ઘીમાં શેકાયેલી બ્રેડ પર દળેલી સાકર નાખીને ખાધી હોય તો જલસો પડી જાય

05 February, 2020 03:58 PM IST  |  Mumbai | Rashmin Shah

ઘીમાં શેકાયેલી બ્રેડ પર દળેલી સાકર નાખીને ખાધી હોય તો જલસો પડી જાય

સનત વ્યાસ

ગુજરાતી રંગભૂમિ અને ટીવી-સિરિયલના દિગ્ગજ ઍક્ટર સનત વ્યાસ બને ત્યાં સુધી કોઈ રસોઈ બનાવવાના અખતરા નથી કરતા અને એ કરવાની કોશિશ પણ કરે તો મસાલો નાખવાનો સમય આવે ત્યારે વાઇફ મીનાની હેલ્પ લઈ લે. થોડા સમય પહેલાં તેમણે બનાવેલું સૅલડ એવું તે ખારું થઈ ગયું હતું કે તેમની જીભ પર જુહુ બીચનો સાક્ષાત્કાર થઈ ગયો હતો. આવા કિચનના પ્રયોગોની વાતો તેમણે રશ્મિન શાહ સાથે કરી હતી, જે તેમના જ શબ્દોમાં વાંચો.

ફૂડ-મેકિંગ એટલે કે રાંધવું. બસ, જો મારી લાઇફમાં કોઈ લિમિટેશન હોય તો આ એક, બીજું એક પણ નહીં. મારા ઘરે મારી વાઇફ મીના જ રસોઈ બનાવે છે અને બહુ સરસ ડિશિસ બનાવે છે. મને તેના હાથની રસોઈ બહુ ભાવે એટલે કયારેય એવું થયું નથી કે મારે કિચનમાં ક્યારેય કોઈ આઇટમ બનાવવા પર હાથ અજમાવવો પડ્યો હોય એટલે એવું પણ નથી બન્યું ક્યારેય કે હું કંઈ શીખવાના હેતુથી પણ કિચનમાં ગયો હોઉં. મને અગાઉ સેલિબ્રિટી કુક નામના એક ટીવી-શો માટે પૂછવામાં આવ્યું ત્યારે એ શો લેવાની ના પાડતાં મેં આ જ વાત કહી હતી અને કહ્યું હતું કે મને બ્રેડ શેકતાં બહુ સરસ આવડે છે અને સાચું કહું તો એ કામ આવડે પણ સરસ છે. બ્રેડને બધા શેકી શકે પણ હું બ્રેડ ટોસ્ટરમાં નથી ટોસ્ટ કરતો, હું આપણી ટ્રેડિશનલ સ્ટાઇલથી તવા પર બ્રેડ મૂકીને શેકું અને શેકવા માટે હું બહુબધું આપણું દેશી ઘી વાપરું. બટર નહીં, દેશી ઘી. દેશી ઘી ગરમ થાય ત્યારે એની જે સોડમ આવે અદ્ભુત હોય છે. ઘીમાં શેકાયેલી બ્રેડ પર દળેલી સાકર નાખીને ખાધી હોય તો જલસો પડી જાય. એક વાર ટેસ્ટ કરજો તમે ઘરમાં. બહુ મજા આવશે.

આમ જોઈએ તો આ બધી કરીઅરની શરૂઆતના સમયની આદતો છે, જે હવે તો જવલ્લે જ વાપરું છું પણ ક્યારેક યાદ આવી જાય તો ભૂતકાળમાં જવા માટે એનો લાભ ચોક્કસ લઈ લઉં. જો આ બ્રેડ-સાકર આઇટમ કહેવાય તો મને એક બીજી આઇટમ પણ બનાવતાં આવડે છે. વેજિટેબલ પૂડલામાં મારી માસ્ટરી છે એવું કહેવામાં મને ગર્વ પણ થાય. હવે તો બોરીવલી પાસે પૂડલા સૅન્ડવિચ મળે છે, પણ એનું ચલણ નહોતું ત્યારે મેં એ પ્રકારે પૂડલા સૅન્ડવિચ ઘરે બનાવીને ખાધી છે. વેજિટેબલ્સ નાખીને પૂડલા બનાવવાના અને પછી એક બ્રેડની સ્લાઇસ પર ફુદીનાની ચટણી અને બીજી સ્લાઇસ પર કેચપ લગાડી એમાં વચ્ચે પૂડલો મૂકી દેવાનો. ગરમાગરમ પૂડલો અને ઠંડીગાર ચટણીની લિજ્જત સાથે બ્રેડની કુમાશ. મજા આવે ખાવાની અને પેટ પણ ભરાઈ જાય.

પૂડલાની જો કોઈ મોટામાં મોટી ખાસિયત હોય તો એ કે એ બની જાય ફટાફટ અને બનાવવામાં બહુ કડાકૂટ પણ નહીં. પાણીમાં બેસન અને સાથે મીઠું, મરચું સ્વાદ અનુસાર નાખીને એકરસ કરી નાખવાનું અને પછી એમાં ઝીણાં સમારેલાં કાકડી, ટમેટાં, લસણના બારીક ટુકડા, કાંદા નાખવાનાં. હું પૂડલામાં ફુદીનો પણ નાખું. ફુદીનો ન મળે તો એમાં તુલસીનાં પાન પણ નાખી શકાય. પૂડલા તેલમાં સાંતળતી વખતે તુલસી કે ફુદીનાનાં પાનની જે સુગંધ આવે એ તમારો જઠારાગ્નિ બરાબરનો પ્રદીપ્ત કરી દે. હું ગૅરન્ટી આપું કે પૂડલા બનતાં પહેલાં જે એવું કહેતો હોય કે હું એક ખાઈશ તે આ ખુશ્બૂથી ત્રણથી ચાર પૂડલા ખાઈ લે અને જે ખાવાની ના પાડતો હોય તે તમારી પાસે એકાદ પીસ માટે કરગરવા માંડે. ફુદીના સાથે ચટણીમાં કોઈ પણ ચટણી ચાલે, પણ મારું ફેવરિટ જો કંઈ હોય તો એ છે દહીં. ગરમાગરમ પૂડલા અને ફ્રિજકોલ્ડ દહીં કિલિંગ કૉમ્બિનેશન છે એવું કહું તો પણ ખોટું નથી.

બનાવવામાં પૂડલા મારું લિમિટેશન છે એવું પણ હું કહું અને એવું પણ કહું કે પૂડલા મારી માસ્ટરી પણ છે. પૂડલા મને કોઈ પણ સમયે ચાલે. સવારે આપો તો પણ હું ખાઉં અને રાતે આપો તો પણ હું ખાઉં. પૂડલા સામે મારો કોઈ વિરોધ નહીં. સૌરાષ્ટ્રમાં નિયમિત રીતે પૂડલા બનતા રહે છે, પણ આપણે ત્યાં હવે એનું ચલણ ઓછું થઈ ગયું છે. જુઓને, એને જ લીધે હવે પૂડલા રસ્તા પર સ્ટ્રીટ-ફૂડની જેમ ખવાતા થઈ ગયા છે.

પૂડલામાં બે પ્રકાર હોય. એક, મેં કહ્યા એવા ચણાના લોટના અને બીજા ઘઉંના લોટના ગળ્યા પૂડલા. આ પૂડલા મને બનાવતાં નથી આવડતા, પણ ખાતાં બહુ આવડે. નાનપણમાં એ પૂડલા બહુ ખાધા છે. પહેલાંના સમયમાં ગોળ નાખીને પૂડલા બનાવવામાં આવતાં તો સમય જતાં ખાંડના ગળ્યા પૂડલા પણ શરૂ થયા, પણ ગોળ બેસ્ટ છે. ગળ્યા પૂડલા ખાવાની એક રીત કહું તમને. પૂડલાની સાથે વાટકી ભરીને ઘી લેવાનું. થીજેલું ઘી. ગરમાગરમ પૂડલા આવે એટલે પૂડલો ઘીમાં ઝબોળીને ખાવાનો. ગરમ પૂડલો ઘીમાં જાય એટલી ઘી ઓગળવાનું શરૂ થાય અને પછી એ ઘી નીતરતું તમારી હથેળીથી છેક કાંડા સુધી આવે. આ આપણું નાનપણ હતું સાહેબ. જે આનંદ હતો, જે ખુશી હતી આ બધી આઇટમની; હવે એ નથી રહી. આજે આપણે આ ઉંમરે પણ ટકી શક્યા છીએ તો એનું એક કારણ પણ આપણા આ નાસ્તાઓ હતા. તમે જૂઓ, પહેલાં છોકરું બહાર રમતું હોય અને દોડતું ઘરમાં આવે એટલે મમ્મી એને થેપલાંનું એક ભૂંગળું આપી દે, થેપલામાં મુરબ્બો ભર્યો હોય. છોકરું બે બટકામાં થેપલાનું પિપૂડું ઓહિયાં કરીને ફરી રમવા ભાગી જાય. બપોરનો સમય હોય તો રોટલીનું ભૂંગળું હોય. ગરમ રોટલી, એમાં ઘી અને થોડી સાકર.

આજે બાળક રમતું ઘરમાં આવે અને મમ્મીને કહે કે ભૂખ લાગી છે તો મમ્મી અભેરાઈ પરથી મૅગીનું પીળું પડીકું હાથમાં લઈને કહેઃ ટૂ મિનિટ્સ.

કાં તો તેના હાથમાં બિસ્કિટનું પૅકેટ આપી દેશે અને કાં તો તે વેફર બિસ્કિટ લઈને ભાગી જશે. મારો વિરોધ નથી આ બધી આઇટમ સામે અને મારા વિરોધથી ચાલવાનું પણ નથી. આ વાત મમ્મીઓએ સમજવી પડશે. મને લાગે છે કે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ બન્યાં એમાં આ બધી અવસ્થા ઊભી થઈ છે. ઘરમાં દાદા-દાદી નથી એટલે બાળકોને તેમના સ્વાસ્થ્ય માટે શું ખવડાવવું એની વાત થતી નથી અને ટીવી એકધારું એવું દર્શાવ્યા કરે છે કે નૂડલ્સ નુકસાન કરે છે, આટા નૂડલ્સ ખવડાવો.

ફૂડની કોઈ આઇટમ બનાવવા જતાં મારાથી બગાડ ક્યારેય નથી થયો અને એનું શ્રેય જો કોઈને જતું હોય તો એ મને જાય. હું કિચનમાં કોઈ ઊંબાડિયાં લેવા ગયો જ નથી. એક વખત એવું બન્યું હતું ખરું કે મેં જાતે કંઈ બનાવ્યું હોય અને એ બગડી ગયું હોય. જોકે એમાં બહુ અફસોસ કરવા જેવું બન્યું નહીં.

થયું એવું કે નાટક-સિરિયલના શૂટિંગ દરમ્યાન આપણે બધાને એવું બોલતાં સાંભળતા હોય કે હું તો સૅલડ પર જ છું. હેલ્થ માટે બહુ સારું સૅલડ. આપણને થયું કે ચાલો આપણે પણ અખતરો કરીએ. સૅલડ પર આવી જઈએ. ઘરે જઈને મેં જાતે સૅલડ બનાવવાનું નક્કી કર્યું. વાઇફ મીનાને પણ ના પાડી દીધી કે તારે પણ હેલ્પ કરવાની નથી. તું હેલ્ધી સૅલડ નહીં બનાવે!

બધી શાકભાજી સુધારી. સરસ મજાનું ડિઝાઇનર કટિંગ કરીને બધું એક બોલમાં ભેગું કરીને ધીરે-ધીરે એમાં સ્વાદ અનુસાર મસાલા નાખવાનું શરૂ કર્યું, બ્લૅક પેપર, રેડ પેપર, સૉલ્ટ, રૉક સૉલ્ટ અને જાતજાતનું બધું એમાં નાખ્યું. પછી મસ્ત રીતે બધું મિક્સ કર્યું. સરસ દેખાવ જોઈને મને થયું કે લાવો હવે ચાખીએ, કેવું બન્યું આપણું હેલ્ધી સૅલડ.

પહેલી સ્પૂન મેં મોઢામાં મૂકી કે તરત જ કરન્ટ લાગ્યો. બધેબધું અઢી અને ત્રણગણું વધારે. સાલ્લું ખબર જ ન પડી કે કયો મસાલો કેટલો અને કેવી રીતે નાખવાનો હોય. ખારું ધૂધવા જેવું થઈ ગયું હતું મારું સલૅડ. મોડે-મોડે સમજાયું હતું કે મીઠું અને રૉક સૉલ્ટ એટલે કે સિંધાલૂણ બેઉ નાખ્યાં હતાં એની પરમ કૃપાને લીધે ખારાશ આવી ગઈ હતી. પણ એ સમયે તો પહેલો વિચાર એ આવ્યો કે હવે આ ખાવું કેમ? હું વિચાર કરતો હતો ત્યાં જ મીનાએ ટેસ્ટ કરવા માટે સૅલડ માગ્યું. ચખાડવાને બદલે તેને મેં કહ્યું કે બહુ ખરાબ બન્યું છે, આખો દરિયો આ સૅલડમાં આવી ગયો છે. મીનાએ બુદ્ધિ વાપરી અને તરત જ મારા હાથમાંથી બોલ લઈને પાણીથી બધાં વેજિટેબલ્સને ધોઈ નાખ્યાં અને પછી પોતે મસાલો કરી દીધો.

એ દિવસથી નક્કી કર્યું કે આપણે આવા કોઈ હેલ્ધી સૅલડની અડફેટે ચડવું નથી.

વેજિટેબલ પૂડલામાં મારી માસ્ટરી છે એવું કહેવામાં મને ગર્વ પણ થાય. હવે તો બોરીવલી પાસે પૂડલા સૅન્ડવિચ મળે છે, પણ એનું ચલણ નહોતું ત્યારે મેં એ પ્રકારે પૂડલા સૅન્ડવિચ ઘરે બનાવીને ખાધી છે. વેજિટેબલ્સ નાખીને પૂડલા બનાવવાના અને પછી એક બ્રેડની સ્લાઇસ પર ફુદીનાની ચટણી અને બીજી સ્લાઇસ પર કેચપ લગાડી એમાં વચ્ચે પૂડલો મૂકી દેવાનો. ગરમાગરમ પૂડલો અને ઠંડીગાર ચટણીની લિજ્જત સાથે બ્રેડની કુમાશ, આહા...!

columnists Rashmin Shah