ભીષણ ભૂકંપ પછી કચ્છમાં ક વર્ગના રાજ્ય જેવું જ કામ થયું!

18 February, 2020 04:40 PM IST  |  Kutch | Kishor Vyas

ભીષણ ભૂકંપ પછી કચ્છમાં ક વર્ગના રાજ્ય જેવું જ કામ થયું!

ભૂકંપ - પ્રતીકાત્મક તસવીર

હકીકત એજ છે કે ૨૦૦૧માં આવેલા ભૂકંપ પછી કચ્છમાં જે નવસર્જનનું કામ થયું એ આઝાદી પછી મળેલા ‘ક’ વર્ગના રાજ્યના દરજ્જા દરમ્યાન જે વિકાસનાં કામ થયાં હતાં એવી જ ઝડપથી દરેક ક્ષેત્રે કામ હાથ ધરાયાં હતાં, પછી ધીરે-ધીરે એની ગતિ ઘટી ગઈ! સિંચાઈને બાદ કરતાં કોઈ ક્ષેત્ર એવું નહોતું રહ્યું કે જ્યાં નમૂનેદાર કામ ન થયાં હોય. ઉદ્યોગો લવાયા. સરકારે ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ બિછાવી દીધી, પણ પાણીની સમસ્યા યથાવત્ રહી હતી. ભૂતળનું પાણી ઉદ્યોગો વાપરવા લાગતાં પરિસ્થિતિ વિપરીત બનતી ગઈ! આખરે કચ્છના સ્થાનિક અગ્રણીઓ અને મુંબઈ વસતા કચ્છી અગ્રણીઓએ સિંચાઈના પ્રશ્ને કમર કસીને સરકારને જગાડી છે. ચોમાસાના દિવસો બહુ દૂર નથી, જોઈએ સરકારની યંત્રણા આગળ આવેલા કચ્છી અગ્રણીઓની કેટલી ઇચ્છા પૂરી કરે છે.

ભૂકંપ અગાઉ ઉદ્યોગોને ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરવાનું સહેલું હતું (૧) મોટા પાયાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો, (૨) નાના પાયાના ઉદ્યોગો અને (૩) કુટિર તેમ જ ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા ઉદ્યોગો, જે કચ્છની પરંપરાગત હસ્તકલા પર આધારિત હતા. મોટા અને મધ્યમ કદના ઉદ્યોગો ખાસ કરીને મહાબંદર કંડલા અને ગાંધીધામ વિસ્તારમાં શરૂ થયા હતા. એનાં પણ ત્રણ કારણો છે : મુંબઈ બંદર પરનો બોજો ઘટાડવા શરૂ થયેલું મહાબંદર કંડલા, એનું મુક્ત વ્યાપાર ક્ષેત્ર અને બ્રોડગેજ રેલવેની સગવડ! અને એ ત્રણ કારણોના કારણે જ ત્યાં કંઈક અંશે ઊભી કરવામાં આવેલી પાયાની સગવડો.

આવડા મોટા કદના કચ્છમાં ગણીને ભાગ્યે જ ત્રણ ડઝન જેટલા મોટા અને નાના કદના ઉદ્યોગો હતા. નાના પાયાના ઉદ્યોગો ભૂકંપ પહેલાં ૨૮૪૩ જેટલા હતા. બાકી કચ્છની કલાકાર અને ગ્રામીણ પ્રજા પરંપરાગત હસ્તકલા પર આધારિત ઉદ્યોગો પર જ જીવતી હતી એમ કહી શકાય, પરંતુ એ કુટિર કક્ષાના ઉદ્યોગો કેટલા લોકોને રોજગારી પૂરી પાડી શકે? એક અંદાજ મુજબ ૧૨,૦૦૦ જેટલા કુટિર ઉદ્યોગો ભાગ્યે જ ૨૫થી ૩૦,૦૦૦ લોકોને રોજગારી પૂરી પાડી શક્યા હશે.

હા, પાનધ્રો ખાતેની લિગ્નાઇટ ની ખાણોના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ જરૂર વિકસ્યો હતો. એ ખાણોમાંથી કાઢવામાં આવતા કોલસાના કારણે પાનધ્રો ખાતે તેમ જ કંડલા બંદર પર એમ બન્ને જગ્યાએ મળીને અંદાજે ૧૫,૦૦૦થી વધારે ટ્રક, ટૅન્કર્સ અને ટ્રેલરો રાત-દિવસ ધંધો કરતા થઈ ગયાં હતાં અને કચ્છના એક લાખની આસપાસની સંખ્યાના લોકો સીધી કે આડકતરી રીતે એ ઉદ્યોગ સાથે સંકળાઈ ગયા હતા. ખેતીની પેદાશમાં ઘટ્ટ અનુભવતા ખેડૂતોએ પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ઝંપલાવી દીધું હતું!

એનો મતલબ એવો નથી કે કચ્છના ટ્રકમાલિકો માટે સરકારે કે સ્થાનિક વહીવટી તંત્રે લાલ જાજમ પાથરી દીધી હતી. યોગ્ય નિયમન કરવા કોઈ તંત્ર જ નહોતું. ખાણ પર કે હાઇવે પર હપ્તા અને જે વિસ્તારમાંથી ટ્રક પસાર થાય ત્યાં દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓના હપ્તા બાંધેલા જ રહેતા હતા. આ બધાની વચ્ચે વિકાસ ક્યાંથી કલ્પી શકાય? ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હોય કે કચ્છનો કાંઠા પ્રવાસન ઉદ્યોગ હોય, પણ ન તો સરકારે કે ન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એના પર જરૂરી ધ્યાન આપ્યું! કચ્છ ગુજરાત રાજ્યમાં લેવાયું પછી તો વિકાસની વાત તો માત્ર કલ્પનાની વાત જ બની રહી હતી. કચ્છનો વિકાસ અટક્યો હોય તો એ માટે કચ્છના લોકપ્રતિનિધિઓ વધારે જવાબદાર હતા.

મને યાદ છે ત્યાં સુધી, ૧૯૯૯ના નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં ગુજરાત હાઈ કોર્ટે એક કેસના સંદર્ભમાં પ્રકાશ પાડતાં કહ્યું હતું કે ‘જે લોકોને પ્રજાના જાહેર સેવકો તરીકે પસંદ કરવામાં આવે છે તેમની પાસેથી પ્રજાને કેટલીક વાજબી અપેક્ષાઓ હોય છે. હાઈ કોર્ટના જણાવ્યા મુજબ જાહેર સેવકો (૧) સરળ, પ્રામાણિક અને નમ્ર, (૨) કર્તવ્ય પરાયણ (૩) સખત મહેનતુ, (૪) સંવેદનશીલ, (૫) કાર્યક્ષમ, (૬) જવાબદેયી, (૭) પારદર્શી અને (૮) પ્રજાલક્ષી અભિગમ ધરાવતા હોવા જોઈએ! પરંતુ કચ્છ હોય કે કાશ્મીર, આ આઠ ગુણો ધરાવતા સેવકોનો કોઈને અનુભવ થયો છે ખરો?

એમાં પણ કચ્છ તો, બોડી બામણીના ખેતર જેવું! કચ્છની ભૂગોળ પણ ન જાણનારા અધિકારીઓ કે સજાના ભાગરૂપે કચ્છમાં બદલીને આવેલા અધિકારીઓને સરકારે ઘડેલી યોજનાઓ સુપેરે પાર પાડવાની કંઈ જ પડી ન હોય એવું જોવા મળતું હતું, ત્યાં તેમની પાસેથી નવી યોજનાઓની રૂપરેખા તૈયાર કરીને સરકારને મોકલવાની અપેક્ષાઓ હાસ્યાસ્પદ લાગતી હતી! આવા અધિકારીઓના કાન આમળી શકે તેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સતત કચ્છમાં ખોટ સાલતી રહી હતી. લો આ રહ્યાં કેટલાંક ઉદાહરણો...

૧) એ વખતે કચ્છમાં ૨૧માંથી ૧૯ ખનિજો ઉપલબ્ધ હોવા છતાં કચ્છની ભૂસ્તર સંશોધન કચેરી બંધ કરવાની હિલચાલ, ૨) જળસંપત્તિ વિકાસ નિગમની ભુજ ખાતેની કચેરી ઉત્તર ગુજરાતના ડીસા ખાતે ખસેડાઈ અને પછી રિપેરિંગ વર્કશૉપ પાટણ ખાતે ખસેડાયું અને એ સાથે કચ્છમાં નખત્રાણા ખાતેનું સબ-ડિવિઝન બંધ કરવાની થયેલી તૈયારી, ૩) કચ્છની નફો કરતી કચ્છ ગ્રામીણ બૅન્કને મહેસાણાની ખોટ કરતી ગ્રામીણ બૅન્ક સાથે ભેળવી દેવાનો લેવાયેલો નિર્ણય, ૪) નર્મદાનાં પાણી ફાળવવામાં તેમ જ પૂરાં પાડવાની પદ્ધતિમાં કચ્છને થયેલો ભારોભાર અન્યાય, ૫) સિંધુ નદીનાં પાણી પર કચ્છનો બંધારણીય હક્ક છે, પણ કેન્દ્રનો કાન આમળે કોણ?, ૬) પંચાયતી માળખામાં હજારો જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી કરવામાં નહોતી આવતી અને જો કરવામાં આવે તો, સ્થાનિક ઉમેદવારોની ઉપેક્ષા કરવામાં આવતી હતી, ૭) એક તબક્કે કચ્છને પરીક્ષા કેન્દ્રો તો આપવાનું દૂર, પણ અભ્યાસક્રમોમાંથી વિષયો જ શીખવવાના બંધ કરી દેવા જેવા અતાર્કિક નિર્ણયો લેવાયા હતા...

આ બધા પ્રશ્નો વિશે કંઈ પણ કરવાની ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરજ નહોતી કે? એ રીતે જોઈએ તો કચ્છના લોકપ્રતિનિધિઓ પોતાની છાપ ઊજળી રાખી શક્યા ન હોવાનું દુઃખ થાય છે. તેઓ જાતે કંઈ કરી શક્યા નહીં અને કોઈ પાસેથી કચ્છના હિતમાં કંઈક કરાવવાની તેમનામાં હિંમત નહોતી કે કાં તો સમજ નહોતી! જે બટકું મળ્યું એમાં તેમણે સંતોષ માણી લઈને વિકાસ રૂંધી નાખ્યો! હજી પણ સ્થિતિમાં બહુ બદલાવ નથી આવ્યો. કચ્છની ધરતીનું ધાવણ ધાવનારા આ પ્રતિનિધિઓ સંઘર્ષ છેડવાની શૂરવીરતા નહીં દાખવે તો ઇતિહાસ તેમને ક્યારેય માફ નહીં કરે!

આ લોકપ્રતિનિધિઓને કોણ જાગૃત કરી શકે? છે એવો પણ એક વર્ગ જે તેમના પણ કાન આમળવાની શક્તિ ધરાવે છે, પરંતુ તે લોકો પવનપુત્ર હનુમાનજીની માફક પોતાની એ શક્તિ ભૂલી ગયા છે. તે એટલે કચ્છના લક્ષ્મીનંદનો, સખાવતી સપૂતો અને સખાવતી સંસ્થાઓ! તે લોકો, બુદ્ધિજીવીઓ અને કચ્છની જાહેર સંસ્થાઓ એક હરફ પણ ન ઉચ્ચારે તો પછી કચ્છને કુદરત પણ કેટલું બચાવી શકે? જરૂર છે, જી હજુરિયાપણું ત્યજી શાહમૃગ વૃત્તિથી દૂર રહી તેમણે કચ્છના વિકાસ માટે જિદ્દથી કામ કરવાની!

યાદ છે? કચ્છનો જુલાઈ ૧૯૫૬માં આવેલો ભૂકંપ? જેની વાત માત્ર કચ્છ નહીં, ભારત દેશમાં નહીં, પણ વિશ્વ આખામાં પ્રસરી હતી. સૌથી વધારે નુકસાન અંજારમાં થયું હતું. એ વખતે હજી કચ્છ ‘ક’ વર્ગનું રાજ્ય હતું અને પ્રેમજી ભવાનજી ઠક્કર સંચાલક મંડળમાં હતા. અંજારના ખબર મળતાં જ તેઓ મોટર માર્ગે પોતાના સાથી અગ્રણીઓ સાથે અંજાર તરફ દોડ્યા હતા અને જે સૂઝબૂઝથી, મક્કમતાથી અને માનવતાથી તેમણે સંચાલનકાર્ય હાથ ધર્યાં હતાં એનો ઇતિહાસ સાક્ષી છે. ત્યાર પછી તો વિશ્વભરમાંથી અંજાર અને કચ્છના અન્ય વિસ્તારોમાં સર્જાયેલી હાનિના ખાડા પૂરવા દાતાઓ અને સેવકો ઊતરી પડ્યા હતા. ભવાનજી અરજણ ખીમજી, દેવજી રતનશી, છગનલાલ વેલજી, ખીમજી ભુજપુરિયા, મનુભાઈ ભીમાણી, લીલાધર પાસુ, રવજી ગણાત્રા, જેઠાલાલ વેલજી વગેરે અગ્રણીઓ મુંબઈથી આવીને પ્રેમજીભાઈ સાથે જોડાઈ ગયા હતા! આ ઉલ્લેખ એટલા માટે કરવો પડ્યો કે તેમની નિઃશ્વાર્થ નેતાગીરી અને સેવાનો પરિચય આજના કાર્યકરોને અને અગ્રણીઓને થાય અને તેમનું અનુકરણ કરતા થાય! વિરાસત છે, પણ એ નેતાઓ જેવો કચ્છમાં વારસદાર નથી!

kishor vyas columnists kutch