અભાવ સિવિક સેન્સનો: નવા વર્ષના આરંભે એટલું નક્કી કરીએ કે સ્વચ્છતા રાખીએ

02 January, 2021 02:37 PM IST  |  Mumbai | Manoj Joshi

અભાવ સિવિક સેન્સનો: નવા વર્ષના આરંભે એટલું નક્કી કરીએ કે સ્વચ્છતા રાખીએ

ફૉરેન અને ખાસ કરીને યુરોપ જેકોઈ ફરવા ગયું હશે તેને ખબર હશે કે સિવિક સેન્સ કેવી હોય અને એ કયા સ્તરે મન પર અસર કરતી હોય. જો તમે યુરોપના કોઈ પણ દેશમાં ફરતા હો અને રસ્તા પર સિગારેટના બૉક્સ પર લગાડેલું જ‌િલેટિન પણ ફેંકો તો બીજી જ સેકન્ડે બાજુમાં રહેલો યુરોપિયન તમે ફેંકેલા જિલેટિન તરફ ઇશારો કરે. તમારું જો ધ્યાન ન હોય અને અજાણતાં જ તમારાથી પડી ગયું હોય તો તે ઝૂકીને ઉપાડી લેશે અને પાસેના ડસ્ટબિનમાં નાખી દેશે. જો તમે બેદરકારીથી નાખ્યું હશે તો તે તમને રોકશે, આગળ વધી ગયા હશો તો પાછા બોલાવશે અને તમારી પાસે એ જિલેટિન ડસ્ટબિનમાં નખાવશે. આ અમારો દેશ છે, આ અમારી સંપત્તિ છે, તમે એને બગાડી ન શકો. આ જે ભાવના છે, આ જે સેન્સ છે અને આ જે સિવિક સેન્સ છે એનો આપણે ત્યાં અભાવ છે અને આપણે આ અભાવને દૂર કરવાનો છે.

નવા વર્ષે કોઈ એવાં તોતિંગ રેઝોલ્યુશન્સ લેવાની જરૂર નથી. ક્યાંય આસમાન-પાતાળ એક કરવાની પણ આવશ્યકતા નથી. બસ, માત્ર તમારે એટલું જ કરવાનું છે જે તમારી લાઇફસ્ટાઇલ સાથે ગોઠવાય અને દેશ વધારે રહેવા યોગ્ય, જીવવા યોગ્ય બને. માત્ર એટલું નક્કી કરો કે કચરો કરવો નથી. માત્ર એટલું નક્કી કરો કે હું એક કચરો નહીં કરું અને મારા દેખતાં કોઈ કચરો ફેંકશે તો હું તેને રોકીશ. ધારો કે રોકી શકાશે નહીં તો હું એ કચરો ઉપાડી લઈશ. આ જે બીજી વાત છે એનો અમલ પણ નહીં કરો તો ચાલશે, બસ માત્ર એટલું નક્કી કરો કે હું સિવિક સેન્સનો ઉપયોગ કરીશ અને હું કોઈ પણ હિસાબે સાફસફાઈ રાખવાનો પ્રયાસ કરીશ.

યુરોપને જુઓ તમે, યુરોપ જ નહીં, પશ્ચિમના કોઈ પણ દેશને જુઓ તમે. તમને સમજાશે કે સાચા અર્થમાં શિક્ષણ તેમણે મેળવ્યું છે. શિક્ષણ એટલે ભણતરની વાત નથી થઈ રહી. શિક્ષણ એટલે સા‌માજિક સમજણની વાત ચાલી રહી છે. ભણતર છે એ લોકોમાં અને આપણે એ ભણતર લેવામાં કે પછી આપવામાં પાછળ પડીએ છીએ, આજે પણ.

કચરો ન કરવો એ વાત આજે પણ આપણે સમજતા નથી. આજે પણ આપણને ટૉઇલેટના વપરાશ પછી હાથ ધોવા જેવી બેઝિક અને સામાન્ય વાત સમજાવવી પડે છે. આજે પણ ટૉઇલેટના ઉપયોગ માટે આપણને કહેવું પડે છે. વિચાર તો કરો કે આપણે હજી પણ મનથી કઈ હદે પછાત છીએ, દેશ જ્યારે મોબાઇલ નેટવર્ક પર આવી ગયો છે. દેશઆખામાં વાત કરવા માટે આપણે એક રૂપિયો પણ ખર્ચવો નથી પડતો, પણ આ જ દેશમાં આપણે રસ્તા પર કુદરતી હાજતે ગયેલા લોકોને જોઈ લઈએ છીએ. શું છે આ, સિવિક સેન્સનો અભાવ. આ સિવિક સેન્સને લાવવાનો પ્રયાસ ક્યારેય સરકાર ન કરી શકે, આ કામ ઘરેથી થવું જોઈએ અને ખાસ તો આ કામ મનથી, જાતથી કરવું પડે. જો તમે તમારી જાતને સિવિક સેન્સ ન આપો, જો તમે તમારી જાતને સાચી દિશામાં વાળી ન શકતા હો તો સરકાર એ કામ કેવી રીતે કરી શકે, સરકાર તમને એ દિશામાં કેવી રીતે વાળી શકે? અશક્ય, અસંભવ. સિવિક સેન્સ તમે જ લાવી શકો અને તમારે જ એ લાવવી પડે અને આ વર્ષે આપણે એ જ કરવાનું છે. ધારો કે કરતા હો તો તમારે એ સિવિક સેન્સ અન્ય પાળે એવું કરવાનું છે. રેઝોલ્યુશન જ માનો એને તમારું.

manoj joshi columnists