શું તમે બાળકો સાથે કાલીઘેલી બોલી બોલો છો?

24 January, 2020 03:35 PM IST  |  Mumbai | Varsha Chitaliya

શું તમે બાળકો સાથે કાલીઘેલી બોલી બોલો છો?

ફાઈલ ફોટો

બોલો. વાંધો નથી, કેમ કે બાળક જેવી બોલીથી પરસ્પર પોતીકાપણું વધે છે. જોકે તમે પણ તેની સાથે કાલું બોલશો તો બાળકના કાનમાં ખોટા ઉચ્ચાર પડશે. એટલે સાથે સાચું ઉચ્ચારણ શીખવવાની સભાનતા પણ જરૂરી છે. ભાષા એ સાઉન્ડથી શીખવાની વસ્તુ છે અને તે પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં દરેક શબ્દોના ઉચ્ચારો સ્પષ્ટ કરતું થઈ જાય એનું ધ્યાન રાખવાનું ચૂકવું નહીં

માલી પરીએ મમ કલી લીધું? તો ચાલો જોઈએ હવે હાલા કરી જાઓ.

અલેલે, મારો દીકુ ભપ થઈ ગયો? જો કીડી મરી ગઈ!

નાનાં બાળકો સાથે આપણે આવી જ કાલીઘેલી ભાષામાં વાતચીત કરતાં હોઈએ છીએ. સાયન્સ કહે છે કે સામાન્ય રીતે બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી તોતડાપણું જોવા મળે છે. તેમની સાથે તેમની જ ભાષામાં સંવાદ કરવાથી પોતીકાપણું લાગે છે. ગુજરાતી ભાષામાં રચાયેલી અનેક બાળકવિતાઓ, સાહિત્ય અને જોડકણાંઓમાં પણ આવા વાક્યનો પ્રયોગ થયો છે.      

આમ જોવા જાઓ તો નાનાં બાળકો સાથે તેમની જ બોલીમાં વાતો કરવામાં કંઈ વાંધો નથી અને એનાથી કોઈ નુકસાન થયું હોય એવું જાણવા મળ્યું નથી, પરંતુ શું આપણે તેમને નાનપણથી જ સાચા શબ્દો બોલતાં ન શીખવી શકીએ? કાલીઘેલી ભાષા જ શા માટે? આમ કરવાથી કેટલાક શબ્દો કાયમ માટે તેમના માનસપટ પર અંકિત થવાના ચાન્સિસ કેટલા? તેમના ઓવરઑલ ડેવલપમેન્ટ અને ભાષાના વિકાસ માટે તબક્કાવાર બોલીમાં સુધારો થવો જોઈએ? આવા અનેક પ્રશ્નોના જવાબ મેળવવા કેમ્પ્સ કૉર્નરનાં ઑડિયોલૉજિસ્ટ ઍન્ડ સ્પીચ થેરપિસ્ટ અલ્પના કાપડિયા સાથે જે વાત કરી હતી એને અહીં રજૂ કરવામાં આવી છે.

સાચું સાંભળવું જરૂરી

બાળકો કાલું બોલેને ત્યારે બહુ સ્વીટ અને ક્યુટ લાગે. આપણને વહાલ કરવાનું મન થાય એટલે આપણે પણ તેમની જ ભાષામાં વાત કરવા લાગીએ છીએ. તેઓ ભલે ખોટી રીતે બોલે, પરંતુ પેરન્ટ્સે શરૂઆતથી તેમની સાથે સામાન્ય ભાષામાં જ વાત કરવી જોઈએ. એનાથી હૅબિટ ફૉર્મિંગ થઈ જાય છે. કયા અક્ષરનો ઉચ્ચાર કઈ રીતે કરવાનો છે એ સાઉન્ડના માધ્યમથી શીખવાની વસ્તુ છે. બાળક તમને અનુસરે છે. તમે તેના રોલ મૉડલ છો. હવે જો તમે કાલું બોલશો તો તેના કાન પર એવો જ સાઉન્ડ જશે. બોલતાં શીખતું બાળક સાચા શબ્દો સાંભળે એ ખૂબ જરૂરી છે.

પહેલાં શું શીખે?

પહેલાં તો સમજી લો કે બાળક બોલતાં ત્યારે શીખે છે જ્યારે તે સાંભળે છે. તમે જોજો સાંભળવામાં તકલીફ હોય એ બાળક બોલતાં શીખી શકતું નથી. ભાષાના વિકાસમાં સાઉન્ડ મુખ્ય છે. જુદા-જુદા અક્ષરોનો વિકાસ એ જ પ્રમાણે ડેવલપ થાય છે. ભાષાના વિકાસમાં દરેક બાળકનો ટાઇમિંગ જુદો હોય છે. કોઈ ચાલતાં વહેલું શીખે તો કોઈ બોલતાં વહેલું શીખે. મોટા ભાગે ત્રણ વર્ષની ઉંમરે તેઓ બે-ત્રણ શબ્દ હોય એવાં નાનાં વાક્યો બોલતાં શીખી જાય છે. દાખલા તરીકે મમ્મી આવ કે મમ્મી ટાટા. પાંચ વર્ષ સુધીમાં બધા સાઉન્ડ પર્ફેક્ટ થઈ જવા જોઈએ. મોટા ભાગના કેસમાં ‘ક’ અક્ષર બોલવામાં તેઓ ભૂલ કરતા હોય છે. ‘ક’ ના બદલે તેઓ ‘ત’ બોલે છે. આ અક્ષર ત્રણ વર્ષે બોલતાં આવડી જવો જોઈએ. સ, શ, જ, ઝ પછી આવે છે. બે વર્ષનું બાળક ‘સ’ કે ‘શ’ ન બોલે તો વાંધો નહીં, પણ પાંચ વર્ષે ન બોલે તો જાગી જવું.

સ્પીચ-થેરપી ક્યારે?

આગળ કહ્યું એમ પાંચ વર્ષે ભાષાનો સંપૂર્ણ વિકાસ થઈ જવો જોઈએ. જો ન થાય તો સ્પીચ-થેરપિસ્ટની એક વાર સલાહ લઈ લેવી. ઘણી વાર એ પહેલાં પણ પેરન્ટ્સને ખ્યાલ આવી જાય છે. આજકાલ બે-ત્રણ વર્ષે બાળકો પ્લે ગ્રુપમાં જવા લાગ્યાં છે. તેની ઉંમરનાં અન્ય બાળકોની તુલનામાં તેઓ ખોટા ઉચ્ચાર કરતાં હોય તો ખબર પડી જશે. બાળકની ભાષાના વિકાસ માટે પેરન્ટ્સે નિરીક્ષકની ભૂમિકા ભજવવી જોઈએ. કોઈ ખાસ અક્ષર બોલવામાં જીભ થોથવાતી હોય તો સરળ ઉપાય છે. વાસ્તવમાં જીભ પ્લેસમેન્ટમાં ગોટાળાના કારણે બાળકો સાચો શબ્દ બોલી શકતાં નથી. ઉદાહરણ તરીકે આપણે ‘ક’ ને જ લઈએ. ‘ક’ ન આવડતો હોય તો ચમચી અથવા આઇસક્રીમની સ્ટિક વડે જીભને દબાવીએ એટલે સાચો અક્ષર નીકળે. આ સાવ જ સિમ્પલ એક્સરસાઇઝ છે પણ ધીરજ માગે છે, કારણ કે નાનાં બાળકો એક જગ્યાએ બેસતાં નથી. બાળક કો-ઑપરેટ કરતું નથી તેથી પાંચ મિનિટની એક્સરસાઇઝ માટે ખાસ્સો સમય જોઈએ. જોકે, સ્પીચ થેરપિસ્ટ એમ તાત્કાલિક એક્સરસાઇઝ ન કરાવે. પહેલાં બાળકના કાન, જીભ નીચેની ચામડી અને દાંતની ગોઠવણની તપાસ કરવી પડે. બધું બરાબર હોય ત્યારે જ એક્સરસાઇઝથી ફાયદો થાય છે.

બાળકને કોઈ જ તકલીફ ન હોય તો સ્પીચ-થેરપિસ્ટ પાસેથી એક્સરસાઇઝ શીખી પેરન્ટ્સ ઘરે કરાવી શકે છે. તેને રોજ-રોજ દિવસમાં અનેક વખત કરાવવી પડે. પહેલાં ‘ક’ પછી ‘કા’, ‘કી’ એમ શીખવવાનું. ત્યાર બાદ ‘ક’ થી શરૂ થતાં શબ્દો આવે. દાખલા તરીકે કમળ અને કાગળ. એ પછી ‘ક’ વચ્ચે આવે એવા શબ્દોની પ્રૅક્ટિસ આપવી પડે. ત્યાર બાદ ‘ક’ છેલ્લે આવે એવા શબ્દો અને સૌથી છેલ્લે વાક્ય. આ રીતે સ્ટેપ પ્રમાણે આગળ વધવાથી ભાષા સુધરે છે. ઘણા પેરન્ટ્સ એવું માનતા હોય છે કે ગુજરાતી બરાબર બોલે છે ને અન્ય ભાષા બરાબર બોલતો નથી. એવું નથી હોતું. ‘ક’ ગુજરાતીમાં પણ ‘ક’ જ છે અને બીજી ભાષામાં પણ ‘ક’ જ સાઉન્ડ કરે છે.

પાંચ વર્ષ પછી પણ ખોટા ઉચ્ચાર બોલતાં હોય એવાં બાળકોની સંખ્યા ઓછી છે. સાંભળવાની તકલીફ હોય ત્યારે જ આવું બને છે. જોકે પાંચ વર્ષથી મોટી ઉંમરનું બાળક સમજે છે કે તેઓ ખોટા ઉચ્ચાર કરે છે. તેઓ એક્સરસાઇઝમાં કો-ઑપરેટ કરે છે. અહીં પેરન્ટ્સે યાદ રાખવું કે કાલીઘેલી ભાષા અને અટકી-અટકીને બોલવું એ બન્ને જુદી સમસ્યા છે. તમારું સંતાન નૉર્મલ છે તો તેની ભાષાના વિકાસ માટે તમારે ફક્ત એક જ કામ કરવાનું છે. તેની સાથે નૉર્મલ ભાષામાં સાચા ઉચ્ચાર સાથે વાત કરો.

હવે અમે દીકરીને સાચા શબ્દો બોલતાં શીખવી રહ્યાં છીએ - હાર્દિક શિરોદરિયા, કાંદિવલી

કાંદિવલીમાં રહેતી ત્રણ વર્ષની જિઆના ‘સ’ ની જગ્યાએ ‘ફ’ બોલે છે. તેના પપ્પા હાર્દિક શિરોદરિયા કહે છે, ‘જિઆના સિટીને ફિટી કહે છે.

જ્યાં-જ્યાં ‘સ’ બોલવાનું હોય ત્યાં ‘ફ’ બોલે છે. બાકીના અક્ષરો બરાબર બોલે છે. નાનાં બાળકો અક્ષરો બોલવામાં ગરબડ કરે એ પેરન્ટ્સને ગમતું જ હોય છે. ‘સ’ બોલવામાં તેને થોડી તકલીફ પડે છે, પણ એમાં ચિંતા કરવા જેવું અમને કંઈ લાગતું નથી. અક્ષરોને રેક્ટિફાઇ કરતાં શીખવીએ છીએ. પહેલાં હંમેશાં ‘ફ’ જ બોલતી હતી હવે ક્યારેક ‘સ’ તો ક્યારેક ‘ફ’ બોલે છે. આપણા કલ્ચરમાં બાળકો સાથે કાલીઘેલી ભાષામાં વાત કરવી સામાન્ય છે. પેરન્ટ્સ જ નહીં, પરિવારના બધા સભ્યો આમ જ બોલે છે. મમ ખાઈ લે, દૂધુ પી લે, બકુ ભરીશ જેવા શબ્દોમાં વાત કરવાથી તેઓ આપણી સાથે જલદીથી હળીભળી જાય છે. જોકે એક વાર સ્કૂલમાં જવા લાગે પછી તેમની ભાષા આપોઆપ સુધરી જાય છે. જિઆના પણ સ્કૂલમાં જવા લાગી ત્યારથી ‘ફ’ અને ‘સ’ વચ્ચેનો તફાવત સમજવા લાગી છે. કોઈક વાર રિસાઈ જાય ત્યારે મનાવવા મસ્તીમાં કાલું બોલીએ એટલું જ, બાકી હવે અમે તેની સાથે સાચા શબ્દોમાં જ વાતચીત કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે જેથી આગળ જતાં ‘ફ’ અક્ષર તેના મગજમાં કાયમ માટે ગોઠવાઈ ન જાય.’

બોલતો નહોતો તો ટેન્શન હતું, હવે નૉનસ્ટૉપ બોલે છે - નેહા ગિરનારા, સાંતાક્રુઝ

ઍઝ અ પેરન્ટ અમને દ્વિજની કાલીઘેલી ભાષા સાંભળવાની કે તેની સાથે આવી ભાષામાં વાતો કરવાની તક ખાસ મળી જ નથી એમ જણાવતાં સાંતાક્રુઝનાં નેહા ગિરનારા કહે છે, ‘દ્વિજ અત્યારે પાંચ વર્ષનો છે અને એટલુંબધું બોલે છે કે એક વાર શરૂ થાય પછી બંધ જ ન થાય. નૉનસ્ટૉપ બોલી શકે છે. એક સમય હતો જ્યારે અમે તે બોલતો કેમ નથી એની ચિંતા કરતાં હતાં. વાસ્તવમાં મારો દીકરો બહુ મોડું બોલતાં શીખ્યો. સાડાત્રણ વર્ષ સુધી તો મમા, પપ્પા અને દાદાથી આગળ બોલતાં આવડતું નહોતું. તેની ઉંમરનાં બીજાં બાળકો જે રીતે બોલતાં હતાં એ જોઈ અમને ચિંતા થતી હતી કે આ બોલતો કેમ નથી? તમે નહીં માનો, પણ જલદીથી બોલતાં શીખે એ માટે અમે તેને પોપટનું એઠું પેરુ ખવડાવ્યું છે અને ચકલીનું એઠું પાણી પણ પીવડાવ્યું છે. આવા અનેક તુક્કા કર્યા બાદ ત્રણ-ચાર ડૉક્ટરને કન્સલ્ટ કર્યા હતા. બધેથી એક જ જવાબ મળ્યો કે ચિંતા કરવાની જરૂર નથી, કેટલાંક બાળકોને બોલતાં વાર લાગે છે. દ્વિજ બોલતાં મોડું શીખ્યો છે, પણ તેની ભાષા એકદમ જ પર્ફેક્ટ છે. ગુજરાતી અને હિન્દીના બધા જ શબ્દો યોગ્ય રીતે બોલે છે. અંગ્રેજી હજી બહુ બોલતો નથી, પણ બોલવાની ઝડપ અને ગ્રાસ્પિંગ પાવર જોઈને લાગે છે કે એમાંય વાંધો નહીં આવે.’

ત્રણ વર્ષના બાળકને બે-ત્રણ શબ્દ ધરાવતાં વાક્યો આવડવાં જોઈએ. પાંચ વર્ષે બધા શબ્દો પર્ફેક્ટ બોલતાં શીખી જાય એ જરૂરી છે. ભાષાનો વિકાસ સાઉન્ડના માધ્યમથી થાય છે તેથી પેરન્ટ્સે પોતાના બાળક સાથે કાલીઘેલી ભાષામાં નહીં, નૉર્મલ ભાષામાં જ વાત કરવાનો આગ્રહ રાખવો જોઈએ

- અલ્પના કાપડિયા, ઑડિયોલૉજિસ્ટ ઍન્ડ સ્પીચ-થેરપિસ્ટ

Varsha Chitaliya columnists