મુંબઈ માટે કઈ ટ્રેન વધુ કામની, એસી કે સેમી-એસી?

08 February, 2020 12:44 PM IST  |  Mumbai | Varsha Chitaliya

મુંબઈ માટે કઈ ટ્રેન વધુ કામની, એસી કે સેમી-એસી?

મુંબઈ લોકલ ટ્રેન

એસી ટ્રેનની એન્ટ્રીથી મુંબઈની લાઇફલાઇન ગણાતી સામાન્ય લોકલ ટ્રેનોના સમયપત્રક પર માઠી અસર થઈ છે તેમ જ પ્રવાસીઓની હાડમારીમાં વધારો થયો છે એવી ફરિયાદ થઈ રહી છે તો બીજી તરફ વધુ એસી ટ્રેનો દોડાવવાની માગણી જોર પકડી રહી છે. આવામાં પાર્શિયલ એસી ટ્રેનો શરૂ કરવાનું સૂચન કેટલું પ્રેક્ટિકલ છે એ પણ સમજવા જેવું છે.

ટ્રાન્સહાર્બર રૂટ પર એસી લોકલ ટ્રેનની શરૂઆત તો થઈ ગઈ, પરંતુ પ્રવાસીઓમાં આ ટ્રેનને લઈને ઉત્સાહ જોવા મળતો નથી. બીજી બાજુ પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ વધુ એસી ટ્રેન દોડાવવાની સતત માગણી કરી રહ્યા છે જે રેલવે પ્રશાસનના બહેરા કાને અથડાઈ રહી છે. આ બે વિરોધાભાસમાં મુખ્ય મુદ્દો છે વધુ એસી ટ્રેન દોડાવવી જોઈએ કે નહીં? પશ્ચિમ રેલવેના કાફલામાં વધુ એસી ટ્રેનોનો સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં એને કેમ દોડાવવામાં નથી આવતી એવી ફરિયાદ અનેક પ્રવાસીઓ કરી રહ્યા છે તો સામે એસી ટ્રેન શરૂ થતાં સામાન્ય લોકલ ટ્રેનોનું સમયપત્રક ખોરવાઈ ગયું છે. પરિણામે પ્રવાસીઓની હાડમારીમાં વધારો થયો છે એવો હોબાળો પણ થઈ રહ્યો છે. એસીનું ભાડું મધ્યમ વર્ગના પ્રવાસીઓના ખિસ્સાને પરવડે એમ નથી એ સમસ્યા પણ ઊભી જ છે. મુંબઈગરાઓ શું ઇચ્છે છે?

એસી ટ્રેનને લઈને બે સિનારિયો સામે આવ્યા છે. વેસ્ટર્ન કમ્યુટર્સે વેલકમ કર્યું છે, જ્યારે સેન્ટ્રલમાં આવકાર મળે એવું લાગતું નથી એવી માહિતી આપતાં ઝોનલ રેલવે યુઝર્સ કમિટીના મેમ્બર શૈલેશ ગોયલ કહે છે, ‘વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓએ શરૂઆતથી જ એસી લોકલને વધાવી લીધી છે. આ રૂટ પર પ્રવાસીઓની સંખ્યા વધુ છે તેમ જ જુદી-જુદી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પ્રવાસીઓ આખો દિવસ ટ્રાવેલ કરતા હોય છે તેથી કન્સેપ્ટ સક્સેસફુલ ગયો છે. સેન્ટ્રલ રેલવેમાં હજી હમણાં જ એસી ટ્રેન શરૂ થઈ છે જે પનવેલ સુધી જાય છે. અહીં સમસ્યા જુદી છે. એક તો ક્રાઉડ ઓછું છે બીજું, પનવેલ અને નવી મુંબઈમાં કૉર્પોરેટ ઑફિસ વધુ છે. કૉર્પોરેટ ઑફિસના ટાઇમિંગ સાથે એસી ટ્રેનનો ટાઇમ મૅચ થતો નથી એવી ફરિયાદ આવી છે. મધ્ય રેલવે એમાં ફેરફાર કરે તો પણ સફળતાની શક્યતા ઓછી જ છે. ટ્રાન્સહાર્બર પર સામાન્ય ટ્રેનો પણ ખાલી દોડતી હોય છે ત્યાં એસી માટે બમણા પૈસા કોણ ચૂકવશે?’

રેલવેની આવક વધારવા સરકારે વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓની વધુ એસી ટ્રેનની માગણી પર વિચાર કરવો જોઈએ એમ જણાવતાં તેઓ આગળ કહે છે, ‘ચાર સર્વિસ દોડાવી શકાય એમ છે તો કેમ નથી દોડાવતા? અહીં સામાન્ય ટ્રેનો દહાણુ સુધી પૅક જાય છે. એસીને દહાણુ અથવા પાલઘર સુધી લંબાવી દો તો રાઉન્ડ ટ્ર‌િપનો સમય લંબાઈ જશે, જેથી સામાન્ય ટ્રેનના સમયપત્રકને અસર નહીં થાય. આ ઉપરાંત એસી ટ્રેન શરૂ કરતી વખતે સક્સેસફુલ જશે કે નહીં એ ડાઉટ હતો તેથી ટ્રાયલ બેઝ પર એક મહિનાનો જ પાસ ઇશ્યુ કરવામાં આવતો હતો. હવે એમાં ત્રિમાસિક પાસ ઇશ્યુ કરવાનો સમય આવી ગયો છે, પણ રેલવે વિચારતી નથી. જોકે પૈસા ઘણા વધુ છે. એસીનું ભાડું બધાને કંઈ પોસાય નહીં, પરંતુ એનો ઉપાય પણ પ્રવાસીઓએ સુઝાડ્યો છે. સામાન્ય ટ્રેનની સાથે જ એક આગળ અને એક છેલ્લે એમ બે એસી ડબ્બા જોડી દેવામાં આવે તો રૅકનો ઉપયોગ થઈ જશે, રેલવેની આવક વધશે અને પ્રવાસીઓને પણ રાહત થશે.’

વધુ એસી ટ્રેનો અંગે રેલવે તંત્રએ જલદીથી વિચારવું જોઈએ એ વાત સાથે સહમત થતાં શૅરમાર્કેટ સાથે સંકળાયેલા તેમ જ ટ્રેન શરૂ થઈ એના બીજા જ મહિનેથી મુસાફરી કરતા બોરીવલીના બ્રિજલ વ્યાસ કહે છે, ‘આજે બધાને કમ્ફર્ટ જોઈએ છે. ક્લીનલીનેસ, અક્યુરસી, સેફ્ટી અને સિસ્ટમૅટિક ક્યુ જેવી વ્યવસ્થા ધરાવતી એસી લોકલમાં ટ્રાવેલ માટે વધુ પૈસા આપવા પડે તો પણ અમને કોઈ વાંધો નથી. હાઈ રેટ્સને લઈને જે લોકો કકળાટ કરી રહ્યા છે તેમણે એક વાર મુસાફરીનો અનુભવ કરવાની જરૂર છે. હું સવારે ૭.૫૪ની બોરીવલીથી ચર્ચગેટ જતી એસી ટ્રેન પકડું છું. બધા મુસાફરો વ્યવસ્થિત લાઇનમાં ટ્રેનમાં ચડે, એક સીટ પર ત્રણ જણ જ બેસે. સામાન્ય લોકલમાં તો આપણને ધક્કો મારીને ચોથો બેસી જાય. ઉપરથી ગંદકી પણ હોય છે. એની સામે એસી ટ્રેનમાં સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. ટ્રેનની અંદર દરેક કમ્પાર્ટમેન્ટમાં મોટરમૅન સાથે ડાયરેક્ટ વાત કરી શકો એ માટે બટન મૂકવામાં આવ્યાં છે. એસીના કારણે થાક પણ ઓછો લાગે. દોઢ વર્ષમાં એક જ વાર એવું થયું છે કે ટ્રેન લેટ હતી અને અમે મોટરમૅનને પૂછ્યું તો જવાબ મળ્યો કે ટેક્નિકલ પ્રૉબ્લેમ છે. એસી ટ્રેનના લીધે લોકલ ટ્રેનોનું સમયપત્રક ખોરવાઈ ગયું છે એવો વિવાદ પણ સાવ જ ખોટો છે. બોરીવલીથી ઊપડેલી એસી ટ્રેન મલાડ પછી ફાસ્ટ ટ્રૅક પર દોડે છે અને ટાઇમટેબલ પ્રમાણે ચર્ચગેટ પહોંચી જાય છે તો એની આગળ-પાછળની ટ્રેનને સિગ્નલ ક્લ‌િયર જ મળતું હોયને! અમારું ૨૫ જણનું ગ્રુપ નિયમિતપણે ટ્રાવેલ કરે છે અને અમે ઇચ્છીએ છીએ કે હજી વધુ ટ્રેનો દોડાવવી જોઈએ.’

એસી ટ્રેન વેપારી વર્ગ માટે છે, મધ્યમવર્ગના લોકોને પરવડે એમ નથી તેમ જ ટ્રેનની ભીડ જોતાં કંઈ ફાયદો થવાનો નથી એવો મત વ્યક્ત કરતાં ઘાટકોપરથી કાંદ‌િવલી ટ્રાવેલ કરતા બિપિન શાહ કહે છે, ‘હું તો પશ્ચિમ અને મધ્ય બન્ને રેલવેમાં રોજ પ્રવાસ કરું છું. ઘાટકોપરથી દાદર અને ત્યાંથી ટ્રેન બદલીને કાંદ‌િવલી ઑફિસમાં પહોંચું. એસી ટ્રેન વધારવાનો નિર્ણય મને જરાય ઉચિત લાગતો નથી. મુંબઈ જેવા ગીચ વસ્તી ધરાવતા શહેરમાં એંસી ટકા લોકોના પગારનું ધોરણ નીચું છે. તેઓ એસી ટ્રેનનો પાસ કઢાવશે તો ઘરનું બજેટ ખોરવાઈ જશે. ફર્સ્ટ ક્લાસનાં ભાડાં પણ કેટલાને પોસાય છે? ફર્સ્ટ ક્લાસમાં જવાવાળી પબ્લિક કરતાં સેકન્ડ ક્લાસમાં જવાવાળી પબ્લિક ખૂબ વધારે છે ત્યાં એસીની તો વાત જ જવા દો. એસી ટ્રેન વધારવાથી ફર્સ્ટ ક્લાસ પીપલ અને વેપારી વર્ગને લાભ થશે, પણ સેકન્ડ ક્લાસની ભીડને કોઈ ફરક નહીં પડે. મેં સાંભળ્યું છે કે અત્યારે જે ટ્રેન ચાલે છે એમાં હવેથી બે ડબ્બા એસીના લાગી જશે. આમ કરવાથી તો સેકન્ડ ક્લાસના ડબ્બા ઓછા થઈ જશે. સાંજના સમયે ઘાટકોપર ઊતરવા મળતું નથી. કેટલીયે વાર આગળના સ્ટેશને પહોંચી જઈએ છીએ. ડબ્બા ઘટી જશે તો હાડમારી વધશે. મારા હિસાબે રેલવેએ એસી ટ્રેનો વધારવાની દિશામાં વિચારવા કરતાં મેગા બ્લૉકનો ન‌િવેડો લાવવાની તાકીદે જરૂર છે. વર્ષોથી સેન્ટ્રલ અને હાર્બર લાઇનમાં દર રવિવારે મેગા બ્લૉક હોય છે. આટલાં વર્ષોમાં સોલ્યુશન નથી આવ્યું? કોઈ પણ સમસ્યાનો અંત તો આવે કે નહીં? પ્રસંગમાં કે મરણમાં હાજરી આપવી અનિવાર્ય હોય તોય મેગા બ્લૉકને ધ્યાનમાં રાખવો પડે છે. કાં તો ટૅક્સી કરવી પડે. પબ્લિક ત્રાસી ગઈ છે. આ લાઇનમાં સૌથી પહેલાં જે બેઝિક સમસ્યાઓ છે એનો ઉકેલ લાવો પછી એસીનું વિચારો.’

વેસ્ટર્ન રેલવે પ્રશાસન શું કહે છે?

એસી ટ્રેનને લઈને જે સમસ્યા છે એ સંદર્ભે સમજાવતાં પશ્ચિમ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર રવિન્દર ભાકર કહે છે, ‘પ્રવાસીઓની હાડમારી ઓછી કરવાની દિશામાં સતત પ્રયાસો થઈ રહ્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા પાર્શિયલ એસી ટ્રેનો (સાદી લોકલ ટ્રેનમાં બે-ત્રણ એસીના ડબ્બા જોડવા) દોડાવવા માટે જે સ્કીમ બનાવવામાં આવી છે એને મંજૂરી માટે રેલવે મંત્રાલયને મોકલી આપવામાં આવી છે. આ રૂટ પર ટ્રાયલ બેઝ પર પાર્શલ એસી ટ્રેનો દોડાવવાની પરવાનગી મળ્યા પછી આગળની કામગીરી હાથ ધરવામાં આવશે. આખી પ્રક્રિયાને આટોપતાં અંદાજે પાંચથી છ મહિના જેટલો સમય લાગી શકે છે. જે લોકો એવું કહી રહ્યા છે કે હાલમાં દોડતી જનરલ ટ્રેનોમાં જ બે-ત્રણ એસી કોચ જોડી દેવા જોઈએ તો એ કઈ રીતે શક્ય બને? તેમને ટેક્નિકલ પાસાંઓની સમજણ નથી. એસી કોચને ઑપરેટ કરવા માટેનાં સૉફટવેર અને હાર્ડવેર જુદાં હોય. એની કપ્લિંગ પણ જુદી હોય. પાર્શિયલ એસી ટ્રેન દોડાવવા માટે એસી કોચની સાથે મૅચ થાય એવા જનરલ કોચની ડિઝાઇન અલગથી વિકસાવવી પડશે. અત્યારના જનરલ કોચ રિપ્લેસ થાય પછી એનું અમલીકરણ થઈ શકે. આ કંઈ રમકડું નથી કે રાતોરાત એસી ટ્રેનો દોડવા લાગે. પ્રવાસીઓએ થોડી ધીરજ રાખવી પડશે.’

આજના સમયમાં બધાને કમ્ફર્ટ ટ્રાવેલિંગ જોઈએ છે. એસીના કારણે ટ્રાવેલિંગનો થાક નથી લાગતો. હાઈ રેટ્સને લઈને જે લોકો કકળાટ કરી રહ્યા છે તેમણે મુસાફરીનો અનુભવ કરવાની જરૂર છે. ક્લીનલીનેસ, અક્યુરસી, સેફ્ટી અને સિસ્ટમૅટિકલી ક્યુ જેવી વ્યવસ્થા ધરાવતી એસી લોકલમાં ટ્રાવેલ માટે વધુ પૈસા આપવા પડે તો પણ અમને કોઈ વાંધો નથી. અમારું ૨૫ જણનું ગ્રુપ નિયમિતપણે ટ્રાવેલ કરે છે અને અમે ઇચ્છીએ છીએ કે હજી વધુ ટ્રેનો દોડાવવી જોઈએ

- બ્રિજલ વ્યાસ, વેસ્ટર્ન રેલવે પ્રવાસી

એસી ટ્રેનને દહાણુ અથવા પાલઘર સુધી લંબાવી દો તો રાઉન્ડ ટ્ર‌િપનો સમય લંબાઈ જશે જેથી સામાન્ય ટ્રેનના સમયપત્રકને અસર નહીં થાય. ચાર સર્વિસ દોડાવી શકાય એમ છે તો કેમ નથી દોડાવતા? સર્વિસ વધારવી ન હોય તો સામાન્ય ટ્રેનની સાથે જ એક આગળ અને એક છેલ્લે એમ બે એસી ડબ્બા જોડી દેવામાં આવે તો રૅકનો ઉપયોગ થઈ જશે, રેલવેની આવક વધશે અને પ્રવાસીઓને પણ રાહત થશે

- શૈલેશ ગોયલ, ઝોનલ રેલવે યુઝર્સ કમિટી મેમ્બર

ફર્સ્ટ ક્લાસમાં જવાવાળી પબ્લિક કરતાં સેકન્ડ ક્લાસમાં જવાવાળી પબ્લિક વધારે છે ત્યાં એસીની તો વાત જ જવા દો. સેન્ટ્રલ અને હાર્બર લાઇનમાં તો એસી ટ્રેન કરતાં મેગા બ્લૉકનો ન‌િવેડો લાવવાની તાકીદે જરૂર છે. પબ્લિક ત્રાસી ગઈ છે. વર્ષોથી દર રવિવારે કલાકો સુધી ટેક્નિકલ પ્રૉબ્લેમ સૉલ્વ કરવા માટે મેગા બ્લૉક રાખે છે તો હજી સુધી સમસ્યાનો અંત કેમ નથી આવ્યો એ સમજાતું નથી

- બિપિન શાહ, સેન્ટ્રલ રેલવે પ્રવાસી

Varsha Chitaliya mumbai local train columnists weekend guide