જીત જાએંગે હમ, તુ અગર સંગ હૈ:કોરોના સામેની આ લડતને પહોંચી વળવા એક રહેજો

25 March, 2020 06:56 PM IST  |  Mumbai | Manoj Joshi

જીત જાએંગે હમ, તુ અગર સંગ હૈ:કોરોના સામેની આ લડતને પહોંચી વળવા એક રહેજો

પ્રતીકાત્મક તસવીર

કોરોના દિવસે-દિવસે વકરતો જાય છે, બગડતો જાય છે અને એનો રંગ દેખાડતો જાય છે. રંગ દેખાડી રહેલા આ કોરોના સામે જો જીતવું હોય અને જો એની સામે ટકી રહેવું હશે તો એક થઈને ઊભા રહેવું પડશે. એક થઈને અને એકમેકથી જુદા રહીને. હા, આ સમયે બધાએ સાથે રહેવાનું છે, પણ ભેગા નથી થવાનું. આ સમયે બધાએ એક રહેવાનું છે, પણ એકસાથે નથી થવાનું. આ વાત હજી પણ અનેક જગ્યાએ સમજવામાં નથી આવી રહી. અનેક જગ્યાએ હજી પણ લોકો આ વાતને ગંભીરતાથી લેતા નથી. અનેક જગ્યાએથી એવી ખબર પડે છે કે કોરોનાના આ ખોફને પિકનિક  બનાવી દેવામાં આવી છે. લોકો ઘરે ભેગા થાય છે અને આખો દિવસ બધા સાથે રહીને મજા કરે છે. મજા એ મુદ્દો નથી, જરા પણ નહીં. મુદ્દો અત્યારે સાવચેતીનો છે. સગાં કે વહાલાંઓને ઘરે બોલાવવાનું ટાળજો. એ જોખમી છે. સગાં કે વહાલાંઓ જ નહીં, પણ હું તો કહીશ કે સોસાયટીમાં અને અપાર્ટમેન્ટમાં રહેતા લોકોને પણ તમારા ફ્લૅટમાં લાવવાનું ટાળજો. તમારા હિતની વાત છે. ઍટ લીસ્ટ અત્યારના તબક્કે તો આ કરવું પડે એમ છે અને જો એ નહીં કરી શકો તો જોખમ તમારા પર જ નહીં, એ લોકો પર પણ ઊભું થશે.

પાડોશીનું નાનું બાળક તમારા ઘરમાં જ મોટું થયું અને તેને તમારા ઘર સિવાય બીજું કશું દેખાતું ન હોય તો પણ આ તબક્કે તેને ઘરમાં બોલાવીને તમે એ બાળકનું જોખમ વધારી રહ્યા છો. તમે સાંભળ્યું હશે કે ભારત સરકાર પણ કહે છે કે ૧૦ વર્ષના બાળકથી લઈને સાઠ વર્ષના વડીલોએ સૌથી વધારે સાવચેત રહેવાનું છે અને આ સાવચેતીમાં તમારે તમારી સમજણ ઉમેરવાની છે. જો એ ઉમેરવામાં તમે નિષ્ફળ ગયા તો સમજી લેજો કે તમને કોઈ બચાવી નહીં શકે. કોરોના સામે તમારે માટે કોઈ લડત આપી નહીં શકે.

કોરોના એક વૈશ્વિક મહામારી છે. જો એની ગંભીરતા તમારામાં ન ઉમેરાવાની હોય તો તમારે ડૂબી મરવું જોઈએ. આ કોઈ જોણું નથી, આ કોઈ મનોરંજન નથી. આ મહામારી છે. જો તમને મહામારીની વ્યાખ્યાની ખબર ન હોય તો પહેલાં એ સમજી આવો, જઈને એ સમજશો તો તમને રિયલાઇઝ થશે કે મહામારી કોઈની સગી નથી હોતી. એ તમારી ભાવના નથી સમજતી, એને કોઈના ચહેરાની ઓળખાણ નથી હોતી અને મહામારીને કોઈની લાજશરમ નથી હોતી. કોરોના એક એવી મહામારીનું રૂપ લઈ રહ્યું છે જે અડધી દુનિયાની વસ્તી અડધી કરી નાખે એમ છે. સમજી લેજો, કોરોનાને તમે ગાંઠશો નહીં તો એ જરા પણ તમને સાચવશે નહીં કે સમજશે નહીં. તમારે સમજવું પડશે કે કોરોનાનું એક જ કામ છે, તમને વળગવાનું. હવે એની સામે તમારે ટકી રહેવું કે નહીં એ તમારે નક્કી કરવાનું છે. સમય આવી ગયો છે સાહેબ, કોરોના સામેનો જંગ જીતવાનો અને આ જંગ તો જ જીતી શકાશે જો તમે એક થઈને એકમેકથી જુદા રહેશો.

manoj joshi columnists coronavirus covid19