જીવનમાં કેટલાકનો જન્મ સેનાપતિ બનવા માટે હોય છે

24 February, 2020 01:08 PM IST  |  Mumbai | Manoj Joshi

જીવનમાં કેટલાકનો જન્મ સેનાપતિ બનવા માટે હોય છે

ચાણક્ય

સત્તા પર આવવું, સત્તા મેળવવી, સત્તાને ચલાવવી અને સત્તાને સારી રીતે ચલાવવી. આ ચારેચાર અલગ-અલગ પ્રક્રિયા છે, એમાં સામ્ય હોય તો એક જ કે ચારેચાર વાતમાં સત્તા શબ્દનો ઉપયોગ થયો છે. આ ચાર કામ કરવા માટે ચાર પ્રકારની ક્વૉલિટી જોઈએ અને એ ભાગ્યે જ કોઈ એકમાં હોય છે અને એવું પણ બને કે સદીઓ સુધી એ ક્ષમતા કોઈ એક જ વ્યક્તિમાં હોય એવું જોવા ન પણ મળ્યું હોય અને જેનામાં એ જોવા મળે એ વ્યક્તિને ક્યારેય કોઈ ઢાંકી કે સંતાડી પણ ન શકે એ પણ એટલું જ સાચું છે. સમ્રાટ અશોકમાં આ ચારેચાર ક્ષમતા હતી. જંગલનું તેનું જીવન હતું અને દુનિયામાં કોઈ તેના સુધી પહોંચી શકે એમ નહોતું અને એ પછી પણ અશોક ત્યાંથી બહાર આવ્યો અને ચક્રવર્તી બનીને વિશ્વભરમાં તેને નામના સાંપડી. અશોકની મા નહોતી ઇચ્છતી કે એ દુનિયાની સામે આવે, તે એ પણ નહોતી ઇચ્છતી કે અશોક એવું કોઈ કામ કરે જેના લીધે દુનિયાની નજર તેના પર જાય અને દુનિયામાં તેની વાહવાહી થાય. આવું નહીં ઇચ્છવાનું કારણ પણ બહુ સ્પષ્ટ હતું. મા ધર્મા નહોતી ઇચ્છતી કે તેના દીકરા પર કોઈની નજર પણ પડે, પરંતુ એ નજર પડી અને ધીમે-ધીમે સૌકોઈની નજર પડી અને એક દિવસ એવો આવ્યો કે અશોક ચક્રવર્તી સમ્રાટ બનીને જગતઆખા પર છવાઈ ગયો.

સત્તા પર આવવું, સત્તા મેળવવી, સત્તાને ચલાવવી અને સત્તાને સારી રીતે ચલાવવી.

આ વાત સમજાવવા માટે સમ્રાટ અશોકથી મોટું કોઈ ઉદાહરણ હોઈ પણ ન શકે, કારણ કે આજના સમયની વ્યક્તિનું જો ઉદાહરણ આપવામાં આવે તો એવું કરવા જતાં અનેક લોકોને એવું લાગશે કે મતભેદ રાખવામાં આવે છે. મૂળ વાત પર આવીએ. સત્તા પર આવવા માટે અને સત્તા હાથમાં લઈ લેવા માટે અનેક પ્રકારની હુંસાતુંસી કરવામાં આવે છે. એકધારો એવો પ્રયાસ થયા કરતો હોય છે કે વ્યક્તિ સત્તા પરથી ઊથલી પડે અને સત્તાપલટો આવે જેથી પોતાને લાભ થાય પણ મારુ કહેવું છે કે જીવનમાં કેટલાકનો જન્મ શ્રેષ્ઠ સેનાપતિ બનવા માટે જ થયો હોય અને કોઈના નસીબમાં સર્વશ્રેષ્ઠ ચાણક્ય બનવાનું જ લખાયું હોય. ચાણક્ય શાસન પર ન આવે, યુદ્ધ સેનાપતિ જ લડે, પણ યુદ્ધ લડવા માટે સેનાપતિને આદેશ તો રાજા જ આપે અને રાજા બનવાનું સૌભાગ્ય સેનાપતિના તકદીરમાં ન પણ હોય. આ વાસ્તવિકતા સ્વીકારવી પડશે અને સ્વીકારવી જ જોઈએ. ઑફિસમાં કોઈને મોટું પદ મળે ત્યારે એ પદની ઈર્ષ્યા કરવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે એ ઈર્ષ્યા કરવા માટે ખર્ચેલા સમયમાં જો કામ કરવામાં આવે તો વધુ એક પ્રમોશન મળી જાય. બને કે પ્રમોશન મળ્યું હોય એનામાં આવડત ઓછી હોય, પણ એ આવડત ઓછી હોવાનો માપદંડ તમારી દૃષ્ટિનો છે, વહીવટદારની દૃષ્ટિએ એ આવડત સિવાયની બીજી અનેક આવડત પણ એમાં સામેલ છે, જે તમે કે હું જોઈ નથી શકતા.

manoj joshi columnists