રાજેશ ખન્ના અને શક્તિ સામંત દો જિસ્મ એક જાન

29 February, 2020 04:08 PM IST  |  Mumbai | Raj Goswami

રાજેશ ખન્ના અને શક્તિ સામંત દો જિસ્મ એક જાન

બ્લૉકબસ્ટર - ફિલ્મી દુનિયાના જાણીતા સર્જકો અને એમનાં સર્જનની ઓછી જાણીતી વાતો

‘આરાધના’ (૧૯૬૯) રાજેશ ખન્ના અને કિશોરકુમાર બન્ને માટે ટંકશાળ બનીને આવી હતી. એ પહેલાં બન્નેની કારકિર્દી લંગડાતી હતી, પણ ‘આરાધના’માં ‘ભલું થયું’ કે સચિનદેવ બર્મન બીમાર પડ્યા અને તેમના કૂદાકૂદ કરતા વાછરડા રાહુલ દેવ બર્મને મોહમ્મદ રફીના બદલે કિશોર પાસે ‘મેરે સપનોં કી રાની કબ આએગી તૂ...’ ગવડાવ્યું. સચિનદેવે ‘પહેલા’ રાજેશ ખન્ના (અરુણ વર્મા) માટે બે ગીતો બાગોં મેં બહાર હૈ અને ગુનગુના રહે હૈ ભંવરે ‘ધીર-ગંભીર’ મોહમ્મદ રફી પાસે રેકૉર્ડ કરાવી દીધેલાં, પણ નવોદિત આર.ડી.ને ‘બીજા’ રાજેશ ખન્ના (સૂરજ સકસેના) માટે ‘મસ્તીખોર’ કિશોરને પસંદ કર્યો. ‘આરાધના’ ફિલ્મ તો ધુંઆધાર ચાલી, પણ મેરે સપનોં કી રાની... પણ એવું બ્લૉકબસ્ટર સાબિત થયું કે રાજેશ, કિશોર અને નિર્દેશક શક્તિ સામંત કાયમ માટે એકબીજાના પર્યાય બની ગયા.

શક્તિ સામંતને ગીત-સંગીતની સારી સૂઝ હતી અને એ વખતે મોહમ્મદ રફીની ગણના (રાજેન્દ્ર કુમાર, ધર્મેન્દ્ર, શમ્મી કપૂર, સુનીલ દત્ત, જૉય મુખરજી અને જિતેન્દ્ર જેવા) ‘હીરોના અવાજ’ તરીકે થતી હતી તથા સચિનદેવ બર્મન સિનિયર-મોસ્ટ સંગીતકાર હતા છતાં તેમને ‘આરાધના’ના પૂર્વાર્ધમાં રાજેશ-કિશોર-રાહુલના ‘સેક્સી સંગમ’ની કિંમત સમજાઈ ગઈ હતી અને થયું પણ એવું જ છે કે દર્શકો ઉત્તરાર્ધવાળા ફ્લાઇટ લેફ્ટનન્ટ અરુણ વર્માને ભૂલી ગયા અને પૂર્વાર્ધવાળા સૂરજ પર ઓવારી ગયા.

પટકથાલેખક અને ગીતકાર જાવેદ અખ્તર કહે છે, ‘ફિલ્મોના સફળ સંગીતની દુનિયામાં હિટ-સંગીત હોય છે અને સુપરહિટ-સંગીત હોય છે, પણ અહીં તો આરાધના-સંગીત હતું જે સુપરહિટ-સંગીતથી ઊંચું હતું. આ ફિલ્મ લાજવાબ હતી અને એણે રાજેશ ખન્નાને સાતમા આસમાને બેસાડી દીધો.’

એક ઇન્ટરવ્યુમાં શક્તિ સામંત કહે છે, ‘‘આરાધના’માં સચિનદાએ મારી કારકિર્દીનું સૌથી હિટ સંગીત આપ્યું હતું. ‘આરાધના’નાં ગીતોની રેકૉર્ડના વેચાણમાંથી જ મેં એટલા પૈસા મેળવ્યા હતા કે પછીની પાંચ ફિલ્મોનો ખર્ચો નીકળી ગયો. એ ગીતોને પાંચ ભાષામાં ડબ કરીને રેકૉર્ડ રિલીઝ કરવામાં આવી હતી અને તમામ ભાષામાં એ હિટ હતાં.’

જોકે આર.ડી.એ બે ગીતો કમ્પોઝ કર્યાં હોવાની વાતને સામંત ‘અફવા’ ગણાવે છે. ‘આર.ડી. ખાલી ઑર્કેસ્ટ્રા પર જ કામ કરતો હતો,’ સામંત કહે છે, ‘દાદા તેની સલાહ લેતા હતા, પણ ધૂન તો તેમની જ હતી. કિશોરકુમારની પસંદગી પણ સચિનદાની જ હતી, પણ અમુક લોકો આર.ડી.નું નામ આગળ કરવા અફવા ફેલાવે છે. તમામ ગીતો સચિનદાનાં જ હતાં અને આર.ડી.નું કામ ખાલી રેકૉર્ડિંગ કરવાનું અને ઑર્કેસ્ટ્રાનું નિયંત્રણ કરવાનું જ હતું.’

રાજેશ ખન્નાને રાતોરાત સુપરસ્ટાર બનાવનાર ‘આરાધના’ની કસુવાવડ થવાની હતી, પણ હિન્દી લેખક ગુલશન નંદાના કારણે એ બચી ગઈ. શક્તિ સામંતે એ વખતના ડાન્સિંગ સ્ટાર શમ્મી કપૂર સાથે મોંઘીદાટ ‘ઍન ઈવનિંગ ઇન પૅરિસ’ (૧૯૬૭) બનાવી હતી. એમાં બૉક્સ-ઑફિસ પર ધાર્યા જેટલી સફળતા ન મળી. સામંત એ પછી શમ્મી સાથે ‘જાને અંજાને’ નામની ફિલ્મ બનાવવાના હતા, પણ શમ્મી ખાઈ-પીને ફૂલી ગયો હતો એટલે એ થોડો હલકો થાય ત્યાં સુધીમાં સામંતે વચ્ચે એક નાનકડી ફિલ્મ કરી નાખવાની યોજના કરી હતી. ‘ઍન ઈવનિંગ ઇન પૅરિસ’ના પટકથા લેખક સચિન ભૌમિકે એક વાર્તા સંભળાવેલી જે સામંતને ગમી હતી. આખી વાર્તા હિરોઇનની આસપાસ ફરતી હતી. મૂળે આ વાર્તા હૉલીવુડની ફિલ્મ ‘ટુ ઈચ હિઝ ઓન’ (૧૯૪૬)ની નકલ હતી જેમાં હિરોઇન લગ્નબાહ્ય દીકરાને જન્મ આપે છે અને વર્ષો પછી તેને ભટકાય છે. સામંતે તેનું નામ (ઍન ઈવનિંગ ઇન પૅરિસના ગીત ‘રાત કે હમસફર’ની પંક્તિ પરથી) ‘સુબહ પ્યાર કી’ રાખ્યું હતું, પણ પાછળથી ‘આરાધના’ કરી નાખ્યું.

શક્તિદા એમાં અપર્ણા સેનને લેવાના હતા. અપર્ણાને વાર્તા ગમી હતી. તેના પતિની ભૂમિકા માટે કોઈ નવોદિતને લેવાનો હતો, કારણ કે તેનું કામ સાધારણ હતું (ઇન્ટરવલ પહેલાં મરી જવાનું હતું). સામંતે નાસિર હુસેનની ‘બહારોં કે સપને’ના ટુકડા જોયેલા અને એમાં તેમને એક નવો છોકરો રાજેશ ખન્ના ગમેલો. હિરોઇનના પાઇલટ પ્રેમી (અરુણ વર્મા) માટે રાજેશ પર કળશ ઢોળાયો. એમાં અપર્ણાએ છેલ્લી ઘડીએ ના પાડી એટલે શર્મિલા ટાગોરનો હાથ માગવામાં આવ્યો.

શક્તિ સામંતના પુત્ર અશિમ સામંત કહે છે, ‘આરાધના’નું શૂટિંગ શરૂ થવાનું હતું એના આગલા દિવસે (અનિલ કપૂરના પિતા અને નિર્માતા) સુરિન્દર કપૂરે શશી કપૂર-બબીતાની તેમની ફિલ્મ ‘એક શ્રીમાન એક શ્રીમતી’ જોવા બોલાવ્યા. આ ફિલ્મ પણ સચિન ભૌમિકે જ લખી હતી અને શક્તિ સામંતના આઘાત વચ્ચે આ ફિલ્મનો અંત ‘આરાધના’ જેવો જ હતો. બીજા દિવસે સામંતે ‘આરાધના’ને અભરાઈએ ચડાવી દેવાનું એલાન કર્યું.

 જોગાનુજોગ એ જ સાંજે લેખક ગુલશન નંદા અને મધુસૂદન કેલકર એક નવી વાર્તા સંભળાવવા માટે શક્તિ સામંતની ઑફિસમાં આવ્યા. સામંતે તેમની પાસે ‘આરાધના’નાં રોદણાં રડ્યાં. ગુલશન નંદાએ કહ્યું કે ધારો તો ‘આરાધના’ની પટકથામાં બદલાવ થઈ શકે છે. સામંતને વિશ્વાસ ન બેઠો એટલે નંદાએ કહ્યું કે ‘આરાધના’ના બજેટ અને સ્ટારકાસ્ટને લઈને બની શકે એવી પટકથા તેમની પાસે તૈયાર છે. સામંતને એમાં રસ પડ્યો અને ગુલશન નંદાએ ‘કટી પતંગ’ની વાર્તા સંભળાવી.

વાર્તા પૂરી થઈ ત્યારે શક્તિ સામંતનો ચહેરો ચમકી ઊઠ્યો. તેમણે ‘કટી પતંગ’ને બનાવવા માટે જ નહીં, ‘આરાધના’માં કાતર ફેરવીને નવેસરથી ટાંકા ભરવાની પણ હા પાડી. એ રાત્રે કામ ચાલ્યું અને સવાર પડી ત્યારે હિન્દી સિનેમાની બે ખૂબસૂરત હિરોઇન-પ્રધાન ફિલ્મોની પટકથા તૈયાર થઈ ગઈ હતી. અશિમ સામંત કહે છે, ‘આરાધના’ના ઇન્ટરવલ પછીના સુધારા-વધારા કરતી વખતે ગુલશન નંદાએ શક્તિદાને એવી સલાહ આપી કે હિરોઇનના દીકરાની ભૂમિકા પણ હીરો પાસે જ કરાવો. સામંતને એ વિચાર ગમી ગયો. એ રાતે હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટારનો જન્મ થયો.

‘આરાધના’નું પ્રીમિયર થયું ત્યારે થિયેટરમાં ઉપસ્થિત હિન્દી ફિલ્મઉદ્યોગના મહેમાનોમાંથી દેવ આનંદે રાજેશનો હાથ પકડીને કહ્યું હતું, ‘શાંતિથી ઘેર જઈને સૂઈ જા. તું સિનેમામાં બહુ આગળ જઈશ.’ દેવ આનંદ સાથે રાજેશની એ બીજી જ મુલાકાત હતી. ‘આરાધના’ રિલીઝ થઈ ૨૭ સપ્ટેમ્બર, ૧૯૬૯ના દિવસે. ચાર મહિના પછી ૧ જાન્યુઆરી ૧૯૭૦ના  ‘સ્ટાર ઍન્ડ સ્ટાઇલ’ ફિલ્મ સામયિકમાં હેડલાઇન હતી, એક સુપરસ્ટારનો જન્મ. ‘સ્ટાર ઍન્ડ સ્ટાઇલ’ની પત્રકાર દેવયાની ચૌબલે રાજેશ ખન્ના માટે પહેલી વાર ‘સુપરસ્ટાર’ શબ્દ વાપર્યો હતો. ખન્નાની જે અનેક ગર્લફ્રેન્ડ્સનાં નામ લેવાય છે એમાં એક નામ આ દેવયાનીનું પણ હતું.

અંગ્રેજીમાં એક શબ્દ છે, ઑલ્ટર-ઈગો. અર્થ છે; સેકન્ડ સેલ્ફ, બીજો આત્મા, દો જિસ્મ એક જાન. ૧લી સદીના રોમન ચિંતક સીસરોએ ‘અંતરંગ દોસ્ત’ના અર્થમાં આ શબ્દ બનાવ્યો હતો. જતીન ખન્નામાં ‘રાજેશ ખન્ના’ને જોવાવાળા ડિરેક્ટર શક્તિ સામંતે ‘આરાધના’, ‘કટી પતંગ’, ‘અમર પ્રેમ’ અને ‘અજનબી’ એ ચાર ફિલ્મોમાં તેમનો પર્ફેક્ટ ઑલ્ટર-ઈગો પેદા કર્યો હતો જે રોમૅન્ટિક હતો, સમય-સંજોગનો શિકાર હતો અને ખુદ અનેક ઊણપોવાળો હતો. પહેલી જ બ્લૉકબસ્ટર ‘આરાધના’માં જેમ શર્મિલા ટાગોર શહીદ ઍરફોર્સ પાઇલટ રાજેશ ખન્નાના સંતાનને મોટું કરે છે એ કહાની ખુદ શક્તિદાની હતી. તેમના પિતા ઍરફોર્સમાં હતા અને ૧૯૪૭ના યુદ્ધમાં શહીદ થયા હતા. તેમની મા નાના શક્તિને લઈને સંબંધીના ઘરે રહેવા ગયેલી. ‘કટી પતંગ’માં વિધવા આશા પારેખ માટે યુવા રાજેશ ખન્ના ‘દેવદૂત’ બનીએ આવે છે એ પણ જાણે શક્તિદા તેમની વિધવા મા માટે કોઈ સહારો શોધતા હોય એવું હતું. રાજેશ ખન્ના એક ફૅન્ટસી હતી જે શક્તિ સામંતે ઊભી કરી હતી. પછી એ ફૅન્ટસી દુનિયાના દિલોદિમાગ પર છવાઈ ગઈ. ખન્ના પોતે એ ફૅન્ટસીથી અંજાઈ ગયો. ખુદ રાજેશ ખન્નાએ એક પત્રકારને કહ્યું હતું, ‘રાજેશ ખન્ના તો એક પડછાયો છે. તે ક્યાંય રહેતો નથી.’

columnists rajesh khanna raj goswami weekend guide