તમારુ ફિઝિક્સ અને ભવિષ્ય:તમે તમારી કદર નહીં કરો તો એ કામ બીજું કોણ કરશે

15 February, 2020 01:25 PM IST  |  Mumbai | Manoj Joshi

તમારુ ફિઝિક્સ અને ભવિષ્ય:તમે તમારી કદર નહીં કરો તો એ કામ બીજું કોણ કરશે

આજના યુવાનોની ફિઝિકલ તકલીફો વિશે સાંભળીએ ત્યારે ખરેખર નવાઈ લાગે કે આ ઉંમરે આવી વાતો કેવી રીતે થઈ શકે અને થાય એ યોગ્ય પણ કેવી રીતે કહેવાય. પચીસ, ત્રીસ અને પાંત્રીસ વર્ષની ઉંમરના યુવકો ૧૦ ડગલાં ચાલે અને થાકી જાય છે. ત્રીસીમાં રહેલા યુવાનો પણ જો બીમારીઓથી ગ્રસ્ત હોય, તકલીફોની હરતીફરતી દુકાન હોય તો બાકીના કોઈને કહેવાનું કંઈ રહેતું જ નથી. છેલ્લા કેટલાક અરસામાં મૅરથૉન અને એના જેવી બીજી સ્પોર્ટ્સનો જે યુફોરિયા જોવા મળી રહ્યો છે એ સારી બાબત છે. હમણાં આપણે ત્યાં પણ ગયા મહિને મૅરથૉન યોજાઈ અને આ વખતે એમાં ગમખ્વાર ઘટના પણ બની, પણ એવું બની શકે એટલે એ વાતને બાજુએ મૂકીને મૂળ વિષય પર વાત કરીએ આપણે. મૅરથૉન હવે દેખાદેખી બની ગઈ છે. ઘણા લોકો દેખાદેખીમાં પણ એમાં જોડાવાની હોંશ દેખાડી રહ્યા છે, પણ એ વર્ગ હજી પણ તુલનાત્મક રીતે ઘણો ઓછો છે.

પહેલું સુખ તે જાતે નર્યા.

આ કહેવત આપણા પૂર્વજો આપણને આપી ગયા છે. આજના સમયમાં આ કહેવત સાપેક્ષ અને અમલમાં મૂકવા જેવી લાગે છે. પહેલું સુખ તે જાતે નર્યા. તમારી તંદુરસ્તી, તમારું સ્વાસ્થ્ય બરાબર હશે તો જીવનનો મોટામાં મોટો જંગ તમે લડી શકશો. આ કેટલી સીધી અને સરળ વાત છે. મહત્ત્વપૂર્ણ પણ એટલી જ છે. સારામાં સારું જ્ઞાન અને સાચી સમજણ આવા જ ટૂંકા શબ્દોમાં ભરપૂર પ્રમાણમાં કહેવતોના માધ્યમે આપણને મળ્યું છે, પણ આપણે એને મહત્ત્વ આપી શક્યા નથી. નથી સમજાતું આપણને જે સરળ છે એ. નથી સમજાતું આપણને જે સામાન્ય સ્તરે છે. કહેવાય છેને કે કૉમન સેન્સ સૌથી વધુ અનકૉમન છે. વાત ચાલી રહી છે તમારી પોતાની તંદુરસ્તીનો ખ્યાલ રાખવાની. અઘરું નથી, જરા પણ અઘરું નથી. થોડી સારી આદતોને જીવનમાં ઉતારવાની જ તો વાત છે. અઘરું છે?

ના, પરંતુ એ પણ એટલું જ સાચું કે સરળ વાતો સહજ રીતે નથી સમજાતી. જ્યાં સુધી શરીર હારે નહીં અને આગળ વધવાની ના ન પાડે ત્યાં સુધી આપણને આ સત્ય સમજાતું નથી. આજના દરેક યંગસ્ટર્સને કહેવાનું મન થાય છે કે શરૂઆતથી જ તમારા સ્વાસ્થ્યની, ફિટનેસની કદર કરો. તમારી તંદુરસ્તી અને ફિટનેસને સાચવો. આજે જ સમય છે, હજી દોરી તમારા હાથમાં છે. આજના યુથની ખાવાપીવાની ખોટી આદતો અને ફિઝિકલ ઍક્ટિવિટીનો અભાવ તેમના સ્વાસ્થ્યની હાનિ માટે સૌથી પ્રાઇમ કારણ છે.

આ સમય છે મા-બાપે પોતાનાં યુવાન સંતાનોની સ્વાસ્થ્યની આદતોને બદલવાની. પરિવારે પણ સ્વાસ્થ્યની બાબતમાં હવે થોડું સજાગ થવાની જરૂર છે. જો તમે તમારા સ્વાસ્થ્યનું મૂલ્ય જાણતા હો તો સૌથી પહેલું કામ પરિવારની મહિલાઓને એ બાબતમાં સજાગ કરવાનું કરજો. જો એ સજાગ થશે તો ચોક્કસપણે તમારા ફૂડની વરાઇટી બદલશે અને થાળીમાં એવી વરાઇટી આવશે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી. જૂજ ફૅમિલી એવી છે જેમાં મહિલાઓને આ બાબતમાં એજ્યુકેટ કરવામાં આવી હોય. યાદ રાખજો કે તમારું ફિઝિક્સ તમારું ભવ‌િષ્ય છે. એ કઈ દિશામાં હોય અને કેવું હોય એ જોવાની જવાબદારી પણ માત્ર અને માત્ર તમારી છે.

columnists manoj joshi