માસૂમ અણઆવડતની માસૂમ ફિલ્મ

22 February, 2020 01:37 PM IST  |  Mumbai | Raj Goswami

માસૂમ અણઆવડતની માસૂમ ફિલ્મ

માસૂમ ફિલ્મ

બ્લૉકબસ્ટર - ફિલ્મી દુનિયાના જાણીતા સર્જકો અને એમનાં સર્જનની ઓછી જાણીતી વાતો

હિન્દી ફિલ્મોની શરૂઆતથી સંયુક્ત કુટુંબ એની કહાનીઓનું કેન્દ્ર રહ્યું છે. આપણી ફિલ્મો મુખ્યત્વે ‘પૈસા વસૂલ’ મનોરંજનનું સાધન રહી છે એટલે સંયુક્ત કુટુંબનાં અનેકવિધ પાત્રો બહુ ‘મસાલો’ પૂરો પાડે જેથી અઢી કલાક માટે ફિલ્મોમાં અતિશયોક્તિનો બહુ અવકાશ રહે. એટલે આપણે પડદા પર ભાગ્યે જ એવો પરિવાર જોઈએ છીએ જેમાં પેરન્ટ્સ, દાદા-દાદી અને ભાઈ-ભત્રીજાઓનો શંભુમેળો ન હોય. શેખર કપૂરની ‘માસૂમ’ (૧૯૮૩) એ દૃષ્ટિએ અનોખી ફિલ્મ છે જેણે એંસીના દાયકામાં ‘છોટા પરિવાર સુખી પરિવાર’ની મિસાલ પેશ કરી હતી.

એમાં શહેરી વિભક્ત કુટુંબની જીવનશૈલીને એટલી ખૂબસૂરત રીતે રજૂ કરવામાં આવી હતી કે એ વખતે સમૃદ્ધ થઈ રહેલા શહેરી મધ્યમ વર્ગના દિલના તારને એ રણઝણાવી ગઈ હતી અને એટલે આજે પણ લાખો દર્શકોના દિલમાં ‘માસૂમ’નું એક વિશેષ સ્થાન છે. એંસીના દાયકાનાં બાળકોની આખી પેઢી ‘લકડી કી કાઠી, કાઠી પે ઘોડા...’ સાંભળીને મોટી થઈ છે. થોડુંક રીકૅપ :

ઇન્દુ (શબાના આઝમી) અને ડીકે (નસીરુદ્દીન શાહ) તેમની બે દીકરીઓ પિન્કી અને મિની (ઊર્મિલા માતોન્ડકર અને અનુરાધા શ્રીવાસ્તવ) સાથે દિલ્હીમાં સુખેથી રહે છે. ડીકે સફળ આર્કિટેક્ટ છે અને ઇન્દુ તેનું પૉશ ઘર સંભાળે છે, બે દીકરીઓને લેસન કરાવે છે અને સ્વતંત્ર બેડરૂમમાં બન્નેને સુવડાવે છે. યુગલ દિલ્હીમાં પાર્ટીઓમાં મજા લે છે. આ સુખના સરોવરમાં અચાનક પથરો પડે છે : ડીકેને અચાનક ખબર પડે છે કે તેની પત્ની ઇન્દુ પિન્કીથી ગર્ભવતી હતી ત્યારે નૈનીતાલની એક ઊડતી મુલાકાતમાં ડીકેને ભાવના (સુપ્રિયા પાઠક) સાથે અફેર થયો હતો એમાંથી એક દીકરો છે. ભાવના તો મૃત્યુ પામી છે, પણ નવ વર્ષના પુત્ર રાહુલ (જુગલ હંસરાજ)ની પાલક ડીકેને તેના પુત્રની જાણ કરે છે.

ઇન્દુના આઘાત વચ્ચે ડીકે માસૂમ રાહુલને ઘરે લઈ આવે છે અને ઘરમાં સુખનું સરોવર ડહોળાઈ જાય છે. ડીકે રાહુલને જણાવતો નથી કે તે તેનો પુત્ર છે, પણ ઇન્દુ રાહુલને (અને પતિની બેવફાઈને) સ્વીકારી શકતી નથી. એનાથી પરેશાન થઈને ડીકે રાહુલને બોર્ડિંગ સ્કૂલમાં ભરતી કરાવે છે, પણ એ પહેલાં રાહુલ નાસી જાય છે. તેને શોધવા માટે પરિવાર નાસભાગ કરે છે, ત્યાં રાહુલ પોલીસને હાથ લાગે છે અને તેને ઘેર લાવવામાં આવે છે. રાહુલ આવીને ઇન્દુ પાસે એકરાર કરે છે કે તેને ખબર છે કે તેના પિતા કોણ છે. ઇન્દુ આ સાંભળીને પીગળી જાય છે, તે રાહુલને સ્વીકારી લે છે અને ડીકેની બેવફાઈને માફ કરી દે છે.

શેખર કપૂરની આ ડેબ્યુ ફિલ્મ. તેમણે લંડનમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્સીનો કોર્સ કરેલો, પણ કામકાજમાં ઠેકાણું પડતું નહોતું એટલે મામા દેવ આનંદ પાસે ઍક્ટર બનવા મુંબઈ આવી ગયેલા. એરિક સેગલની નવલકથા ‘મૅન, વુમન ઍન્ડ ચાઇલ્ડ’ (૧૯૮૦) એનો પ્રેરણાસ્રોત. ‘માસૂમ’ આવી એના સાત મહિના પછી હોલીવુડમાં પણ આ ફિલ્મ બની. ‘માસૂમ’ની પટકથા, સંવાદ અને ગીતો ગુલઝારે લખેલાં અને સંગીત આર. ડી. બર્મનનું. ‘માસૂમ’ પાંચ ફિલ્મફેર અવૉર્ડ લઈ ગઈ : બેસ્ટ ઍક્ટર (નસીર), બેસ્ટ સંગીત, બેસ્ટ ગીતો, બેસ્ટ ગાયક (આરતી મુખરજી) અને બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ અવૉર્ડ). 

શબાના આઝમી ત્યારે શેખર કપૂરની ગર્લફ્રેન્ડ હતી અને ‘માસૂમ’ના શૂટિંગ દરમિયાન જ તે પૂર્વ વડા પ્રધાન આઇ. કે. ગુજરાલની ભાણી મેઘા ગુજરાલને પરણ્યા હતા જે પાછળથી ગાયક અનુપ જલોટાને પરણી હતી. શેખરને અંગ્રેજી નવલકથા પરથી ફિલ્મ બનાવવી હતી અને શબાનાએ જ શેખરને ગુલઝાર પાસે મોકલેલા. શેખર કહે છે, ‘મારામાં ડિરેક્ટર બનવાનું ભૂત સવાર હતું. શબાનાએ મને પ્રોત્સાહિત કર્યો હતો. દેવી દત્ત નામના એક ફિલ્મસર્જક મને એક શેઠ પાસે લઈ ગયા અને મેં ‘બરદાશ્ત’ નામની ફિલ્મની વાર્તા સંભળાવી પણ મિનિટોમાં જ મને ખ્યાલ આવી ગયો કે શેઠ બોર થઈ ગયા છે અને મેં તત્કાળ પલટી મારીને ‘મૅન, વુમન ઍન્ડ ચાઇલ્ડ’ની વાર્તા સંભળાવી. તેમને એ ગમી ગઈ.’

ગુલઝારે શેખરને નવલકથા વાંચવા કહ્યું પણ શેખરે કહ્યું કે હું પોતે એના પરથી એક વાર્તા લખીને લાવું છું, પછી આપણે નવલકથા વાંચીએ. ગુલઝાર કહે છે, ‘મારા મનમાં અચાનક એક પંક્તિ આવી- તુઝ સે નારાઝ નહીં ઝિંદગી, હૈરાન હૂં મૈં. એમાંથી હું પાત્રોને અનુસરતો ગયો અને શબ્દો લખાતા ગયા.’

શેખરે જ્યારે ગુલઝારની વાર્તા સાંભળી તો કહ્યું, ‘ગુલઝાર સા’બ, મેરા ખયાલ હૈ આપ નૉવેલ મત પઢિએ.’ ‘માસૂમ’ની પટકથા બૅન્ગલોરની વેસ્ટ-એન્ડ હોટેલમાં લખવામાં આવી હતી જ્યાં ગુલઝાર વેકેશન ગાળવા ગયા હતા. ગુલઝાર કહે છે, ‘હું રોજ સાંજે રૂમમાં બેસીને લખું અને શેખર બોસ્કી (મેઘના ગુલઝાર)ને સ્વિમિંગ-પૂલમાં તરવા લઈ જાય.’

નસીરુદ્દીન શાહ કહે છે, ‘મેં ‘સ્પર્શ’ પછી ‘માસૂમ’ કરી હતી અને હું થોડો ઠાંસમાં હતો, કારણ કે શેખર કપૂરની ઓળખાણ એક નિષ્ફળ ઍક્ટર અને શબાનાના બૉયફ્રેન્ડ તરીકેની જ હતી. મને થતું હતું કે હું શેખર પર ઉપકાર કરું છું, પણ પહેલા જ શૉટથી મેં શેખર કપૂર પ્રત્યેનો અભિપ્રાય બદલી નાખ્યો. મને સમજાઈ ગયું કે હું એક કાબેલ માણસના હાથમાં છું અને મજા આવી જવાની છે.’

‘માસૂમ’ તેનાં ત્રણ બાળકોના અવિશ્વસનીય અને સહજ અભિનય માટે સીમાચિહ્ન છે. ઊર્મિલા અને આરાધનાનો ચુલબુલો અભિનય લાજવાબ તો હતો જ પણ સાવ નાની ઉંમરે વયસ્ક લોકોની વાસ્તવિકતા સમજી જવાનો ભાર લઈને જીવતો સહમો-સહમો જુગલ હંસરાજ હૃદયસ્પર્શી હતો. ડીકે કોણ છે એની મૂંઝવણ, ઇન્દુની નફરતની પીડા અને સાવકી બે બહેનોના પ્રેમનો ઉલ્લાસ એમ ત્રણ વિરોધાભાસી લાગણીઓને જુગલે કાબિલેદાદ પેશ કરી હતી. જુગલ મોટો થયો પછી પણ તેની આંખોમાંથી ‘માસૂમ’ની એ પીડા અને આશા લોકો ન ભૂલી શક્યા. તેના અંતિમ શબ્દો ‘સૉરી આન્ટી’ ઇન્દુ જ નહીં, દર્શકોનાં દિલને નિચોવી ગયા હતા.

‘માસૂમ’નું બીજું જમા પાસું એનાં ગીતો હતાં. ગુલઝાર અને આર. ડી. બર્મન એક જાદુ જ હતો. ‘તુઝ સે નારાઝ નહીં ઝિંદગી’ પીડાદાયક ગીત હતું અને એમાં ડીકેની બેબસી તથા ઇન્દુની વ્યથા ખૂબસૂરત રીતે બહાર આવી હતી, જ્યારે ‘દો નૈના એક કહાની’માં માના ખોળામાં સુખી દીકરીઓ સામે અસ્વીકૃત રાહુલની વિવશતા હતી. ‘હુઝૂર ઇસ કદર ભી ના ઇતરાકે ચલિએ’ આમ સુખી સમયનું ગીત હતું, પણ એમાં અગમનાં એંધાણ હતાં.

‘લકડી કી કાઠી’ આજે પણ સદાબહાર બાળગીત છે. ગુલઝાર કેમ ગુલઝાર છે એનું આ ગીત સાબિતી છે. એમાં એક મીઠો ઝઘડો છે. શેખરને એ ગીતમાં એક પંક્તિ ઉમેરવી હતી - બીબીજી ટી પી કે આયી. ટી એટલે ચા. ગુલઝારને એ બરાબર લાગતું નહોતું. બન્ને વચ્ચે જામી. ગુલઝારે કહ્યું કે તો પછી મારે ગીત લખવું જ નથી. શબાનાને આની જાણ થઈ તો તેણે શેખરને તતડાવ્યો, ‘બચ્ચોં કે ગાને પે કભી ગુલઝાર સે પંગા મત લેના.’

આ ગીતનું રેકૉર્ડિંગ થતું હતું ત્યારે ગુલઝારને થયું કે શબ્દો વચ્ચે કોઈક અવાજની જરૂર છે. તેમણે એક બંગાળી ગીતમાં ‘તગબક તગબક’ શબ્દ સાંભળ્યો હતો. આર. ડી. બર્મનના સહાયકની હિન્દી ગીતમાં બંગાળી શબ્દ મૂકવાની હિંમત ન ચાલી, પણ પંચમે કહ્યું કે બંગાળીમાં આ ઘોડાનો અવાજ છે એટલે ચાલે. ૩૦ વર્ષે પણ ‘માસૂમ’નો આ ઘોડો એટલો જ તગબક-તગબક ચાલે છે.

ફિલ્મ બનાવવાનો અનુભવ ન હોય અને લગન તથા નિષ્ઠા હોય તો કેટલી મૌલિક ફિલ્મ બને એનું ‘માસૂમ’ ઉદાહરણ છે. શેખર કપૂર કહે છે, ‘મને ઘણા ‘જાણકાર’ લોકોએ પટકથા બદલવા સલાહ આપી હતી. જે લોકો પ્રસિદ્ધ હતા, અનુભવી હતા, જ્ઞાની હતા તેમણે મને કહ્યું હતું કે આમાં ડ્રામા નથી, વિલન નથી. હું અબુધ, અજાણ્યો, આવડત વગરનો, તાલીમ વગરનો હતો; પણ હું બળવાખોર હતો. એના માટે ભગવાનનો આભાર.’

‘માસૂમ’માં તમામ પાત્રો માસૂમ હતાં અને એક પરિસ્થિતિનો શિકાર થઈ ગયાં હતાં. મહત્ત્વની વાત એ છે કે એનો ડિરેક્ટર પણ માસૂમ હતો અને ટિકિટો વેચવાની ચતુરાઈમાં પડ્યો નહોતો અને એટલે જ આખી ફિલ્મ માસૂમિયતની એક કવિતા બની ગઈ.

મેં જ્યારે મારી પહેલી ફિલ્મ ‘માસૂમ’ બનાવી ત્યારે મને એડિટિંગ રૂમ શું કહેવાય એની ખબર નહોતી. સાઉન્ડ પૉઝિટિવ અને સાઉન્ડ નેગેટિવની સમજ નહોતી. મેં ફિલ્મ- ડિરેક્શનમાં કામ કર્યું નહોતું. ફિલ્મમેકિંગની એકેય ચોપડી વાંચી નહોતી. બધા કહેતા હતા કે મારી સ્ક્રિપ્ટમાં સ્ટ્રક્ચર નથી, ડ્રામાની કોઈ ક્લૅરિટી નથી. થૅન્ક ગૉડ, મેં કોઈની વાત ન સાંભળી. મારે તો ખાલી એક કહાની કહેવી હતી.

- શેખર કપૂર, ટ્વિટર પર

raj goswami columnists weekend guide