ગુજરાતી કથા સાહિત્યમાં કચ્છનું પ્રદાન

04 February, 2020 01:50 PM IST  |  Kutch | Mavji Maheshwari

ગુજરાતી કથા સાહિત્યમાં કચ્છનું પ્રદાન

કોઈ પણ પ્રદેશનાં લોકજીવન અને સંસ્કૃતિ એ પ્રદેશની ભૂગોળ પર જ રચાય છે. એટલું જ નહીં, ભૂગોળની અસર એ પ્રદેશનાં રાજકીય અને પ્રશાસનિક ક્ષેત્રને પણ પ્રભાવિત કરે છે. પરિણામે જનજીવન આંદોલિત થાય છે. સર્જક આખરે જનસમૂહનો એક ભાગ જ છે એટલે સર્જક પોતાના પ્રદેશની ભૂગોળથી પ્રભાવિત થાય છે. કચ્છના સાહિત્ય પર કચ્છની ભૂગોળની પ્રચંડ અસર જોવા મળે છે. એક અર્થમાં કચ્છનું સાહિત્ય એની ભૂગોળની પ્રત્યક્ષ અને પરોક્ષ અસરને કારણે અન્ય પ્રદેશોનાં સાહિત્યથી જુંદું પડે છે.

સામાન્ય રીતે કચ્છ રણપ્રદેશ તરીકે ઓળખાતો રહ્યો છે. કોઈ સમયે કચ્છના સાહિત્યને રણપ્રદેશના સાહિત્ય તરીકે જોવામાં–તપાસવામાં આવતું. જેમ કચ્છ પાસે રણ છે એમ દરિયો પણ છે. દરિયા સાથે જીવતી પ્રજાનો લાંબો ઇતિહાસ છે. ગુજરાતી સાહિત્યમાં કચ્છનું પહેલું પ્રદાન દરિયાઈ સાહિત્ય છે. ગુજરાતી ભાષામાં દરિયાઈ પરિવેશનું સાહિત્ય સૌપ્રથમ કચ્છમાંથી આવ્યું. ગુણવંતરાય આચાર્ય દરિયાઈ કથાઓને કારણે જાણીતા બન્યા હતા. ગુજરાતને ૧૬૦૦ કિલોમીટર જેટલો દરિયો હોવા છતાં જે પ્રમાણમાં કચ્છમાંથી દરિયાઈ સાહિત્ય આવ્યું એટલું ગુજરાતના અન્ય સાગરકાંઠેથી નથી આવ્યું. જેમ દરિયાઈ પરિવેશનું સાહિત્ય કચ્છમાંથી આવ્યું એમ રણનું સાહિત્ય પણ કચ્છની જ ભેટ છે. કચ્છનું રણ માત્ર કચ્છને જ નહીં, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરને પણ પ્રભાવિત કરતું રહ્યું છે. તેમ છતાં, એ પ્રદેશોમાંથી કચ્છ જેટલું અને કચ્છ જેવું રણનું સાહિત્ય આવ્યું નથી. આમ દરિયાઈ અને રણનું પરિવેશ ધરાવતું ગુજરાતી સાહિત્ય કચ્છ પ્રદેશની ઓળખ છે.  જોકે એવું નથી કે કચ્છના ગુજરાતી સાહિત્યકારોએ માત્ર રણ અને દરિયાનું સાહિત્ય રચ્યું છે. વૈશ્વિક માનવીય સંકુલતાઓ અને મૂલ્યો ધરાવતું સાહિત્ય પણ આ પ્રદેશે આપ્યું છે. એક તરફ સુકાની, બકુલેશ અને વનુ પાંધીએ સાગરકથાઓ દ્વારા ગુજરાતી સાહિત્યમાં પોતાની ઓળખ ઊભી કરી તો ડૉ. ધીરેન્દ્ર મહેતા  અને વીનેશ અંતાણીએ માનવમનના તળિયે પડેલાં પડોને ફંફોસ્યાં છે. ડૉ. જયંત ખત્રીએ ટૂંકી વાર્તા દ્વારા કચ્છના રણપ્રદેશને ઉજાગર કર્યો.

ગુજરાતી અને અન્ય ભાષા સાહિત્યમાં રહસ્યકથાઓ લોકપ્રિય રહી છે. આજની પેઢીને કદાચ ખબર ન પણ હોય કે ગુજરાતી ભાષામાં સૌથી વધુ રહસ્યકથાઓ કચ્છમાંથી આવી છે. કચ્છના ગૌતમ શર્માએ ૧૦૦ જેટલી રહસ્યકથાઓ લખી છે. આમ ગુજરાતી ભાષાની રહસ્યકથાઓમાં કચ્છનું મહત્તમ પ્રદાન છે. રહસ્યકથા જેવો જ લોકપ્રિય સાહિત્ય પ્રકાર પ્રણયકથાનો છે. પોતાના સમયમાં કચ્છના રસિક મહેતા ગુજરાતના સૌથી લોકપ્રિય નવલકથાકાર હતા. રસિક મહેતાની સંસ્કૃત પ્રચૂર શૃંગારિક ભાષા અને રતિરાગનાં અલંકારિક વર્ણનો એ સમયે ચર્ચાનો વિષય બન્યાં હતાં. કચ્છ દ્વિભાષી વિસ્તાર છે. એક આશ્ચર્ય જગાવે એવી બાબત એ છે કે મોટા ભાગના ગુજરાતી સાહિત્યકારો કચ્છી ભાષી પશ્ચિમ કચ્છમાંથી આવ્યા છે. કચ્છના ગુજરાતી સાહિત્યકારને ઘડતાં તત્વોમાં કચ્છી ભાષાનોય ફાળો છે. કચ્છમાં રચાયેલાં ગુજરાતી સાહિત્ય જોતાં એવું લાગે છે જાણે કચ્છ કથાસાહિત્યનો પ્રદેશ હોય. અહીંના સાહિત્યકારો કાવ્યરચના કરવાને બદલે કથાસાહિત્ય દ્વારા પોતાની વાત કહેવા માગે છે. કચ્છના ગુજરાતી સાહિત્યકારો બહુધા ટૂંકી વાર્તા અને નવલકથા દ્વારા વ્યક્ત થયા છે. ગુજરાતી ટૂંકી વાર્તામાં કચ્છના લેખક ડૉ. જયંત ખત્રી ટૂંકી વાર્તાની નવી દિશા ચીંધનાર સર્જક ગણાય છે. આમ એક પ્રદેશ તરીકે ટૂંકી વાર્તામાં કચ્છનું અવિસ્મરણીય પ્રદાન કહી શકાય. ટૂંકી વાર્તામાં ડૉ. ખત્રીનું એક જુદી જાતનું પ્રદાન પણ છે જેના તરફ હજી કોઈનું ધ્યાન ગયું નથી. ગુજરાતી સાહિત્યને પહેલી પ્રાણીકથા આપવાનું શ્રેય કચ્છને જાય છે. ડૉ. જયંત ખત્રીની ‘હીરોખૂટ’નો નાયક પશુ છે અને સહનાયક પણ પશુ છે. કથાનો નાયક વિકલાંગ હોય એવી પ્રથમ નવલકથા પણ કચ્છમાંથી આવી. ડૉ. ધીરેન્દ્ર મહેતાની ‘ચિહ્ન’ નવલકથાનો નાયક વિકલાંગ છે. આજે આખું વિશ્વ આતંકવાદથી થરથરે છે, પરંતુ આ વિષયની પહેલી નવલકથા કચ્છના લેખકે લખી છે. વીનેશ અંતાણીની ‘ધૂંધભરી ખીણ’ આતંકવાદના વિષયવસ્તુ પર આધારિત ગુજરાતી ભાષાની પહેલી નવલકથા છે.

૨૦૦૧ પહેલાં પણ દેશમાં ભૂકંપ આવી ચૂક્યા છે, પરંતુ આ અગાઉ ભૂકંપ વિષયક સાહિત્ય રચાયું નથી. એમાં પણ કચ્છના સર્જકે પહેલ કરી છે. ભૂકંપનું કથાવસ્તુ ધરાવતી ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ‘છાવણી’ ડૉ. ધીરેન્દ્ર મહેતાએ આપી. કચ્છના ગુજરાતી સાહિત્યની વાત થતી હોય ત્યારે કચ્છની પાણીની સમસ્યા અને દુષ્કાળની ચર્ચા પણ અનિવાર્ય બની રહે છે. કચ્છના સર્જકો દ્વારા પાણીની સમસ્યાને જે રીતે કલાકીય રૂપ અપાયું છે એ નોંધવા જેવું છે. અહીંનો એકેય સર્જક એવો નથી જેણે એકાધિક વખત વરસાદની વાત ન કરી હોય. ગુજરાતના અન્ય કેટલાય એવા વિસ્તારો છે જ્યાં પાણીની સમસ્યા છે છતાં કચ્છમાંથી જે પ્રકારનું વરસાદ અને પાણી વિષયક સાહિત્ય આવ્યું એટલું અન્ય વિસ્તારોમાંથી નથી આવ્યું. અગાઉ જણાવ્યું એમ કચ્છના સર્જકે કથા દ્વારા વ્યક્ત થવાનું પસંદ કર્યું છે. અત્યાર સુધીમાં કચ્છમાં રસિકલાલ જોશી, રસિક મહેતા, ગૌતમ શર્મા, ડૉ. ધીરેન્દ્ર મહેતા, નિરંજન અંતાણી, વીનેશ અંતાણી, રાજેશ અંતાણી, મૂળરાજ રુપારેલ, વનુ પાંધી, વીનુ કેશવાણી, રજનીકાન્ત સોની, જટુભાઈ પનિયા, નારાણ દામજી ખારવા, નલીન ઉપાધ્યાય, નારાયણ વસનજી ઠક્કુર, પ્રિતમલાલ કવિ, ઉમિયાશંકર અજાણી, પુષ્પદંત ભટ્ટ, હરેશ ધોળકિયા, આનંદ શર્મા, વ્રજલાલ અબોટી, માવજી સાવલા, અરુણા ઠક્કર તથા ઉત્તમ ગડા અને અજય સોનીએ ગુજરાતી નવલકથા લખી છે.

કથાસાહિત્યનું કષ્ટસાધ્ય સ્વરૂપ એટલે ટૂંકી વાર્તા. અગાઉ જે નવલકથાકારોનો નામોલ્લેખ થયો તે બધાએ ટૂંકી વાર્તા તો લખી જ છે. નવલકથાકારોની જેમ ટૂંકી વાર્તા લખનારા લેખકો પણ ખાસ્સા એવા છે. કચ્છમાં ટૂંકી વાર્તાનું સર્જન આઝાદી પૂર્વેનું છે. તત્કાલીન ટૂંકી વાર્તાઓ અને તેના લેખકો લોકપ્રિય રહ્યા છે. એવા લેખકોમાં ચંદ્રશંકર બુચ ‘સુકાની’ અને બકુલેશ એ બે નામો ગણી શકાય. સુકાની અને બકુલેશ પછીના કચ્છના બે વિત્તવાન લેખકો એટલે ડૉ. જયંત ખત્રી અને નાનાલાલ જોશી. આમ ગુજરાતી સાહિત્યજગતમાં કચ્છની વાર્તાને ઓળખ ઊભી કરનાર સુકાની, બકુલેશ, ડૉ. જયંત ખત્રી અને નાનાલાલ જોશી ગણી શકાય. એ પછીના ગાળામાં ડૉ. મનુભાઈ પાંધીથી અજય સોની સુધી ઘણા લેખકોએ ટૂંકી વાર્તા લખી છે, પરંતુ ગુજરાતી સાહિત્યમાં ડૉ. ધીરેન્દ્ર મહેતા, વીનેશ અંતાણી, વનુ પાંધી, ડૉ. મનુભાઈ પાંધી, રાજેશ અંતાણી અને અજય સોનીની વાર્તાઓની વિશેષ નોંધ લેવાઈ છે. ડૉ. ધીરેન્દ્ર મહેતાથી કચ્છની વાર્તામાં આધુનિકતાનો સ્પર્શ આવ્યો એવું જણાય છે. એ સિવાય જટુભાઈ પનિયા, બિપિન ધોળકિયા, નારણ દામજી ખારવા, નારાયણ શનિશ્ચરા, ઉમિયાશંકર અજાણી, હીરાલાલ ફોફલિયા, ગૌતમ શર્મા, મહિમ પાંધી, રજનીકાંત સોની, ધનજી ભાનુશાલી, જયંત રાઠોડ, પૂજન જાની, દક્ષા સંઘવી, ભાનુ માંકડ, નાનાલાલ વસા, પ્રિતમલાલ કવિ, ગૌતમ જોષી, રમીલા મહેતા, ક્રિષ્ના મિસ્ત્રી, લીલાધર ગડા, બાબુ છાડવા, વિરાજ દેસાઈ, અરુણા ઠક્કર, કુમાર જિનેશ શાહ, મુકુંદ મહેતા, પુષ્પદંત ભટ્ટ, આનંદકુમાર આડે, રણધીરસિંહ ચૌહાણ, મોના લિયા, રમેશ રોશિયા, પૂજા કશ્યપ જેવા લેખકોએ વાર્તા લખી છે. બાલવાર્તા લેખનમાં ભારતી ગોર સક્રિય છે. ૧૯૮૦ પછી સાગરકથાઓનાં વળતાં પાણી થયાં. લખાવાની જ બંધ થઈ ગઈ એમ કહીએ તોય ચાલે. સાગર સાહિત્યને પુનર્જીવિત કરવાનું કામ હસમુખ અબોટી ‘ચંદને’ કર્યું. તેમણે સાગરખેડૂઓની સફરોનું ઊંડાણપૂર્વક સંશોધન કરીને સત્યઘટનાઓ લખી છે.

columnists mavji maheshwari kutch