આમને નેગેટિવ કહેવાની ભૂલ ન કરાય

11 February, 2020 01:32 PM IST  |  Mumbai | Taru Kajaria

આમને નેગેટિવ કહેવાની ભૂલ ન કરાય

ફાઈલ ફોટો

કેટલાક માણસોને જ્યારે મળીએ ત્યારે તે ઉત્સાહમાં જ હોય. તેમની વાતોમાં દૃઢતાનો રણકો હોય, કોઈ સમસ્યા કે મુસીબત આવે તો એ લોકો એના ઉકેલ શોધવામાં વ્યસ્ત થઈ જાય. યોગ્ય ઠેકાણે ફરિયાદ કરવા કે મદદ માગવા આકાશ-પાતાળ એક કરે. વીજળીનું ખોટું બિલ આવ્યું હોય કે ઑનલાઇન નાણાં ટ્રાન્સફર કર્યાં હોય એની રસીદ ન આવી હોય તો તેઓ સંબંધિત વિભાગ સાથે માથાકૂટ કરે, ટેલિફોન કામ ન કરતો હોય તો હેલ્પલાઇનમાં ફોન કરે, કસ્ટમર કૅરમાં મેઇલ મોકલે અને આખરે પોતાના પ્રશ્નનો નિવેડો લાવીને જ જંપે. ટૂંકમાં નિયમો અને કાયદામાં વિશ્વાસ ધરાવીને આ લોકો એની મદદ લે અને ઉપયોગ કરે. તમે ઉપરથી નીચે પછડાઓ તોય આ સિસ્ટમમાં કંઈ જ બદલાશે નહીં જેવા શબ્દો આ લોકોના મોઢે ક્યારેય સાંભળવા ન મળે. આવા લોકોને જોઉં ત્યારે મને હંમેશાં તેમને માટે અહોભાવ થાય.

તો બીજા છેડે કેટલાક લોકોના ચહેરા પર જ્યારે જુઓ ત્યારે ચિંતાની લકીરો અંકાયેલી હોય. તેમની વાતોમાં મોટા ભાગે નિરાશાનો સૂર સંભળાય. તેઓ જિંદગીમાં કોઈ તકલીફ ભોગવતા હોય ત્યારે તેમને એના ઉકેલ માટે આ કે તે પ્રયત્ન કરી જોવાનું કહીએ તો તેમનો તકિયાકલામ હોય, ‘એમાં કંઈ વળ‍વાનું નથી’ કે ‘આપણે ગમે એટલું કરીએ, કોઈના પેટનું પાણી હલવાનું નથી.’ સામાન્ય રીતે આપણે પહેલા પ્રકારની વ્યક્તિઓને પૉઝિટિવ અને આ પ્રકારના લોકોને નેગેટિવ ગણી લઈએ છીએ, પરંતુ તાજેતરના એક અનુભવે મને એમ માનવા મજબૂર કરી કે ક્યારેક આપણો આવો અભિપ્રાય ઉતાવળે બાંધી લીધેલો હોય છે. શક્ય છે કે પહેલા પ્રકારના પ્રયત્નો સફળ થયા હોય જેણે તેમને સિસ્ટમમાંની અને લોકોમાંની શ્રદ્ધાને અકબંધ રાખી હોય, જ્યારે આ બીજા પ્રકારના લોકોએ તેમના જેવા જ અને જેટલા કે એનાથી પણ વધુ પ્રયાસ કર્યા છતાં તેમને હંમેશાં નિષ્ફળતા જ મળી હોય! અને એને કારણે તેમને ગ્રંથિ બંધાઈ ગઈ હોય કે તેઓ ગમેએટલું મથે પણ કંઈ પરિણામ આવવાનું નથી!

હોશિયાર, કુશળ અને અત્યંત સિન્સિયર એવા એ મિત્રએ જીવનમાં પાર વગરની મુશ્કેલીઓનો સામનો કર્યો છે છતાં તેમના સ્વભાવની મીઠાશ જળવાઈ રહી છે. તેઓ ભાડાના ઘરમાં રહેતા હતા. તેમનો ફ્લૅટ હતો એ મકાન જૂનું હતું. રીડેવપલમેન્ટ કરવામાં મકાનમાલિકને રસ નહોતો, પણ જૂના ભાડામાં રહેતા ભાડૂતો ઘર ખાલી કરે એમાં જરૂર રસ હતો. વર્ષોથી ત્યાં રહેતા ભાડૂતો એ માટે તૈયાર ન હોય એ સ્વાભાવિક છે, પરંતુ બે-એક વર્ષ પહેલાં મકાન જોખમી હાલતમાં છે અને એમાં રહેવાનું સલામત નથી એમ કહીને સ્થાનિક સત્તાવા‍ળાઓએ મકાનના રહેવાસીઓને મકાન ખાલી કરવાની નોટિસ મોકલી, મકાનના રહેવાસીઓએ પોતે પણ મકાનનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવેલું. એમાં મકાનની મજબૂતી વિશે કોઈ શંકા ઉઠાવાઈ નહોતી. એ રિપોર્ટના આધારે તેમણે સત્તાધીશો સામે દલીલો કરી, પરંતુ સત્તા આગળ શાણપણ નકામું! ખેર, બધાએ ઘર ખાલી કરવાં જ પડ્યાં. એ વખતે દરેક ઘરનું માપ લેવાયું તો એમાં પણ ઘર હતાં એના કરતાં ઓછા સ્ક્વેરફીટ લખવામાં આવ્યા! હવે, સામાન્ય રીતે જે જૂનાં મકાનો આ રીતે પાડી નાખવામાં આવે એ ફરી બાંધવાની અને એ બંધાય ત્યાં સુધી ભાડૂતોને અન્ય જગ્યાએ રહેવા જવા માટેનું ભાડું મકાનમાલિક ચૂકવે એવી વ્યવસ્થા હોય છે, પરંતુ આમના કિસ્સામાં ‘મકાન અમે ખાલી નથી કરાવ્યું’ કહીને મકાનમાલિક ભાડૂતોને બીજે રહેવાનું ભાડું ચૂકવવાની જવાબદારીમાંથી છટકી ગયો છે. વળી તેમના પરિવારમાંથી એકાદ સભ્યએ એ પ્રૉપર્ટી સંદર્ભે કોર્ટમાં કેસ કર્યો છે એટલે મકાન ફરી બંધાવાની થોડીઘણી આશા હતી એ પણ ખતમ થઈ ગઈ છે. ભાડૂતોએ મકાનમાલિક સામે અદાલતના દરવાજા ખટખટાવ્યા છે, પરંતુ અત્યારે બધા ભાડૂતોએ તેઓ રહેતા હતા એના કરતાં ઘણા દૂર રહેવા જવું પડ્યું છે. પોતાની રીતે શોધેલી એ જગ્યાઓનું હજારો રૂપિયાનું ભાડું પોતાના ખિસ્સામાંથી ચૂકવે છે. છેલ્લાં દોઢ-બે વર્ષથી આ વધારાના આર્થિક બોજે એ મિત્રના પારિવારિક ખર્ચના બજેટને ખોરવી નાખ્યું છે. તેઓ અને તેમનો પરિવાર ભયંકર અસલામતીમાં જીવી રહ્યા છે. આ ભાડૂતોએ પોતાની સાથે થયેલા અન્યાયની રજૂઆત સ્થાનિક સત્તાવાળાની ઑફિસોથી લઈને રાજકારણીઓ સુધીની વ્યક્તિઓને કરવાની કોશિશ કરી છે, પરંતુ તેનું કાંઈ જ ઊપજ્યું નથી! વળી કોર્ટમાં કેસ ચાલે છે એટલે તેઓ પોતાની યાતના જાહેરમાં વ્યક્ત કરી શકે નહીં!

હવે તમે જ કહો, આવી સ્થિતિમાં રહેનાર વ્યક્તિ કઈ વાતે આશાવાદી રહી શકે? તેઓ જે સ્થિતિમાં છે એમાંથી બહાર નીકળવા માટે તેમણે શક્ય એ બધા જ પ્રયાસ કર્યા છે. એનું પરિણામ કંઈ જ નથી આવ્યું. આવી અસલામતીમાં જીવતી વ્યક્તિના ચહેરાના ભાવ, તેની વાતો કે તેના શબ્દોના ટોનને આધારે આપણે તેના પર ‘નેગેટિવ’નો થપ્પો લગાવી દેવો એ ઉતાવળિયું અને ભૂલભરેલું રીઍક્શન ગણાય. તેમની લાચાર હાલત જોઈને સવાલ થાય કે કહેવાતા બદલાયેલા નિયમો, બહેતર પારદર્શક વ્યવસ્થા અને સ્વચ્છ શાસનની વાતો એ શું માત્ર ખોખલી વાતો છે? આવી સ્થિતિમાં મુકાઈ હોય એ વ્યક્તિઓનો સિસ્ટમમાંથી ભરોસો ઊઠી જાય એ સ્વાભાવિક નથી? ખરેખર અત્યારે આપણને સૌને સવાલ થવો જોઈએ કે આવી સ્થિતિનો શિકાર બનેલા લોકોને ન્યાય અપાવવામાં મદદરૂપ થઈ શકે એવો કોઈ રૉબિનહૂડ આપણી પાસે નથી? કેમ? અને હા, આવા લોકોની મદદ ન કરી શકીએ તો કંઈ નહીં, પરંતુ કમસે કમ તેમને નેગેટિવ કહેવાની ભૂલ તો ન જ કરાય.

columnists taru kajaria