રમખાણો પછીનું રમખાણ : દિલ્હી શાંત થયું, પણ દેશના રાજકારણમાં ગરમાટો

29 February, 2020 04:08 PM IST  |  Mumbai | Manoj Joshi

રમખાણો પછીનું રમખાણ : દિલ્હી શાંત થયું, પણ દેશના રાજકારણમાં ગરમાટો

દિલ્હી હિંસા

આ જ આપણા દેશની હકીકત છે. આપણે ત્યાં હંમેશાં આમ જ બન્યું છે. રમખાણો પછી રાજકારણનું રમખાણ શરૂ થાય જ થાય. ગોધરા હોય કે દિલ્હી હોય, ૯૦ના દસકાના મુંબઈનાં રમખાણો પછી પણ આ જ અવસ્થા હતી અને ૮૦ના દસકાના દિલ્હીનાં રમખાણો વખતે પણ આ જ પરિસ્થિતિ હતી. રમખાણો પછી રમખાણનો પ્રારંભ નક્કી હોય. અત્યારે પણ એ જ થયું છે. દિલ્હી શાંત થયું છે, ગઈ કાલથી દિલ્હી કાબૂમાં આવ્યું છે, પણ એ પછી પણ દિલ્હી બેકાબૂ છે. આક્ષેપોનો મારો ચાલુ છે અને પ્રત‌િઆક્ષેપો પણ એટલા જ વાહિયાત રીતે ફેંકાઈ રહ્યા છે.

રમખાણો એ લોકશાહી માટે કલંક છે. આ કલંક આપણે છેક આઝાદીના સમયથી જોતા આવ્યા છીએ. અત્યારે દિલ્હીમાં જેકાંઈ થઈ રહ્યું છે એને માટે કોઈના પર આક્ષેપ કરવાને બદલે પહેલું કામ એ થવું જોઈએ કે દિલ્હી જીવવાલાયક બને અને દિલ્હી ફરી એક થઈને દોડવાનું શરૂ કરે. જરા વિચાર તો કરો કે દિલ્હીમાં આજે જે અવસ્થા છે એ અવસ્થાની કલ્પના પણ થઈ શકે એમ હતી. તોફાનીઓ યુપીથી આવ્યા હતા, તોફાનીઓને ફલાણી પૉલિટ‌િકલ પાર્ટીનો સહયોગ હતો અને તોફાનીઓનો ચોક્કસ પ્રકારનો હેતુ હતો એવું કહેનારાઓએ સમજવું પડશે કે તોફાનીઓ ક્યાંથી આવ્યા અને કોના પીઠબળ સાથે આવ્યા એ મહત્ત્વનું નથી, મહત્ત્વનું એ છે કે અમેરિકન પ્રેસિડન્ટ જે સમયે દિલ્હીમાં હતા, ઇન્ડિયાથી પાછા જઈ રહ્યા હતા એ સમયે દિલ્હીમાં તનાવ હતો. દુનિયાભરમાં આ તનાવની નોંધ લેવાઈ છે અને દુનિયાભરના દેશોએ આ તનાવને ન્યુઝ-ચૅનલ પર જોયો છે. ઇજ્જત-આબરૂ કમાવાની પ્રક્રિયા જેટલી અઘરી છે એટલી જ સહેલી એને ગુમાવવાની પ્રક્રિયા છે.

એ હકીકત છે કે દિલ્હીમાં જે અશાંતિ ફેલાઈ એની પાછળ ક્યાંક ને ક્યાંક કોઈ ચોક્કસ દિમાગ કામ કરી રહ્યું હતું અને એ કરવાનું જ હતું. કરશે પણ ખરું. અશાંતિ તેમનો બિઝનેસ છે, તેમની ધીકતી દુકાન છે સાહેબ, એ કેવી રીતે દુકાનનાં શટર પાડી શકવાના, કેવી રીતે ધંધો આટોપી શકવાના, શક્ય જ નથી. તોફાનીઓ એ જ હતા કે પછી તેનાં જ સગાં હતાં જેમને પોતાની ઓળખ આપવાનું કામ ગમતું નથી. આ બધા ખેલ એમાંથી જ શરૂ થયા છે. કૉમન અમેન્ડન્ટ ઍક્ટ આવ્યા પછી, ઓળખાણ જાહેર કરવાની માગ થયા પછી જ આ પેટનો સનેપાત મનમાં અને મનમાંથી હાથ સુધી પહોંચ્યો છે. જાણે કે રાષ્ટ્રીયતા છીનવાઈ જવાની હોય એવો આ સનેપાત છે, પણ કહેવાનો ભાવાર્થ એ જ છે કે રાષ્ટ્રીયતા એની જ છીનવાઈ જવાની છે જે આ દેશના નથી, આ દેશમાં અશાંતિ ફેલાવવા માગે છે અને આ દેશને ગેરવાજબી રીતે રાખવા માગે છે. જો તમે ઇચ્છતા હો કે તમારી રાષ્ટ્રીયતા અકબંધ રહે, તમારો હક સલામત રહે તો આ વાતને સ્વીકારી લેવામાં પણ કશું લૂંટાઈ નથી જવાનું. મુદ્દો એ છે કે દેશને અગ્રીમતા પર રાખવો પડશે, રાખવો જોઈશે અને રાખવો એ જવાબદારી પણ છે. આ જવાબદારી સૌકોઈ સમજે. બીજું તો શું કહેવાનું હોય, સબ કો સન્મતિ દે ભગવાન.

manoj joshi columnists