બજેટ 2020: યાદ રહે કે જો ગામડામાં પૈસો આવશે તો શહેરની બજારમાં ઠલવાશે

04 February, 2020 01:50 PM IST  |  Mumbai | Manoj Joshi

બજેટ 2020: યાદ રહે કે જો ગામડામાં પૈસો આવશે તો શહેરની બજારમાં ઠલવાશે

પ્રતીકાત્મક તસવીર

ભારત કૃષિપ્રધાન દેશ છે.

નાના હતા ત્યારે આપણે આ ભણ્યા અને ભણાવતાં-ભણાવતાં આપણને શીખવવામાં પણ આવ્યું કે આપણો દેશ કઈ રીતે કૃષિપ્રધાન છે, પણ મજબૂરી એ છે કે સમય જતાં આપણે આ વાતને હાંસિયાની બહાર ધકેલી દીધી અને હાંસિયાની બહાર ધકેલાયેલી આ વાતને લીધે બધા પ્રશ્નો ઊભા થવાનું શરૂ થયું. ઊભા થયેલા આ પ્રશ્નો વચ્ચે પણ આપણે એક વાત યાદ રાખવી પડશે કે ભારતની ઇકૉનૉમી ગામડાલક્ષી છે. જો ગામડું પૈસાપાત્ર થશે તો અને તો જ શહેરની ઇકૉનૉમીમાં પણ રાહત રહેશે. ગામડું પાયમાલ થવાની અણી પર હશે તો આપણે ત્યાં ક્યારેય શહેરમાં તેજીનો માહોલ જોવા નહીં મળે અને ગામડું તો જ પાયમાલીના રસ્તે ચાલશે જો કૃષિપ્રધાન માનસિકતા છોડવામાં આવશે.

બજેટના દિવસે નાણાપ્રધાન અને વડા પ્રધાન બન્નેએ આ વિષય પર લંબાણપૂર્વક વાત કરી અને કૃષિપ્રધાન દેશને સાચી રીતે કૃષિપ્રધાન બનાવવાની દિશામાં આગળ વધવાની વાત પણ તેમણે ઉચ્ચારી. ભારત માટે આ અત્યંત આવશ્યક છે. જો ગામડું સધ્ધર હશે તો જ ત્યાંની ખરીદદારી શહેરમાં આવશે. તમે જુઓ તહેવારો દરમ્યાનની પરિસ્થિતિ. ગામડામાં આજે પણ ભારતીય તહેવારો પરંપરાગત ઊજવાય છે. જન્માષ્ટમી પણ ગામડામાં દિલથી ઊજવાય છે અને નવરાત્રિથી લઈને વસંત પંચમી, ભીમ અગિયારસ જેવા નાના અને શહેરોમાંથી વીસરાઈ ગયેલા તહેવારો પણ ગામડામાં ખુશી-ખુશી ઊજવાય છે. પ્રસંગો પણ ગામડામાં રંગેચંગે મનાવવામાં આવે છે. ગામડાના તહેવારો અને ગામડાના પ્રસંગો વચ્ચે જો કોઈ સૌથી મોટી ભેદરેખા હોય તો એ ભેદરેખા એ છે કે ગામનું બધું મધ્યમ વર્ગને મોટા કરવા માટે હોય છે, જ્યારે શહેરમાં બધું માલેતુજારને કમાવી આપવા માટે હોય છે.

ગામના પ્રસંગોની ખરીદી સામાન્ય દુકાનોમાંથી હોય છે, જ્યારે શહેરના પ્રસંગો ફાઇવસ્ટારમાં ઊજવાય છે. ગામડામાં તહેવાર સમયે કંદોઈની દુકાનમાંથી મીઠાઈઓ આવે છે અને શહેરમાં મીઠાઈનું સ્થાન ચૉક્લેટે લઈ લીધું છે. આ ભેદને લીધે જ શહેરમાં પૈસાપાત્ર શ્રીમંત બને છે અને ગામડામાં મધ્યમવર્ગ ઉચ્ચ મધ્યમવર્ગ બને છે.

પૈસો જે દિશામાંથી આવતો હોય છે એવી જ દિશા એ જવા માટે પસંદ કરે છે. ફાઇવસ્ટારમાં ખર્ચાયેલો પૈસો દુબઈ, થાઇલૅન્ડ અને હૉન્ગકૉન્ગમાં ઠલવાય છે, જ્યારે મધ્યમવર્ગ સુધી પહોંચેલો પૈસો શહેરના નાના વર્ગ અને મધ્યમ વર્ગમાં આવે છે. કૃષિપ્રધાન દેશ હોવાને લીધે ઇકૉનૉમીને બૂસ્ટ પણ ત્યારે જ મળશે જ્યારે ગામડાંઓની સધ્ધરતા આભને આંબશે. શહેર આધારિત વાણિજ્ય વ્યવસ્થા નહીં હોવાને લીધે જો તમે દેશનાં શહેરોને મોટાં કરવાનું કાર્ય કરશો તો એની સીધી આડઅસર દેશની ઇકૉનૉમી પર પડશે અને એ હકીકત છે કે જે દેશના ખમતીધર ઇકૉનૉમિસ્ટ પણ સ્વીકારશે, સ્વીકારવી પડશે.

આ વર્ષે બજેટમાં કૃષિપ્રધાન દેશની ઇમેજને ધ્યાનમાં રાખવામાં આવી અને બજેટ દરમ્યાનની સ્પીચમાં પણ એ જ કાર્ય કરવામાં આવ્યું. જો એ શબ્દોને વળગી રહેવામાં આવે તો ચોક્કસપણે કહેવું પડે કે ભારત માટે સારા દિવસો હવે હાથવેંતમાં છે.

manoj joshi columnists