સંજોગ અને પરિસ્થિતિ: દૃષ્ટાભાવ કે સ્થિતપ્રજ્ઞ રહેવાથી પણ બદલાવ આવી શકે

17 February, 2020 03:33 PM IST  |  Mumbai | Manoj Joshi

સંજોગ અને પરિસ્થિતિ: દૃષ્ટાભાવ કે સ્થિતપ્રજ્ઞ રહેવાથી પણ બદલાવ આવી શકે

આપણા વિચારો એ માત્ર મગજમાં ઊઠતા તરંગો કે કલ્પનાઓ નથી, પરંતુ વાસ્તવિકતા છે. વિચારો સ્થૂળ છે, એને હકીકતમાં ફેરવી શકાય છે અને એ એટલે જ વિચારો કઈ દિશામાં જઈ રહ્યા છે એના પર સજાગ રહેવું અત્યંત આવશ્યક અને જરૂરી છે. એક વાત યાદ રાખજો કે મગજને વિચારો છે, પણ વિચારોને મગજ નથી, એને કોઈ બંધન નડતું નથી અને એના પર કોઈ સંયમ પણ લાગુ પડતો નથી. એ અટકતા નથી એ જેટલું સાચું છે એટલું જ સાચું એ પણ છે કે વિચારોને જે દિશામાં વાળો એ દિશામાં એ વળશે અને એને એ પોતાનું કામ કરશે. જેવા વિચારો હશે એવું અને એને લગતું પરિણામ આપશે. તમે ધારો તો વિચારોથી વિકાસની ચરમસીમાને આંબી શકો અને ધારો તો આ વિચારો તમને વિનાશક પરિણામ પણ આપી જાય. એક બાબત યાદ રાખજો કે વિકાસ અને વિનાશનું પહેલું પગથિયું જો ક્યાંયથી શરૂ થતું હોય તો એ વિચારમાત્ર છે.

જીવન એકસરખું ક્યારેય નથી જવાનું. એમાં સતત ઉતાર-ચડાવ આવતા રહેવાના છે. ક્યારેક તમને ગમતી બાબતો અને વિપરીત સંજોગો આસપાસ ચાલતા હશે તો ક્યારેક તમને અણગમતી બાબતો પણ કનડશે. ક્યારેક એવા લોકો ભટકાશે જેને માટે તમે જાત ઘસી નાખી હોય અને છતાં નાલાયક બનીને તમારે માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાને બદલે તમને ઉતારી પાડવાનું કે પછી તમને નુકસાન કરે એવી બાબતોમાં આગળ રહીને એ લાગણીઓ દુભાવવાનું કામ કરશે. તમારા ઉપકારોને ઘોળીને પી જનારા લોકોનો સામનો થશે ત્યારે તમારું મન દુભાશે, મનમાં ને મનમાં આ વાતની ચિંતા કોરી ખાશે. તમને વલોપાત આપશે, તમને નિચોવી નાખશે. તમારા હૃદયના ધબકારા વધારી દેતી આ ક્ષણો અને આવા લોકોને કઈ રીતે હૅન્ડલ કરશો?

તમારા સારા સમયમાં મધમાખીની જેમ તમારી આસપાસ મંડરાતા લોકો નબળા સમયમાં તમારી નજીક આવવાનું ટાળશે એવું બની શકે અને એ બને તો એમાં કશું ખોટું પણ નથી. આ જ તો જીવનનો દસ્તૂર છે. એ ક્ષણે કદાચ તમારી ઘવાયેલી લાગણીઓ તમને નિરાશાની દિશામાં વાળી શકે છે અને તમે વળી પણ જાઓ એવું બની શકે, પણ એવું બને તો તમારે શું કરવાનું? યાદ રાખજો કે તમારો નબળો સમય તમારા જીવનના સાચા સ્નેહીની નજીક લાવવાનું કામ કરે છે, તમારો નબળો સમય તમારા જીવનના નકામા લોકોને ઉઘાડા પાડીને તેમનાથી તમને દૂર લઈ જાય છે. નબળા સમયની આ સૌથી મોટી ખૂબી છે. તમને દૂધનું દૂધ અને પાણીનું પાણી દેખાડી શકે. ખરાબ સમયને પણ બને એટલી હકારાત્મકતા સાથે, બળજબરીપૂર્વક પણ હકારાત્મકતા સાથે લેવાના પ્રયત્ન કરવા જોઈએ, કારણ કે દરેક ખરાબ સમયમાં એક સારપ ચોક્કસ હોય છે જેમાં તમે સચ્ચાઈને તલસ્પર્શી રીતે જોઈ શકતા હો છો.

બી રેડી પણ એ પહેલાં, જે ચેન્જ લાવવાનો છે એ તમારે લાવવાનો છે અને એની શરૂઆત અત્યારથી જ કરવાની છે.

manoj joshi columnists