વિષ સમાન : જો મર્યાદા છોડી તો ભોગવવાનું માત્ર તમારે નહીં, બધાને આવશે

16 February, 2020 02:52 PM IST  |  Mumbai | Manoj Joshi

વિષ સમાન : જો મર્યાદા છોડી તો ભોગવવાનું માત્ર તમારે નહીં, બધાને આવશે

અતિ સર્વત્ર વર્જયેત.

આ શ્લોક સંસ્કૃતમાં છે અને સંસ્કૃત જાણતા હશે એવા મોટા ભાગના લોકોએ આ શ્લોક સાંભળ્યો જ હશે. ગુજરાતીમાં પણ આ મુજબની એક ઉક્તિ છે.

અતિની નહીં ગતિ.

સ્વામી વિવેકાનંદ પણ કહેતા કે મર્યાદાની બહાર જે છે એ ઝેર સમાન છે. વાત સાવ ખોટી નથી. જીવનમાં ડગલે ને પગલે આ વાત લાગુ પડે છે. અંગત જીવનમાં પણ અને જાહેર જીવનમાં પણ. સંબંધોમાં પણ અને પ્રોફેશનલ જવાબદારીઓની બાબતમાં પણ. પ્રેમમાં પણ અને નફરતમાં પણ. ચોકસાઈની બાબતમાં પણ અને બેલગામ જીવનશૈલીની બાબતમાં પણ. મર્યાદાની બહાર બધું જ ઝેર સમાન છે.

જે રીતે આજે ન્યુઝ-ચૅનલો ચાલી રહી છે એ જોઈને ખરેખર મનમાં શંકા જાગે કે ન્યુઝ આ રીતે દર્શાવાતા હશે, આ સાચી રીત છે ખરી? જો જો તમે, તમને પણ લાગશે કે અતિવાદને પણ એ લોકો અતિક્રમી ગયા છે. ગણતરીની ન્યુઝ-ચૅનલના ચાર-પાંચ શોને બાદ કરતાં બાકી આખો દિવસ સમાચારના નામે જે પ્રકારની બાબતો દર્શકોના માથે ઠપકારવામાં આવે છે એ જેટલું દયનીય છે એટલું જ દેશ માટે, દેશના નાગરિકો માટે ચિંતાકારક પણ છે. મર્યાદાની બહાર બધું ઝેર સમાન છે અને આ ન્યુઝ-ચૅનલો પ્રૂવ પણ કરે છે.

૨૪ કલાકના સમયમાં સતત તમારે બ્રેકિંગ ન્યુઝના દબાણ હેઠળ અને તમારી સાથે સ્પર્ધામાં રહેલી બીજી ચૅનલો કરતાં આગળ રહેવાનું હોય ત્યારે સ્વાભાવિક રીતે પર્ફોર્મન્સ પ્રેસર હોય, પરંતુ એનો અર્થ એવો તો નથી જ નથી કે દેશની જનતાને ગેરમાર્ગે વાળે કે પછી અંદરોઅંદર મતભેદ વધે કે અશાંતિ જન્માવે એ પ્રકારની વાહિયાત ચર્ચાઓની ડીબેટનું આયોજન કરો. મોટા ભાગની ચૅનલ આ કરી રહી છે. દેશદાઝના નામે પણ આ જ ચાલે છે અને દેશને સાચી દિશા દેખાડવાના બહાને પણ આ જ કામ કરવામાં આવે છે. સનસની ઊભી કરવાના નામે એવા સમાચારો આપવામાં આવે છે જે દેશને ડામાડોળ કરી શકે છે. આ કામ કોઈ હિસાબે ન થવું જોઈએ. રાજકારણના રસપ્રદ સમાચાર આપવાની લાયમાં ખોટી બાબતોને પણ મોટે ઉપાડે એટલી ચગાવી દેવામાં આવે છે કે બિનજરૂરી તત્ત્વોને જોઈતું વધારાનું ફુટેજ મળી જાય છે. ખોટી વાત નથી કે ઘણી વાર જોગાનુજોગ સાચા મુદ્દાઓ પણ ન્યુઝ-ચૅનલોના પ્રયાસોને કારણે પ્રકાશમાં આવ્યા છે અને સામાન્ય લોકોને એ ઉપયોગી પણ બન્યા છે, પણ ૧૦૦ વાતમાંથી આવી એકાદ વાતને તમે ફોકસ કરીને બાકીનાં ૯૯ પાપને માફ કરવાં પણ વાજબી નથી. ડીપવેલમાં પડી ગયેલા બાળકના જીવને બચાવવાનું સદ્કાર્ય કરનારી ચૅનલ જો દેશને ખાડામાં ધકેલી રહી હોય તો એને કોઈ કાળે સાંખી ન લેવાય.

ન્યુઝ-ચૅનલોએ આ વાત સમજવી પડશે અને એ સમજ્યા પછી એના પર ઉચિત પગલાં લઈને આગળ વધવું પડશે. ઝડપ અને સ્પર્ધા તમને તમારી નૈતિક જવાબદારી ચુકાવી દે અને રાષ્ટ્રહિતને જોખમમાં મૂકી દે એ ન જ થવું જોઈએ. સનસની જગાડવા માટે તમે ગમે એવા સેન્સિટિવ મુદ્દાને પણ આખો દિવસ ચગાવ્યા કરો તો એ તમે રાષ્ટ્રહિત સાથે ચેડાં કરી રહ્યા છો. આ બાબતમાં સ્વજાગૃતિ આવે એ બહુ જરૂરી છે.

manoj joshi columnists