તમારી પોતીકી જગ્યાને ડેકોરેટ કરવાનું ન ભૂલતાં

28 January, 2020 02:20 PM IST  |  Mumbai | Varsha Chitaliya

તમારી પોતીકી જગ્યાને ડેકોરેટ કરવાનું ન ભૂલતાં

કિચન સજાવટ

આજની પેઢીને રસોડામાં જવું ગમતું નથી અને જૂની પેઢીને લાગે છે કે તેમની જિંદગી રસોડામાં જ પૂરી થઈ ગઈ. જોકે નવા જનરેશનની વહુ હોય કે જૂની પેઢીની સ્ત્રી, ક્યારેય ગૃહિણી મટી જતી નથી. ઘર તેના કેન્દ્રબિંદુમાં હોય છે. એમાંય કિચન તો તેની પોતીકી જગ્યા છે. કહે છે કે ગૃહિણીઓના હાથમાં જાદુ હોય છે. કિચનમાં કામ કરવું બહુ મોટી વાત છે. જોકે રિસર્ચ કહે છે કે ઘરના એક-એક ખૂણાની સ્વચ્છતા અને સુઘડતામાં ચીવટ રાખનારી મહિલાઓ રસોડાને ડેકોરેટ કરવાનું સાવ જ વીસરી જાય છે. દિવસના ઘણાબધા કલાકો જ્યાં વિતાવવાના હોય એની સજાવટમાં તેઓ થાપ ખાઈ જાય છે.

હજારો રૂપિયા ખર્ચી સ્માર્ટ કિચન બનાવડાવી લીધા બાદ પણ ઘણી ગૃહિણીઓ નાની-નાની વસ્તુઓ માટે ખાંખાંખોળા કરતી જોવા મળે છે એટલું જ નહીં, નીરસ અને ખાલી-ખાલી દેખાતી રસોડાની દીવાલોની તેની હેલ્થ પર વિપરીત અસર પડે છે. અભ્યાસ કહે છે કે રસોડાની દીવાલોને ઘરના અન્ય રૂમની દીવાલોની જેમ જ જીવંત બનાવશો તો તમને કામ કરવાનો ક્યારેય કંટાળો નહીં આવે અને હેલ્થ પણ સારી રહેશે. આજે આપણે કિચનની સજાવટ દ્વારા કઈ રીતે પૉઝિટિવિટી ક્રીએટ કરી શકાય એ વિશે વાત કરીએ.

ઘરનો ઉંબરો ઓળંગ્યા બાદ જ તમે પ્રોફેશનલ બનો છો. ગમે એટલા ઊંચા પદ પર બેઠેલી મહિલા પણ ઘરની અંદર હાઉસવાઇફના રોલમાં જોવા મળે છે. ઇન્ટીરિયર ડિઝાઇનિંગ અને કન્સલ્ટન્સીના ક્ષેત્રમાં વીસ વર્ષનો બહોળો અનુભવ ધરાવતાં મલાડનાં સીમા વોરા કહે છે, ‘ઇન્ટીરિયરનું કામ હાથમાં લેતી વખતે સૌપ્રથમ ભારતીય મહિલાઓની આ લાક્ષણિકતાને ધ્યાનમાં રાખવી જોઈએ. ક્લાયન્ટના બજેટ અને રિક્વાયરમેન્ટની સાથે તેની વર્કિંગ સ્ટાઇલ તેમ જ હૉબી વિશે જાણકારી મેળવી લેવી જોઈએ. નાની જગ્યામાં કઈ રીતે વધુમાં વધુ સગવડ ઊભી કરી શકાય એનું પ્લાનિંગ કરવા જે રીતે ડિસ્કશન કરો છો એ જ રીતે રસોડાના વાતાવરણને જીવંત બનાવવા માટે શું કરવાનું છે એ બાબત ચર્ચા કરો. દાખલા તરીકે તમને મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ છે તો કિચનની વૉલ પર હાર્મોનિયમ કે ગિટારનું મિનિએચર જોવું ગમશે. થોડી સ્પેસ હોય તો ગિટારનું નાનકડું મૉડલ પણ ગોઠવી શકાય. તમારા શોખને એવી જગ્યાએ કન્વર્ટ કરો જ્યાં તમે દિવસનો સૌથી વધુ સમય વિતાવો છો.’

કિચનમાં ગૅલરી હોય તો અતિ સુંદર, પરંતુ ન હોય તો બારી તો છેને! બારી ઈસ્ટ ઓપન હોય તો બેસ્ટ. આગળ વાત કરતાં સીમા કહે છે, ‘બધી જ મહિલાઓ સવારે વહેલી ઊઠતી હોય છે અને સૌથી પહેલાં તે કિચનમાં જ પગ મૂકે છે. ઇન્ટીરિયરનું કામ હાથમાં લેતી વખતે મારો આગ્રહ હોય છે કે કિચનમાં કામ કરતી મહિલા ઊગતા સૂર્યને જુએ અને પક્ષીઓનો કલરવ સાંભળી શકે. માત્ર બે સેકન્ડ બારીની બહાર જોવાથી એટલી બધી પૉઝિટિવ એનર્જી મળશે કે તમને રસોડાનું રૂટીન કામ બોરિંગ નહીં લાગે. પીસફુલ વાતાવરણ માટે અહીં કેટલાક ગ્રીન કલરના એલિમેન્ટ ઍડ કરી શકાય. આ સિવાય રસોડામાં નાની સ્ક્રીન મૂકવાની ઍડ્વાઇસ આપું છું. આજકાલ ઇન્ટરનેટ પર વિડિયો જોઈને ડિશિસ બનાવવાનો ટ્રેન્ડ છે. વિડિયો ચાલુ રાખીને તમે નવા એક્સપરિમેન્ટ કરી શકો એવું પ્લાનિંગ તમારા ઉત્સાહમાં વધારો કરશે.’

કિચન, હાઉસવાઇફ અને નેચર આ ત્રણેય સાથે-સાથે રહે તો ગુડ ફીલ થાય એમ જણાવતાં વડાલાનાં લાઇફકોચ નીતા શેટ્ટી કહે છે, ‘કિચનમાં બધી જ વસ્તુ આર્ટિફિશ્યલ ન રાખો. એને ઇન્ટરેસ્ટિંગ બનાવો, આર્કિટેક્ચરનો નમૂનો જોતાં હો એવું ન લાગવું જોઈએ. હેલ્ધી રહેવા માટે આ ખૂબ જ જરૂરી છે. રસોઈમાં આપણે હર્બ્સ તો વાપરીએ જ છીએ. કિચનમાં જગ્યા હોય તો જુદા-જુદા હર્બ્સના છોડ વાવો. જગ્યા ઓછી હોય તોય ચિંતા કરવાની જરૂર નથી. આજકાલ એક બાય એક ફુટની જગ્યામાં પણ ગોઠવાઈ જાય એવા વર્ટિકલ પ્લાન્ટ્સ સહેલાઈથી ઉપલબ્ધ છે. તમારા રસોડામાં હિબિસ્કસ, રોઝમેરી, પેપરમિન્ટ, બ્લુ બટરફ્લાય, લેમનગ્રાસ જેવા પ્લાન્ટ્સ હોવા જોઈએ. માત્ર સુંદરતા માટે નહીં, પણ સ્વાસ્થ્ય માટે ઉગાડો. ઘણી વાર કામ ખૂબ વધી જતું હોય છે અને એના કારણે કકળાટ પણ. આવા સમયે પોતાના હાથે માવજત કરેલા છોડનાં ફૂલ ચૂંટી બનાવેલી મસ્ત હર્બલ ટી પી લો. શરીરમાં તાજગી અને સ્ફુર્તિનો સંચાર થતાં જ કંટાળો અને કકળાટ છૂમંતર થઈ જશે.

‘મહિલાઓને મારી ખાસ ભલામણ છે કે ઇન્ટીરિયરનું કામ આપતી વખતે કિચનની એક દીવાલ અથવા ખૂણો વાઇટવૉશ મારી છોડી દેવાનું કહો. આગળ વાત કરતાં નીતા કહે છે, ‘આ દીવાલ તમારી છે અને એના પર શું કરવું છે એનો નિર્ણય ફક્ત તમારા હાથમાં રાખો. એના પર તમારા હાથે જેવો આવડે એવો અને જેવો ગમે એવો કલર કરી બ્યુટિફુલ બનાવો. કાબરચીતરી દીવાલ હશે તો પણ તમારી ક્રીએટિવિટીના કારણે એ તમને જીવંત લાગશે. બેજાન દીવાલોમાં જાન રેડવાની જવાબદારી જાતે ઉપાડો, પછી જુઓ કેવી મજા આવે છે કિચનમાં કામ કરવાની. યસ, આંખોને ઠંડક પહોંચાડતા ગ્રીન કલરને પ્રાથમિકતા આપો. સ્ટ્રેસ ઓછું કરવા કિચનમાં મોટિવેશનલ ક્વોટ સાથેના ફોટોગ્રાફ મૂકવાનું ન ભૂલો.’

કિચનમાં કામ કરતી મહિલા ઊગતા સૂર્યને જુએ અને પક્ષીઓનો કલરવ સાંભળી શકે એવી ગોઠવણ પર અમે ભાર મૂકીએ છીએ. પીસફુલ વાતાવરણ માટે અહીં ગ્રીન કલરના એલિમેન્ટ ઍડ કરી શકાય. આજકાલ ઇન્ટરનેટ પર વિડિયો જોઈને વાનગીઓ બનાવવાનો ટ્રેન્ડ છે તેથી રસોડામાં નાની સ્ક્રીન હોવી જોઈએ. વિડિયો ચાલુ રાખીને તમે નવા એક્સપરિમેન્ટ કરી શકો એવું પ્લાનિંગ ગૃહિણીઓના ઉત્સાહમાં વધારો કરે છે.

- સીમા વોરા, ઇન્ટીરિયર ડિઝાઇનર ઍન્ડ કન્સલ્ટન્ટ

 આર્કિટેક્ટને કિચનની એક દીવાલને વાઇટવૉશ મારી છોડી દેવાનું કહો. આ દીવાલને તમારા હાથે જેવો આવડે એવો અને જેવો ગમે એવો કલર કરી બ્યુટિફુલ બનાવો. કાબરચીતરી દીવાલ હશે તો પણ તમારી ક્રીએટિવિટીના કારણે એ તમને જીવંત લાગશે. આ સાથે જુદા-જુદા હર્બ્સના વર્ટિકલ પ્લાન્ટ્સ અને મોટિવેશનલ ક્વોટ સાથેના ફોટોગ્રાફ મૂકવાથી પણ સકારાત્મક વાતાવરણ બનશે. પરિણામે સ્વાસ્થ્ય સારું રહેશે

- નીતા શેટ્ટી, લાઇફકોચ

Varsha Chitaliya columnists