મહાત્મા ગાંધીજી અને ગૂજરાત વિદ્યાપીઠની વાગોળવા જેવી વાતો

30 January, 2020 01:09 PM IST  |  Mumbai | Shailesh Nayak

મહાત્મા ગાંધીજી અને ગૂજરાત વિદ્યાપીઠની વાગોળવા જેવી વાતો

ગાંધીબાપુ

જેની સ્થાપના સ્વરાજ પ્રાપ્તિ માટે કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તાઓ તૈયાર કરવા માટે થઈ હતી એ અમદાવાદસ્થિત વિશ્વ પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ત્યારથી ગાંધીજી જીવનપર્યંત તેના કુલપતિ રહ્યા હતાઃ આજેય બાપુના સિદ્ધાન્તોને અનુસરતી આ શૈક્ષણિક સંસ્થાનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે જાણીએ અવનવી વાતો.

સ્વરાજ માટે જેમના માર્ગદર્શન અને નેતૃત્વમાં લડત ચાલી અને દેશને આઝાદી અપાવવામાં જેમનો સિંહફાળો છે એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ દેશ આઝાદ થયા બાદ ભારત સરકારમાં કોઈ હોદ્દો સ્વીકાર્યો નહીં પણ ગાંધીબાપુએ છેલ્લા શ્વાસ સુધી ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદે રહીને વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને સંસ્કારનો પાયો મજબૂત કર્યો હતો. જેની સ્થાપના પાછળનું ધ્યેય સ્વરાજ્ય પ્રાપ્તિ માટે ચાલતી પ્રવૃત્તિઓ અર્થે ચારિત્ર્યવાન, શક્તિસંપન્ન, સંસ્કારી અને કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તાઓને તૈયાર કરવાનું હતું એ અમદાવાદસ્થિત વિશ્વપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના પછી ગાંધીજી જીવનપર્યંત એના કુલપતિ રહ્યા હતા. આજે પણ ગૂજરાત વિદ્યાપીઠ ગાંધી વિચાર પદ્ધતિ દ્વારા નવી પેઢીને જીવન ઘડતરની કેળવણી પૂરી પાડી રહી છે.

 

કેળવણી સંસ્થાનો પાયો

ગાંધીજી ૧૯૧૫માં જ્યારે ભારત આવ્યા તો તેમણે રાષ્ટ્રીય શિક્ષણ પર ભાર મૂક્યો હતો. તા.૨૯-૦૮-૧૯૨૦ના અમદાવાદમાં મળેલી ચોથી ગુજરાત રાજકીય પરિષદમાં ઇન્દુલાલ યાજ્ઞિકના આગ્રહ પર વિવિધ રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓ સાથે સમન્વય કરવાના હેતુથી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાનો ઠરાવ પસાર કર્યો હતો અને તા. ૧૮-૧૦-૧૯૨૦ના દિવસે મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી અને મોહનદાસ કરમચંદ ગાંધી ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદે નિયુક્ત થયા હતા. વિદ્યાપીઠની સ્થાપના થયાના એક મહિનાની અંદર જ અમદાવાદના ઍલિસબ્રિજ વિસ્તારના પ્રીતમનગરમાં ભાડાના મકાનમાં ગાંધીજીએ ગૂજરાત મહાવિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું અને સ્થાપના સમારંભ યોજાયો હતો. આમ ગૂજરાત વિદ્યાપીઠની શરૂઆત ભાડાના બંગલોમાં થઈ હતી. આ બંગલો ડાહ્યાભાઈ ઇજતરામ વકીલનો હતો. ગૂજરાત વિદ્યાપીઠનું સ્થળ બે વાર બદલાયા પછી હાલમાં અમદાવાદના આશ્રમ રોડ પર સ્થાયી થયું હતું. પ્રીતમનગરના ભાડાના મકાનમાંથી ગૂજરાત વિદ્યાપીઠનું સ્થળાંતર અમદાવાદના નેહરુ બ્રિજ પાસે આવેલી આગાખાન એસ્ટેટમાં થયું હતું અને ત્યાંથી કાયમી ધોરણે આશ્રમ રોડ પર સ્થાયી થયું છે.

મહાત્મા ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવા પાછળનું ધ્યેય સ્પષ્ટ કર્યું હતું કે વિદ્યાપીઠનું મુખ્ય કામ સ્વરાજ્ય પ્રાપ્તિને સારુ ચાલતી પ્રવૃત્તિઓને અર્થે ચારિત્ર્યવાન, શક્તિસંપન્ન, સંસ્કારી અને કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તાઓ તૈયાર કરવાનું છે.

મહાત્મા ગાંધીજીની ૫૪મી જન્મતિથિના દિવસે શરૂ કરેલા ગૂજરાત વિદ્યાપીઠ માટેના ફાળામાં ડૉ. પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતાએ અઢી લાખ રૂપિયા દાન આપ્યું હતું. એમાંથી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાણજીવન વિદ્યાર્થી ભવન બનાવ્યું હતું. એનું ઉદ્ઘાટન તા. ૧૪ જાન્યુઆરી, ૧૯૨૫માં ગાંધીજીએ કર્યું હતું. ઉલ્લેખનીય વાત એ છે કે વિદ્યાપીઠના પાયામાં રેંટિયાના ચિહ્‍નવાળી ઈંટોથી ચણતર કરાયું હતું. પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના પાયાની ઈંટો પર રેંટિયાનું ચિહ્‍ન છે અને આવી એક ઈંટ ગુજરાત વિદ્યાપીઠના મ્યુઝિયમમાં સાચવીને રાખવામાં આવી છે.

 

કુલપતિપદે મહાનુભાવો

ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. અનામિક શાહે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘૧૮-૧૦-૨૦૧૯ના દિવસે ગૂજરાત વિદ્યાપીઠે ૯૯ વર્ષ પૂરાં કરીને ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ગૂજરાત વિદ્યાપીઠનું આ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. એક જ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, એક નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, એક રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને એક વડા પ્રધાન અને નાયબ વડા પ્રધાન મોરારજી દેસાઈ, કન્ટિન્યુઅસ – લાગલગાટ એક પછી એક એમ કુલપતિ રહ્યા હોય એવી દુનિયાની એકમાત્ર યુનિવર્સિટી ગૂજરાત વિદ્યાપીઠ છે. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થયા પછી ગાંધીજી જીવનપર્યંત એના કુલપતિ રહ્યા હતા.’

દાંડીયાત્રા દરમ્યાન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ કરેલી કામગીરીના ઇતિહાસ વિશે ડૉ. અનામિક શાહે કહે છે કે ‘ગાંધીજીએ જ્યારે દાંડીયાત્રા કાઢી હતી ત્યારે પહેલો મુકામ ગૂજરાત વિદ્યાપીઠ હતો. દાંડીયાત્રામાં વિદ્યાપીઠના છ અધ્યાપકો જોડાયા હતા એટલું જ નહીં, દાંડીયાત્રાના રૂટ સ્કાઉટિંગ માટે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની અરુણ ટુકડી બની હતી. બાપુ જે જગ્યાએથી પસાર થવાના હોય એની પરિસ્થિતિ, સમાજજીવનનો ખ્યાલ આવે એ માટે વિદ્યાર્થીઓ સર્વે કરતા હતા અને એનો અહેવાલ બાપુને આપતા હતા.’

આજે પણ એ જ સિદ્ધાન્તો

આજના બદલાયેલા આધુનિક સમયમાં પણ ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ગાંધીબાપુને પ્રિય એવી ખાદીનો ડ્રેસ જ પહેરે છે અને રેંટિયો કાંતે છે. રેંટિયો અહિંસા, સત્યના આધારે રહેલી સ્વતંત્રતાની ચળવળની યાદ કરાવે છે. નવી પેઢી એનાથી વાકેફ રહે છે ત્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંગે તેમણે કહ્યું હતું કે ‘ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાની સાથે-સાથે સ્વાવલંબી બનીને બહાર નીકળે છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહે છે અને વહેલા ઊઠવાથી માંડીને સ્વાવલંબીપણાની દિશામાં શરીરશ્રમ, બગીચા સફાઈ, રૂમ સફાઈ, ટૉઇલેટ સફાઈ, કપડાં જાતે ધોવાં, કિચન વર્ક સહિતની કામગીરી સંભાળે છે. વેસ્ટ કચરામાંથી ખાતરનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઉદ્યોગ દ્વારા શિક્ષણ પણ અપાય છે.’

ગાંધીજી ગૂજરાત વિદ્યાપીઠમાં કંઈ કેટલીયે વાર અધ્યાપન કાર્ય કરતા હતા અને વિદ્યાર્થીઓને શિક્ષિત કર્યા હતા. બાપુએ વિદ્યાપીઠના આચાર્ય, અધ્યાપકો અને વિદ્યાર્થીઓને ‘સૂતરના તાંતણે સ્વરાજ’ની વાત સમજાવી હતી. વિદ્યાર્થીઓ સાથે નિકટનો સંપર્ક થાય એ માટે ગાંધીજી વિદ્યાપીઠમાં નિવાસ પણ કરતા હતા. આઝાદીની લડતના સાક્ષી બની રહેલા અને કંઈ કેટલાય નામી–અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓનાં પગલાં જે ભૂમિ પર પડ્યાં છે એ ગૂજરાત વિદ્યાપીઠના પરિસરમાં પ્રવેશો એટલે લીલાંછમ વૃક્ષોના પગલે ઠંડકનો અને એક પ્રકારની શાંતિનો અહેસાસ અચૂક થાય છે.

 

જાણી-અજાણી વાતો

 

૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠની શરૂઆત અમદાવાદમાં આવેલા આ બંગલોમાંથી થઈ હતી.

 

બાપુનું એક મહિનાનું મૌન

૧૯૩૬માં જ્યારે ગાંધીજીને લોહીનું દબાણ વધી જવાથી પ્રૉબ્લેમ થઈ ગયો હતો ત્યારે ગાંધીબાપુને પૂરતો આરામ મળી રહે એ માટે સરદાર વલ્લભભાઈ ખડેપગે રહ્યા હતા અને લગભગ એક મહિના સુધી કોઈ પણ વ્યક્તિ સરદાર પટેલની અનુમતિ વગર બાપુને મળી શકી નહોતી. એક મહિના દરમ્યાન ગાંધીબાપુએ મૌન પાળ્યું હતું. ડૉ. અનામિક શાહે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે ‘ગાંધીબાપુ બીમાર પડ્યા ત્યારે સરદાર પટેલે તેમને કહ્યું હતું કે બધી પ્રવૃત્તિ છોડી આરામ કરવા આવો અને સરદાર પટેલ બાપુને આગ્રહ કરીને લાવ્યા હતા. આ મહિના દરમ્યાન સરદાર પટેલની દેખરેખ હેઠળ બાપુ રહ્યા હતા. બાપુને કોઈ તકલીફ ન પડે એ માટે કોણ બાપુને મળી શકે એ સરદાર પટેલ નક્કી કરતા હતા.’

 

વિદ્યાર્થીઓને હાથે વણેલાં સૂતરની ભેટ

૧૯૨૪ના વર્ષમાં જ્યારે ગાંધીબાપુ જેલમાંથી છૂટ્યા ત્યારે તેમને સત્કારવા માટે ગૂજરાત વિદ્યાપીઠમાં બોલાવવામાં આવ્યા હતા.ગૂજરાત વિદ્યાપીઠનાં અસોસિએટ પ્રોફેસર બિન્દુવાસિની જોષી આ વિશે કહે છે કે ‘રાજદ્રોહના કેસમાં ગાંધીબાપુ યેરવડા જેલમાં હતા. એ વખતે તેમને ઍપેન્ડિસાઇટિસની મુશ્કેલી ઊભી થઈ હતી. સાસૂન હૉસ્પિટલમાં બાપુને ઍડમિટ કરીને ઍપેન્ડિક્સનું ઑપરેશન થયું હતું. ત્યાંથી છૂટ્યા પછી બાપુ મુંબઈના જુહુ વિસ્તારમાં રહ્યા અને અમદાવાદ પાછા આવ્યા ત્યારે ગાંધીબાપુનો સત્કાર કરવા તેમને ગૂજરાત વિદ્યાપીઠમાં બોલાવવામાં આવ્યા હતા. બાપુને ત્યારે વિદ્યાર્થીઓના હાથે વણેલાં સૂતરનાં પંચિયાં, ચાદર તેમ જ દરેક વિદ્યાર્થીએ કાંતેલુ ઓછામાં ઓછું પાંચ તોલા સૂતર ગાંધીજીને ભેટ આપવામાં આવ્યું હતું.’

 

ચળવળમાં શૈક્ષણિક કાર્ય બે વખત બંધ

આઝાદીની ચળવળ ચાલતી હતી એ સમયે ગૂજરાત વિદ્યાપીઠમાં શૈક્ષણિક કાર્ય બે વખત બંધ રહ્યું હતું અને વિદ્યાર્થીઓ તેમ જ શિક્ષકો લડતમાં જોડાયા હતા. ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આઝાદીના રંગે રંગાયા હતા. સ્વતંત્રતાની પ્રાપ્તિ માટેની રાષ્ટ્રીય ચળવળ દરમ્યાન ૧૯૩૦થી ૧૯૩૫ના સમયગાળા દરમ્યાન વિદ્યાપીઠમાં શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું હતું. તેમજ ૧૯૪૨થી ૧૯૪૫ દરમ્યાન હિન્દ છોડોની ચળવળમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાતાં વિદ્યાપીઠમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેવા પામ્યું હતું.

shailesh nayak mahatma gandhi columnists