લક્ષણ મૂરખના - (લાઇફ કા ફન્ડા)

04 February, 2020 03:28 PM IST  |  Mumbai | Heta Bhushan

લક્ષણ મૂરખના - (લાઇફ કા ફન્ડા)

ગુરુજી આશ્રમમાંથી થોડા દિવસ માટે બહારગામ ગયા અને પછી શિષ્યોને જણાવ્યું હતું એના કરતાં થોડા દિવસ વહેલાં આશ્રમમાં વેશ પલટો કરી આવીને છુપાઈ ગયા. શિષ્યો ગુરુજીની ગેરહાજરીમાં કેવું સારું-સાચું વર્તન કરે છે એ તેમને જોવું હતું.

સવારથી સાંજ સુધી ગુરુજીએ જોયું તો તેમની ગેરહાજરીમાં આશ્રમની સંભાળ લેનાર બે પટ્ટશિષ્યો ખૂબ જ ઘમંડ સાથે બધાનું અપમાન કરી રહ્યા હતા. બે શિષ્યનાં ટોળાં વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો અને બધા એકબીજાને અપશબ્દો બોલવા લાગ્યા, ગુસ્સો કરવા લાગ્યા હતા. અનેક વર્ષોથી આશ્રમની સંભાળ લેતા વડીલ પણ શિષ્યો પર ગુસ્સે થઈ બધાને પોતે કહે એમ કરવાની જીદ લઈને બેઠા અને શિષ્યો તે અનુભવી વડીલની વાત સમજવા અને માનવા તૈયાર ન હતા.

ગુરુજી પોતાના આશ્રમનો આવો નજરો જોઈ હતપ્રભ થઈ ગયા. અહીં તો બધાનું વર્તન એવું હતું કે કોને સજા કરવી અને કોનો વાંક કાઢવો, શું કરવું કઈ સમજાયું નહીં. ગુરુજીએ આખી રાત મનોમંથન કર્યું.

વહેલી સવારે ગુરુજીએ સૌથી પહેલાં પહેલી પ્રાર્થનાનો ઘંટ વગાડ્યો અને પ્રાર્થના કક્ષમાં બોર્ડ પર એક સંસ્કૃત શ્લોક લખ્યો “મુર્ખસ્ય પંચ ચિન્હાની:ગર્વો... દુર્વચન... તથા... ક્રોધ્શચ, દ્રઢવાદશચ... પરવાક્યે અનાદર.” સૌથી પહેલાં તો પ્રાર્થનાનો ઘંટ વાગતાં બધા પ્રાર્થના કક્ષમાં આવ્યા. ગુરુજીને હાજર જોઈ થોડા અચકાયા અને ડરી ગયા, પછી પ્રણામ કરી બેસવા લાગ્યા.

ગુરુજીએ સૌથી પહેલાં બધાને લખેલો શ્લોક પાંચ વાર વાંચવા અને લખવા કહ્યું. પછી તેમને કહ્યું, ‘આ શ્લોકનો અર્થ સમજાવો.’ શ્લોક સહેલો હતો એટલે અર્થ સમજાવવા ઘણી આંગળીઓ ઊંચી થઈ. ગુરુજીએ એક શિષ્યને શ્લોકનો અર્થ સમજાવવા કહ્યું.

શિષ્યએ સંસ્કૃત શ્લોક વાંચ્યો અને પછી અર્થ સમજાવતાં કહ્યું કે ‘મૂરખ માણસનાં પાંચ લક્ષણ હોય છે. મૂર્ખ વ્યક્તિ અભિમાની હોય છે, અન્યને અપશબ્દ કહે છે, ખરાબ ભાષાનો ઉપયોગ કરે છે, મૂરખ વ્યક્તિ ક્રોધ કરે છે, જિદ્દ કરે છે અને અન્યની વાત, સલાહ અને મતને સાંભળતો નથી, તેનો અનાદર કરે છે.’

ગુરુજી બોલ્યા, ‘વત્સ, બરાબર છે ઘમંડ, ક્રોધ, હઠ મૂર્ખ માણસ કરે છે અને એને કારણે તેની ભાષા બગડે છે અને તે બીજાનો અનાદર કરે છે. મને ખાતરી છે કે મારા આશ્રમમાં અને મારા શિષ્યોમાંથી કોઈ મૂર્ખ નથી, કોઈનામાં આ પાંચ લક્ષણ નથી અને જો કોઈનામાં આ પાંચમાંથી એક પણ લક્ષણ હોય તો ચેતી જજો અને જાતને મૂર્ખ ગણાવતાં પહેલાં ચેતી જજો.’

બધા મનમાં ભૂલ સમજી ગયા. કઈ કીધા વિના, કોઈ પર આંગળી ચિંધ્યા વિના ગુરુજીએ માર્ગ ભૂલેલા શિષ્યોને સાચો રસ્તો સમજાવ્યો.

columnists heta bhushan