પતિ અને પ્રેમીને ઠુકરાવતી સ્ત્રીનો અર્થ

07 March, 2020 01:40 PM IST  |  Mumbai | Raj Goswami

પતિ અને પ્રેમીને ઠુકરાવતી સ્ત્રીનો અર્થ

અર્થ ફિલ્મનું પોસ્ટર

બ્લૉકબસ્ટર - ફિલ્મી દુનિયાના જાણીતા સર્જકો અને એમનાં સર્જનની ઓછી જાણીતી વાતો

બે સવાલ : એક, આવતી કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જો કોઈ એક ફિલ્મને યાદ કરવી હોય તો એ કઈ હોય? અને બે, એ ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ જ શા માટે હોવી જોઈએ? દુખિયારી, પોતાના સુખનું બલિદાન આપનારી અને બીજા માટે જ જીવનારી સ્ત્રીને ‘શક્તિ’ બનાવી દઈને આપણે એક રીતે સ્ત્રીને ગુલામ બનાવી રાખવાની આપણી વ્યવસ્થાને ચાલુ રાખી છે. હિન્દી ફિલ્મોએ પણ એમાં બહુ સૂર પુરાવ્યો છે. ‘અર્થ’ એમાં અલગ પડે છે.

હિન્દી ફિલ્મો મોટા ભાગે સાત જનમના પ્રેમ અને જીવન-મરણની વફાદારી પર કેન્દ્રિત હોય છે, પરંતુ માણસ એટલો ‘સીધો’ હોતો નથી જેટલો ફિલ્મોની ફૅન્ટસી આપણને માનવા માટે પ્રેરે છે. પ્રેમ કે લગ્નમાં બેવફાઈની પણ એક સચ્ચાઈ હોય છે અને એક જોનર તરીકે લગ્નેતર સંબંધોને હિન્દી ફિલ્મોમાં એટલા તલાશવામાં આવ્યા નથી જેટલા પશ્ચિમમાં તલાશવામાં આવ્યા છે. ભારતીય સમાજ રૂઢિચુસ્ત છે એટલે લગ્નેતર સંબંધો વર્જિત મનાય છે અને મુખ્ય ધારાનું કળા-સાહિત્ય-સિનેમા પણ એનાથી દૂર રહે છે.

એવું નથી કે હિન્દી ફિલ્મો લગ્નેતર સંબંધોથી અછૂતી છે. અનેક ફિલ્મકારોએ આ વિષયને છેડ્યો છે, પરંતુ એ બધામાં એક બાબતનું સામ્ય હતું : કાં તો ‘બીજી સ્ત્રી’ કુલટા હતી અથવા ભાયડો દુષ્ટ હતો. લગ્નેતર સંબંધો ખરાબ છે અને ખરાબ માણસો જ આવું કરે એવા ગૃહીત સાથે મોટા ભાગની ફિલ્મોએ ‘સામાજિક નૈતિકતા’નો  ઝંડો ફરકાવીને આવી કહાનીઓને ‘ન્યાય’ આપ્યો છે. વિજય આનંદની ‘ગાઇડ,’ શેખર કપૂરની ‘માસૂમ,’ ગુલઝારની ‘ઇજાઝત,’ યશ ચોપડાની ‘સિલસિલા,’ મહેશ માંજરેકરની ‘અસ્તિત્વ’ અને અનુરાગ બાસુની ‘લાઇફ ઇન અ મેટ્રો’ જેવી અમુક ફિલ્મોએ લગ્નેતર સંબંધોને સંવેદનશીલતા સાથે જોવાની કોશિશ કરી હતી પરંતુ એમાંય કોઈ ને કોઈ રીતે સામાજિક પૂર્વગ્રહો કામ કરતા હતા.

આ બધામાં મહેશ ભટ્ટની ‘અર્થ’ (૧૯૮૨) એની નિષ્પક્ષતા માટે સદંતર અલગ તરી આવે છે. નિષ્પક્ષ એ રીતે કે એમાં જે મુખ્ય ત્રણ પાત્રો હતાં એમના વિશે નિર્દેશક મહેશ ભટ્ટે સારા કે ખરાબ હોવાનું નૈતિક પ્રમાણપત્ર જાહેર કર્યું નહોતું. આ બાબત વધુ મહત્ત્વની એટલા માટે છે કે આ કહાની ખુદ મહેશ ભટ્ટના જીવનની હતી. જ્યારે તમે તમારી ખુદની કહાની કહેતા હો ત્યારે એમાં પોતાને સાચા સાબિત કરવાનો પૂર્વગ્રહ આવી જ જાય અને જ્યારે તમે ખુદને ઊજળા બતાવવા કોશિશ કરો તો એ પ્રક્રિયામાં તમારી સાથે જોડાયેલી વ્યક્તિને ઘસરકો પડે. ‘અર્થ’માં ત્રણે પાત્રોને નૈતિકતાના કાચમાંથી જોયા વગર પેશ કરવામાં આવ્યાં હતાં અને એટલા માટે જ લગ્નેતર સંબંધ પર ‘અર્થ’ હિન્દી સિનેમાની સૌથી પ્રામાણિક ફિલ્મ છે.

મહેશ ભટ્ટે એક વાર કહ્યું હતું કે ‘દરેક કલાકાર તેના જીવનમાંથી જ ઉલેચતો હોય છે, પણ આખોને આખો જખમ કાપીને પડદા પર મૂકી દીધો હોય એવું કાયમ બનતું નથી.’

‘અર્થ’થી લઈને ‘જખ્મ’ (૧૯૯૮) સુધી મહેશ ભટ્ટે નિયમિતપણે તેમના અંગત સંબંધોનો ઉપયોગ ફિલ્મો બનાવવામાં કર્યો છે. તેમની ઉત્તમ ફિલ્મોમાં તેમના ડાઇફંક્શનલ સંબંધો કેન્દ્રમાં છે. તે કહે છે, ‘હું એ દીકરો ન બની શક્યો જે મારી મા ચાહતી હતી. હું ભણવામાં સારો નહોતો, કામ મળતું નહોતું. દુનિયા ઇચ્છતી હતી એવી રીતે કશું કરવા ગયો તો ધબડકો થયો. મને અભિવ્યક્તિ ત્યારે મળી જ્યારે મેં મારા આત્મકથાનકને કહેવાનું શરૂ કર્યું. એમાં મને મારી રીતે એ વાતો કહેવાની છૂટ હતી જે છૂપી હતી, જેની મને શરમ હતી અને જે મારી સચ્ચાઈ હતી.’

‘અર્થ’ મહેશ ભટ્ટ અને સુપરસ્ટાર પરવીન બાબી વચ્ચેના અઢી વર્ષના પ્રેમસંબંધ અને પરવીનના સ્કિઝોફ્રેનિયાનો દસ્તાવેજ હતી, પરંતુ આ માત્ર ભટ્ટની કથા નહોતી. એ દરેક લગ્નેતર સંબંધોની જટિલતાનું બયાન હતું. ‘‘અર્થ’ મારા જખમને ખોતરતી હતી,’ મહેશ ભટ્ટ કહે છે, ‘મારામાં એ બેશરમી હતી કે હું મારા ભાવનાત્મક સત્યને દુનિયા સામે મૂકું. દર્શકોએ તેને કેમ વધાવી? કારણ કે ફિલ્મમાં એક જીવન ધબકતું હતું.’ અને ચાર દાયકા પછી પણ એ સવાલનો જવાબ શોધી રહ્યા છીએ જે કૈફી આઝમીએ ‘અર્થ’માં પૂછ્યો હતો, કહતે હૈં પ્યાર કા રિશ્તા હૈ જનમ કા રિશ્તા, હૈ જનમ કા જો રિશ્તા તો બદલતા ક્યૂં હૈ?

‘અર્થ’ પહેલાં મહેશ ભટ્ટે ચાર ફિલ્મો બનાવી હતી; ‘મંઝિલેં ઔર ભી હૈ’ (૧૯૭૪), ‘વિશ્વાસઘાત’ (૧૯૭૭), ‘નયા દૌર’ (૧૯૭૮) અને ‘લહુ કે દો રંગ’ (૧૯૭૯). એકેય ખાસ ઉકાળી ન શકી. ભટ્ટને પરિવારનું પેટ ભરવાનું હતું. વીસીમાં જ તેમણે કિરણ ભટ્ટ ઉર્ફે લૉરેન બ્રાઇટ સાથે ધૂમધડાકાવાળો રોમૅન્સ કરીને લગ્ન કર્યાં હતાં (૧૯૯૦ની ‘આશિકી’માં એની ઝલક હતી). ૨૧ વર્ષે તે પૂજા ભટ્ટના પિતા બની ગયા હતા. એમાં પરવીન બાબીનો પ્રવેશ થયો. બન્ને ધાંયધાંય બૌદ્ધિક. મહેશ ભટ્ટમાં નિષ્ફળતાની હતાશા અને બાબીમાં સેક્સ સિમ્બલથી આગળ જઈને બૌદ્ધિક સ્વીકૃતિની તલાશ. મહેશ અને બાબીનો સંગમ એક જલદ કૉકટેલ જેવો હતો. એમાં કિરણ ભટ્ટનું ઘર પણ સળગ્યું.

ભટ્ટ કહે છે, ‘‘લહુ કે દો રંગ’ રિલીઝ થઈ એ જ અરસામાં પરવીનનું બ્રેકડાઉન આવ્યું. તે હાડમાંસનો લોચો થઈને રહી ગઈ. એ બહુ નજીકથી મોતનો અનુભવ કરવા બરાબર હતું. એની જલદ આગ અને મારી પહેલી પત્નીને છોડી દેવાની પીડાથી મારી ભાવનાત્મક ટૅન્ક પૂરી ભરાઈ ગઈ હતી. એટલે મને થયું કે સિનેમાના દર્શકોનો ટેસ્ટ શું કહે છે એની ચિંતા કર્યા વગર મને મારી રીતે, મને જે રીતે દેખાય છે એ રીતે ફિલ્મ બનાવવા દે. મને થયું કે યુગલો વચ્ચેના સંવાદોમાં, તેમના બોલતા શબ્દોની નીચે જે ખામોશી બોલતી હોય છે એના પર મને ફિલ્મો બનાવવા દે. ‘અર્થ’ એવી રીતે આવી.’

 

એની કહાની આવી હતી : ઇન્દર (કુલભૂષણ ખરબંદા) એક સંઘર્ષરત ફિલ્મ નિર્દેશક છે અને તે ઍક્ટ્રેસ કવિતા (સ્મિતા પાટીલ)ના પ્રેમમાં પડે છે. ઇન્દરની પત્ની પૂજા (શબાના આઝમી) તેનું તૂટેલું ઘર છોડીને હૉસ્ટેલમાં રહેવા જાય છે અને રાજ નામના ગાયક (રાજકિરણ)ની મદદથી નોકરી કરે છે. બીજી બાજુ કવિતા પર સ્કિઝોફ્રેનિયાના હુમલા શરૂ થાય છે અને તેનામાં પૂજાનું ઘર તોડ્યાની અપરાધભાવના પેદા થાય છે. તે એની સનકમાં ઇન્દર પર અવિશ્વાસ શરૂ કરે છે અને ઇન્દર સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દે છે. પ્રેમિકાથી ધક્કો ખાધેલો ઇન્દર પૂજા પાસે પાછો જાય છે અને ફરીથી ઘર શરૂ કરવા વિનંતી કરે છે, પણ પૂજાને તેની સ્વતંત્રતા એટલી માફક આવી ગઈ હોય છે કે તે ઇન્દરને સ્વીકારવાની ના પાડે છે એટલું જ નહીં; રાજ તેને પ્રપોઝ કરે છે તો તે રાજને પણ કહે છે કે તેને પ્રેમમાં હવે વિશ્વાસ નથી!

ઇન્દરના ઘરે પાછા જવાનો અને રાજના નવા સંબંધનો ઇનકાર કરીને પૂજા પત્ની અને પ્રેમિકા, બન્નેની ભૂમિકાનો અસ્વીકાર કરે છે. એ ‘અર્થ’ ફિલ્મને બાકીની ફિલ્મો કરતાં અલગ સાબિત કરે છે. મોટા ભાગની હિન્દી ફિલ્મોમાં ‘ખાધું, પીધું અને રાજ કર્યું’ના ‘હૅપી એન્ડિંગ’ની પરંપરા છે, કારણ કે દર્શકો ‘સારું-સારું’ જોવા ટેવાયેલા છે. ‘અર્થ’ એકમાત્ર ફિલ્મ છે જેમાં નાયિકા તેના પતિના અને પ્રેમીના પ્રેમને સ્વીકારવા ઇનકાર કરી દે છે.

સંબંધોના લોચા અને કારકિર્દીમાં નિષ્ફળતાથી નાસીપાસ મહેશ ભટ્ટ ત્યારે યુ. જી. કૃષ્ણમૂર્તિ નામના એક ક્રાન્તિકારી ગુરુના શરણમાં હતા અને યુજીએ જ સૂચવ્યું હતું કે ફિલ્મમાં નાયિકા બન્નેનો અસ્વીકાર કરીને તેની સ્વતંત્ર દુનિયામાં ચાલી પડે એવો અંત હોવો જોઈએ. સિનેમાના નિષ્ણાતોએ ત્યારે ભટ્ટને ચેતવ્યા હતા કે દર્શકો આ પચાવી નહીં શકે અને ફિલ્મ પિટાઈ જશે. ‘પિટાય તો ભલે પિટાય’ એવી જીદ સાથે મહેશ ભટ્ટે કહાનીને આ રીતે પૂરી કરી હતી અને જોવાની ખૂબી એ છે કે ‘અર્થ’ એ અંતના કારણે જ દર્શકોના દિલમાં વસી ગઈ.

ભટ્ટ કહે છે, ‘કહાનીઓમાં જે કમજોર પાત્ર હોય, સહાનુભૂતિ હંમેશાં તેના પક્ષે જ હોય. ‘અર્થ’માં બન્ને સ્ત્રીઓને પીડા મળી હતી અને પુરુષ ધોબીના કૂતરાની જેમ ન તો આ તરફ છે ન તો પેલી તરફ, પણ અંત ભાગે પૂજા જ્યારે તેને એક કાલ્પનિક સવાલ પૂછે છે કે અગર મેં તારા જેવું કર્યું હોત અને મેં તારી પાસે આવીને માફી માગી લીધી હોત તો તેં મને સ્વીકારી હોત? ત્યારે ઇન્દર સંપૂર્ણ ઈમાનદારી સાથે કહે છે, ‘ના.’ કુલભૂષણે બહુ ઝીણાશથી એ લાઇન કહી હતી. એ દૃશ્યથી હિન્દી ફિલ્મોની ભાષા બદલાઈ ગઈ. એમાં પહેલી વાર કોઈએ પુરુષોના બેવડા ધોરણને લપડાક મારી હતી.’

‘ગુડબાય ઇન્દર!’ પૂજાએ જવાબમાં કહ્યું હતું. હિન્દી ફિલ્મોમાં કોઈ નાયિકાએ આટલી સ્પષ્ટતા અને સાહસ સાથે પતિને ‘ગુડબાય’ કહ્યું નહોતું. આ એ જ પૂજા હતી જેણે કવિતાના ઘરે રહેવા જતા ઇન્દરનો હાથ પકડીને રડતા અવાજે કહ્યું હતું, ‘મુઝે એક ઔર મોકા દે દો.’

‘અર્થ’માં કોઈ નાયક કે નાયિકા નથી કે ન કોઈ ખલનાયિકા છે. એમાં અસલી લોકો છે જે તેમની જિંદગીનો કોઈ ‘અર્થ’ શોધવા સંઘર્ષ કરી રહ્યા છે. ‘અર્થ’ શબાના આઝમી (જેને નૅશનલ અવૉર્ડ મળ્યો હતો) અને સ્મિતા પાટીલની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ છે. બન્નેએ દિલ નિચોવીને કામ કર્યું હતું અને એક-એક દૃશ્યમાં એ જોવા મળે છે. ૧૯૮૬માં સ્મિતાનું અવસાન થયું ત્યારે શબાનાએ મહેશ ભટ્ટને કહ્યું હતું, ‘હું ગરીબ થઈ ગઈ. મારામાંથી મારું બેસ્ટ બહાર લાવવાવાળું હવે કોઈ ન રહ્યું.’

raj goswami columnists weekend guide