સુખી કરો સુખી થાઓ

24 January, 2020 03:40 PM IST  |  Mumbai | Rashmin Shah

સુખી કરો સુખી થાઓ

ફાઈલ ફોટો

દરિયાનાં મોજાં કંઈ રેતીને પૂછે

તને ભીંજાવું ગમશે કે કેમ

એમ પૂછીને થાય નહીં પ્રેમ

આ અને આવાં અનેક અદ્ભુત ગીતો આપનારા કવિ, ગીતકાર તુષાર શુક્લને તમે પગે લાગો તો તેમના મોઢેથી એક જ આશીર્વાદ નીકળેઃ સુખી કરો, સુખી થાઓ.

બહુ સમજવા જેવા આ શબ્દો છે સાહેબ, સુખી કરો અને સુખી થાઓ. જો સુખી કરશો તો જ તમે સુખી થશો. જો તરસ છિપાવશો તો જ કોઈક તરસ છિપાવવા આગળ આવશે. જો પેટની આગ ઠારશો તો જ તમારી આગને જોઈને જોવાની સભાનતા કોઈક કેળવશે. આ વાત તમને જેટલી લાગુ પડે છે એટલી જ પાડોશીને પણ લાગુ પડે છે અને એ જ પ્રકારે પતિને પણ લાગુ પડે છે, સાસુને પણ લાગુ પડે અને નણંદને પણ લાગુ પડે છે. સુખી કરો, સુખી થાઓ. જો સુખી કરવાની તૈયારી હશે તો જ તમને સુખી થવાનો અધિકાર મળે છે. જો સુખી કરી શકશો, સુખ આપી શકશો તો જ તમે સુખ પામી શકશો. બહુ સહજ અને સરળ એવી આ વાત આટલી જ સહજતા સાથે આજે સમજાતી નથી અને અહીંથી જ વિવાદનું કેન્દ્ર ઊભું થાય છે. પતિની અપેક્ષા છે કે તેને સુખી કરવામાં આવે. પત્નીની અપેક્ષા છે કે તેને સુખ આપવામાં આવે. જો પતિ પહેલ કરશે તો પત્ની તેની પાછળ જોડાઈ જવા માટે રાજી છે. જો પત્ની પહેલ કરે તો પતિ એ રસ્તે ચાલવા તૈયાર છે, પણ બેમાંથી કોઈને સુખી કરવાની આગેવાની નથી લેવી અને એટલે બન્ને પક્ષે ફરિયાદોની ભરમાર અકબંધ રહે છે અને અકબંધ રહેલી ફરિયાદો સંબંધોમાં ઊભી થતી ખાઈને વધારે વિકરાળ બનાવવાનું કામ કરે છે. નહીં બનાવો આ ખાઈને વધારે ઊંડી, ભયાનક અને વિકરાળ. ના, નહીં કરો, કારણ કે જે સમયે તમે આ ખાઈને વધારે ભયજનક અવસ્થામાં લઈ જતા હો છો એ સમયે તમારી આજુબાજુમાં રહેલા સૌકોઈ એને જોઈ રહ્યા છે.

જરા વિચારો કે એવું તે શું બન્યું કે છેલ્લાં દસ વર્ષમાં લગ્નજીવનની સફળતાની ટકાવારી ઘટી ગઈ? જરા વિચારો એવું તે શું બન્યું કે એક દશકમાં ડિવૉર્સ શબ્દ સહજ બનવા માંડ્યો અને એવું તે શું બન્યું કે આ એક દાયકામાં છૂટા પડી જવાની પ્રક્રિયા સામાન્ય લાગવા માંડી?

આજે ઊભી થયેલી આ અવસ્થા પાછળ ક્યાંક ને ક્યાંક નવી પેઢીએ આંખ સામે જોયેલી દામ્પત્યજીવનની નિરાશા જવાબદાર છે અને આજે ઊભી થયેલી આ અવસ્થા પાછળ ક્યાંક ને ક્યાંક નવી પેઢીએ ખુલ્લા કાને સાંભળેલા કજિયાઓ જવાબદાર છે. નવી પેઢીને પ્રસન્ન દામ્પત્યજીવનની વ્યાખ્યા જ ખબર નથી. નવી જનરેશનને પ્રસન્નતા સાથે જિવાતું લગ્નજીવન જોવાની આદત જ પડી નથી. સાહેબ, જો લગ્નજીવન તૂટે એ સહજ હોતું હોત તો આપણાં દાદા અને દાદીઓએ પણ છૂટાછેડા લીધા હોત અને નાના અને નાનીને મળવા જુદા-જુદા સરનામે જવું પડતું હોત. છૂટા પાડે એ વ્યવહાર અને સાથે રાખે, સાથે જોડી રાખે એનું નામ સંબંધ અને સંબંધો બંધાયા જ નથી. સંબંધોની આત્મીયતા ઊભી થઈ જ નથી. સંબંધોમાં લાગણીનો પ્રભાવ આવ્યો જ નથી એનું કારણ એક જ છે, સુખી થવું છે પણ સુખી કરવાની પહેલ કરવી નથી. પહેલ નહીં થાય ત્યાં સુધી પરિણામ નહીં મળે. સીધો અને સરળ હિસાબ છે, દૂધમાં મેળવણ નહીં ઉમેરાય ત્યાં સુધી લસ્સીનો સ્વાદ ચાખવા નહીં મળે અને દૂધ મેળવણની દિશામાં દોડીને જવાનું નથી. મેળવણ ચાલીને આવવાનું નથી, એ લેવા તમારે જ જવાનું છે. સુખી કરવાની પ્રક્રિયા મેળવણ સમાન છે. તમારે એ જીવનમાં ઉમેરવું પડશે. મતભેદને ભૂલીને પણ અને આદાન-પ્રદાનના સામાન્ય અંકગણિતને કોરાણે મૂકીને પણ.

સુખ કરશો તો સુખ આપોઆપ તમને શોધશે. હાંકી કાઢવાની પ્રક્રિયા અકબંધ રાખશો તો ક્યારેય કોઈ પુચકારીને પાસે બોલાવવાની ચેષ્ટા નહીં કરે. ગલીમાં ફરતું ડૉગી પણ એને પ્રેમથી આવકારે તેની પાસે જઈને પૂંછડી પટપટાવે છે. એની સામે હાથ ઉગામનારા સામે તો એ ભસે જ છે. હવે નક્કી તમારે કરવાનું છે, સામે ભસે એવું ઇચ્છો છો કે પછી પ્રેમનો આવકારો આપીને સંબંધોની ગરિમાને અકબંધ રાખવી છે? નક્કી તમારે કરવાનું છે, દરેક મુદ્દે સ્વયંને કેન્દ્રમાં રાખીને વિવાદના પરિઘને આંકવો છે કે પછી જાતને પરિઘ પર મૂકીને આપ્તજનને, સ્નેહીજનને અને પોતીકાને કેન્દ્રમાં રાખવા છે? દૂધ પીવું હશે તો આંચળને પ્રેમથી સહેલાવવાં પડશે, લસ્સી પીવી હશે તો મેળવણ સુધી પગ ઉપાડવા પડશે. જો આંચળ સુધી નહીં જાઓ કે મેળવણ લેવાની તસ્દી નહીં લો તો તપેલી ખાલી રહેશે અને ખાલી રહેલી તપેલી માટે જગતનો વાંક કાઢવાનો ન હોય, તપેલીને ભરવાની જવાબદારી તમારી છે. સુખી થવું હોય, પણ સુખી કરવાની તૈયારી નહીં હોય તો દુઃખને આવકારી બેસશો એ ભૂલતા નહીં. યાદ રાખજો, પ્રેમ ઍક્શન હોઈ શકે,રીઍક્શન નહીં.

તમને પણ આ જ વાત લાગુ પડે અને અંકલને પણ આ જ વાત લાગુ પડે.

columnists Rashmin Shah