સંવરના સત્તાવન ભેદોને તમે જાણો છો?

02 February, 2020 02:15 PM IST  |  Mumbai | Chimanlal Kaladhar

સંવરના સત્તાવન ભેદોને તમે જાણો છો?

‘સંવર’ એ જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે. મન, વચન, કાયાની પ્રવૃત્તિરૂપ કાર્યથી ઉત્પન્ન થનારા કર્મોને રોકનાર, આત્માના શુદ્ધ ભાવોનું નામ છે ‘સંવર.’ જૈન શાસ્ત્રકારોએ સંવરના ૫૭ ભેદ બતાવ્યા છે, તે આ પ્રમાણે છે ઃ ૫ સમિતિ,  ૩ ગુપ્તિ, ૧૨ ભાવના, ૨૨ પરિષહ, ૧૦ યતિધર્મ અને ૫ ચારિત્રધર્મ.  પાંચ સમિતિમાં (૧) ઇરિયા સમિતિ, (૨) ભાષા સમિતિ (૩) એષણા સમિતિ, (૪) આદાન-નિક્ષેપ સમિતિ અને (૫) પારિષ્ઠાપનિકા સમિતિનો સમાવેશ થાય છે. ત્રણ ગુપ્તિમાં  (૧) મનોગુપ્તિ (૨) વચનગુપ્તિ અને (૩) કાયગુપ્તિ આવે છે. બાર ભાવનાઓમાં (૧) અનિત્ય ભાવના, (૨) અશરણ ભાવના, (૩) સંસાર ભાવના, (૪) એકત્વ ભાવના, (૫) અન્યત્વ ભાવના, (૬) અશુચિ ભાવના (૭) આશ્રમ ભાવના (૮) સંવર ભાવના, (૯) નિર્જરા ભાવના, (૧૦) લોકસ્વભાવ ભાવના (૧૧) બોધિદુર્લભ ભાવના અને (૧૨) ધર્મભાવનાનો સમાવેશ થાય છે.

બાવીસ પરિષહમાં (૧) ક્ષુધા પરિષહ,  (૨) તૃષ્ણા પરિષહ, (૩) શીત પરિષહ,  (૪) ઉષ્ણ પરિષહ, (૫) દંશ-મશક પરિષહ, (૬) અચેલ પરિષહ, (૭) અરતિ પરિષહ, (૮) સ્ત્રી પરિષહ, (૯) ચર્ચા પરિષહ, (૧૦) નિષધા પરિષહ, (૧૧) શય્યા પરિષહ, (૧૨) આક્રોષ પરિષહ, (૧૩)  વધ પરિષહ, (૧૪) યાચના પરિષહ, (૧૫) લાભ પરિષહ, (૧૬) રોગ પરિષહ, (૧૭) તૃષ્ણ-સ્પર્શ પરિષહ, (૧૮) મલ પરિષહ,  (૧૯) સત્કાર પરિષહ, (૨૦) પ્રજ્ઞા પરિષહ, (૨૧) અજ્ઞાન પરિષહ, (૨૨) સમ્યકત્વ પરિષહ આવે છે. દસ યતિધર્મમાં  (૧) ક્ષાન્તિ, (૨) માર્દવતા, (૩) ઋજુતા, (૪) મુક્તિ, (૫) તપ, (૬) સંયમ, (૭) સત્ય, (૮) શૌચ, (૯) અકિંચન અને (૧૦) બ્રહ્મચર્યનો સમાવેશ થાય છે.  પાંચ ચારિત્રમાં (૧) સામાયિક ચારિત્ર, (૨) છેદોપસ્વાપનીય ચારિત્ર, (૩) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર અને (૫) યથાખ્યાત ચારિત્ર આવે છે.

ચાલવા-ફરવાની ક્રિયા સમયે પૂરી કાળજી રાખવી જોઈએ, જેથી કોઈ જીવની હિંસા ન થાય તે ઇરિયા સમિતિ છે. બોલવા સમયે ધ્યાન રાખવું જોઈએ જેથી કોઈ જીવની હિંસા ન થઈ શકે તે ભાષા સમિતિ છે. નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવી તે એષણા સમિતિ છે. પોતાના કામમાં આવનારી ચીજવસ્તુઓને લેવી-મૂકવી હોય તો એવી રીતે લેવી-મૂકવી જોઈએ કે તેનાથી કોઈ જીવની હિંસા ન થાય તે આદાન નિક્ષેપ સમિતિ છે. મનને ગોપવવું, મનની ચંચળતા રોકવી અર્થાત ખરાબ વિચારો મનમાં ન આવવા દેવા તે મનોગુપ્તિ છે. વાણીનો નિરોધ કરવો, મૌન રહેવું, મુખ, હાથ આદિ શારીરિક ચેષ્ઠાઓથી પણ કામ ન કરવું અને જે બોલવું તે સત્ય અને પ્રિય બોલવું તે વચનગુપ્તિ છે. શરીરનું ગોપન કરવું, વિના-પ્રયોજન શારીરિક ક્રિયા ન કરવી અર્થાત શરીરની સ્વચ્છંદ ક્રિયા ત્યાગ અને મર્યાદિત ક્રિયાનો સ્વીકાર કરવો તે કાયગુપ્તિ છે.

આ શરીર, જીવન, યૌવન,  ધન-ધાન્યાદિ જે જોવામાં આવે છે તે બધા અનિત્ય છે, નાશવંત છે એવું દૃઢ રીતે સમજવું તે અનિત્ય ભાવના છે. જીવ એકલો આવ્યો છે અને એકલો જ જવાનો છે. એની સાથે માતા, પિતા, પત્ની, પુત્ર, ભાઈ-બહેન કોઈ શરણ થઈ શકે તેમ નથી તેમ વિચારવું તે અશરણ ભાવના છે. આ સંપૂર્ણ સંસાર માત્રને માત્ર કર્મનું ફળ છે. સુખી, દુ:ખી, રોગી, રાજા, રંક વગેરે જેટલી પણ વિચિત્રતા જોવામાં આવે છે તે બધું જ કર્મનું ફળ છે. આ કર્મોના કારણે જીવ-દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ અને નરકગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. આવો વિચાર સતત કરવો તે સંસાર ભાવના છે. જીવ એકલો જ જન્મ લે છે અને એકલો જ ચાલી જાય છે. કર્મ પણ એકલો જ કરે છે અને એકલો જ ભોગવે છે. જીવ અનેક પ્રકારના પાપકર્મ કરી ધન-દોલત મેળવે છે. સ્વાર્થી લોકો તેની કમાયેલી સંપત્તિમાંથી તાગડધિન્ના પણ કરતા હોય છે, પરંતુ તેણે કમાવવા માટે કરેલ પાપકર્મ તો સ્વયં તેને જ ભોગવવાનું રહે છે. એટલા માટે જ હું એકલો છું, મારું કોઈ નથી એવી ભાવના ભાવવી એ એકત્વ ભાવના છે. હું અને મારું શરીર ભિન્ન છે, જુદા છે. ઘર-બાર, પુત્રાદિ પરિવાર વગેરે બધા મારા આત્માથી જુદા છે. આમ જુદાઈ સમજવાથી સંયોગ-વિયોગજન્ય સુખ-દુ:ખ નહીં થાય. આવી ભાવના તે જ અન્યત્વ ભાવના.

આ શરીર અશુચિ ભાવનાથી બન્યું છે, અશુચિ પદાર્થથી ભરેલું છે. આ શરીરને ગમે તેટલું સાફ, સ્વચ્છ રાખો, તેલ, અત્તર, પાઉડર લગાવો તો પણ તેની અંદર રહેલી અપવિત્રતા દૂર થનારી નથી. આ અશુચિતાનો વિચાર કરીને આ શરીર પર મોહ ન રાખવો તે અશુચિ ભાવના છે. જેના દ્વારા કર્મોનું આવરણ બંધાય છે તેનું નામ છે આશ્રય. મુખ્યતયા મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી જ કર્મો બંધાતાં હોય છે.

આ સમજણ કેળવી જેનાથી નિરર્થક કર્મબંધ થાય એવાં કાર્યોથી દૂર રહેવું તે જ આશ્રવ ભાવના છે. આશ્રવોને રોકવો, નિરોધ કરવો એનું નામ છે ‘સંવર.’ સંવરનું કામ પ્રવૃત્તિઓને રોકીને મન, વચન, કાયાને એકાગ્ર કરવાનું છે. સંવર ભાવનાથી આશ્રવદ્વાર રોકાઈ જાય છે. આશ્રવદ્વાર રોકાઈ જવાથી નવાં કર્મો અટકી જાય છે. આવી શુભ વિચારણાને સંવર ભાવના કહે છે. આત્માની ઉપર લાગેલા કર્મોને દૂર કરવા, નષ્ટ કરવા એનું નામ જ છે નિર્જરા. આશ્રવનું કામ કર્મને લાવવાનું છે. તેને રોકવાનું કામ સંવરનું છે. નિર્જરા કામ આત્માને લાગેલા કર્મોને દૂર કરવાનું છે. હું મારા કર્મોને દૂર કરવા તપશ્ચર્યાદિ કરું છું. તેવી ભાવના તે નિર્જરા ભાવના છે. આ લોકમાં પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા, સ્વર્ગ, નરક, આકાશ વગેરેનો સમાવેશ થાય છે. એના આ લોક ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય આ સ્વરૂપથી છે, અનાદિ અનંત છે. કોઈનું બનાવેલું નથી. આ લોકના ત્રણ વિભાગ છે - ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્યંચ લોક. સમસ્ત જીવ અને પુદ્ગલ આની અંદર જ રહે છે. ઇત્યાદિ આ લોકસ્વરૂપ વિચારવું તે લોકસ્વભાવ ભાવના છે. હવે વાત છે બોધિદુર્લભ ભાવનાની. ‘બોધિ’ એટલે સમ્યકત્વ, સમકિત, દર્શન, શ્રદ્ધા. આ  બધા પર્યાયવાયી શબ્દો છે. આ ‘બોધિ’ એટલે કે સમ્યકત્વ, શ્રદ્ધા પ્રાપ્ત થવી ઘણી દુર્ઘટ છે, ઘણી મુશ્કેલ છે. મહાપુણ્ય એકત્ર થયા હોય ત્યારે જ આ જીવ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિમાંથી નીકળીને બેઇન્દ્રિયવાળો થાય છે. ત્યાંથી અનુક્રમે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયવાળો થાય છે. તેથી પણ જેવી જેવી પુણ્ય પ્રકૃતિ વધે છે તેવાં તેવાં આર્યક્ષેત્ર, ઉત્તમ જાતિ, ઊંચું કુળ, સુંદર શરીર વગેરે મળતા ધર્મશ્રવણ, સંત સમાગમ અને બોધિ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. ‘બોધિ’ એ મોક્ષફળને ઉત્પન્ન કરનાર વૃક્ષનું ફળ છે. બીજ સારું હોય તો વૃક્ષ ઊગે અને એ વૃક્ષથી ફળ-ફૂલ ઉત્પન્ન થાય. મને એવી જ રીતે બોધિ-બીજની પ્રાપ્તિ થાઓ એવી ભાવના ભાવવી એ જ બોધિ દુર્લભ ભાવના છે.

આ લેખ અહીં પૂર્ણ થતો નથી. હજુ આ લેખના અનુસંધાનમાં બાવીસ પરિષહ, દસ યતિધર્મ અને પાંચ ચારિત્ર ધર્મની વાત કરવાની છે - એ હવે આવતા અંકમાં અહીં પ્રસ્તુત થશે.

columnists chimanlal kaladhar weekend guide