પરિંદા : કાશ્મીરના ગામડિયાની નજરે ઊડતાં કબૂતરોનું મુંબઈ

06 February, 2021 03:58 PM IST  |  Mumbai | Raj swami

પરિંદા : કાશ્મીરના ગામડિયાની નજરે ઊડતાં કબૂતરોનું મુંબઈ

પરિંદા

બ્લૉકબસ્ટર - ફિલ્મી દુનિયાના જાણીતા સર્જકો અને એમનાં સર્જનની ઓછી જાણીતી વાતો

ફિલ્મ-નિર્દેશક વિધુ વિનોદ ચોપડા અને પટકથા-લેખક અભિજાત જોશીનું એક પુસ્તક આવ્યું છે; ‘અનસ્ક્રિપ્ટેડ-કન્વર્સેશન્સ ઑન લાઇફ ઍન્ડ સિનેમા, વિધુ વિનોદ ચોપડા વિથ અભિજાત જોશી,’ એમાં વિધુ ચોપડાએ ૪૦ વર્ષની તેમની સિનેમાઈ યાત્રાની વાતો કરી છે. પુસ્તક વાર્તાલાપના સ્વરૂપમાં છે, જેમાં અભિજાત સવાલ પૂછે છે અને વિધુ જવાબ આપે છે. એમાં પહેલો પ્રશ્ન ‘પરિંદા’ ફિલ્મને લઈને છે. અભિજાત પૂછે છે, ‘તમારા જીવન વિશે તો પછી કહેજો, પણ પહેલાં ‘પરિંદા’ વિશે કહો. ભાઈચારા, દગાબાજી, મૂલ્યોના પતન અને વીરતાની આ વાર્તા કેવી રીતે બની?’

વિધુ કહે છે, ‘પ્રારંભમાં મેં જે લાઇનો લખી હતી એ ચીલાચાલુ હતી. બે ભાઈઓ મુંબઈ આવે છે. નાનો ભાઈ ભૂખ લાગી છે એટલે રડે છે અને મોટો ભાઈ તેને કહે છે, ‘છાનો રહી જા. હું તારો ભાઈ છું. હું તને સાચવીશ.’ પછી પટકથા લખતી વખતે મેં એમાં એક સ્મગલર, બે ભાઈઓ, કતલ કરાયેલો એક દોસ્ત અને હિન્દી સિનેમાનો લોકપ્રિય મસાલો જોડીને માળખું તૈયાર કર્યું, પણ પછી મેં હિન્દી સિનેમાની ચીલાચાલુ બાબતોને ઊંધે માથે કરી નાખી.

‘જેમ કે મોટા ભાગની ફિલ્મોમાં વિલન સ્મગલર હોય, સૂટ-ટાઇ પહેરે અને ઇમ્પાલામાં ફરતા હોય. અગાઉ જમીનદાર વિલન હતા. ’૮૦ના દાયકામાં વિલનનું પશ્ચિમીકરણ થયું એટલે ‘પરિંદા’માં મેં જુદા જ પ્રકારનો વિલન પેશ કર્યો - અન્ના, જેની ભૂમિકા નાના પાટેકરે કરી હતી.’

‘પરિંદા’ ૧૯૮૯માં રિલીઝ થઈ. એમાં જૅકી શ્રોફ, અનિલ કપૂર, નાના પાટેકર, માધુરી દીક્ષિત, સુરેશ ઑબેરૉય અને ટૉમ ઍલ્ટરની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મની ટૅગલાઇન હતી, ‘અત્યાર સુધીની સૌથી તાકાતવર ફિલ્મ.’ એ સાચું હતું. ‘પરિંદા’માં વિચારો અને ભાવનાઓની તાકાત ઠાંસી-ઠાંસીને ભરેલી હતી. હિન્દી સિનેમામાં બે પ્રકારની હિંસા હોય છે; એક મારધાડવાળી શારીરિક હિંસા અને બે, ભાવનાત્મક હિંસા. ‘પરિંદા’ની તાકાત ભાવનાત્મક હતી. એનું સૌથી યાદગાર પાત્ર અન્ના બહારથી જેટલું હિંસક છે એના કરતાં અંદરથી વધુ હિંસક છે.

મુંબઈના અન્ડરવર્લ્ડના અસલી વાતાવરણ સાથેની રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘સત્યા’ તો છેક ૧૯૯૮માં આવી. એ પહેલાં ‘પરિંદા’એ અન્ડરવર્લ્ડનો યથાર્થ પડદા પર પેશ કર્યો હતો. માત્ર ૧૨ લાખમાં જ ‘પરિંદા’ બની હતી, પણ એ તેના કલાકાર-કસબીઓ માટે જ નહીં, હિન્દી સિનેમા માટે સીમાચિહ્‍ન સાબિત થઈ. વિધુની માતાએ જ્યારે મુંબઈમાં આ ફિલ્મ જોઈ ત્યારે તેણે વિધુ તરફ ફરીને કહ્યું હતું, ‘આ તેં બનાવી છે? સાચે, તેં?’ માતા શ્રીનગરમાં રહેતી હતી અને વિધુ પાસે તેને વિમાનમાં મુંબઈ લાવવાના પૈસા પણ નહોતા. ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા, પુણેમાંથી ગ્રૅજ્યુએટ થયેલા વિધુની ‘પરિંદા’ પહેલી સફળ ફિલ્મ હતી.
ફિલ્મમાં બે અનાથ ભાઈઓ કિશન અને કરણ (જૅકી અને અનિલ) મુંબઈની સડક પર મોટા થાય છે. કરણને સારી રીતે ભણાવવા માટે કિશન અન્ના શેઠ (નાના પાટેકર) માટે કામ કરે છે. કરણ અમેરિકાથી ભણીને પાછો આવે છે ત્યારે તેના મિત્ર ઇન્સ્પેક્ટર પ્રકાશ (અનુપમ ખેર)નું કરણની બાંહોમાં જ ખૂન થઈ જાય છે. કરણને ખબર નથી કે જેણે ખૂન કરાવ્યું છે તે અન્ના માટે તેનો મોટો ભાઈ કામ કરે છે.

કરણ એનો બદલો લેવા માટે અન્ના સામે બાથ ભીડે છે અને વળતામાં અન્ના કરણ અને તેની પ્રેમિકા પારો (માધુરી દીક્ષિત)ને મરાવી નાખે છે. છેલ્લે કિશન ભાઈની હત્યાનો બદલો લેવા અન્નાને તેના ઘરમાં જ હીંચકા પર સળગાવી દે છે. અન્નાએ વર્ષો પહેલાં તેની પત્નીને બાળી નાખી હતી અને એ દિવસથી તેનામાં આગની બીક ભરાઈ ગઈ હતી. છેલ્લે તેનો અંત આગમાં જ થાય છે.

ફિલ્મમાં બધા કલાકારોનું કામ વખણાયું હતું, પણ સૌથી વધુ તાળીઓ અને સીટીઓ લઈ ગયો નાના પાટેકર. નાનાને એનું દુઃખ પણ હતું. તેને હતું કે ફિલ્મમાં સંદેશ એવો હોવો જોઈતો હતો કે પાપનું ફળ સારું નથી હોતું અને લોકોની સહાનુભૂતિ નાના ભાઈ કરણ (અનિલ કપૂર) માટે હોવી જોઈતી હતી, એને બદલે લોકોએ અન્નાને વધાવ્યો હતો.

નાના પાટેકરે એમાં વાતવાતમાં ગુસ્સે થઈ જતા ડૉનની ભૂમિકા ભજવી હતી. વિધુ ચોપડાએ નાનાની પસંદગી મોટા ભાઈ કિશનની ભૂમિકા માટે કરી હતી. ડિમ્પલ કાપડિયા પારોની ભૂમિકા કરવાની હતી અને અનુપમ ખેરનું નામ અન્નાની ભૂમિકા માટે હતું. કિશનની ભૂમિકા માટે અમિતાભ બચ્ચન અને નસીરુદ્દીન શાહની પણ વિચારણા થઈ હતી.

વિધુએ ‘પુરુષ’ નામના એક મરાઠી નાટકમાં નાના પાટેકરનું કામ પહેલી વાર જોયું હતું અને એ તેમને ગમી ગયું હતું. તેમણે નાનાને ‘પરિંદા’માં કિશનની ભૂમિકા ઑફર કરી હતી અને નાનાએ સ્વીકારી પણ લીધી હતી. એમાં સુધારો સૂચવ્યો અનિલ કપૂરે. તેણે વિધુને એક વાર ડિનર પર કહ્યું કે હું નાનાના ભાઈ તરીકે અભિનય નહીં કરી શકું. અનિલની પત્ની સુનીતાએ પછીથી વિધુને કહ્યું કે તે ફિલ્મમાં કામ નહીં કરે. શૂટિંગ શરૂ થવાને અઠવાડિયાની જ વાર હતી અને અનિલે શરત મૂકી હતી કે કાં તો હું અથવા નાના. એટલે વિધુએ અનિલને બદલે નસીરુદ્દીનને લેવાનો પ્રયાસ કર્યો, પણ વાત ન બની શકી.

પછી અનિલે જ જૅકી શ્રોફનું નામ સૂચવ્યું. એમાં જૅકીને ‘પરિંદા’માં કોઈ રસ ન પડ્યો એટલે વિધુએ અનિલને મોટા ભાઈ કિશનની ભૂમિકા આપીને નાના ભાઈ કરણ માટે કુમાર ગૌરવનો વિચાર કર્યો, પણ પછી અનિલે જ જૅકીને મનાવ્યો. અનિલે વિધુ પાસે એક શરત મૂકી હતી કે જૅકીને એટલા જ પૈસા મળવા જોઈએ જેટલા પોતાને મળવાના હતા. જૅકીની હાલત ત્યારે સારી નહોતી અને અનિલને હતું કે તેનો ફાયદો ઉઠાવવામાં ન આવે.

નાના પાટેકરની વિધુ સાથેની આ એકમાત્ર ફિલ્મ છે. ‘પરિંદા’ વખતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. નાના એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘મેં ‘પરિંદા’ પૂરી કરી ત્યારે અમે બાથંબાથ પર આવી ગયા હતા. એનું કારણ આગનું દૃશ્ય હતું. હું જે હીંચકા પર બેઠો હતો એની આસપાસ તેમણે રબર સૉલ્યુશન રેડ્યું હતું અને એની જ્વાળાઓ હીંચકાનને અડવા માંડી હતી. હું એમાં ભરાઈ ગયો અને મારી ચામડી દાઝી ગઈ હતી. એક વર્ષે રૂઝ આવી. એ પછી મેં એ દૃશ્ય માટે રીટેક આપ્યો. મેં તેમને ચેતવ્યા હતા છતાં ફરીથી રબર સૉલ્યુશન રેડ્યું. મેં વિધુને આ બેદરકારી બદલ ધમકાવ્યો અને વાત ગાળાગાળ અને મારામારી સુધી પહોંચી ગઈ હતી. પછી તો હું તેને માટે બદનામ થઈ ગયો. લાગે છે લોકોએ કૉન્ટ્રૅક્ટમાં લખવું જોઈએ કે શૂટિંગ દરમ્યાન નાના એક વાર તો ઝઘડશે જ!’

‘પરિંદા’થી નાના પાટેકરની સનકી હીરોની ઇમેજ બની ગઈ હતી. ‘પરિંદા’માં અન્નાના પાત્રમાં તેણે આતંક અને ગાંડપણનું એવું વિચિત્ર સંતુલન બતાવ્યું હતું, જે દર્શકોએ પહેલાં ક્યારેય જોયું નહોતું. એક દૃશ્યમાં કિશન અન્નાને વિનંતી કરે છે કે તે તેના ભાઈ કરણને હાથ ન અડાડે, ત્યારે નાનો ભાઈ મોટા ભાઈની કમજોરી છે એ જાણીને અન્ના ઠંડા કલેજે તેના ‘મોરલી વાદક’ પન્ટર (સુરેશ ઑબેરૉય)ને કહે છે કે કિશનના કામ આડે જો ભાઈનો પ્રેમ આવે તો બન્નેને ગોળી મારી દેજે. એ ઠંડક દર્શકોની દઝાડી ગઈ હતી. ‘પરિંદા’ પછીની બીજી ઘણી ફિલ્મોમાં નાનાનાં પાત્રોમાં અન્નાનો અંશ જોવા મળતો રહ્યો હતો. જૅકી શ્રોફે પણ કિશનની ભૂમિકામાં અત્યંત ગહેરાઈવાળો અભિનય કર્યો હતો.

જૅકી શ્રોફે આ ભૂમિકા માટે તેનાં પોતાનાં જીન્સ પહેર્યાં હતાં અને ફિલ્મના ઓપનિંગ દૃશ્યમાં કિશન જે કાળી ફિઆટ કાર ચલાવે છે એ પણ જૅકીની જ હતી. વિધુ ચોપડા અભિજાત જોશીને કહે છે, ‘અન્ના અજીબ વિલન છે. તે પાયજામો અને કોલ્હાપુરી ચંપલ પહેરે છે. જૅકી અને અનિલ સાદા શર્ટ અને જીન્સમાં હતા. અમારી પાસે પૈસા નહોતા એટલે ફિલ્મમાં જૅકીની કાળી ફિઆટ વાપરી હતી. વિવેચકોએ એવું કહ્યું કે કાળી કાર કિશનનાં કાળાં કરતૂતોનું પ્રતીક હતી, પણ તો લાલ કાર મળી હોત તો અમે એ વાપરી હોત.’

‘પરિંદા’નું મૂળ નામ ‘કબૂતરખાના’ હતું, પણ લેખક-ગીતકાર જાવેદ અખ્તરના સૂચનથી એનું નામ ‘પરિંદા’ રાખવામાં આવ્યું હતું. ફિલ્મમાં નાનો ભાઈ કરણ વર્ષો પછી તેના બાળપણના દોસ્ત પ્રકાશને કબૂતરખાના પાસે મળે છે અને ત્યાં જ અન્નાના ગુંડાઓ પ્રકાશને ગોળી મારે છે. ગોળીના અવાજથી કબૂતર ઊડવા માંડે છે. સ્લો-મોશનમાં શૂટ થયેલું એ દૃશ્ય હિન્દી સિનેમાનાં કેટલાંક યાદગાર દૃશ્યો પૈકીનું એક છે. વિધુ કહે છે, ‘એ દૃશ્ય દાદરના કબૂતરખાના વિસ્તારમાં શૂટ કરવામાં આવ્યું હતું. અસલી લોકેશનમાં એ પડકાર હતો. પહેલાં મને થયું કે આજુબાજુની દુકાનોનાં શટર પડાવી દઈએ, પણ એ ‘શક્ય’ ન બન્યું અને શૂટ વિનાવિઘ્ને પાર પડ્યું. મને આનંદ છે કે આજે પણ એ દૃશ્યને યાદ કરવામાં આવે છે.’

સિનેમૅટોગ્રાફર બિનોદ પ્રધાને ‘પરિંદા’માં લાજવાબ દૃશ્યો શૂટ કર્યાં હતાં, એમાં આ કબૂતરખાનાનું દૃશ્ય શિરમોર સમાન હતું, જેમાં કિશનની બાહોંમાં પ્રકાશ ગોળી ખાઈને ઢળી પડે છે અને પાછળ ગોળીના અવાજથી ઊડતાં કબૂતરોથી પડદો ભરાઈ જાય છે. કબૂતરખાનાના લોકેશનની પસંદગી બે કારણથી હતી. એક તો, ઊડતાં કબૂતરો હિંસક મોતે મરી રહેલા પ્રકાશના આત્માની મુક્તિના પ્રતીક સમાન હતાં અને બીજું કારણ વિધુની એક જૂની યાદગીરી.

વિધુ ચોપડા જ્યારે ઇન્સ્ટિટ્યૂટમાંથી ગ્રૅજ્યુએટ થઈને પહેલી વાર મુંબઈ આવ્યા હતા ત્યારે દાદર સ્ટેશનની બહાર આવેલા કબૂતરખાનામાં કબૂતરોને ઊડતાં જોનેતેઓ વિસ્મય પામ્યા હતા. એ દિવસોને યાદ કરીને વિધુ કહે છે, ‘એ યાદગાર દૃશ્ય હતું. કબૂતર ઊડતાં હોય તે છબિ મને કાયમ યાદ રહી ગઈ હતી. હું કાશ્મીરમાંથી આવું છું. ત્યાં હું પર્વતો, બરફનાં શિખરો અને સુંદર સરોવર વચ્ચે મોટો થયો હતો. અચાનક મેં ટ્રાફિક અને ગુંડાઓ જોયા. હું મુગ્ધ થઈ ગયો. મારે આ મુંબઈને કેદ કરવું હતું. મને યાદ છે કે મેં પહેલી વાર મરીનડ્રાઇવ જોયું હતું. હું ૧૭ કે ૧૮ વર્ષનો હતો અને એક જ જગ્યાએ આટલી બધી કાર જોઈને હું દંગ રહી ગયો હતો. મારા માટે ટ્રેનો પણ આકર્ષણનું કેન્દ્ર હતી, કારણ કે કાશ્મીરમાં તો ટ્રેન પણ નહોતી. ‘પરિંદા’ અસલમાં કાશ્મીરના એક ગામડિયાની નજરથી મહાનગરને જોવાનો પ્રયાસ હતો.’

columnists weekend guide raj swami