પેઢીનો વહીવટ લખી આપો એ તો સમજાય, પણ સત્તાનો વારસો અયોગ્ય છે

11 February, 2021 08:47 AM IST  |  Mumbai | Manoj Joshi

પેઢીનો વહીવટ લખી આપો એ તો સમજાય, પણ સત્તાનો વારસો અયોગ્ય છે

બે દિવસ પહેલાં થયેલી રાજકારણની વાત પરથી જ એક વાચકમિત્રનો ફોન આવ્યો. વાત થતી હતી એ જ દરમ્યાન ટૉપિક નીકળ્યો વારસાગત પદનો. મહત્ત્વનો કહેવાય એવો મુદ્દો છે. ઘણી પૉલિટિકલ પાર્ટીઓમાં પણ આ જ વારસાપ્રથાને અમલમાં મૂકવામાં આવે છે. કહો કે રાજકારણનું આ હાથવગું હથિયાર છે. જવાહરલાલ નેહરુ પછી સત્તા ઇન્દિરા ગાંધીના હાથમાં આવે અને શ્રીમતી ગાંધીના મૃત્યુ પછી સત્તા પર રાજીવ ગાંધી આવે. મુલાયમ સિંહ યાદવ અખિલેશને આગળ ધરે અને લાલુ પ્રસાદ યાદવને જેલમાં જતાં પહેલાં ધર્મપત્નીને પદ આપવાનું સૂઝે. રાજકારણ પેઢી છે એવું ક્યાં કહેવાયું છે? આવું તમે મેડિકલ કે એન્જિનિયરિંગ ફીલ્ડમાં પણ કરી શકો ખરા? અરે, કરવાનું તો એક બાજુએ રહ્યું, વિચારી પણ શકો ખરા?

બહુ જ જાણીતા, સારી હથરોટી ધરાવતા અને સક્સેસ કેસના મસમોટા ઢગલાનો વારસો ધરાવતા ડૉક્ટર અકાળે ગુજરી જાય તો પણ તમે તેના સ્થાને તેના દીકરા કે દીકરીને નથી બેસાડી દેતા, કારણ કે એ કામ નૉલેજ, સ્કિલ અને માસ્ટરી ધરાવતા હોય એનું છે. આ કાર્યમાં કોઈનો જીવ જોડાયેલો છે, કોઈનું આરોગ્ય સંકળાયેલું છે. મેડિકલની વાત છે એટલે વિષયની ગંભીરતા સમજવી સરળ છે, પણ રાજકારણને સામાન્ય પ્રજાએ ક્યારેય ગંભીરતાથી જોયું નથી અને એટલે એ વિષયમાં ક્યારેય કોઈને એવો વિચાર સુધ્ધાં નથી આવતો કે એક સમાજ એ ક્ષેત્ર સાથે જોડાયેલો છે, બહોળો સમુદાય એની સાથે સંકળાયેલો છે એટલે એમાં કોઈ પણ પ્રકારનો વહાલાવાદ ન ચાલવો જોઈએ. જોકે એ ચાલે છે, એને સ્વીકારી પણ લેવામાં આવ્યો છે અને એનો ભરપેટ ઉપયોગ પણ કરવામાં આવે છે.

વેપારીનો દીકરો વેપારી બને અને કાઉન્ટર સંભાળી લે એ ચાલી શકે, પણ રાજકારણીનો દીકરો, ભાઈ, દીકરી કે પછી બીજું કોઈ પણ વહાલું સત્તા સંભાળી લે એવું ક્યાંથી ચાલી શકે. જોકે આપણે ત્યાં એ કામ થઈ જાય અને હકપૂર્વક આ કામ થાય. ચાણક્યની નીતિ મુજબ આ સશક્ત રાજનીતિની નિશાની નથી. રાજાનો દીકરો રાજા બને એવું ગણિત જો તમે આજે પણ ચાલુ રાખવા માગતા હો તો પણ ક્યારેય ભૂલવું નહીં કે રાજાનો દીકરો સમ્રાટ અશોક સમાન હોવો જોઈએ, પણ ધારો કે એવું ન હોય તો પ્રજાનું અહિત થાય એવું કૃત્ય માંડી વાળવું. સત્તાની લાલસા આ રીતે કોઈ કાળે પૂરી ન થવી જોઈએ.

રાજકારણની પહેલી શરત છે, પાયાની માગ છે કે એકમેક પ્રત્યે વિશ્વાસ હોવો જોઈએ. જો વિશ્વાસ વિના રાજકારણ ખેલાય, જો વિશ્વાસનું સીમાંકન પાર કર્યા વિના જ સત્તા આપી દેવામાં આવે તો માનવું કે અનીતિનો ગેરવાજબી વહીવટ શરૂ થયો છે અને જ્યારે પણ અનીતિનો વહીવટ શરૂ થાય છે ત્યારે એમાં પિસાવાનું પ્રજાના ભાગે આવે છે, પ્રજાના ખાતામાં ઉધારાય છે. લોકશાહીમાં એક પણ સત્તા, એક પણ પ્રકારની સત્તા લોકોની આજ્ઞા વિના સ્વીકારી ન શકાય અને એ સ્વીકારવી પણ ન જોઈએ. કૉન્ગ્રેસ પ્રેસિડન્ટ તરીકે રાહુલ ગાંધીને તાસકમાં પદ પીરસવામાં આવે તો પણ તેણે એ સ્વીકારવું ન જોઈએ. તેણે પણ અને કૉન્ગ્રેસીઓએ પણ.

manoj joshi columnists