યાદ રાખજો, સાથે કંઈ લઈ નથી જવાનું

01 January, 2021 03:11 PM IST  |  Mumbai | Rashmin Shah

યાદ રાખજો, સાથે કંઈ લઈ નથી જવાનું

ફાઈલ ફોટો

જ્યારે પણ તકલીફ પડે, જ્યારે પણ પારિવારિક ચર્ચાઓમાં ઉગ્રતા આવે કે પછી જ્યારે સમય આપવાનો મુદ્દો આવે ત્યારે હંમેશાં એક વાત સંભળાવવામાં આવી છે. સાથે કંઈ લઈ નથી જવાનું. હા, બધું મૂકીને જવાનું છે અને એ મૂકીને જવાનું છે એટલે જ ભાગતા રહેવાનું છે.

થોડા હૈ, થોડે કી ઝરુરત હૈ અને થોડે મેં ગુઝારા હો જાતા હૈ.

૨૦૨૦માં આવી બહુ સુફિયાણી વાતો સાંભળી અને બહુ આવાં ગાણાંઓ સાંભળ્યાં. ગાઈવગાડીને કહેવામાં આવ્યું કે ક્યાં વધારે જરૂર છે? અને એ પણ સંભળાવવામાં આવ્યું કે કરવાનું કોના માટે? દલીલ પણ કરવામાં આવી કે શું કામ આટલું ભાગવાનું? અને પ્રેમથી પૂછવામાં આવ્યું કે શું ભેગું કરીને કરીશું? અનેકે તો પોતાના દાખલાઓ પણ આપ્યા અને અનેકે તો આ દાખલાઓ વચ્ચે ફિલોસૉફિકલ દૃષ્ટાંતો પણ આપીને કહ્યું કે બધું મૂકીને નીકળી જવાનું છે એટલે નાહકનાં હવાતિયાં નહીં મારો. પણ ના, એવું કરવાનું નથી અને એ વાતને ૨૦૨૧ પર ભારણ પણ બનવા દેવાની નથી. જરા પણ નહીં. શું કામ થોડું મળી જાય તો ખુશ થવાનું, શું કામ? શું કામ ઇચ્છાઓનો વધ કરવાનો અને શું કામ અપેક્ષાઓની હત્યાનું પાપ મસ્તક પર લેવાનું. પહેલાં આ કામ શાસ્ત્રોએ કર્યું અને એ પછી આ જવાબદારી વડીલોએ અને ૨૦૨૦ પીડિત લોકોએ જાત પર લઈ લીધી, પણ વાત માનવામાં માલ નથી અને આ રસ્તે ચાલવામાં સાર પણ નથી.
ઇચ્છાઓને આધીન થવાનું કામ ક્યારેક તો જીવનમાં થવું જોઈએને. જો ઇચ્છાઓમાં વિકૃતિ ન હોય, જો ઇચ્છાઓમાં કોઈનું અહિત ન હોય અને જો ઇચ્છાઓમાં કોઈને નુકસાન ન જતું હોય તો પછી એ ઇચ્છાઓને આ ‘થોડા હૈ, થોડે કી ઝરુરત હૈ’નો ટૅગ મારવાની જરૂર નથી. યાદ રાખજો, માઇન્ડને આ પ્રકારે કેળવી દેવામાં આવ્યું છે અને એ કેળવી દેવામાં આવ્યું છે એટલે હવે એ દિમાગ પણ ગાંડું થઈને આ જ પૅટર્ન પર કામ કરે છે. એ પણ આ જ ગાણું ગાયા કરે છે અને આ ગાણું ગાઈને એ જ દિશામાં લઈ જવાનું કામ કરે છે પણ ભૂલતા નહીં, આ દિમાગ જેવું શ્રેષ્ઠ સર્વન્ટ જગતમાં બીજું કોઈ નથી. એ એટલું જ કરે છે જેટલું તમે એને કહો છો. એ એટલું જ દોડે છે જેટલું તમે એને દોડાવો છો અને એ એટલું જ આપે છે જેટલું તમે એને ઑર્ડર કરો છો.

ન કમ, ન ઝ્યાદા.

જો એને તમારા આદેશની આટલી જ કદર હોય તો શીખેલી કે પછી પરાણે શીખવવામાં આવેલી પૅટર્નને તોડી નાખો અને એ દિશામાં આગળ નીકળી જાઓ જે દિશામાં આગળ જવાની, આગળ વધવાની ના પાડી દેવામાં આવી છે. શરત માત્ર એક જ કે ઇચ્છાની એ દિશા કોઈની હાનિ પહોંચાડનારી કે પછી કોઈને દુઃખ આપનારી ન હોવી જોઈએ. એ ઇચ્છામાં કોઈના માટે વિકૃતિ ન હોવી જોઈએ અને કોઈને નુકસાન પહોંચાડવાની ક્ષમતા પણ તેનામાં હોય નહીં. બાકી એક વાત બહુ સ્પષ્ટ છે. પાણી માગશો તો દૂધ મળશે એ વાત સદંતર ખોટી છે. પાણી માગો તો પાણી જ મળે અને દૂધ મળવું પણ શું કામ જોઈએ? તમે પાણી જ માગ્યું છે તો પછી પાણી જ મળવું જોઈએ.

એક બેડરૂમના ફ્લૅટમાં હો અને બે બેડરૂમમાં જવાની ઇચ્છા થતી હોય તો એ ઇચ્છાને પૂરી કરવા માટે ભાગવું પડે, દોડવું પડે અને એ દોટ પણ મૂકવી જોઈએ. એ સમયે થોડા હૈ, થોડે કી ઝરુરત હૈની વ્યાખ્યાને જો અનુસરવા બેસો તો વાજબી પ્રાઇસમાં મળતો ટૂ-બીએચકે ફ્લૅટ વેચાઈ જાય અને બીજો આવીને પોતાના સપનાનો આશિયાના સજાવવાનું શરૂ કરી દે. ‘થોડા હૈ, થોડી કી ઝરુરત હૈ’ની આ ફિલોસૉફી તાતા-બિરલા અને અંબાણીએ મસ્તકમાં નથી ભરી રાખી, એનો અર્થ શું એવો થયો કે તેમને જિંદગી જીવવા જેવી નથી લાગતી? એનો અર્થ શું એવો થયો કે એ લોકો જિંદગી નથી જીવતા? જીવે છે અને મારા-તમારા-આપણા કરતાં શ્રેષ્ઠ રીતે જીવે છે. વર્ષમાં બે વેકેશન કરે છે અને દર દસ દિવસે અબ્રૉડ પણ જાય છે. આ મહાનુભાવોને પણ ખબર જ છે કે બધું મૂકીને જ ફાની દુનિયાને અલવિદા કહેવાની છે અને તે એવું જ કરવાના છે અને એમ છતાં પણ દોટને ક્યાંય તેમણે ‘થોભ’ નથી કહ્યું. કહેવાનું પણ ન હોય.

મુંબઈના એક જાણીતા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ કપલને કોઈ બાળક નથી અને એ પછી પણ તેમણે ક્યારેય આવકને વધારવાનો કોઈ પ્રયાસ પડતો નથી મૂક્યો. આજે પણ એ ઇન્ડસ્ટ્રિયલિસ્ટ ફ્રેન્ડ રાતે એક વાગ્યા સુધી કામ કરે છે અને સવારે આઠ વાગ્યે તેનો મોબાઇલ સેકન્ડ-લાઇન પર મળવા માંડે છે. એક વખત તેને પૂછ્યું હતું કે પાછળ ખર્ચનારું કોઈ નથી તો પછી શું કામ આટલું ભાગવાનું ત્યારે તેમણે જે જવાબ આપ્યો હતો એ જવાબ જીવનની ફિલસૂફી બનવાને સક્ષમ છે. તેમણે કહ્યું હતું, ‘તમને લાગે છે કે પાછળ ખર્ચ કરનારું કોઈ નથી પણ હકીકત એ છે કે મેં પાંચ હજાર બાળકો અડૉપ્ટ કર્યાં છે અને મારે હજી પાંચ હજાર બાળકો અડૉપ્ટ કરવાં છે. મરીશ એ પહેલાં બધું ખર્ચી નાખીશ અને એની જ મને ખુશી છે. હું કમાયો અને મેં ખર્ચી નાખ્યું.’

જો શ્રેષ્ઠતમ જીવન જીવવું હોય તો અને જો શ્રેષ્ઠતમ સુવિધાઓ વાપરવી હોય તો પણ કમાવવું અને કમાવવા માટે ભાગવું જરૂરી છે. મંદિરમાં કે પછી દેરાસરમાં બેસીને પ્રભુધ્યાન ધરવું એ દરેક ઉંમરે સંતોષનો માપદંડ નથી, નથી ને નથી જ. એ નાસીપાસ માનસિકતાનું પણ પરિણામ હોઈ શકે છે અને એ આળસની પ્રકૃતિ પણ હોઈ શકે છે, એ ક્યાંક ને ક્યાંક શરણાગતિ સ્વીકારવાનો સ્વભાવ પણ હોઈ શકે છે અને એ ક્યાંક ને ક્યાંક જીવન પ્રત્યેના અણગમા કે પછી મધ્યમવર્ગીય લાચારીને આદર આપવાની વૃત્તિ પણ હોઈ શકે છે. જગતમાં કેટલાક લોકો એવા છે પણ ખરા જેને હંમેશાં મજબૂરી વહાલી લાગી છે અને જો એવા લોકો આસપાસમાં હોય તો પહેલું કામ એનાથી જોજનો દૂર જવાનું કરજો. જો એ કરવામાં થાપ ખાઈ ગયા તો એક દિવસ એવો આવીને ઊભો રહેશે કે જ્યારે તમે પણ કહેતા થઈ જશો, ‘થોડા હૈ, થોડે કી ઝરુરત હૈ...’

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists Rashmin Shah