તમારા પછી તમારો પરિવાર અસ્તવ્યસ્ત ન થઈ જાય એની તૈયારી કરી છેને?

24 February, 2020 03:04 PM IST  |  Mumbai | Ruchita Shah

તમારા પછી તમારો પરિવાર અસ્તવ્યસ્ત ન થઈ જાય એની તૈયારી કરી છેને?

પ્રતીકાત્મક તસવીર

કાંદિવલીમાં રહેતા ૪૫ વર્ષના વિનોદ મહેતા (નામ બદલ્યું છે)ને અચાનક પેટમાં દુખાવો ઊપડ્યો. હૉસ્પિટલમાં લઈ જવાયા. ડૉક્ટર રોગનું નિદાન કરે એ પહેલાં લગભગ દોઢ દિવસમાં જ તેમનું નિધન થયું. એ પહેલાં નખમાં પણ રોગ નહોતો. એટલી તંદુરસ્ત જીવનશૈલી હતી કે લોકો તેમની પાસેથી હેલ્ધી રહેવા માટે શું કરવું એની ઍડ્વાઇસ લેતા. ખૂબ જ પ્રેમથી તેમણે પરિવારનું જતન કરેલું. હાયર મિડલ ક્લાસ જીવે એવી કમ્ફર્ટ સાથેની જીવનશૈલી આપી હતી અને હવે આમ અચાનક તેમનું જવું એ ખૂબ મોટો ઇમોશનલ લૉસ પરિવાર માટે હતો. તેમની પત્ની અને બે દીકરી સાથે કાંદિવલીના ત્રણ બેડરૂમ હૉલ કિચનના ટેરેસ સાથેના આલિશાન મકાનમાં તેઓ રહેતા હતા. હવે શું? કેમ જીવવું? પપ્પાની હેવાયી બન્ને દીકરીઓ અને પતિના ઇર્દગિર્દ જીવનને સમાવી દેનારી પત્ની માટે આ ઇમોશનલ લૉસ કલ્પના બહારનો હતો. ભયંકર આક્રંદ અને શોક વચ્ચે પણ સંતોષકારી બાબત જો કોઈ હતી તો એ હતી કે ખાવાખર્ચની ચિંતા પત્નીએ કરવાની નહોતી. ઘર કેમ ચાલશે અને દીકરીને ભણાવીશું કેમ, દીકરીનાં લગ્ન કેમ કરાવીશું એ ચિંતા પત્નીએ કરવાની નહોતી. આખી જિંદગી હાઉસવાઇફ તરીકે જીવેલી પત્નીને હવે ઘરખર્ચ માટે પોતાના ભાઈઓ, જેઠ, દિયર કે સસરાના ઓશિયાળા રહેવાનું નહોતું. વહેલા અને સાવ અચાનક ગયેલા પતિએ એની પૂર્વતૈયારીઓ વીસ વર્ષ અગાઉથી શરૂ કરી દીધી હતી. એ ઘટનાને હવે બે વર્ષ થઈ ગયાં છે. પત્ની પોતાની દીકરીઓ સાથે સ્વમાનભેર જીવે છે. બન્ને દીકરીનાં લગ્ન માટે તેમના પતિએ સોનું અને અન્ય ખર્ચની અલગ ફિક્સ ડિપોઝિટ તૈયાર રાખી હતી. તેમના ભણવા માટે અલગ પીપીએફ અકાઉન્ટ હતું. તેમના મૃત્યુ પછી લગભગ ત્રણ કરોડની રકમ ઇન્શ્યૉરન્સમાંથી આવી. શૅર, મ્યુચ્યુઅલ ફન્ડ અને અન્ય પ્રૉપર્ટી વિશે પણ નૉમિની તરીકે પત્નીના નામ સાથેનું વિલ તૈયાર હતું. સૌથી સારી એ બાબત હતી કે પત્નીને ફાઇનૅન્શિયલ બાબતોનો ખ્યાલ નહીં આવે એમ સમજીને તેમણે એક ડાયરી પોતાના લૉકરમાં મેઇન્ટેન કરી હતી જેમાં પત્નીને સમજાય એવી ભાષામાં પ્રૉપર્ટી અને ફાઇનૅન્સને લગતી વિગતો લખવામાં આવી હતી, જેના વિશે પત્નીને જાણ હતી. આજે તેમની એક દીકરીનાં ધામધૂમથી લગ્ન પણ થઈ ગયાં છે. અત્યારે પણ હસબન્ડની ગેરહાજરી આ પત્નીને ખલે છે, પણ હસબન્ડના સુપર પ્લાનિંગને કારણે પરિવારની જીવનશૈલીને કોઈ અસર નથી થઈ.

મૃત્યુ અફર છે અને એ આવશે જ. ક્યારે આવશે એ ખબર નથી. એમાંય અત્યારે જે રીતે અચાનક ચાલતા-ફરતા હાર્ટ-અટૅકને કારણે કે સ્ટ્રોકને કારણે જીવન સમાપ્ત થઈ જવાના બનાવો સાંભળીએ છીએ ત્યારે તો આપણે અલર્ટ થવાની ખૂબ જરૂર છે. જ્યારે ઘરનો એકમાત્ર અર્નિંગ મેમ્બર અચાનક અલવિદા કહી દે ત્યારે એ સમયે પત્ની, સંતાનો અને માતા-પિતા પર આવતો ઇમોશનલ લૉસ કલ્પનાતીત હોય છે. એ ઇમોશનલ લૉસની ભરપાઈ કદાચ ક્યારેય ન થઈ શકે એવી હોય છે, પણ એની વચ્ચે ફાઇનૅન્શિયલ તજવીજમાં પણ પરિવારને પડવાનું આવે તો કેવી દુર્દશા થાય એની કલ્પના કરવા જેવી છે. આર્થિક મૅટરમાં કોઈ ખબર ન પડતી હોય એવી પત્નીને જો દીકરાની ફીઝ કેમ ભરીશું, ઘરખર્ચ કેમ કાઢીશું એની પણ પરવા કરવાની હોય તો કેવી હાલત થાય?

પતિના મૃત્યુ માટે રડે કે મૃત્યુ પછી

પોતાના માથે આવી પડેલી ઠોકરો ખાવાની અવસ્થાને રડે? મૃત્યુને આપણે કદાચ ન રોકી શકીએ, પણ મૃત્યુ પછી આ રીતે થઈ શકનારી પરિવારની દુર્દશાને તો રોકી શકાય એમ છે. કેવી રીતે? એ વિષય પર આજે ચર્ચા કરીએ.

નિષ્ણાત શું કહે છે?

કોઈ પણ ઘાતને ટાળી ન શકાય તો પણ હળવી તો કરી જ શકાય જો પ્લાનિંગ હોય તો. અન્ય તમામ પ્લાનિંગ કરતાં આ એવું પ્લાનિંગ છે જેમાં બન્ને બાજુથી તમારો જ લાભ છે. સર્ટિફાઇડ ફાઇનૅન્શિયલ પ્લાનર અને સેબી રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ ઍડ્વાઇઝર કલ્પેશ આશર કહે છે, ‘ઇમોશનલ લૉસ સાથે ફાઇનૅન્શિયલ લૉસ પણ ભોગવવાનો આવે તો પરિવારની કફોડી દશા થતી હોય છે. એવા ઘણા કિસ્સાઓ અમે જોયા છે. ઘરની કમાઉ વ્યક્તિએ આ બાબતમાં ખૂબ જ ગંભીર થવાની જરૂર છે. તમારી અત્યારની વાર્ષિક આવક કરતાં દસથી પંદર ગણી રકમનું ટર્મ ઇન્શ્યૉરન્સ હોવું જ જોઈએ જેથી તમારી ગેરહાજરીમાં પણ તમારી દસ-બાર વર્ષની આવક પરિવારને મળી શકે. આજે લોકો ખોટી પૉલિસીમાં ઇન્વેસ્ટ કરીને પૈસા બ્લૉક કરી નાખે છે અને તેમનો કૅશ ફ્લો ઓછો થઈ જાય છે. દરેક અર્નિંગ મેમ્બરનું ટર્મ ઇન્શ્યૉરન્સ હોવું જ જોઈએ. આ એવી પૉલિસી હોય છે જેમાં તમારે અન્ય પૉલિસી કરતાં ઓછું પ્રીમિયમ ભરવાનું હોય છે. એ પ્રીમિયમ તમે સહીસલામત રહો તો લૅપ્સ થાય, એમાંથી તમને કંઈ પાછું ન મળે. પણ ન કરે નારાયણ અને તમને કંઈક થાય તો પરિવારને એક સારીએવી રકમ મળતી હોય છે. ધારો કે તમારી ઉંમર ત્રીસ વર્ષની છે અને તમે દોઢ કરોડ રૂપિયાનું ટર્મ ઇન્શ્યૉરન્સ લો તો વર્ષે આઠથી નવ હજાર રૂપિયાનું પ્રીમિયમ તમારે ભરવાનું આવે. જે મહિને સાતસો રૂપિયાની આસપાસ થાય.’

તેઓ આગળ ઉમેરે છે, ‘મારે એક સ્પષ્ટતા કરવી છે કે તમે કોઈ પણ ઉંમરે, આવક ઓછી હોય કે વધારે પણ થોડીક બુદ્ધિ વાપરો તો પ્રૉપર પ્લાનિંગ કરી શકો છો. આમાં ગાડી ચૂકી ગયાની લાગણીને મહત્વ આપવાની જરૂર નથી હોતી. અહીં તમે જાગ્યા ત્યારથી સવારની નીતિ વાપરો.’

નૉમિનીનું નામ

યંગ લોકોને વિલ બનાવવાનું કહો તો તેમને એમાં સહેજ અપમાનની લાગણી થાય છે, પણ એ ખૂબ જરૂરી છે એમ જણાવીને કલ્પેશભાઈ કહે છે, ‘લગ્ન પછી તમારું વિલ હોવું જ જોઈએ જેમાં સ્પષ્ટતા પણ હોવી જોઈએ. ભલે તમારે એને સમયાંતરે પ્રૉપર્ટી અને ઍસેટ્સ વધે એટલે અપડેટ કરાવતા રહેવું પડે. વિલ બનાવો અને વિલમાં અને તમારી પૉલિસીમાં નૉમિની કૉમન રાખો. ઘણા કિસ્સામાં હસબન્ડ પૉલિસીમાં પત્નીને નૉમિની રાખે, પણ વિલમાં પ્રૉપર્ટી પત્ની અને સંતાનોને આપે ત્યારે પ્રૉબ્લેમ થતા હોય છે. શક્ય હોય ત્યાં સુધી કૉમન નૉમિની હોય એ બહેતર છે. બાળકો નાનાં હોય ત્યારે તો પત્ની જ નૉમિની હોવી જોઈએ અને જો મોટાં હોય તો વિલમાં કોના માટે શું છે એની સ્પષ્ટતા હોવી જોઈએ. અહીં ભાવાવેશમાં આવીને ખોટા નિર્ણય ન લેવા જોઈએ. નૉમિનીની જેમ પૉલિસી અને ઇન્વેસ્ટમેન્ટમાં સેકન્ડ હોલ્ડિંગ રાખો એ પણ જરૂરી છે.’

આજ બગાડવાની નથી

ઘણા લોકો એવું માને છે કે ફાઇનૅન્શિયલ પ્લાનિંગ એટલે આજની મજા પર કાપ મૂકીને આવતી કાલને સોનેરી બનાવવાની. કાલ કોણે જોઈ છે? જોકે એવું નથી એમ જણાવીને કલ્પેશભાઈ કહે છે, ‘માત્ર ફાઇનૅન્શિયલ પ્લાનિંગ નહીં પણ લાઇફ પ્લાનિંગ પર હવેના પ્લાનર ફોકસ કરે છે. વ્યક્તિની કરન્ટ પોઝિશન, તેના શૉર્ટ ટર્મ ગોલ્સ, લૉન્ગ ટર્મ ગોલ્સ એમ બધું જ ધ્યાનમાં રાખીને સિસ્ટમૅટિક રીતે પણ પ્લાન કરી શકાય એમ છે. અમુક પ્રશ્નો તમારે તમારી જાતને પૂછવાના છે અને પછી પ્લાનર તમને હેલ્પ કરી શકે. ખોટી જગ્યાએ ઇન્વેસ્ટ ન કરો એની તકેદારી રાખવાની છે. ફાઇનૅન્શિયલ પ્લાનિંગમાં પાંચ પરિબળો મહત્વનાં છે. સૌથી પહેલાં આવક અને ખર્ચનું તમારું કરન્ટ સ્ટેટસ ધ્યાનમાં લો. તમારી ઍસેટ્સ અને લાયેબિલિટીનું લિસ્ટ બનાવી તમારી પાસે નેટ મૂડી કેટલી છે એ જાણો. ત્રીજા નંબરે તમારા પોતાના ગોલ્સ કયા અને એને પૂરા કરવાની તમારી શું યોજના છે એના પર વિચાર કરો. ચોથા નંબરે મેડિકલ ઇમર્જન્સી જેવી ઇમર્જન્સી માટે તમે કેટલું ફન્ડ અલાયદું રાખ્યું છે એના પર વિચાર કરો અને છેલ્લે માર્કેટમાં અવેલેબલ વિવિધ ઑપ્શનમાંથી તમારા માટે શું શ્રેષ્ઠ છે એમાં ડહાપણથી નિર્ણય લો. મેં એવા લોકો જોયા છે જે છતે પૈસે ખોટી જગ્યાએ ઇન્વેસ્ટ કરીને ખાસ તો ખોટી પૉલિસીઓમાં ઇન્વેસ્ટ કરીને પૈસાના ફ્લોને બ્લૉક કરી નાખે અને લઈ શકાતો હોય એટલો લાભ એમાંથી ન લઈ શકે.’

૩૫ વર્ષનાં ભાઈએ કરેલું પ્લાનિંગ સાંભળો

મલાડમાં રહેતા જિનેશ દોશીએ દસ વર્ષ પહેલાં પોતાનાં લગ્ન થયાં ત્યારથી પ્લાનિંગ શરૂ કરી દીધું છે. તેઓ કહે છે, ‘હું જૉબ કરું છું અને અત્યારે મારી સૅલરીનો ૩૦ ટકા હિસ્સો ઇન્વેસ્ટમેન્ટમાં જાય છે. પાંચ કરોડનું ટર્મ ઇન્શ્યૉરન્સ છે. શૅર અને મ્યુચ્યલ ફન્ડનો પોર્ટફોલિયો બનાવ્યો છે. સંતાનના એજ્યુકેશન માટે લગ્નના પહેલા વર્ષથી પીપીએફમાં પૈસા ભરવાનું શરૂ કરી દીધું હતું. અત્યારે દીકરી છ વર્ષની છે. તે હાયર એજ્યુકેશન માટે પણ જઈ શકે એટલું ફન્ડ તે મોટી થશે ત્યાં સુધી તૈયાર થઈ જશે. મેડિક્લેમ છે. ૭૦ ટકા પગાર વધે છે એમાં એક હૅપી લાઇફ અમે જીવીએ છીએ. મેં તો કદાચ હું અર્ન ન કરી શકું, કોઈ ડિસેબિલિટી આવી જાય તો પણ પૉલિસીમાંથી મારી અત્યારની આવક જેટલું ઇન્ટરેસ્ટ આવતું રહે એનું પ્લાનિંગ કરી લીધું છે. મને લાગે છે કે તમામ લોકોએ આ દિશામાં વિચારવું જોઈએ.’

ruchita shah columnists