આપણા કામ વિશે આપણે બોલીએ એ કરતાં આપણું કામ બોલે એ વધુ સાર્થક

12 March, 2020 02:55 PM IST  |  Mumbai | Jayesh Chitalia

આપણા કામ વિશે આપણે બોલીએ એ કરતાં આપણું કામ બોલે એ વધુ સાર્થક

તાજેતરમાં એક રિયલિટી શોમાં એક જજે એક હરીફના પર્ફોર્મન્સ વિશે પોતાની કમેન્ટમાં વિચારપ્રેરક વાત કરી હતી. તેણે કહ્યું, કહતે હૈં કિ કામ ઇતની ખામોશી સે કરો કિ ઉસકી કામયાબી  શોર બન જાય. અર્થાત્ કામ એટલી શાંતિથી કરતા રહેવું જોઈએ કે એની સફળતા પોતે જ આકાશ  ગજાવી મૂકે. આ કમેન્ટ દિલને સ્પર્શી ગઈ. થોડા દિવસ પહેલાં મારા મિત્ર દિનેશ સાથે નિવૃત્તિ અને કામ વિશે ચોક્કસ વાતચીત ચાલી રહી હતી ત્યારે મિત્ર દિનેશે પણ એક સરસ-સચોટ વાત કહી. આપણે કામ કરતા હોઈએ ત્યારે એટલી સારી  રીતે કામ કરવું કે આપણા વિના ચાલે નહીં અને જ્યારે કામ છોડી દેવાનું આવે ત્યારે એવું સ્વીકારી લેવું કે આપણા વિના દુનિયાનાં કોઈ કામ અટકી જવાનાં નથી. આ બન્ને વાતો સહજ રીતે બોલાઈ હતી, પરંતુ બન્નેમાં ભરપૂર સંદેશ અને સંકેત છે.

કોઈના વિના કંઈ અટકતું નથી

વાસ્તવમાં આપણી કે મોટા ભાગના લોકોની દશા કંઈક જુદી જ હોય છે. આપણે દરેક કામ ગાઈવગાડીને કરતા રહીએ છીએ. ખરેખર તો કામ કરતાં આપણો દેખાવ વધુ હોય છે અથવા કહો કે કામ ઓછું અને એની ચર્ચા વધુ હોય છે. એ જ રીતે આપણે કામ કરતી વખતે કે છોડતી વખતે પણ એવું જ મોટા ભાગે માનતા હોઈએ છીએ કે આ કામ હું નહીં કરું તો દુનિયાનું શું થઈ જશે? જાણે મારા વિના આ કામ અધૂરાં રહી જશે, અટકી જશે, બીજા કોઈ કરી નહીં શકે વગેરે. જ્યારે કે હકીકતમાં આપણે કાયમ યાદ રાખવું જોઈએ કે આ જગતમાં કોઈના વિના કંઈ પણ અટકતું નથી. ભલભલા આવીને ગયા. આપણા વિના દુનિયા અટકી જશે એવું કહેનારા કે માનનારાથી સ્મશાન અને કબ્રસ્તાન કાયમ ભરચક હોય છે.

કામ કરતાં વધુ રસ શેમાં?

આપણા સમાજમાં મોટા ભાગના લોકો એવા હોય છે જેમને કામ કરવા કરતાં એના દેખાવમાં વધુ રસ હોય છે. ઘણા માણસોને કામ કરવા સિવાય બીજા કોઈમાં રસ હોતો નથી. અમુક માણસો એવા હોય છે જેમને કામ કરતાં એનો જશ ખાટવામાં વધુ રસ  હોય છે. ઘણાની કામની બાબતમાં એવી ફિલસૂફી હોય છે કે કલ કર સો આજ કર, આજ કરે સો અબ. તો વળી કેટલાય લોકો હમણાંનું કામ પછી પર ઠેલતા રહે છે. આજનું કામ કાલ પર અને કાલનું પરમ દિવસ પર જતું રહે છે. આમ કેટલાંય કામ કાયમ અધ્ધર જ રહી જાય છે. કામ કેટલાય પ્રકારનાં હોય છે, આપણે એને કયા પ્રકારે કરીએ છીએ એ વધુ મહત્વનું હોય છે. કામ કરવું અને કામ પતાવી નાખવું એ બે વચ્ચે પણ સમજાય તો ખાસ્સો ભેદ હોય છે. એક માણસ મંદિરની બહાર પથ્થરો માત્ર તોડે છે. એને  મજબૂરીથી કરવામાં આવતું કામ કહે છે. પેટની ભૂખ માટે પૈસા મેળવવા કરવામાં આવતું કામ ગણાવે છે. જ્યારે આ જ પથ્થરો તોડવાનું કામ કરતા અમુક લોકો એને માત્ર પથ્થરો તોડવાનું કામ નહીં ગણીને પોતે ઈશ્વરનું મંદિર બનાવી રહ્યા હોવાનો ભાવ રાખે છે અને આ ભાવ સાથે આનંદથી આ કામ કરે છે. કામ એ જ છે, પરંતુ પ્રતિભાવ અને લાગણી જુદાં વ્યક્ત થાય છે.

ફરજ પૂરી કરવી કે સમય?

ચૂપચાપ કે શાંત ચિત્તે કામ કરવાની વાત આવે ત્યારે આપણે ચિત્રકારને યાદ કરવા જોઈએ. શિલ્પકારને યાદ કરવા જોઈએ. એમાં તેમનું ધ્યાન સતત પોતાના કામ સિવાય બીજે ક્યાંય હોતું નથી અને તેથી જ તેઓ શ્રેષ્ઠ સર્જન કરી શકતા હોય છે. આપણે બોલીએ એ કરતાં આપણું કામ  બોલે એ વધુ મહત્વનું ગણાય. આપણી ઑફિસોમાં પણ કામની બાબતે આપણને રોજ જોવા મળતું હોય છે કે ઘણા લોકો નોકરી-ફરજનો માત્ર સમય પૂરો કરવા પર ધ્યાન કેન્દ્રિત રાખે છે, જ્યારે કેટલાક લોકો સમય જોયા વિના કેવળ કામ કર્યા કરે છે. અમુક લોકો વર્ક ટુ રૂલની જેમ કામ કરે છે જેઓ માત્ર ઘડિયાળના કાંટે ચાલે છે. જોકે કામના સમયમાં કામ કરે છે એ નોંધવું મહત્વનું છે. ધંધામાં પણ ઘણા સમયને જોયા વિના દિનરાત મહેનત કરે છે અને સતત આગળ વધતા રહે છે. જ્યારે ઘણા પોતાના ધંધામાં પણ ઉત્સાહ કે ખરી મહેનત વિના કામ કરતા રહે છે અને પછી ધંધો નથી એવી ફરિયાદ કરતા રહે છે. 

વાસ્તવમાં કામ એટલે શું એવો સવાલ થવો જરૂરી છે. કામને સારા શબ્દ અને સારા અર્થમાં કર્મ કહેવું જોઈએ. આપણા મનમાં એક સત્ય સ્પષ્ટ હોવું જોઈએ કે મારું જે કર્મ છે એ હું પૂરેપૂરી પ્રામાણિકતાથી  કરીશ. કહે છેને કોઈ કામ નાનું કે મોટું હોતું નથી. આપણને જે ભૂમિકા મળી હોય એને ઈમાનદારીથી-નિષ્ઠાથી નિભાવવામાં જ ખરો સાર હોય છે. કામ કરવાની આ નિષ્ઠાથી જ એક માણસ બીજા માણસથી જુદો પડે છે. ઉપર ચડે છે યા નીચે ઊતરે છે. પ્રગતિ કરે છે અથવા દુર્ગતિ પામે છે. 

કરે નહીં અને કરવા પણ દે નહીં

કેટલાય માણસો એકસાથે જુદા-જુદા ઘણાં કામ કર્યા કરે છે, જેમાં અપવાદરૂપ કિસ્સા સિવાય મોટા ભાગનું એકેય કામ સરખું કરતા નથી. તેમને એવું લાગે છે કે પોતે કેટલાંબધાં કામ કરે છે, પરંતુ એક પણ કામમાં ઠેકાણાં ન હોય તો એનો કોઈ અર્થ રહે નહીં. ઘણા લોકો માત્ર એક જ કામ કરે છે, પરંતુ પૂર્ણ એકાગ્રતાથી અને નિષ્ઠાથી કરે છે. તેથી પરિણામ પણ સુંદર પામે છે યા આપે છે. અર્થાત્ આપણે કેટલું કામ કરીએ છીએ એ કરતાં કેવું કામ કરીએ છીએ એ વધુ મહત્વનું છે. આપણને ઘણી વાર પોતાના કામ પર ધ્યાન આપવા કરતાં બીજાના કામને જોતા યા મૂલવતા રહેવાની બૂરી આદત પણ હોય છે. ઘણાને વળી બીજાના કામમાં અવરોધ ઊભા કરવાની કે ટાંગ મારવાની બૂરી આદત હોય છે, કારણ કે તેઓ બીજાની લીટી નાની કરી પોતાની લીટી મોટી દર્શાવવા માગતા હોય છે. બીજાની સફળતા સામે ઈર્ષ્યાથી પીડાતા હોય છે. બીજા આગળ નીકળી જશે તો પોતે પાછળ હોવાનું દેખાશે, તેથી  આવા લોકો બીજા સફળ ન થાય કે પોતાનાથી આગળ ન વધે એવાં કામ કરવા પર વધુ ધ્યાન આપતા હોય છે. ઘણા તો પોતે પણ કામ ન કરે અને બીજાને પણ ન કરવા દે એવી મનોવૃત્તિવાળા હોય છે.  આ પ્રકારના લોકો  પોતાના માટે જ નહીં બલકે દેશ માટે બોજ જેવા ગણાય. દરેકે પોતે આમાં ક્યાં છે એ વિચારી લેવું જોઈએ અને કામને કર્મ કઈ રીતે બનાવાય એ સમજી લેવું જોઈએ.

columnists jayesh chitalia