પૉકેટમની નક્કી કરે તમારું સ્ટાન્ડર્ડ?

13 March, 2020 02:16 PM IST  |  Mumbai | Varsha Chitaliya

પૉકેટમની નક્કી કરે તમારું સ્ટાન્ડર્ડ?

પ્રતીકાત્મક તસવીર

થોડા સમયથી સોશ્યલ મીડિયા પર નીતા અંબાણીનો એક જૂનો ઇન્ટરવ્યુ વાઇરલ થયો છે, જેમાં તેમનાં ત્રણેય સંતાનોની પૉકેટમનીની વાત કરવામાં આવી છે. મધ્યમવર્ગીય વૅલ્યુ સમજે એ માટે તેઓ પોતાનાં સંતાનોને અઠવાડિયે માત્ર પાંચ રૂપિયા જ વાપરવા આપતાં હતાં. જોકે આટલી ઓછી રકમને કારણે અનંત અંબાણીને સ્કૂલમાં બધા ચીડવતા હતા. આજની જનરેશનને પેરન્ટ્સ ખાસ્સીએવી પૉકેટમની આપતા હોય છે ત્યારે આ વિડિયો સંદર્ભે તેમના અભિપ્રાયો અને અંગત અનુભવો જાણીએ...

કોઈક વાર મમ્મી પાસેથી ઍડ્વાન્સ પૉકેટમની માગવી પડે

પૉકેટમનીને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરવું દરેક યંગસ્ટર્સ માટે સહેલું હોતું નથી. મને લાગે છે કે ક્લબિંગનો ક્રેઝ ધરાવતા યંગસ્ટર્સને ગમેએટલી પૉકેટમની મળે, ઓછી જ પડે. મને જેટલા પૈસા મળે છે એમાં ઍડ્જસ્ટ થઈ જાય છે, કારણ કે હું બહુ સોશ્યલ નથી અને વારંવાર ક્લબિંગમાં કે હાઇ-ફાઇ રેસ્ટોરાંમાં જમવા જતી નથી. જોકે કોઈક વાર એવો પ્લાન બની પણ જાય જ્યારે મમ્મી પાસેથી ઍડ્વાન્સ મની માગવાં પડે. મમ્મીને રિઝનેબલ લાગે તો આપે, નહીં તો પ્લાન ડ્રૉપ કરવો પડે. કદાચ આપી દે તો નેક્સ્ટ મન્થ ઓછાં મળે. આજકાલ બધી વસ્તુ એક્સપેન્સિવ થઈ ગઈ છે. શૉપિંગ, ખાણીપીણીનો જલસો અને ક્લબિંગ બધું કાંઈ પૉકેટમાં ફિટ ન થાય. મને સ્ટ્રીટ-ફૂડ ખાવાનો શોખ છે એથી દર મહિને પૈસા ઘટે એવું બનતું નથી એ સારું છે. બીજું એ કે દુનિયાનાં બધાં મમ્મી-પપ્પામાં એક વાત કૉમન છે કે તેઓ લિમિટમાં જ પૈસા આપે છે, એટલું જ નહીં, પોતાનાં સંતાનોને તક મળે ત્યારે કહેતાં રહે કે તમે નસીબદાર છો કે આટલાબધા પૈસા તમને મળે છે. અમે નાનાં હતાં ત્યારે અમારાં મા-બાપ કંઈ નહોતાં આપતાં. અમારી જનરેશનને પેરન્ટ્સનો ખૂબ સપોર્ટ મળે છે તો સામે આ વાત સાંભળવાની તૈયારી પણ રાખવી પડે છે.

- દેવાંશી કસાબવાલા, સાંતાક્રુઝ

અંધારામાં નાચવા માટે હું મની વેસ્ટ ન કરું

રેલવેનો પાસ પપ્પા કઢાવી આપે, મમ્મી ઘરેથી ટિફિન આપે, પછી હાઇ પૉકેટમનીની જરૂર પડવી ન જોઈએ. આજકાલના યંગસ્ટર્સને ક્લબિંગનો ક્રેઝ છે એથી પૈસા ઓછા પડતા હોય છે. અંધારામાં નાચવા માટે પૈસા વાપરવામાં મને કોઈ લૉજિક દેખાતું નથી અને મારી પાસે એટલો સમય પણ નથી. મારું સ્ટડી-પ્રોફાઇલ અને લાઇફસ્ટાઇલ જુદાં છે. ઓકેશનલી ફ્રેન્ડ્સ સાથે મૂવી જોવા જવાનો સમય માંડ મળે છે. જોકે ઘણી વાર એવું બન્યું છે જ્યારે મારી પાસે પૈસા ઓછા હોય અને અચાનક ફ્રેન્ડ્સ કહે કે આજે પૈસા આપવાનો તારો વારો છે. એ વખતે મારી પાસે ન હોય તો કહી દઉં કે આજે નથી, પહેલેથી જણાવ્યું હોત તો અરેન્જ કરી રાખત. હવે નેક્સ્ટ ટાઇમ. તમે જે વિડિયોની વાત કરી એ વિશે મારું માનવું છે કે હાય-હેલોવાળા ફ્રેન્ડ્સ આવી કમેન્ટ્સ કરે, એ બેસ્ટ ફ્રેન્ડ ન હોય. તમે પૉકેટમાં તગડી રકમ રાખીને ફરશો તો કહેશે, યાર જલસા છે તને તો, પાર્ટી આપ. પીઠ પાછળ એ જ લોકો કહેશે કે અમીર બાપ કા બેટા હૈ, શો ઑફ કરતા હૈ. એવી જ રીતે ઓછા પૈસા હશે તો કહેશે કે ઇતને બડે બાપ કા બેટા હૈ ઔર જેબ ખાલી હૈ. લોકોને તમે બોલતા રોકી ન શકો. 

- હર્શિલ શાહ, મીરા રોડ

આટલા પૈસામાં ચલાવવાનું છે એને હું ચૅલેન્જ માનું છું

સંતાનોને મની મૅનેજમેન્ટના પાઠ ભણાવવા પેરન્ટ્સ પૉકેટમની પર કન્ટ્રોલ રાખતા હોય છે. લાઇફમાં સારો કે ખરાબ ટર્નિંગ પૉઇન્ટ આવે તો તમે સર્વાઇવ કરી શકો એ તેમનો હેતુ હોય છે. હું માનું છું કે સ્ટડી કરવાની ઉંમરમાં મિડલ ક્લાસ કે રિચ બધાએ ટ્રેન અને બસમાં ટ્રાવેલિંગનો અનુભવ લેવો જ જોઈએ. તમને જાણીને નવાઇઈ લાગશે, પણ છેલ્લાં પાંચ વર્ષથી મારા પેરન્ટ્સે પૉકેટમની વધારી નથી. કોઈક વાર થાય કે પાંચ વર્ષમાં મોંઘવારી વધી ગઈ તોય આટલા જ પૈસા? પેરન્ટ્સ એમ કહે કે આટલા જ મળશે તો હું નિરાશ ન થાઉં, એને ચૅલેન્જ તરીકે લઉં. ક્યારેક ઓછા પડે તો ક્યારેક બચત પણ થાય. હા, પેરન્ટ્સ તેમના જમાનાની વાતો કરતા હોય ત્યારે કહેવાનું મન થાય કે એ જમાનામાં ૧૦ રૂપિયામાં ઘણું આવતું, હવે માત્ર વેફર્સનું પૅકેટ આવે છે. છતાં જે મળે એમાં હૅપી રહેતા શીખવું પડે છે. રહી ફ્રેન્ડશિપમાં કમેન્ટ્સની વાત તો એવો કોઈ અનુભવ થયો નથી. અમારા ગ્રુપમાં એકાદ ફ્રેન્ડની પૉકેટમની ઓછી છે તો પણ અમારી સાથે હરવા-ફરવા માટે આવે છે. અમે એમ વિચારીએ કે તેની પાસે અઢીસો ઓછા છે તો પાંચ જણ પચાસ-પચાસ રૂપિયા આપી દઈએ. શૅરિંગ થોડું વધી જશે તો ચાલશે પણ દોસ્ત વગર મજા નહીં આવે.

-વત્સલ શાહ, સાયન

મળે એનાથી વધુ જોઈએ એ હ્યુમન નેચર છે

પૉકેટમની જેવું અત્યારે તો કશું મળતું નથી. બે-ત્રણ મહિને એકાદ વાર પપ્પા પૈસા આપીને કહે કે જા, તારા ફ્રેન્ડ્સ સાથે એન્જૉય કર. કઈ રીતે, કેટલા વાપરવાના છે એવું કોઈ રેસ્ટ્રિક્શન નથી, પણ ૫૦૦ રૂપિયા આપ્યા હોય એમાંથી પચાસેક રૂપિયા બચાવી લઉં. મારામાં સેવિંગની હેબિટ ડેવલપ થાય એ માટે નાનપણથી સમયાંતરે પૈસા મળતા રહે છે. મને યાદ છે કે એક સમયે પપ્પા માત્ર ૧૦ રૂપિયા આપતા હતા. પહેલાં હું પિગી બૅન્કમાં નાખતી હતી, હવે હાથ પર રાખું છું. આ વર્ષે કૉલેજમાં એન્ટ્રી લઈશ એટલે કદાચ હવે ફિક્સ મની મળશે. કૉલેજ-લાઇફના ખર્ચાને પહોંચી વળવા સેવિંગની હેબિટ કામ લાગશે. મારું માનવું છે કે દરેક પેરન્ટ્સને તેમનાં સંતાનોની જરૂરિયાત અને શોખની ખબર હોય છે અને તેઓ પૂરતા પૈસા આપતાં જ હોય. મળે એના કરતાં વધુ જોઈએ એ હ્યુમન નેચર છે. ફ્રેન્ડ સર્કલમાં મનીમૅટર્સ નથી કરતી. અમે પૉકેટમની વિશે ડિસ્કસ પણ નથી કરતાં, પરંતુ જો કોઈ રિચ ફૅમિલીનો ફ્રેન્ડ દર વખતે ઓછા પૈસા કાઢે અને મારા ભાગે વધારે આપવાના આવે તો પૈસા વેડફાઈ રહ્યા છે એવી ફીલિંગ આવ્યા વિના ન રહે. અનંત અંબાણીની જેમ એ વખતે સ્વાભાવિક છે કે લોકો તેની મજાક ઉડાડે. તમારા ખર્ચા અને સ્ટાન્ડર્ડ પ્રમાણે ખિસ્સામાં પૈસા રાખવા જોઈએ.

-રેની વકીલ, સાંતાક્રુઝ

જેટલા પૈસા મળે એટલા મારાથી ખર્ચાઈ જાય

પૉકેટમની જેવો કન્સેપ્ટ સંતાનોના નેચર પ્રમાણે હોવો જોઈએ. મારા પેરન્ટ્સ ટ્રાવેલિંગ અને બેઝિક નીડ્સને ધ્યાનમાં રાખીને ડેઇલી બેઝ પર પૈસા આપે છે. જો એકસાથે આખા મહિનાના પૈસા આપી દે તો મારાથી ફૂડ પાછળ વધુ સ્પેન્ડ થઈ જાય અને મહિનો પૂરો થતાં પહેલાં જ ખિસ્સું ખાલી થઈ જાય. મારાથી સેવિંગ થતું નથી. અનંત અંબાણીના કેસમાં કદાચ આવું કારણ હોઈ શકે છે. તેના પેરન્ટ્સે કંઈક તો વિચાર્યું જ હશેને. આપણે એને જસ્ટિફાય ન કરી શકીએ. બીજું એ કે વૉલેટમાં પાંચ રૂપિયા હોય, પાંચસો કે પાંચ હજાર હોય, તમને એને ઍટિટ્યુટ સાથે કૅરી કરતાં આવડવું જોઈએ. ફ્રેન્ડ્સ સાથે મૂવી જોવા જવાનું હોય, આઉટિંગનો કે બહાર ખાણી-પીણીનો પ્રોગ્રામ સામાન્ય રીતે પહેલેથી નક્કી હોય એટલે એ દિવસે મમ્મી પાસેથી વધુ પૈસા માગી લઉં. મારા કેસમાં ઘણી વાર એવું થયું છે કે અચાનક પ્લાન બને. એ વખતે જો એક્સપેન્સિવ લાગે તો ન જાઉં અથવા જવું હોય તો ફ્રેન્ડ પાસેથી ઉધાર લઈ બીજા દિવસે રિટર્ન કરી દઉં. આમ ડેઇલી બેઝ પર મળતા લિમિટેડ મનીમાં પણ બહુ વાંધો આવતો નથી. દરેક વ્યક્તિ પોતાના બૅકગ્રાઉન્ડ અને નેચર પ્રમાણે ફ્રેન્ડ બનાવે તો કમેન્ટ્સ થતી નથી.

-પાર્થ રાજપરા, જુહુ

Varsha Chitaliya columnists