લક્ઝરી ત્યારે જ મળે જ્યારે એ લક્ઝરી માટે જરૂરી ખર્ચ કરવાની માનસિકતા હોય

23 February, 2020 01:38 PM IST  |  Mumbai | Manoj Joshi

લક્ઝરી ત્યારે જ મળે જ્યારે એ લક્ઝરી માટે જરૂરી ખર્ચ કરવાની માનસિકતા હોય

પેટ્રોલ અને ડૉલર એ બે એવા મુદ્દા છે જેના વિશે હૈયાબળતરા સૌથી વધારે થતી રહી છે. ડૉલર વિશે પછી વાત કરીશું, પહેલાં વાત કરીએ પેટ્રોલની. પેટ્રોલનો ભાવવધારો આપણા કાળજે ઘા કરી જાય, કારમી પીડા આપી જાય. આ પીડા વચ્ચે ક્યાંક વળી એવું પણ વાંચવા મળે કે પેટ્રોલમાં સરકાર ૧૨૫ ટકાનો તોતિંગ નફો કરે છે. આ તોતિંગ નફો લઈને સરકાર કરે છે શું એ વિશે તો કોઈને લખવાનું ક્યારેય સૂઝ્‍યું નહીં અને એના વિશે તો ક્યારેય કોઈને એવો વિચાર સુધ્ધાં પણ ન આવ્યો કે જે દેશ નફો કરતો હોય એ જ દેશ સુવિધા સારી આપી શકે, એ જ દેશ શ્રેષ્ઠ સગવડો આપી શકે. અગાઉ અનેક વખત કહ્યું છે કે શ્રેષ્ઠ સુવિધાઓની અપેક્ષા રાખતા હો તો એને માટે જેકોઈ વળતર ચૂકવવું પડતું હોય એની પણ પૂરતી તૈયારી રાખવી પડે.

આપણને લક્ઝરી તમામ જોઈએ છે, પણ એને માટે વળતર ચૂકવવાની તૈયારી આપણામાંથી કોઈની નથી. મર્સિડીસ અને રોલ્સ રૉયસ જેવી ગાડીઓ પણ હવે જૂની થવા માંડી છે. હેલિકૉપ્ટર અને પ્રાઇવેટ જેટની સંખ્યા હજારોમાં પહોંચી ગઈ છે, પણ એ બધા માટે પેટ્રોલના ભાવ વધે તો તરત જ બળતરા થવા માંડે છે. એક વખત ટૂ-વ્હીલરના આંકડા કઢાવશો તો તમને ખબર પડશે કે પેટ્રોલની આવશ્યકતા પણ ક્યા સ્તરે આપણે પહોંચાડી દીધી છે. બાળક ૧૬ વર્ષનું થયું નથી ત્યાં ફટફટિયું હાથમાં પકડાવ્યું નથી. મુંબઈ હોય કે મૈસૂર, રાજકોટ હોય કે રતલામ, આ જ નીતિ રહી છે અને આ નીતિને લીધે જ તો પેટ્રોલનો ભાવવધારો ચચરવો શરૂ થઈ ગયો છે. ઘરમાં રહેનારાઓ ચાર અને વાહન પાંચ. ‘મિડ-ડે’માં જ આપવામાં આવેલા ન્યુઝ એક વાર ફરી યાદ કરાવું. રાજકોટમાં છેલ્લાં ત્રણ વર્ષમાં જેટલાં બાળકોનો જન્મ થયો એના કરતાં પણ ઑલમોસ્ટ ૧૦ ટકા વધારે વેહિકલ નવાં ખરીદવામાં આવ્યાં છે. અમદાવાદ પણ આમાં ક્યાંય પાછળ નથી. અમદાવાદમાં ત્રણ વર્ષમાં નવી વસ્તી કરતાં ૮ ટકા નવાં વેહિકલ ખરીદવામાં આવ્યાં છે. પાણી તો એમાં ભરાતું નથી, પેટ્રોલ જ ભરાવવાનું છે અને એ ભરાવવાનું છે એટલે પેટ્રોલના ભાવવધારાની બળતરા શરૂ થાય છે. આવશ્કયતા ઘટાડી દો સાહેબ, મોંઘવારી ક્યાંય નહીં દેખાય અને ૧૦૦ ટકા સોંઘવારીનો અનુભવ થશે અને એમાં કશું ખોટું પણ નથી કહેવાઈ રહ્યું.

જરા વિચારો કે એક સમયે આ દેશમાં ઇન્શ્યૉરન્સ લેવાનું કામ કેવું અઘરું અને મોંઘું હતું. પ્રતિ ઇન્શ્યૉરન્સ ચારથી પાંચ હજાર રૂપિયા ખર્ચવા પડતા હતા, પણ હવે સરકાર પોતે પાંચસો રૂપિયાથી પણ ઓછા પ્રીમિયમમાં ઇન્શ્યૉરન્સ આપે છે. ૧૨૫ રૂપિયાના ભાવે વેચાતી દાળ હવે ૬૦ રૂપિયા છે, એની કોઈ વાત નથી કરતા અને મોબાઇલ-બિલ હવે કાપીને આખો દેશ મફતમાં કૉલ કરતો કરી દીધો છે એની પણ ચર્ચા નથી થતી. ચર્ચા થાય છે તો માત્ર ને માત્ર પેટ્રોલની અને ડીઝલના ભાવવધારાની. સાહેબ, માફ કરજો, પણ કહેવું પડે કે આવી વાતો કરીને આપણે ખરેખર હડપ કરી લેવાની માનસિકતા ધરાવતા લોકોમાં ખપી રહ્યા છીએ.

columnists manoj joshi