સ્કૂલ ભલે બંધ હોય, સ્પોર્ટ્‍સમાં રજા નથી

01 January, 2021 03:11 PM IST  |  Mumbai | Bhakti D Desai

સ્કૂલ ભલે બંધ હોય, સ્પોર્ટ્‍સમાં રજા નથી

સ્પોર્ટ્સ

આ અકૅડેમિક યરમાં બાળકોએ શિયાળાના ગુલાબી તડકા ને મીઠી ઠંડીમાં થતી સ્કૂલની સ્પોર્ટ્સ ઇવેન્ટ્સને પણ મિસ કરી છે કેમ કે બીજા બધા વિષયો ઑનલાઇન ભણી લેવાય પણ રમત-ગમતનું શું? જોકે સ્પોર્ટ્સમાં કંઈક કરી દેખાડવાનો ગોલ ધરાવતા બાળકોએ છેલ્લા નવ મહિનામાં પોતપોતાની રીતે મનગમતા સ્પોર્ટ્સ માટેની ટ્રેઇનિંગ માટે શું કર્યું અને કઈ રીતે પોતાની ફિઝિકલ ફિટનેસને જાળવી રાખી છે એ જાણીએ

ઠંડીની મોસમ આવે એટલે સ્કૂલ અને તેની આજુબાજુનાં મેદાન બાળકોનાં કિલબીલાટથી, લાઉડ સ્પીકર્સ પર શિક્ષકોની સૂચનાઓથી અને સીટીઓના અવાજથી ગાજતા હોય છે કારણ આ શિયાળાની ઋતુ બળવર્ધક છે અને શારીરિક પ્રવૃત્તિઓ માટે ઉત્તમ હોય છે તેથી આ ઋતુમાં શાળામાં અને અન્ય રાષ્ટ્રીય સ્તર પર રમતગમતની સ્પર્ધાઓનાં આયોજન થતાં હોય છે. કોવિડ-19ની મહામારીએ સ્કૂલ ચલાવવાનો ઑનલાઇન વિકલ્પ તો શોધી કાઢ્યો, પણ સ્પોર્ટ્સપ્રેમી વિદ્યાર્થીઓ માટે ઘરમાં બેસવા સિવાય કોઈ પર્યાય નથી. તેઓ આ વર્ષે સ્કૂલની રમતગમતની સ્પર્ધાથી વંચિત રહેશે એવું લાગે છે તો તેઓ સાથે વાત કરીને જાણીએ કે લૉકડાઉનથી લઈને હમણાં સુધી તેઓ પોતાનાં શરીરને પ્રવૃત્ત રાખવા કેવી મહેનત કરી રહ્યા છે અને સ્પોર્ટ્સને કેટલી મિસ કરે છે.

ફૂટબૉલ અને બૉક્સિંગ ઘરમાં જ કરું છું : અર્પીલ શાહ

કાંદિવલીમાં રહેતો અર્પિલ શાહ ચિલ્ડ્રન્સ ઍકૅડેમી સ્કૂલમાં છટ્ઠા ધોરણમાં ભણે છે અને ફુટબૉલમાં માહિર છે. તે કહે છે, ‘હું બીજા ધોરણમાં હતો ત્યારથી ફુટબૉલમાં ભાગ લઉં છું અને મને ફુટબૉલ રમવું ખૂબ જ ગમે છે. આઝાદ મેદાન, માર્વે આમ મુંબઈમાં જ્યાં પણ ઇન્ટરસ્કૂલ સ્પર્ધાનું આયોજન થાય ત્યાં હું રમવા જાઉં જ છું. આજ સુધીમાં મને બેસ્ટ ગોલકીપર, બેસ્ટ કિકર અને મૅન ઑફ ધ મૅચ આમ ત્રણ ટ્રૉફીઝ મળી છે. મારાં મમ્મી-પપ્પાએ મને ફુટબૉલની પ્રૅક્ટિસ કરવા મળે એટલે એક ઘર એવું રાખ્યું છે જ્યાં જગ્યાની છૂટ છે અને કોઈ વસ્તુઓ તૂટવાનો ડર નથી, કારણ કે એ ઘર ખાલી જ છે. લૉકડાઉન શરૂ થયું ત્યારથી જ મારા ભાઈ સાથે જઈને હું ત્યાં ફુટબૉલ રમું છું અને સાથે જ બૉક્સિંગ પણ કરું છુ. હું સવારે છ વાગ્યે ઊઠીને કસરત પણ કરું છું. આખા દિવસ દરમ્યાન હું ભરપૂર પાણી પણ પીતો રહું છું, આનાથી મારા શરીરમાં પાણીની અછત નથી સર્જાતી. આમ તો ફુટબૉલ માટે મારા બે કોચ છે જેમની પાસે મારી ટ્રેઇનિંગ ચાલી રહી છે, પણ કોવિડને કારણે તેઓ નથી મળી શકતા. હું મારી સ્કૂલને સ્પોર્ટ્સ માટે ખૂબ મિસ કરી રહ્યો છું. જો આવતા મહિને સ્કૂલ શરૂ થાય તો મને ત્યાં રમવા મળશે.’

હવે થાય છે કે ક્યારે સ્કૂલ ખૂલે અને ક્યારે મારી ફૉર્મલ ટ્રેઇનિંગ શરૂ થાય: અવ્યાન મહેતા

બોરીવલીમાં રહેતો અવ્યાન મહેતા કપોળનિધિ સ્કૂલ બીજા ધોરણમાં ભણે છે. તે પોતાના ક્રિકેટપ્રેમ વિશે કહે છે, ‘મને સ્પોર્ટ્સ ખૂબ ગમે છે. હું સ્કૂલની દરેક સ્પોર્ટમાં સહભાગી થાઉં છું. રનિંગ અને હુલાહુપની સ્પર્ધામાં મને ત્રણ મેડલ્સ અને સર્ટિફિકેટ્સ પણ મળ્યાં છે. હું લૉકડાઉનમાં યોગ કરું છું અને મને ક્રિકેટ રમવાનો ખૂબ શોખ છે. હું ચાર વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમી રહ્યો છું અને મારી બોલિંગમાં નિપુણતા છે. મારી વિશેષતા એ છે કે હું એક લેફ્ટ આર્મ બોલર છું. સ્કૂલમાં અમને સાત વર્ષ પૂરાં થાય પછી જ સ્પોર્ટ્સનું કોચિંગ શરૂ કરાવે છે અને લૉકડાઉન થયું એની પહેલાં જ સ્કૂલમાંથી અમને એમ કહ્યું હતું કે હવે મારું કોચિંગ શરૂ થશે. આ જ કારણથી હું સ્કૂલને ખૂબ મિસ કરી રહ્યો છું. મને હવે એમ થાય છે કે ક્યારે સ્કૂલ ખૂલે અને ક્યારે મારી ફૉર્મલ ક્રિકેટ ટ્રેઇનિંગ શરૂ થાય! લૉકડાઉન દરમ્યાન મારા પપ્પાએ મને વિવિધ ક્રિકેટર્સના વિડિયો દેખાડીને તેમની રમવાની શૈલી સમજાવવાની શરૂઆત કરી અને હમણાં પણ હું બેસ્ટ પ્લેયર્સની મૅચ જોઈને મારું જ્ઞાન વધારી રહ્યો છું. મારે આગળ જઈને ક્રિકેટર બનવું છે તેથી હું ટ્રેઇનિંગ માટે ઉત્સુકતાથી સ્કૂલ ખૂલવાની રાહ જોઈ રહ્યો છું.’

લૉકડાઉનમાં ઘરમાં જ સાઇક્લિંગ કરતો હતો અને હવે સર્કિટ રેસિંગમાં ભાગ લઉં છુંઃ રહીશ ખત્રી
ગ્રાન્ટ રોડમાં રહેનાર આર્મી પબ્લિક સ્કૂલનો આઠમા ધોરણનો વિદ્યાર્થી રહીશ ખત્રી મોટોક્રૉસ અને સર્કિટ રેસિંગ (મોટરસાઇકલ્સ)માં માહિર છે. તે આ વિશે કહે છે, ‘હું છેલ્લાં સાત વર્ષથી મોટોક્રૉસ રેસિંગમાં છું. મારા પપ્પા એક ઉત્તમ રાઇડર રહ્યા છે તેથી મારામાં પણ તેમનો આ શોખ આવ્યો છે. સ્કૂલમાં ફુટબૉલ અને બાઇસિકલ રાઇડિંગમાં હું હંમેશાં ભાગ લેતો. મારે આ સ્પર્ધાઓ માટે બહાર જવું પડે ત્યારે મારી દરેક બહારની પ્રવૃત્તિમાં સ્કૂલની ભૂમિકા ખૂબ મહત્ત્વ ધરાવે છે. હું દરેક સર્કિટ/રોડ રેસિંગમાં સહભાગી થાઉં છું અને મેં માત્ર છ જ વર્ષની ઉંમરે આની શરૂઆત કરી હતી અને તેથી જ હું ઇન્ડિયાઝ યંગેસ્ટ મોટોક્રૉસ રેસર રહ્યો છું. હું VILO પુણે સુપર ક્રૉસ ચૅમ્પિયનશિપમાં ૬માંથી ૬ હોલશૉટ લેનારો એકમાત્ર હોલશૉટ કિંગ છું. હૉન્ડા રેસિંગ ઇન્ડિયા ફૉર નૅશનલ ઍન્ડ ઇન્ટરનૅશનલ રેસિસ ૨૦૨૦ની નૅશનલ રેસિંગ ચૅમ્પિયનશિપમાં હાલમાં હું સહભાગી થયો છું. લૉકડાઉન પછી હું પહેલી વાર બહાર આવ્યો છું. હું લૉકડાઉનમાં ઘરમાં જ સાઇક્લિંગ કરતો હતો. મેં ખાવા-પીવામાં પણ ખૂબ ધ્યાન રાખ્યું હતું. હું સાકર લેવાનું ટાળતો હતો જેથી મારું વજન ન વધે. ટ્રેડમિલ પર ચાલતો, નિયમિત યોગ કરતો અને લીંબુપાણી, નારિયેળ પાણી અને પ્રવાહી વધારે લેતો હતો. મારી સ્પોર્ટ્સને મેં ખૂબ પ્રેમ કર્યો છે અને તેથી લૉકડાઉન દરમ્યાન મેં એને મિસ તો કરી, પણ મારા લક્ષ્ય ધ્યાન વધુ કેન્દ્રિત કર્યું છે.’

જુહુબીચ પર જઈને પ્રૅક્ટિસ કરું છુંઃ વિવાન દોશી

વિલે પાર્લેમાં રહેતો જમનાબાઈ નરસી સ્કૂલના ટાગોર હાઉસનો સ્પોર્ટ્સ કૅપ્ટન વિવાન દોશી હાલમાં દસમાની તૈયારીમાં વ્યસ્ત છે છતાં ફુટબૉલની પ્રૅક્ટિસ માટે સમય ફાળવી લે છે. તે કહે છે, ‘હું એક ફુટબૉલ પ્લેયર છું અને મેં અને અમારી ફુટબૉલની ટીમે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની તમામ નાની-મોટી ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને મેં આશરે વીસથી પચીસ મેડલ્સ જીત્યા છે. મેં કરાટેમાં બ્રાઉન બેલ્ટ અને મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં યલો બેલ્ટ કર્યું છે. મૂળમાં હું એક સ્પોર્ટ્સ ચાહક છું. લૉકડાઉન થયું, દસમામાં આવ્યો અને એમ છતાં પણ મારી સ્પોર્ટ્સને હું મારા વ્યક્તિત્વથી ક્યારેય અળગી નથી રાખી શક્યો. જ્યારે એકદમ સ્ટ્રિક્ટ લૉકડાઉન હતું ત્યારે હું બિલ્ડિંગની ટેરેસ પર જઈને ફુટબૉલની પ્રૅક્ટિસ કરતો, મારી જાતને શારીરિક રીતે સ્વસ્થ રાખવા માટે રનિંગ પણ કરતો. હું એક ક્લબ સાથે જોડાયેલો છું ત્યાંથી ઝૂમ પર અમને યોગ અને માર્શલ વર્કઆઉટ કરાવતા હતા અને હવે જ્યારથી બધું શરૂ થયું છે ત્યારથી હું જુહુ બીચ જઈને પણ પ્રૅક્ટિસ કરું છું. સ્પોર્ટ્સ મારે માટે સ્ટ્રેસ-બસ્ટર છે. હું સવાર અને સાંજ દિવસમાં બે વાર થોડો સમય મારી સ્પોર્ટ્સ માટે સ્વસ્થ રહેવા કાઢી લઉં છું.’

સોસાયટીમાં જ ક્રિકેટ અને બૅડ્મિન્ટન રમીને મન મનાવું છું: ધ્રુવંશ પરમાર

મલાડમાં રહેતો એમકેઈએસ ઇંગ્લિશ સ્કૂલમાં ભણતો ધ્રુવંશ પરમાર સામાન્ય રમત-ગમત પ્રેમી છે. તે કહે છે, ‘મને ફિઝિકલ ફિટનેસ સાથે સંકળાયેલી દરેક રમત ખૂબ ગમે છે. હું કોઈ એક સ્પોર્ટ્સમાં સહભાગી થાઉં છું એવું નથી પણ મને આ દિવસોમાં સ્કૂલમાં જે સ્પર્ધાઓનું આયોજન થાય એ બધામાં ભાગ લેવો ખૂબ ગમે છે. ક્રિકેટ, ખો-ખો, કબડ્ડી, રનિંગ અ બધામાં ભાગ લઉં છું. બૉલ ઇન ડિશ, જેમાં માથે ડિશમાં બૉલ રાખીને દોડવાનું હોય છે, આ એક બૅલૅલેન્સ ગેમ છે. આમાં હું પહેલું ઇનામ જીત્યો છું. લૉકડાઉન પહેલાં હું સાઇક્લિંગ કરતો અને હવે કરું છું, પણ લૉકડાઉનમાં મેં યોગનો એક મહિનાનો કોર્સ કર્યો અને હવે હું નિયમિત યોગ કરું છું. વિવિધ ડાન્સ કરવાથી પણ શરીર સરસ રહે છે, જે મેં લૉકડાઉનમાં કર્યા. આ જ સમય છે સ્કૂલમાં વધુમાં વધુ સ્પોર્ટ્સ સ્પર્ધાઓની મજા લેવાનો, જે હું મિસ કરું છું. એથી મારા મિત્રો સાથે સોસાયટીમાં ક્રિકેટ રમું અને રાત્રે મારા પપ્પા સાથે જઈને બૅડ્મિન્ટન પણ રમું છું.’

columnists bhakti desai