સંઘવી પરિવારને રવિવારની સવારે જલેબી-ગાંઠિયા તો જોઈએ જ જોઈએ

05 February, 2020 03:58 PM IST  |  Mumbai | Varsha Chitaliya

સંઘવી પરિવારને રવિવારની સવારે જલેબી-ગાંઠિયા તો જોઈએ જ જોઈએ

સંઘવી પરિવાર

વર્ષોથી પ્રભાદેવીસ્થિત સિદ્ધિવિનાયક મંદિરથી ત્રણ-ચાર મિનિટના અંતરે આવેલી ચાલી સિસ્ટમના ઘરમાં રહેતા રસિકભાઈએ આધુનિક જમાના પ્રમાણે દીકરાઓ સ્વતંત્ર રહી શકે એ માટે ફ્લૅટ લઈ રાખ્યો છે, પણ ત્રણેયમાંથી એકેય દીકરો ત્યાં રહેવા જવા તૈયાર નથી. બધાનો એક જ જવાબ છે, નાની-મોટી અગડવડો વેઠવી પડશે એ ચાલશે પણ રહીશું તો સાથે ને સાથે જ.

બાપુજીનો વટ

શ્રી કચ્છ વાગડ સાતચોવીસી જૈન સમાજ, મૂળ કચ્છના જંગી ગામના વતની રસિકલાલ જીવરાજ સંઘવીના પરિવારમાં પત્ની ભાનુ, ત્રણ દીકરા વિમલ, આશિષ અને શ્રીપાલ, ત્રણ પુત્રવધૂઓ, બે પૌત્રીઓ અને ત્રણ પૌત્રો મળીને તેર જણ છે. કુટુંબના સૌથી નાના સભ્ય ધ્યાનની ઉંમર બાર વર્ષની છે. તેમનો ગાર્મેન્ટ મૅન્યુફૅક્ચરિંગનો બિઝનેસ છે. કારખાનાનું બારણું આજે પણ રસિકભાઈ જ ખોલે છે. આ સંદર્ભે વાત કરતાં સૌથી મોટા પુત્ર વિમલભાઈ કહે છે, ‘બાપુજી સવારે સાડાઆઠે કારખાનામાં ટચ થઈ જાય. તેમની દિનચર્યામાં કોઈ ફેરફાર જોવા ન મળે. ઘર હોય કે વ્યવસાય, બાપુજીનો ટોટલ કન્ટ્રોલ છે. તેમનો એક હોંકારો પડે ને એટલે ઘરના બધા બેસી જાય. આ તેમનો ડર નથી, આમન્યા છે. આજના સમયમાં વડીલોનું આટલું વર્ચસ્વ હોય ત્યારે જ બધાં હળીમળીને એક ઘરમાં રહી શકે. જૉઇન્ટ ફૅમિલી-જૉઇન્ટ બિઝનેસ આ અમારા કુટુંબની ઓળખ છે. તેમની છત્રછાયા વગર રહેવાનું અમે સ્વપ્નેય વિચારી શકતા નથી. આજ સુધી ક્યારેય મગજમાં આવ્યું નથી કે જુદા રહેવા જઈએ. ફ્લૅટ લીધો એ તો ભાડે આપી દીધો છે. અહીં રસોડામાં સૂવું પડે તો ચાલશે પણ જુદા રહેવાનું નહીં ફાવે.’

એકતાનું કારણ વડીલો

આજના જમાનામાં ચાર જણના કુટુંબને મોટું ઘર જોઈએ છે. પ્રાઇવસીને લોકો સર્વાધિક પ્રાધાન્ય આપવા લાગ્યા છે. નાનાં બાળકો પણ પોતાના પ્રાઇવેટ બેડરૂમની ડિમાન્ડ કરતાં થયાં છે. એમાંય ચાલીમાં રહેવું તો કોઈને ગમતું જ નથી તો એવામાં તમે બધા કઈ રીતે સાથે રહી શકો છો? રૂમ નાના છે પણ મન મોટાં છે, કુટુંબને બાંધીને રાખવાની જવાબદારી ઘરના વડીલોની હોય છે અને મને ગર્વ છે કે હું આ કસોટીમાં સો ટકા ખરો ઊતર્યો છું એવું રૂઆબભેર જણાવતાં સંઘવીપરિવારના મોભી તેમ જ જેમના હાથમાં પરિવારની બાગડોર છે એવા ૬૯ વર્ષના રસિકભાઈ કહે છે, ‘સાથે રહેવાનું એકમાત્ર કારણ છે લાગણી. લાગણી હોય ત્યારે જ સાથે રહેતાં હોઈએને. દીકરા-વહુ વડીલોની આમન્યા રાખે અને સામે વડીલો ભેદભાવ વગર બધાને સાચવે તો કુટુંબ ક્યારેય તૂટે નહીં. જોકે ફ્લૅટમાં રહેવા જવાનું હું પોતે જ કહું છું, પણ ના પાડે છે.’

રમવા ક્યાં જવું?

દાદાની વાત સાંભળી રહેલો પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો ધ્યાન થોડા ગુસ્સા સાથે કહે છે, ‘હું ક્યાંય નથી જવાનો. મોટા બિલ્ડિંગમાં રમવા ક્યાં જવું? અહીં તો બધાના ઘરના દરવાજા આખો દિવસ ખુલ્લા હોય. જેના ઘરે જવું હોય જઈ શકીએ. બિલ્ડિંગમાં તો મોટેથી અવાજ કરો તો પણ સોસાયટીવાળા ના પાડે. મારા ઘણા ફ્રેન્ડ્સ કહે કે તમારે કેવું સારું, ગમેતેટલી ધિંગામસ્તી ને દેકારો કરો તોયે કોઈ કંઈ ન કહે. ચાલી જેવી મજા ન આવે.’

નાના ભાઈની વાત સાથે સહમત થતાં કૉલેજમાં અભ્યાસ કરતી મૈત્રી કહે છે, ‘મારું બાળપણ આવી જ મસ્તીમાં વીત્યું છે. સાથે રહેવાના ઘણા ફાયદા છે. હું મારી ફ્રેન્ડ્સને જોઉં છું કે તેમની મમ્મી ઘરે ન હોય તો ખાવા-પીવાની કેટલી તકલીફ થાય છે. મને આવી ચિંતા નથી. કૉલેજમાંથી ઘરે પહોંચ્યા બાદ મમ્મી નહીં હોય તો કાકી હશે. દાદા-દાદી આપણને મમ્મી-પપ્પાના ગુસ્સાથી બચાવી લે છે એ સૌથી મોટો ફાયદો. અમે તેમની પાસે જીદ કરી શકીએ. આ સીઝનમાં મમ્મીને કહો કે આઇસક્રીમ ખાવો છે તો જવાબ ના જ હોય, પણ દાદાજીને કહો તો આઇસક્રીમ હાજર થઈ જાય. એવી જ રીતે અમને બચ્ચાપાર્ટીને ફાસ્ટફૂડ ખાવું હોય તો મમ્મી કે કાકી કોઈક વાર કહી દે કે બે-ત્રણ રસોઈ નથી બનાવવી. દાદા-દાદી શું ખાશે? તરત દાદાજી કહે કે અમને ચા અને ખાખરા ચાલશે, તમે છોકરાંવને ભાવે એ બનાવજો. રવિવારે તો જલેબી-ગાંઠિયા અને વડાંનો નાસ્તો પણ ફિક્સ. લેવા પણ દાદાજી જાય. હા, એક વાતમાં બાંધછોડ કરવી પડે. આજકાલ કૉલેજમાં ભણતા યંગસ્ટર્સ રાત્રે મોડે સુધી બહાર ફરતા હોય છે. અમારા ઘરમાં આવું નથી ચાલતું. મને જોકે આ બાબત પણ સારી જ લાગે છે, કારણ કે હું એ સિસ્ટમ સાથે ટેવાઈ ગઈ છું. સાથે રહેવું હોય તો ઘરના નિયમો પાળવા જોઈએ જે આપણા સારા માટે જ છે.’

કામ વહેંચી લીધાં

ભાઈઓ તો એક મા-બાપનું લોહી હોય પણ વહુઓ વચ્ચે મેળ પડવો અઘરો હોય છે. આ પ્રશ્નનો સહિયારો જવાબ આપતાં ત્રણેય વહુઓ કહે છે, ઘર હોય તો વાસણ ખખડે એમાં નવું શું છે? આ તો ઘર ઘર કી કહાની છે. અમારી વચ્ચે પણ ક્યારેક ચડભડ થાય. જોકે પંદર મિિનટ પછી પાછાં સાથે ને સાથે. વાતનો દોર હાથમાં લેતાં જાગૃતિબહેન કહે છે, ‘સંયુક્ત કુટુંબના ફાયદા છે અને ગેરફાયદા પણ. અમને તો ફાયદા વધુ દેખાય છે તેથી સાથે રહીએ છીએ. ઘરનાં કામ વહેંચી લીધાં છે. કહેવત છેને કે ઝાઝા હાથ રળિયામણા. બધાં કામ ફટાફટ આટોપાઈ જાય. કોઈની તબિયત નરમ-ગરમ હોય કે બહારગામ જવાનું થયું હોય તો સંતાનોની ચિંતા નહીં. અમારા ઘરને ક્યારેય તાળું ન લાગે. બીજું, અમે બધા જ ચોવિયાર કરીએ છીએ એટલે રસોડું તો સાત વાગ્યે બંધ થઈ જાય. પછી અમે દેરાણી-જેઠાણી છૂટાં. ફરવા જાઓ, શૉપિંગમાં જાઓ જે કરવું હોય એ કરી શકો. આ બાબત સાસુ-સસરાની કોઈ રોકટોક નહીં. ઘણી વાર તો તેઓ સામેથી કહે કે જાઓ ફરી આવો. આમ બધી રીતે અમે સ્વતંત્ર છીએ.’

ગઈ કાલની પેઢી હોય કે વર્તમાન પેઢી કે પછી ભાવિ પેઢી, તેમની અંગત વિચારધારા ક્યાંક એકબીજાથી જુદી પડે છે પરંતુ એક છત નીચે સાથે જ રહેવું છે એ બાબત બધા જ સ્પષ્ટ છે. કોઈ ભાઈ ફૉરેન ફરી આવ્યા છે ને કોઈ ઘણા વખતથી ક્યાંય જઈ શક્યા નથી તેમ છતાં ફરક પડતો નથી. આ બાબત કોઈ હુંસાતુંસી નહીં. પાંચેય બાળકોમાં કોઈ તફાવત નહીં. ઘરમાં જે આવે એ પાંચેય ભાઈ-બહેન માટે આવે. ઘરમાં જે રીતે વહુઓએ કામ વહેંચી લીધાં છે એ જ રીતે ભાઈઓ પણ કામ વહેંચી લે છે. એક ભાઈ હૈદરાબાદ, દિલ્હી અને અન્ય શહેરોમાં ખરીદી અને ઑર્ડર માટે જાય તો બીજો ભાઈ કારખાનામાંથી માલ સપ્લાય કરવા પર ધ્યાન રાખે. ત્રીજો વળી પૅકિંગ ડિપાર્ટમેન્ટ સંભાળી લે. આમ બધા સાથે મળીને કામ કરે. જોકે ફાઇનૅન્શિયલ ડિસિઝન રસિકભાઈના હાથમાં છે. તેમનો નિર્ણય જ આખરી હોય.

નાટક જોવામાં દાદીને બાળકોની કંપની

રસિકભાઈનાં પત્ની ભાનુબહેનને ગુજરાતી નાટક જોવાનો શોખ છે. દાદીને પૌત્રની કંપની મળી જાય. રસિકભાઈ કહે છે, ‘મને પિક્ચર કે નાટકોમાં ખાસ રસ નથી, પણ મારાં ધર્મપત્નીને છે. આમ તો હરવા-ફરવાનું બધાનું પોતપોતાની રીતે હોય. જેને પિક્ચર જોવું હોય તે પિક્ચરમાં જાય ને બહારગામ ફરવા જવું હોય તે ત્યાં જાય, પરંતુ ગુજરાતી નાટક જોવા દાદીને બાળકોની કંપની મળી રહે. એ લોકો મળીને ઘણી ધમાલ કરે. જોકે ધાર્મિક સ્થળે આખા કુટુંબે સાથે જવાનું. આજનાં બાળકોને ધર્મનું જ્ઞાન આપવું અત્યંત જરૂરી બને છે. કુળદેવીને ધજાજી ચડાવવાનાં હોય ત્યારે બાળકોને લઈને દેશમાં જઈએ. આજે મારી હયાતી છે, પણ કાલે નહીં હોય ત્યારે એ લોકોને આપણા સંસ્કારો અને પરંપરાની ખબર હશે તો એને જાળવી રાખશે. સગાં-સંબંધીઓ સાથે ઓળખાણ રાખવાની કેળવણી પણ આપવી જરૂરી છે. આ બાબત થોડો આગ્રહી છું અને બધા મારી વાત માને છે એનો સંતોષ છે.’

Varsha Chitaliya columnists