જૈનોના મહાન તીર્થ શત્રુંજય ગિરિરાજની ફાગણ સુદ તેરશની યાત્રાનો મહિમા

01 March, 2020 04:22 PM IST  |  Mumbai | Chimanlal Kaladhar

જૈનોના મહાન તીર્થ શત્રુંજય ગિરિરાજની ફાગણ સુદ તેરશની યાત્રાનો મહિમા

 શ્રી શત્રુંજય ગિરિરાજની ફાગણ સુદ તેરશની મહાયાત્રા વિશે ગતાંકમાં કેટલીક વિગતો પ્રસ્તુત થઈ છે. હવે અહીં આ યાત્રાની બાકીની વિગતો પ્રસ્તુત છે. હું પાલિતાણા ગામનો વતની છું. આ પવિત્ર ભૂમિમાં જ મારો જન્મ થયો છે. અહીં જ મારો ધાર્મિક અભ્યાસ તેમ જ પ્રાથમિક, માધ્યમિક શાળાકીય અભ્યાસ થયો છે. મારા માતા-પિતાના ધર્મ સંસ્કારોને લીધે પ્રતિવર્ષ  ફાગણ સુદ તેરશની શ્રી શત્રુંજય ગિરિરાજની આ મહાયાત્રા મેં વિધિસહ કરી છે. પાલિતાણામાં નવા પરા ચોકમાં આવેલ મારા ઘરેથી આ યાત્રા કરવા માટે અમારા શ્રી ગોડીજી પાર્શ્વનાથ દાદાની સેવા પૂજા કરીને સવારના દસ વાગ્યા પછી જ નીકળતો. ફાગણ સુદ તેરશની આ યાત્રા માટે વહેલી સવારથી જ યાત્રિકોનો ભારે ધસારો રહે છે. આ ભયંકર ગિર્દીમાં ગિરિરાજ પર પહોંચ્યા પછી યાત્રિકોને તીર્થાધિપતિ શ્રી આદિશ્વર દાદાનું મુખારવિંદ પણ જોવા મળતું નથી. ભારે ધક્કામુકીમાં દર્શન થયા ન થયા અને આગ‍ળ વધવું પડતું હોય છે. તેથી મેં નક્કી જ કરેલું કે આ મહાન દિવસની યાત્રા ખૂબ ભાવથી અને શાંતિપૂર્વક કરવી. એથી જ હું મારા ઘરેથી સવારના દસ વાગ્યા પછી નીકળીને ગિરિરાજ ઉપર દાદાના દરબારમાં બારેક વાગ્યા આસપાસ પહોંચું ત્યારે યાત્રિકોની  ગિર્દી નહિવત હોય અને હું શાંતિથી ગિરિરાજની પાંચ પવિત્ર જગ્યાના ચૈત્યવંદન, પ્રદક્ષિણા, કાઉસગ્ગ અને શ્રી આદિશ્વર દાદાનો પક્ષાલ કરીને છ ગાઉની યાત્રા કરવા આગળ વધુ. એ દિવસો એટલે ફાગણ માસની ભયંકર ગરમીના દિવસો. એકાદ વાગ્યા આસપાસ મારી છ ગાઉની પ્રદક્ષિણા યાત્રા શરૂ થાય ત્યારે ગરમીના પ્રકોપથી બચવા હું મારી પાસે રાખેલો ટુવાલ પાણીમાં પૂરો ભીનો કરી માથે વીટી લઈને આ યાત્રા વિધિસહિત પૂર્ણ કરું. લગભગ બપોરના ચાર વાગ્યા આસપાસ હું નીચે સિદ્ધવડની ત‍ળેટીએ પહોંચી થોડીવાર વિરામ કરી સાધર્મિક ભક્તિનો લાભ લઈ પાલિતાણા મારા ઘરે પાછો ફરું.

ગતાંકમાં આપણે આ મહાયાત્રામાં શ્રી અજિતનાથ-શાંતિનાથ દાદાના પગલાની દેરી સુધી પહોંચ્યા હતા. હવે ત્યાંથી આગળ વધીએ. આગળ વધતા અહીં ચિલ્લણા તલાવડીનું પવિત્ર સ્થાન આવે છે. શીતલ જલથી ભરપૂર એવી આ પવિત્ર જગ્યાને લોકો ‘ચંદન તલાવડી’ નામથી ઓળખે છે. શ્રી સુધર્માસ્વામીના મહાતપસ્વી શિષ્ય ચિલ્લણ મુનિ સંઘ સાથે શ્રી શત્રુંજય ગિરિરાજ પધાર્યા હતા. હર્ષાવેશમાં લોકો જુદા જુદા રસ્તેથી ગિરિરાજ ઉપર ચઢવા લાગ્યા. સખત ગરમીના લીધે સકલ સંઘ અતિશય તૃષાતુર થઈ ગયો. ચિલ્લણ મુનિએ પોતાની લબ્ધિથી એક મોટું તળાવ પાણીથી છલકાવી દીધું. સંઘના યાત્રિકોએ આ નિર્મલ પાણીથી પોતાની તૃષા શાંત કરી. ત્યારથી આ તલાવડીનું નામ ‘ચિલ્લણ’ યાને ‘ચંદન તલાવડી’ પ્રસિદ્ધ  થયું. ચિલ્લણ મુનિએ અહીં ‘ઇરિયાવહિયા’ કરી જીવોની વિરાધનાનું પ્રાયશ્ચિત કરતા તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને આ પવિત્ર ભૂમિમાં જ મોક્ષે પધાર્યા. અહીં ભરત ચક્રવર્તીએ ભરાવેલ ૫૦૦ ધનુષ્યના માપની રત્નમય દિવ્ય પ્રતિમા સાગર ચક્રવર્તીએ નજીકની ગુફામાં પધરાવી છે. અઠ્ઠમ તપથી પ્રસન્ન થતા કદર્પિ યક્ષ જેને આ પ્રતિમા દર્શન કરાવે તે ત્રીજા ભવે મોક્ષ પ્રાપ્ત કરે છે, એવી ઉક્તિ પ્રચલિત છે. ‘શ્રી શત્રુંજય કલ્પવૃત્તિ’ ગ્રંથમાં જણાવ્યા અનુસાર પાંચમા આરામાં થયેલ નંદરાજાએ અને  જૈનાચાર્ય  દેવસુંદરસૂરિજીના શિષ્ય પંડિત દેવમંગલે અહીં અઠ્ઠમ કર્યા ત્યારે કદર્પી યક્ષે  પ્રસન્ન થઈ તેમને આ અલૌકિક રત્ન પ્રતિમાના દર્શન કરાવ્યા હતા. ચંદન તલાવડીની બાજુમાં સિદ્ધ શીલા છે. આ તીર્થમાં કાંકરે કાંકરે અનંત આત્માઓ સિદ્ધ થયા છે. તેમ છતાં આ સિદ્ધશીલા પર બીજા સ્થાન કરતાં અધિક આત્માઓ સિદ્ધ થયા છે, તેથી આ શીલા સિદ્ધ શીલા તરીકે સુપ્રસિદ્ધ છે. અહીં યાત્રિકો સંથારા મુદ્રાએ ૧૦૮, ૨૭, ૨૧ અથવા ૧૨ લોગસ્સનો કાઉસગ્ગ કરે છે.

આ યાત્રામાં ચંદન તલાવડીથી આગળ વધતા એક ઊંચો ડુંગર દૃષ્ટિગોચર થાય છે. એ છે ભાડવાનો ડુંગર, સૌથી કષ્ટદાયક રસ્તો હવે શરૂ થાય છે. આ ભાડવા ડુંગર પર ફાગણ સુદ તેરશના દિવસે કૃષ્ણજીના પુત્રો શામ્બ અને પ્રદ્યુમ્ન સાડા આઠ કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા છે. તેમની સ્મૃતિમાં અહીં એક દેરીમાં શ્રી આદિશ્વર ભગવાનના પગલાંની સાથે શામ્બ અને પ્રદ્યુમ્નનાં પગલાં પણ છે. એક જ દિવસે સાડા આઠ કરોડ આત્માઓને મુક્તિ અપાવનાર આ ભાડવા ડુંગરને ભેટતા અત્યંત ભાવવિભોર બની જવાય છે, સાથોસાથ હૃદયમાં પ્રગટેલા નિર્મલ ભાવોલ્લાસથી કર્મની નિર્જરા પણ થાય છે. ફાગણ સુદ તેરશની છ ગાઉની પ્રદક્ષિણા યાત્રાનું મૂળ અને મહિમા આ ભાડવો ડુંગર અને અહીં મોક્ષે ગયેલા પુણ્યાત્માઓ છે. અહીં લોકો ‘નમો સિદ્ધાણં’ કહીને  અતિશય ઉલ્લાસથી ચૈત્યવંદન વિધિ કરે છે.

ભાડવા ડુંગરથી વિદાય લેતા હવે લોકો નીચે ઊતરે છે. નીચે તળેટી પર પહોંચતા જ એક વિશાળ વડ નજરે પડે છે. તેને સિદ્ધવડ તરીકે ઓળખવામાં આવે છે. સિદ્ધશીલાની જેમ સિદ્ધવડના સ્થાને પણ અનેક આત્માઓ સિદ્ધગતિને પામ્યા છે. તેથી આ સિદ્ધિવડનું પણ ભારે માહાત્મ્ય છે. અહીં એક મોટી દેરીમાં શ્રી ઋષભદેવ ભગવાનનાં પગલાં છે. અહીં લોકો છેલ્લી ચૈત્યવંદન વિધિ કરે છે અને હવે છ ગાઉની પ્રદક્ષિણા યાત્રા અહીં પૂર્ણ થાય છે.

સિદ્ધવડથી થોડા આગળ વધતા આદપુર ગામના વિશાળ ખેતરોમાં જુદા જુદા સંઘો અને સંસ્થાઓ દ્વારા ઊભા કરાયેલા મોટા મોટા પાલો (સમિયાણાઓ) નજરે પડે છે. આ મહાયાત્રા કરીને પધારનાર યાત્રિકોની અહીં અનેકવિધ સ્વાદિષ્ટ વાનગીઓથી સાધર્મિક ભક્તિ કરવામાં આવે છે. પહેલાનાં વખતમાં તો અહીં માત્ર દહીં-ઢેબરાંના પાલો જ રહેતા. યાત્રા કરીને થાકેલા લોકો અહીં હોંશેહોંશે દહી-ઢેબરાં આરોગીને તૃપ્ત થતાં. ચા-ઉકાળાના પાલ પણ અહીં રહેતા. હવે સમય ઘણો બદલાયો છે ત્યારે લોકોની રસ-રુચિ મુજબની વાનગીઓના પાલો પણ અહીં વધવા લાગ્યા છે. આ સમ્યક કાર્યમાં પોતાની સંપત્તિનો સદવ્યય કરનાર દાતાઓ સાધર્મિકોની ભાવપૂર્વક ભક્તિ કરીને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી રહ્યા છે. અહીં યાત્રિકોને આરામ કરવા માટે પણ વિશાળ મંડપો ઊભા કરાયા હોય છે. તેમાં થોડો આરામ કરી સાધર્મિક ભક્તિનો લાભ લઈ યાત્રિકો પરત પાલિતાણા પોતાના ઉતારે પહોંચે છે. આ મહાયાત્રાની સંપૂર્ણ વ્યવસ્થા, દેખરેખ અને સંચાલન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા સુંદર રીતે થાય છે.

શ્રી શત્રુંજય, ગિરિરાજ દરિયાની સપાટીથી ૧૮૦૦ ફીટની ઊંચાઈએ આવેલ છે. આ મહાતીર્થની યાત્રાનો પ્રારંભ ગિરિરાજની જયતલેટીથી થાય છે. આ ગિરિરાજના કુલ ૩૭૪૫ પગથિયાં છે. તીર્થયાત્રામાં રસ્તામાં ઠેર-ઠેર વિસામા અને પાણીની પરબ આવે છે. આ તીર્થના અધિપતિશ્રી આદિશ્વર દાદાનું જિનમંદિર શિલ્પ સ્થાપત્યની દૃષ્ટિએ બેનમૂન છે. આ ગિરિરાજ પર મોટી ટૂંક અને નવ ટૂંક છે. દરેક ટૂંકને પોતપોતાની કિલ્લેબંધી  અને તમામ ટૂંકોને આવરી લેતો કોટ પણ છે. તીર્થના અધિષ્ઠાયક દેવી શ્રી ચકેશ્વરી માતાનું અને તીર્થરક્ષકદેવ કદર્પિ યક્ષનું મંદિર ભાવિકોના હૃદયમાં અનેરો ભાવ પ્રગટાવે છે. આ તીર્થની યાત્રા માટે બસ રસ્તે અને રેલવે માર્ગથી પાલિતાણા પહોંચી શકાય છે. હવાઈ માર્ગે મુંબઈથી ભાવનગર પહોંચીને પાલિતાણા જઈ શકાય છે. આ તીર્થમાં યાત્રિકોને ઊતરવા માટે ૨૦૦થી અધિક આધુનિક સુવિધાઓથી યુક્ત ધર્મશાળાઓ છે. મોટા ભાગની ધર્મશાળાઓમાં ભોજનશાળાની વ્યવસ્થા પણ છે.

columnists weekend guide chimanlal kaladhar