આપણો સૌથી મોટો દુશ્મન કોણ?

22 January, 2020 03:06 PM IST  |  Mumbai | Sejal Ponda

આપણો સૌથી મોટો દુશ્મન કોણ?

સલમાન ખાન

 

આપણો કમ્ફર્ટ ઝોન પણ આપણો સૌથી મોટો દુશ્મન છે. મોટા ભાગે આપણે આપણને માફક આવે એ વ્યક્તિ સાથે કામ કરવાનું વધારે પ્રિફર કરતા હોઈએ છીએ. માફક આવે, રાહત મળે એવી જગ્યાએ કામ કરવાનું પસંદ કરીએ છીએ; પણ આપણા માટે પડકાર ત્યારે ઊભો થાય છે જ્યારે આપણને એ અઘરી વ્યક્તિ અને અઘરી પરિસ્થિતિમાં કામ કરવાની ફરજ પડે.

આપણો સૌથી મોટો દુશ્મન કોણ? આ પ્રશ્ન વિશે વિચારવા બેસીએ અને અનેક ચહેરાઓ આપણી આંખ સામે આવવા લાગે. એ દરેક ચહેરાને એક નામ હોય છે. એ નામ લેતાં જ મનમાં ગુસ્સો ભરાવા લાગે, ક્રોધ આવવા લાગે, આક્રોશ પેદા થવા લાગે. એ ચહેરાઓએ આપણને કઈ રીતે છળ્યા? આપણું કેટલું ખરાબ કર્યું? આપણને કેટલા હેરાન કર્યા એ બધી જ ઘટનાઓ રિવાઇન્ડ થવા લાગે છે. અને આપણને બદલો લેવાનો પણ વિચાર આવી જાય. 

આપણા દરેકની જિંદગીમાં આપણને ગુસ્સો આવે એવા ચહેરાઓ આપણી આસપાસ હોય છે. એ ચહેરાઓ યાદ કરી મનમાં ને મનમાં આપણે બળ્યા કરીએ છીએ. કોઈ એક દુશ્મનનું નામ લેવાનું કહેવામાં આવે તો આપણે નામ પણ આપી દઈશું કદાચ. પણ શું માત્ર ચહેરાઓ જ આપણા દુશ્મન હોય છે?

આપણો સોથી મોટો દુશ્મન કોણ એ જાણવા મનની ભીતર ડૂબકી લગાડવી પડે. આપણા નેગેટિવ વિચારો, આપણો ગુસ્સો, ઓછી ધીરજ આ બધા પણ આપણા દુશ્મન છે; કારણ કે આપણે એની સાથે રોજબરોજ જીવીએ છીએ. રોજબરોજ બીજા સાથે આ ભાવના થકી વ્યવહાર કરીએ છીએ, જેને લીધે આપણા સંબંધો બગડવાની શક્યતા ઊભી થાય છે.

અમુક વાત, ઘટનાઓ આપણા મનની શાંતિ માટે જતાં કરવાનાં હોય છે. એને પકડી રાખવાથી આપણને ત્રાસ સિવાય કશું જ મળવાનું નથી. હું શું કામ જતું કરું? આ અહંકાર આપણને શાંતિથી જીવવા નથી દેતો. દરેક વખતે મારે જ કેમ કૉમ્પ્રોમાઇઝ કરવાનાં? આ ઘાતકી વિચારથી સંબંધો ક્યારેય સુધરતા નથી. અને જ્યારે આપણે સામેવાળી વ્યક્તિને જતું કરવા ફરજ પાડીએ છીએ ત્યારે તો એ વ્યક્તિના મનમાં કડવાશ ઘર કરી જાય છે.

બે વ્યક્તિ સાથે શું કામ રહે છે? જેથી એકબીજાને સાથ આપી શકે, પ્રેમ, હૂંફ, વહાલ આપી શકે. એકબીજાનો ગ્રોથ કરી શકે. પણ જો માત્ર શંકા-કુશંકા, ભય, ઇનસિક્યૉરિટી, ત્રાસ જ આપવાનાં હોય તો બે વ્યક્તિઓનું સાથે રહેવું નકામું જ છે. આવી ભાવનાઓ વહેતી કરનાર બે વ્યક્તિઓ એકબીજાની દુશ્મન જ કહેવાય.

એ સિવાય આપણો કમ્ફર્ટ ઝોન પણ આપણો સૌથી મોટો દુશ્મન છે. મોટા ભાગે આપણે આપણને માફક આવે એ વ્યક્તિ સાથે કામ કરવાનું વધારે પ્રિફર કરતા હોઈએ છીએ. માફક આવે, રાહત મળે એવી જગ્યાએ કામ કરવાનું પસંદ કરીએ છીએ. એમાં કંઈ ખોટું પણ નથી. માફક આવતા લોકો અને માફક આવતી નોકરી વચ્ચે આપણે શાંતિથી કામ કરી શકીએ છીએ. જેમ અમુક પરિસ્થિતિ અઘરી હોય એમ આપણી આસપાસ જીવતા અમુક લોકો આપણા માટે અઘરા હોય છે. તેમને ઝેલવા આપણા માટે કઠિન હોય છે. આપણે તેમનાથી દૂર રહેવાનું પસંદ કરીએ છીએ. પણ આપણા માટે પડકાર ત્યારે ઊભો થાય છે જ્યારે આપણને એ અઘરી વ્યક્તિ અને અઘરી પરિસ્થિતિમાં કામ કરવાની ફરજ પડે. એ સમયે આપણે અકળાઈ જઈએ છીએ.

આપણું અકળાવું સ્વાભાવિક છે. પણ મનને શાંત કરી જરા વિચાર કરીએ કે શું મારે આ અઘરી પરિસ્થિતિ અને અઘરી વ્યક્તિ વચ્ચે કામ કરવું જોઈએ? હા. કરવું જ જોઈએ. એમ કરવાથી આપણને આપણી અંદર રહેલી અનેક શક્તિઓનો પરિચય થાય છે. ગુલાબ કાંટા વચ્ચે ખીલી શકે છે એ આપણે યાદ રાખવું જોઈએ. જો અઘરી પરિસ્થિતિ અને અઘરી વ્યક્તિઓ વચ્ચે આપણે જીવી ગયા તો દુનિયાના કોઈ પણ ખૂણે આપણે હસતાં-હસતાં જીવી શકીશું. રાહત આપનાર વ્યક્તિ, રાહત આપનાર પરિસ્થિતિમાં તો કોઈ પણ જીવી શકે. આપણે એ કોઈ પણથી અલગ તરી આવવાનું છે. ભીડમાં અલગ તરી આવવાનું જોમ રાખનાર માટે અનેક રસ્તાઓ ખૂલતા જાય છે.

આપણા દરેકની અંદર એવું કંઈ ખાસ હોવું જ જોઈએ જે આપણને બધાથી નોખા કરે. આ નોખા તરી આવવા માટે આપણી અંદરના અનેક દુશ્મનને હરાવવા પડે. તો લાગી જાઓ કામે. દુશ્મન શોધો અને લડી લો.

columnists Sejal Ponda