તમારા ઘરમાં તો કંઈ બગડી નથી ગયુંને?

16 April, 2020 05:26 PM IST  |  Mumbai Desk | Darshini Vashi

તમારા ઘરમાં તો કંઈ બગડી નથી ગયુંને?

લૉકડાઉનમાં ખડી થતી સમસ્યાઓ. પ્રતીકાત્મક તસવીર

હંમેશાં કપરા સમયે જ માણસની કસોટી થતી હોય છે જેનો અનુભવ અત્યારે ઘણા લોકો કરી રહ્યા છે જેમ કે ઘરવપરાશની અથવા તો જીવનજરૂરી કહી શકાય એવી વસ્તુઓ બગડી ગઈ છે, પરંતુ અત્યારે એને રિપેર કરાવી શકાય એમ નથી એટલે એને જેમ છે એમ ચલાવવામાં આવી રહી છે લૉકડાઉન દરમિયાન જો ટીવી બંધ થઈ જાય તો? ટ્યુબલાઇટ રામ ભરોસે ચાલતી હોય તો? વૉશિંગ મશીન બગડી જાય તો? આવા સવાલો જ આપણને ટેન્શનમાં મૂકી દેવા માટે પૂરતા છે, પરંતુ આવા કિસ્સા હકીકતમાં બન્યા છે. મુંબઈમાં રહેતા ઘણા લોકોના ઘરે ઓચિંતી એવી ઘણી વિપદા આવી પડી છે કે તેમણે લૉકડાઉન પૂરું ન થાય ત્યાં સુધી જેમ  છે તેમ ચલાવવું અનિવાર્ય બની ગયું છે તો ચાલો, મુંબઈમાં રહેતા કેટલાક ગુજરાતી પરિવારને મળીએ જેઓ લૉકડાઉનના સમયગાળા દરમિયાન જીવનજરૂરી સમાન બની ગયેલી વસ્તુઓ વિના કેટલાય દિવસોથી જીવી રહ્યા છે

 જૉઇન્ટ ફૅમિલીમાં મિક્સર બગડી જાય તો મોટી ઉપાધિ : સરિતા શર્મા

 ચાર જણની ફૅમિલી હોય કે ચાલીસ જણની ફૅમિલી પરંતુ જો મિક્સર બગડી જાય તો રસોડું અસ્તવ્યસ્ત થઈ જાય છે. આ વાતનો અનુભવ કરી રહેલાં મલાડમાં રહેતાં અને અહીંની જ એક શાળામાં ટીચર તરીકે નોકરી કરતાં સરિતા શર્મા કહે છે, ‘અમારા ઘરમાં બે વરિષ્ઠ નાગરિક, છ ઍડલ્ટ અને પાંચ બાળકો રહે છે. એટલે કુલ તેર જણનો અમારો બહોળો પરિવાર છે. એટલે મિક્સરની અમને અવારનવાર જરૂર પડે જ છે. પરંતુ અત્યારે એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત થઈ ગઈ છે. પહેલાં વૉશિંગ મશીનની પાઇપમાં દસ રૂપિયાનો સિક્કો ફસાઈ ગયો એટલે મશીન બંધ કરવું પડ્યું. બધાએ મળીને માંડ-માંડ સિક્કો કાઢીને મશીન ચાલુ કર્યું ત્યાં અચાનક મિક્સર બંધ પડી ગયું. જૉઇન્ટ ફૅમિલીમાં મિક્સરનો ઉપયોગ અવારનવાર કરવો પડે છે. ચટણી કે ગ્રેવી કરવાની હોય કે પછી કોઈ મસાલો પીસવાનો હોય, મિક્સર તો લાગે જ છે. અત્યારે તો શક્ય હોય એટલું હાથેથી વાટી લઈએ છીએ. કષ્ટ પડે છે, પરંતુ શું કરીએ? આમ પણ બધું હાથેથી વટાતું નથી. મિક્સરની તો જરૂર પડે જ છે. એમાં અત્યારે લૉકડાઉન ચાલે છે એટલે બધાં ઘરે જ છે. બાળકોની પણ ઘણી ફરમાઈશો આવે છે. ત્યારે મિક્સર વિના ઘણી આઇટમ બનાવવી મુશ્કેલ બને છે. એટલે વધારે સાદું જ ભોજન બનાવવું પડે છે.’

ટીવી નથી ચાલતું : અભય વશી

આજ સુધી ક્યારેય ટીવી બગડ્યું નથી, પરંતુ કહેવાય છેને જ્યારે સમય ખરાબ હોય ત્યારે બધું ખરાબ જ થાય એમ અમારે ત્યાં પણ લૉકડાઉનના દિવસથી સેટ ટૉપ બૉક્સનું રિમોર્ટ પણ હડતાલ પર ઊતરી ગયું છે એમ જણાવતાં બોરીવલીમાં રહેતા અભય વશી કહે છે, ‘અમારું ટીવી ચાલુ છે પરંતુ એને કેબલની સાથે કનેક્ટ કરવા માટે સેટ ટૉપ બૉક્સની જરૂર પડે છે અને એનું રિમોટ લૉકડાઉનના પહેલા દિવસથી જ બગડી ગયું છે. એટલે સેટ ટૉપ બૉક્સ જ કામ જ નથી કરતું. ઘણા જુગાડ લગાવી જોયા પણ કંઈ કામ આવ્યા નહીં. પછી લૅપટૉપની સાથે ટીવીને કનેક્ટ કર્યું અને હવે ઇન્ટરનેટ મારફત જે સિરીઝ કે કોઈ સિરિયલ અથવા જૂના પિક્ચર જોવા મળે એ જોઈએ છીએ. એ પણ લિમિટેડ જ જોવા મળે છે અને કામ ચલાવીએ છીએ બાકી કોઈ ન્યુઝ ચૅનલ જોવા મળતી નથી એટલે આવા સમયે ખૂબ તકલીફ પડે છે.’ 

મોબાઇલ વિના દિવસો પસાર કરવા પડે છે : હેતલ શાહ

આજના સમયમાં મોબાઇલ વિના જીવવું પણ એક કસોટી સમાન છે. એમાં પણ જ્યારે ઘરની અંદર જ બેસીને સમય કાઢવાનો હોય ત્યારે જો હાથમાં મોબાઇલ ન હોય તો એવું લાગે છે જાણે કોઈ પાપની સજા મળી રહી હોય. આવી જ કંઈક મનોદશા મુલુંડમાં રહેતા હેતલ શાહની છે. તેઓ કહે છે, ‘મારી પાસે ટોચની કંપનીનો લેટેસ્ટ ફોન છે. પરંતુ થોડા દિવસ પૂર્વે અચાનક જ મારો મોબાઇલ બંધ થઈ ગયો. બૅટરીમાં પ્રૉબ્લેમ હશે એમ વિચારીને મોબાઇલ ખોલ્યો પણ ખરો પરંતુ બૅટરી પણ કંઈ ફૂલેલી કે ખરાબ થઈ ગઈ હોય એવું લાગ્યું નહીં એટલે પાછી બૅટરી નાખીને મોબાઇલ ચાલુ કરી જોયો, પરંતુ મોબાઇલ ચાલુ થયો નહીં. લૉકડાઉનમાં મોબાઇલની કોઈ શૉપ ખુલ્લી નથી અને કદાચ કોઈ હશે તો પણ ત્યાં જવા માટે સાહસ કરવાનું મન નહોતું. હવે બસ લૉકડાઉન ખૂલવાની રાહ જોઉં છું. હું ઑફિસમાં કામ કરું છું એટલે મારા ક્લાયન્ટના અને સહકર્મચારીઓના નંબર મોબાઇલમાં સેવ કરેલા છે. તેમ જ તેઓ પાસે પણ મારો મોબાઇલ નંબર જ છે એટલે તેઓ જો મારો કૉન્ટૅક્ટ કરવા માગશે તો પણ થઈ શકે એમ નથી. અત્યારે હું ઇમર્જન્સી હોય તો મારા

હસબન્ડના મોબાઇલનો ઉપયોગ કરું છું પરંતુ તેઓ પણ ઑફિસના કામમાં બિઝી રહે છે એટલે માંડ તેમનો ફોન મળી શકે છે. જો તમારો પોતાનો મોબાઇલ હોય તો તમે ગમે તેટલી વાર અને ગમે તે સમયે યુઝ કરી શકો છો. એટલે એમ કહું તો ચાલે કે હું અત્યારે બીજાના નાકે શ્વાસ લઈ રહી છું.’

કામવાળી પણ નહીં અને વૉશિંગ મશીન બગડી ગયું, જાએં તો જાએં કહાં? : કિરણ લબ્ધીર

લૉકડાઉનના લીધે એક તો કામવાળી આવતી નથી, પરંતુ એક વાતની નિરાંત હતી કે ચાલો વૉશિંગ મશીન તો છે એટલે કપડાં ધોવાનો વાંધો નથી. પરંતુ ક્યાં ખબર હતી આવા સમયે વૉશિંગ મશીન પણ સાથ આપવાનો છોડી દેશે એમ જણાવતાં મલાડમાં રહેતાં હાઉસવાઇફ કિરણ લબ્ધીર આગળ કહે છે, ‘અમે ઘરમાં આમ તો માત્ર ચાર વ્યક્તિ જ રહીએ છીએ, પરંતુ કામ તો સરખું પહોંચે જ છે. બધાંનાં કપડાં પણ સરખાં નીકળે છે. વૉશિંગ મશીન હોય તો કપડાંની નિરાંત રહે છે, પરંતુ અમારું વૉશિંગ મશીન છેલ્લા ઘણા દિવસથી બંધ થઈ ગયું છે. લૉકડાઉન હોવાથી કોઈ રિપેર કરવા માટે પણ આવવા તૈયાર નથી. કોઈ રિપેરીંગ કરવાવાળા મળી જાય એ માટે અમે ખૂબ ટ્રાય કરી પણ કોઈ મળ્યું નહીં. છેવટે મેં કોશિશ કરવાની છોડી દીધી અને હાથેથી કપડાં ધોવાનું શરૂ કરી દીધું. છેલ્લા ઘણા દિવસથી હું જાતે જ કપડાં ધોઈ રહી છું. શ્રમ પડે તો છે, પરંતુ બીજો કોઈ વિકલ્પ પણ નથી.’

 ટૉઇલેટમાં ફ્લશ જ કામ નથી કરતું : કૃપા ત્રિવેદી

 ઘરમાં વરિષ્ઠ નાગરિકો હોય અને ટૉઇલેટમાં ફ્લશ કામ આપતું ન હોય ત્યારે તમને કેટલી તકલીફ થઈ શકે છે એ સમજી શકાય છે. આવી જ સમસ્યા બોરીવલીની એક સોસાયટીમાં રહેતો પરિવાર અનુભવી રહ્યો છે. બોરીવલી (વેસ્ટ)માં રહેતાં કૃપા ત્રિવેદી કહે છે, ‘અમારા બિલ્ડિંગની ટૉઇલેટમાં પાણી પહોંચાડતી પાઇપ તૂટી ગઈ છે જેને લીધે બિલ્ડિંગમાં બધાના ઘરના જ ટૉઇલેટ ફ્લશ કેટલાય દિવસોથી કામ આપી રહ્યા નથી. અત્યારની પરિસ્થિતિમાં કોઈ રિપેર કરવાવાળા આવતા પણ નથી એટલે બિલ્ડિંગમાં બધા ફ્લશ વગર જ કામ ચલાવી રહ્યા છે. અમારા ઘરમાં બે વરિષ્ઠ નાગરિક છે. તેમણે વારંવાર ટૉઇલેટનો ઉપયોગ કરવો પડે છે જે તેમને માટે અત્યારે કપરી પરિસ્થિતિ બની ગઈ છે.’

columnists darshini vashi