મુંબઈ ચોવીસ કલાક ઓપન રહેવાનો અર્થ અને એનો અનર્થ બન્નેથી વાકેફ છો તમે?

25 January, 2020 03:54 PM IST  |  Mumbai | Manoj Joshi

મુંબઈ ચોવીસ કલાક ઓપન રહેવાનો અર્થ અને એનો અનર્થ બન્નેથી વાકેફ છો તમે?

પ્રતીકાત્મક તસવીર

 

મહારાષ્ટ્ર સરકારે મુંબઈને આંશિક રીતે ૨૪ કલાક ખુલ્લું રહેવાની પરવાનગી આપી દીધી છે. શરૂઆતના તબક્કે આ પરમિશન આંશિક ગણાશે અને એ પછી જો હકારાત્મક પરિણામ મળશે તો આ આંશિક સ્તરની પરમ‌િશન જે છે એને વધારીને બીજા ક્ષેત્રમાં પણ લાગુ કરવામાં આવશે. પ્રારંભિક તબક્કે આ પરવાનગીને ઑબ્ઝર્વ કરવામાં આવશે અને એ પછી ભવિષ્યનો વિચાર કરવામાં આવશે. શું કરવાનું ૨૪ કલાક મુંબઈ ખુલ્લું રાખીને? શું કરવું છે મુંબઈની નાઇટલાઇફને પ્રોત્સાહન આપીને?

આ વાતનો જવાબ મેળવવો બહુ જરૂરી છે, અત્યંત અનિવાર્ય છે. કારણ કે જો મુંબઈની નાઇટલાઇફને સાચવવા ગયા તો ચોક્કસપણે એની અસર પારિવારિક મુદ્દે નકારાત્મક આવશે, આવશે ને આવશે જ. માનવાની જરૂર નથી કે બધા જ આ વાતને સરળ અને સહજ રીતે લેશે. એક વાત કોઈએ ભૂલવી ન જોઈએ કે તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ.

જગતમાં જેટલા સારા લોકો છે એટલો જ વ્યાપ જગતભરમાં ખોટા અને ખરાબ લોકોનો પણ છે. જો સાચી રીતે ૨૪ કલાક ખુલ્લા રહેતા મુંબઈને જોનારો વર્ગ હશે તો એની સામે ખોટી રીતે અને દુરુપયોગ કરવાની ભાવનાથી પણ મુંબઈને જોનારો વર્ગ છે અને છે જ. એક ગુજરાતી તરીકે નહીં, પણ એક હિન્દુસ્તાની તરીકે પણ હું કહીશ કે આ પ્રકારે રાતે અઢી વાગ્યે શૉ‌પિંગ કરવું એ આપણું કલ્ચર નથી. આપણી સંસ્કૃતિ ક્યારેય એવું નથી કહેતી કે રાતે ત્રણ વાગ્યે જમો અને રાતે બાર વાગ્યા પછી બહાર ન જવું એવું આપણને ગળથૂથીમાં આપવામાં આવ્યું છે. ચાર વાગ્યાના શોમાં ફિલ્મ જોવા જવાનો વિચાર જો કોઈની સામે વ્યક્ત કરવામાં આવે તો એને આપણા ચહેરા પર મેન્ટલ ‌હૉસ્પિટલનો સ્ટૅમ્પ અચૂક દેખાય. આ આપણું કલ્ચર જ નથી અને એટલે જ પ્રત્યેક હિન્દુસ્તાની સૂર્યવંશી કહેવાયો છે.

ચંદ્ર સાથે જાગતી અને ચંદ્ર સાથે પથારીમાં જતી પ્રજાની હરકતો અપનાવવાની કોઈ આવશ્યકતા હોય એવું લાગતું નથી. ઇકૉનૉમિક્સની ગણતરી કરનારાઓએ પણ એ યાદ રાખવું જોઈએ કે પ્રગત‌િ અને વિકાસ માટે ક્યારેય તમારા મૂળભૂત સંસ્કાર અને સ‌િદ્ધાંતોને પડતા ન મૂકવાના હોય. ક્યારેય નીતિમત્તા અને નિષ્ઠાની દિશા ન છોડવાની હોય. જગતમાં જ્યાં પણ નાઇટલાઇફ છે અને નાઇટલાઇફની ઇકૉનૉમિક્સ મેળવવામાં આવે છે એ શહેરોની નાઇટલાઇફને જરા વાજબી રીતે તમે જોશો તો તમને સમજાશે કે એમાં મદિરા અને મહિલા-પાનનું કલ્ચર વધ્યું છે અને વધેલા એ કલ્ચરે હંમેશાં સંસ્કૃતિને નુકસાની પહોંચાડી છે. જો તમે ઇચ્છતા હો કે તમારી સંસ્કૃતિ અકબંધ રહે, તમારા સંસ્કારો જળવાયેલા રહે તો આ પ્રકારના કોઈ નવા ઇકૉનૉમી ફૉર્મેટને અપનાવવાની આવશ્યકતા નથી.

રાતને રાત રહેવા દેવામાં જ સાર છે. રાતનો ઉપયોગ શૉપિંગ કે આઉટ‌િંગ માટે ન થાય એ જરૂરી છે અને એ વાતને તમારે સહજ રીતે સમજવી પડશે. તમે એ કલ્ચરમાં નથી મોટા થયા જ્યાં દારૂ પીને છાકટા થનારાઓ ન હોય. તમે એ કલ્ચર પણ નથી ધરાવતા જ્યાં છોકરીઓ સાથે છેડતી ન થતી હોય. આ બધા કલ્ચરને અને આ સંસ્કારને સમજાવ્યા વિના નાઇટલાઇફ તાસકમાં આપી દેવાનો અર્થ એક જ થાય છે : આ બૈલ મુઝે માર.

અને હવે એ જ દિશામાં આપણે પહેલું પગલું ભરવાના છીએ.

manoj joshi columnists mumbai