હાઉ’ઝ ધ જોશ, લાઇફલાઇન શરૂ થયા બાદ લાઇફ પાટે ચડી કે નહીં?

06 February, 2021 03:58 PM IST  |  Mumbai | Varsha Chitaliya

હાઉ’ઝ ધ જોશ, લાઇફલાઇન શરૂ થયા બાદ લાઇફ પાટે ચડી કે નહીં?

લોકલ ટ્રેન

લગભગ દસ મહિનાથી મુંબઈગરાઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ લોકલ ટ્રેનો આખરે આમ આદમી માટે શરૂ થઈ જતાં મુસાફરોમાં ગજબનું એક્સાઇટમેન્ટ જોવા મળી રહ્યું છે. ‘પ્લૅટફૉર્મ નંબર દો પર આનેવાલી ગાડી આજ પ્લૅટફૉર્મ નંબર ચાર સે જાએગી’ જેવી અનાઉન્સમેન્ટ સાંભળીને ઘણાને જબરું સુકૂન મળ્યું હતું. અનેક મુસાફરોએ મીઠાઈઓ વહેંચીને સેલિબ્રેટ કર્યું હતું તો કેટલાક વિરલાઓએ ટ્રેનના ફુટબોર્ડને સ્પર્શ કરી વંદન કરવાની મેમરેબલ મોમેન્ટ્સ ક્લિક કરી હતી. જોકે હાલમાં સામાન્ય જનતા માટે મુસાફરીનો ટાઇમ સ્લૉટ નક્કી કરવામાં આવ્યો હોવાથી ઘણાને લાગી રહ્યું છે કે પીક અવર્સમાં ટ્રેનો શરૂ નહીં થાય ત્યાં સુધી મુંબઈનું જીવન થાળે પડશે નહીં. લંચ ટાઇમમાં ટ્રેનો દોડાવવા વિશે સોશ્યલ મીડિયા પર રમૂજ સાથે હળવો આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે ત્યારે લાંબા બ્રેક બાદ શરૂ થયેલી લોકલ ટ્રેનમાં ફર્સ્ટ વીકમાં મુસાફરીનો આનંદ ઉઠાવનારા કેટલાક મુંબઈવાસીઓનો અનુભવ જાણીએ

જેટલી રાહત મળી છે એમાં રાજી રહેવાનું : ઘનશ્યામ ઠક્કર, ફાઇનૅન્શિયલ કન્સલ્ટન્ટ

મીરા રોડમાં રહેતા અને સાંતાક્રુઝની ફાઇનૅન્શિયલ કન્સલ્ટન્સીમાં મૅનેજર તરીકે ફરજ બજાવતા ઘનશ્યામ ઠક્કરે ટ્રેન શરૂ થયા બાદ રાહતનો શ્વાસ લીધો છે. તેઓ કહે છે, ‘અમારી ઑફિસ જૂન મહિનાથી શરૂ થઈ ગઈ છે. મીરા રોડથી સાંતાક્રુઝ પહોંચવા માટે સાધન નહોતું એટલે લોન લઈને ઍક્ટિવા ખરીદ્યું. પેટ્રોલનો ભાવ ખિસ્સાને પરવડે એમ નહોતો તોય નોકરી માટે જતા હતા. જનરલ પબ્લિક માટે ટ્રેન શરૂ થવાથી રાહત થઈ ગઈ છે. પેટ્રોલમાં પૈસા નાખવા કરતાં પહેલા દિવસથી સવારે સાડાછ વાગ્યાની ટ્રેન પકડીને ઑફિસ પહોંચી જાઉં છું અને રાતના નવ પછી જ ટ્રેન પકડું છું. વાસ્તવમાં અમારો ઑફિસ ટાઇમ સવારે સાડાનવથી સાંજના સાડાછ સુધીનો છે પણ લોકલ સાથે ટાઇમ મૅચ થતો ન હોવાથી આખો સ્ટાફ આ રીતે જ કામ કરે છે. ફાઇનૅન્સ કંપનીમાં ઑન ફીલ્ડ કામ વધારે હોય. ક્લાયન્ટ સાથે મીટિંગનો ટાઇમ સાંજના સાત પછીનો ગોઠવીએ જેથી મીટિંગ પતે ત્યાં સુધીમાં નવ વાગી જાય. બે દિવસ તો ઘરે માત્ર સૂવા માટે જતાં હોઈએ એવી ફીલિંગ આવી. સ્ટાફ આખો દિવસ કામ કરે છે અને પ્રોડક્ટિવિટી પણ વધી છે એ બાબતને નજરમાં લઈ કંપનીએ સૅલરી ઉપરાંત ઇન્સેન્ટિવ અથવા ઓવરટાઇમ આપવાની હા પાડતાં હવે વધુ કલાકો કામ કરવાનો વસવસો નથી રહ્યો. લોકલ ટ્રેન શરૂ થવાથી અમને સો ટકા ફાયદો થયો છે. સાવ બંધ હતી એના કરતાં છૂટછાટ મળી એમાં રાજી રહેવાનું. મોટા ભાગના પ્રવાસીઓને ટ્રેનમાં જવા મળ્યું એનો આનંદ ઉઠાવતા જોઈને લાગે છે કે લાઇફ ધીમે-ધીમે પાટે ચડી જશે.’

અચાનક આટલી બધી પબ્લિક ક્યાંથી આવી? : હિતેશ આશર, બીએસઈ

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના ઇન્વેસ્ટર્સ પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હિતેશ આશર એસેન્શિયલ સર્વિસ કૅટેગરીમાં હોવાથી તેમને ઘણા સમયથી ટ્રેનમાં જવાની છૂટ મળેલી છે. આમ આદમી માટે લોકલ શરૂ થયા બાદ તેઓ ચિંતામાં મુકાઈ ગયા છે. સામાન્ય પ્રવાસીઓએ રેલવેની છૂટછાટનો ઍડ્વાન્ટેજ લેવાનું શરૂ કરી દીધું છે એવો બળાપો કાઢતાં હિતેશભાઈ કહે છે, ‘હું અઠવાડિયામાં ત્રણ દિવસ વસઈથી સવારે સાતને સોળ મિનિટની ટ્રેન પકડું છું અને સાંજે પણ વહેલો નીકળી જાઉં છું. છેલ્લા કેટલાક મહિનાઓથી ટ્રેનમાં લિમિટેડ લોકો જોવા મળતા હતા. જનરલ પબ્લિક માટે ટ્રેન શરૂ થયાના બે દિવસમાં તો ચિક્કાર ભીડ થઈ ગઈ. સ્ટેશન પર ચેકિંગ થતું નથી એ જોઈ લોકો ટાઇમ સ્લૉટ સિવાય પણ ટ્રાવેલ કરવા લાગ્યા છે, નહીંતર અચાનક આટલી ભીડ ક્યાંથી થાય? એસેન્શિયલ સર્વિસવાળી વ્યક્તિ નથી એવો ડાઉટ જતાં એક ભાઈને પૂછ્યું તો કહે, ‘સબ ચલતા હૈ, કુછ વાંધા નહીં.’ આમાં કોરોનાના કેસ વધી જશે એવો ભય લાગે છે. અમારી આરામદાયક સફર પૂરી થઈ એટલે બબડાટ કરીએ છીએ એવું નથી. ગિરદીથી તો મુંબઈગરાઓ યુઝ્ડ ટુ છે પણ સરકારે ના પાડી છે તો કંઈક કારણ હશેને! કોરોના હજી ગયો નથી અને સોશ્યલ ડિસ્ટન્સ જરૂરી છે. આટલી સમજદારી હોવી જોઈએ. આ રીતે નિયમોનો ભંગ થતો રહેશે તો બધાને તકલીફ ભોગવવી પડી શકે છે. મારા મતે આમ આદમી રેસ્ટ્રિક્શન અને ટાઇમ સ્લૉટની વૅલ્યુ કરે એ માટે રેલવે ઑથોરિટીએ કાં તો વધુ સ્ટાફ કામે લગાવવો જોઈએ અથવા મુસાફરોને ચોવીસે કલાક અવરજવર કરવાની છૂટ આપી બધાની હેરાનગતિનો ધ એન્ડ લાવવો જોઈએ.’

ચાર કલાકમાં મુંબઈ જઈને પાછા ફરવું અઘરું: રોહિત ગોંધિયા, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ

જનરલ પબ્લિક માટે ટ્રેન શરૂ થયાના પહેલા દિવસે જ ભાગમભાગ થઈ ગઈ. કાંદિવલીથી મુંબઈ સેન્ટ્રલ અને ત્યાંથી ટૅક્સી પકડી માઝગાંવ જઈ હિયરિંગ સાંભળી ફરીથી ચાર વાગ્યા પહેલાં ફટાફટ ટ્રેન પકડી કાંદ‌િવલી આવી જવું પડ્યું. પોતાનો અનુભવ શૅર કરતાં કાંદ‌િવલીના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ રોહિત ગોંધ‌િયા કહે છે, ‘ઑડિટ માટે અમારે માઝગાંવ, થાણે, દાદર, કાલાઘોડા એમ જુદા-જુદા વિસ્તારમાં જવાનું હોય. મરીનલાઇન્સ ખાતે ઇન્કમ-ટૅક્સની ઑફિસમાં પણ નિયમિતપણે જવું પડે. ટ્રેન વગર બધી જગ્યાએ સમયસર પહોંચવું અઘરું છે. અત્યાર સુધી કોઈ ઑપ્શન નહોતો એટલે રોજનું ૧૫૦૦ રૂપિયાનું પેટ્રોલ બાળીને બાય રોડ જતા હતા. હવે ટ્રેન શરૂ થઈ છે તોય હાડમારી ઓછી નથી થઈ, કારણકે ચાર કલાકમાં કામ પતાવીને પાછા ન ફરી શકો. સોમવારે માઝગાંવ ખાતે ઇન્કમ-ટૅક્સ હિયરિંગ માટેનો મારો ટાઇમ સાડાઅગિયારનો હતો, પરંતુ ટ્રેનમાં ૧૨ વાગ્યા પહેલાં પરવાનગી નથી અને ટિકિટ ઇશ્યુ કરવાની ના પાડી એટલે મોડો પહોંચ્યો. દાદરથી ટ્રેન બદલીને ચાર કલાકની અંદર પાછા ફરવું શક્ય ન હોવાથી દોડાદોડી થઈ હતી. સરકારે અને રેલવે ઑથોરિટીએ સેન્ટ્રલ, વેસ્ટર્ન અને હાર્બર એમ ત્રણેય લાઇનમાં મુસાફરી કરતા પ્રવાસીઓને ધ્યાનમાં લઈ સમયમાં વધુ રાહત આપવી જોઈએ. સામાન્ય રીતે મુંબઈમાં ઑફિસનો સમય સવારના દસ વાગ્યાનો હોય છે. દૂરનાં પરાંમાંથી ટાઉન સુધી જનારી એસેન્શિયલ સર્વિસવાળી પબ્લિક પણ મોડામાં મોડી આઠ વાગ્યા સુધીમાં ટ્રેન પકડીને નીકળી જાય છે તો પછી ૧૨ વાગ્યા સુધી જનરલ પબ્લિકને અટકાવી રાખવાનો મતલબ નથી. અત્યારે ૧૨થી ચારનો જે સમય ફાળવવામાં આવ્યો છે એને ૧૦થી ૬ કરી દેવો જોઈએ જેથી દરેક વ્યક્તિ પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરી શકે.’

ચોથી સીટ પર બેસવાવાળા મુસાફરો આવી ગયા : સંજય શાહ, બૅન્કર

સામાન્ય પ્રવાસીઓ માટે લોકલ શરૂ થયાના પહેલા દિવસે બધા કોરોના ગાઇડલાઇન્સ ફૉલો કરતા જોવા મળ્યા. નિયમ પ્રમાણે લોકો મુસાફરી કરશે એવું લાગતું હતું પણ ત્રીજા દિવસથી સિનિયર સિટિઝન અને કૉલેજ સ્ટુડન્ટ્સનું ક્રાઉડ જોઈ આશ્ચર્ય થયું. મીરા રોડથી ચર્ચગેટ ટ્રાવેલ કરતા બૅન્કર સંજય શાહ કહે છે, ‘એસેન્શિયલ સર્વિસવાળા લોકો જે ફીલ્ડમાં કામ કરે છે એમાં નિવૃત્તિની એજ હોય છે. મને મોટી ઉંમરના ઘણા લોકો દેખાયા હતા. અત્યાર સુધી સવારે સાતને વીસની ટ્રેનમાં સરળતાથી ચડવા મળતું હતું, હવે ધક્કામુક્કી થવા લાગી છે. કેટલાક મુસાફરોએ તોડ શોધી લીધો છે. તેઓ સવારે સાડાછની આસપાસ ટિકિટ લઈ રાખે છે અને પછી નિયમનો ભંગ કરી પહેલાંની જેમ પોતાના ટાઇમ મુજબ મુસાફરી કરે છે. સ્ટેશન પર ટિકિટચેકર ટિકિટ કે પાસ જોઈને જવા દેતા હોવાથી તેઓ ગેરલાભ લઈ રહ્યા હોવાનું પ્રતીત થાય છે. સામસામેની સીટ વચ્ચે ઊભા રહેનારા મુસાફરો આટલા મહિનાથી જોવા મળ્યા નહોતા અને હવે દેખાય છે એ બતાવે છે કે ઇન્વેસ્ટિગેશન બંધ થતાં સામાન્ય મુસાફરો બિન્દાસ ટ્રાવેલ કરે છે. ચોથી સીટ પર બેસવાવાળા આવ્યા એટલે સમજી જવાનું કે લોકો નિયમોની ઐસી કી તૈસી કરી બહાર નીકળી ગયા છે. ઘણાએ તો માસ્ક પહેરવાનું પણ બંધ કરી દીધું છે. જોકે સામાન્ય જનતા માટે નક્કી કરવામાં આવેલા ટાઇમ સ્લૉટનો અર્થ નથી એ સ્વીકારું છું. બપોરના બાર વાગ્યે વિન્ડો પર ટિકિટ છાપવાનું શરૂ કરે પછી મીરા રોડથી ટ્રેન પકડો તો મુંબઈ ક્યારે પહોંચો? સમયની પાબંદીના કારણે આમ જનતાની હાડમારી ઓછી નથી થઈ એટલે લોકો પોતાના રિસ્ક પર ટ્રાવેલ કરે છે.’

સમય અને પૈસાની બચત થતાં નિરાંત અનુભવું છું : ભરત શાહ, બિઝનેસમૅન

છેલ્લા કેટલાક મહિનાઓથી મલાડથી છેક દહાણુ સુધી બાય રોડ ટ્રાવેલ કરીને કંટાળેલા ભરત શાહને ટ્રેન શરૂ થવાનો ખૂબ આનંદ છે. પહેલા અઠવાડિયામાં થયેલા અનુભવો વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘બોરીવલીથી દહાણુ જવા માટે સવારે સાત ને ત્રેપન મિનિટની ટ્રેન છે. સામાન્ય મુસાફરોને આ સમયે પ્રવાસ કરવાની પરવાનગી નથી એટલે એસેન્શિયલ સર્વિસમાં આવતા એક મિત્રએ મને ટિકિટ કઢાવી આપી. ટિકિટ લઈને ટ્રેનમાં ચડી ગયો. વાસ્તવમાં લોકો કઈ રીતે પ્રવાસ કરે છે, કોરોના ગાઇડલાઇન ફૉલો થાય છે કે નહીં, સ્ટેશન પર કેવી સુવિધા છે, ચેકિંગ કેવું છે વગેરે બાબતોનું ઑબ્ઝર્વેશન કરીને પાસ કઢાવવો હતો. પ્રવાસ દરમિયાન કોઈ તકલીફ થઈ નહોતી. બધાએ માસ્ક પહેર્યા હતા અને વારંવાર સૅનિટાઇઝર પણ વાપરતા હતા. બધું યોગ્ય લાગતાં બીજા દિવસે આપેલા ટાઇમ સ્લૉટમાં જઈને પાસ કઢાવી લીધો. હવે દરરોજ ટ્રેનમાં જઈએ છીએ અને કોઈ પૂછતું પણ નથી. સરકાર દ્વારા જે સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે એ અમારા કામનો જ નથી. મુંબઈમાં સમયની કિંમત છે એટલે જ લોકલ ટ્રેનને લાઇફલાઇન કહેવાય છે. જોકે સાંજના અમે ચાર વાગ્યા પહેલાંની ટ્રેન પકડી લઈએ છીએ. વિરારમાં ઊતરીએ ત્યાં સુધીમાં સમય પૂરો થઈ જાય છે, પરંતુ એક વાર મુસાફરી શરૂ કરો પછી વાંધો નથી આવતો. અગાઉ દહાણુમાં ફૅક્ટરી ધરાવતા ચાર જણ વારાફરતી કાર કાઢતા અને ખર્ચો વહેંચી લેતા તોય એક જણના ભાગે રોજના આઠસો રૂપિયા આવતા હતા. જ્યારે ચર્ચગેટથી દહાણુના એક મહિનાના ફર્સ્ટ ક્લાસના પાસના બે હજાર રૂપિયા થાય છે. ટ્રેન શરૂ થવાથી સમય અને પૈસા બન્ને બચી જાય છે.’

હવે આરામથી જમીને કામે જવા નીકળીએ છીએ : બિપિન વોરા, રેડીમેડ ગાર્મેન્ટ

બોરીવલીથી લોકલ ટ્રેનમાં મલાડ જવું હોય તો પંદર મિનિટમાં પહોંચી જવાય. આટલો ટૂંકો રસ્તો બાય રોડ કાપવામાં દોઢ કલાક વેડફાઈ જતો હતો. લોકલ ટ્રેન શરૂ થઈ જતાં બસની હેરાનગતિથી છુટકારો મળ્યો છે અને ઉપરથી ઘરેથી જમીને નીકળીએ છીએ એ ફાયદો થયો. રેડીમેડ ગાર્મેન્ટ મૅન્યુફૅક્ચરિંગ કંપનીમાં નોકરી કરતા બિપિન વોરાને ટાઇમ સ્લૉટ સામે કોઈ આક્રોશ નથી. તેઓ કહે છે, ‘અત્યાર સુધી અમે બસમાં હેરાન થઈને પણ સમયસર ઑફિસમાં પહોંચી જતા હતા એ શેઠના ધ્યાનમાં તો હોય જને! સામાન્ય પ્રવાસીઓ માટે લોકલ શરૂ થઈ જતાં અમારો એક કલાક બચી ગયો છે. ઑફિસમાંથી પણ નિરાંતે આવજો એમ કહ્યું હોવાથી જમીને નીકળું છું. રાતે તો આમેય મોડા નીકળવાનું હોય એટલે ટાઇમ સ્લૉટ નડતો નથી. પહેલા દિવસે જરાય ક્રાઉડ નડ્યું નહોતું. સામાન્ય દિવસોમાં બોરીવલીથી ચડ્યા પછી મલાડ ઊતરવામાં તકલીફ થતી હતી, અત્યારે ટ્રેનો લગભગ ખાલી દોડે છે. ગાર્મેન્ટના ફીલ્ડમાં હમણાં ધંધાપાણી ઠપ છે. અમારો હોલસેલનો ધંધો છે અને બહારગામથી આવનારા ગ્રાહકો વધુ હોય છે. મુંબઈ આવીને તેઓ મલાડ, ખાર, દાદર એમ બધી માર્કેટમાં ફરતા હોય છે. શૉર્ટ ટાઇમમાં એ લોકોને પાછા ફરવાનું હોય ત્યારે ટ્રેન જ પરવડે. ઘણા વખતથી ટ્રેનો બંધ હતી તેથી ગ્રાહકો આવતા નહોતા. સામાન્ય મુસાફરો હજીયે કોઈ પણ સમયે લોકલમાં પ્રવાસ કરી શકવાના નથી તેથી અન્ય રાજ્યોના ગ્રાહકો ઓછા આવવાના છે. આમ ધંધાકીય દૃષ્ટિએ જોઈએ તો બહુ વાંધો આવ્યો નથી. લાઇફલાઇન સ્ટાર્ટ થઈ છે તો ધીમે-ધીમે બધું થાળે પડી જશે એવી અપેક્ષા છે.’

columnists weekend guide Varsha Chitaliya mumbai local trai