાના શાક માટે પણ ભાવવા-ન ભાવવાનાં કોઈ ચોક્કસ કારણ નથી. જે પદાર્થો આવા કોઈ ચોક્કસ કારણ વિના મારા માટે અણગમતા છે તો એ જ પદાર્થો બીજાઓ માટે પ્રિય શી રીતે થઈ જતા હોય છે? આનો અર્થ એવો થયો કે જે કંઈ ગમો-અણગમો આપણને વળગેલો છે એનું જન્મસ્થાન મૂળભૂત રીતે પેલા પદાર્થમાં તો નથી જ.
સુખનું સરનામું 
આપણે રાત-દિવસ સુખની શોધમાં હોઈએ છીએ. ખાવું-પીવું, પહેરવું-ઓઢવું, હરવુંફરવું, હાલતાંચાલતાં, ડગલે ને પગલે આપણે સુખ શોધીએ છીએ. આ સુખ એટલે આપણને જે કંઈ ગમતું હોય એ બધાનાં ગાંસડાં-પોટલાં. અનુભવ એવું કહે છે કે ગમે એવાં ગાંસડાં-પોટલાંને ફસકી જતાં વાર નથી લાગતી. માણસ ગમ્મે તેટલો સમર્થ હોય તો પણ જે કંઈ ગમતું હોય એ બધું જ મેળવી શકતો હોતો નથી. તો પછી સુખને મેળવવાનો અને પછી સાચવી રાખવાનો કાયમી માર્ગ કયો? ભાણામાં ક્યારેક તો ભીંડો પીરસાઈ જ જવાનો. ભાણામાં ભીંડો જોતાંવેંત દુખી થઈ જવું એમાં શાણપણ તો નથી જ.
સંતોનો સહજ માર્ગ 
મહારાષ્ટ્રમાં એકનાથ અને તુકારામ આ બે સંતો થઈ ગયા છે. આ બન્નેએ રચેલાં પદોને આજે પણ સેંકડો વર્ષો પછી મરાઠીભાષીઓ હોંશભેર સંભારે છે. તુકારામની પત્ની પતિની પ્રભુભક્તિથી નારાજ હતી. તુકારામને એના જીવનમાર્ગમાં પત્નીના સાથ અને સહકાર મળતા નહોતા. તુકારામે એનો પ્રતિભાવ પોતાની એક રચનામાં આ રીતે 
આપ્યો છે - હે ભગવાન, તારો કેટલો ઉપકાર માનું? પત્ની જો અનુકૂળ મળી હોત તો મારું મન સંસાર તરફ ખેંચાઈ જાત. તારી કૃપાથી પત્ની તરફ મન ખેંચાતું નથી અને તારી તરફ વધુ ખેંચાયેલો રહું છું. એ જ રીતે એકનાથના કિસ્સામાં ઊલટું બન્યું છે. એકનાથની પત્ની પતિના પ્રભુભક્તિભાવને પૂરો સાથ અને સહકાર આપતી. એકનાથે આ વિશે પોતાના એક પદમાં એવું લખ્યું કે હે ભગવાન, તું કેટલો દયાળુ છે! તેં મારા જીવનમાર્ગમાં તારી પાસે જ રહું એવી અનુકૂળ પત્ની આપી છે.
આમ પોતપોતાની પરિસ્થિતિમાં બે સંતોએ ચોક્કસ દિશાદર્શન કર્યું છે. જીવનમાં બધું જ ગમતું નથી મળતું પણ જે મળે છે એને ગમતું કઈ રીતે કરવું એ શીખવા જેવું હોય છે.
તુકારામનું ચિત્ત સંસારથી વિમુખ થઈ ગયું અને પછી પત્નીના સહકારથી એ વિરક્ત જ રહ્યું. આ માટે તુકરામે પ્રભુનો ઉપકાર માન્યો. જો પત્ની અનુકૂળ હોત તો એમનું ચિત્ત સંસાર તરફ લોભાયેલું રહેત અને પ્રભુભક્તિ થાત નહીં. એટલે જે અણગમતી કહેવાય એવી પરિસ્થિતિમાંથી એમણે ગમતું અર્થઘટન મેળવી લીધું.
એકનાથની જીવનઘટનામાંથી સાવ જુદું જ દર્શન મળે છે. એને પત્ની અનુકૂળ છે એટલે સંસાર તરફ દોરાવાને બદલે ચિત્તથી એ સંસારમુક્ત રહ્યા છે. સંસારનો કોઈ ભાર નહીં હોવાને કારણે પોતાનો બધો જ સમય અને શક્તિ એ પ્રભુભક્તિમાં આપી શક્યા છે. તુકારામ પત્નીની પ્રતિકૂળતાને કારણે આ જ કામ કરી શક્યા છે.
જે મળી જીવનની પળો 
જે કામ તુકારામ અને એકનાથ મનની ગાંઠ વાળીને કરી શક્યા એ જ કામ આપણે બધા એ જ ચીવટાઈથી કરી શકીશું એવું માની લેવાનું નથી. આમ છતાં આ કામ આ રીતે પણ થઈ શકે છે એટલી સમજણ તો જરૂર કેળવી શકાય. જીવનની બધી પળોમાં થોડીક પળો પણ આ રીતે રમણીય થઈ શકે એનો સંતોષ ઓછો નથી હોતો.

સુખ એટલે આપણને જે કંઈ ગમતું હોય એ બધાનાં ગાંસડાં-પોટલાં. અનુભવ એવું કહે છે કે ગમે એવાં ગાંસડાં-પોટલાંને ફસકી જતાં વાર નથી લાગતી. માણસ ગમ્મે તેટલો સમર્થ હોય તો પણ જે કંઈ ગમતું હોય એ બધું જ મેળવી શકતો હોતો નથી. તો પછી સુખને મેળવવાનો અને પછી સાચવી રાખવાનો કાયમી માર્ગ કયો?

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)

columnists dinkar joshi