સિવિક સેન્સનો અભાવ છે, પણ CAA બહુ ખરાબ છે એવું કહેનારા વધી રહ્યા છે

08 February, 2020 03:23 PM IST  |  Mumbai | Manoj Joshi

સિવિક સેન્સનો અભાવ છે, પણ CAA બહુ ખરાબ છે એવું કહેનારા વધી રહ્યા છે

કૉમન અમેન્ડમેન્ટ ઍક્ટ એટલે કે CAA. આ ઍક્ટ વિશે જેટલી જાણકારી સરકારી અધિકારીઓને નહીં હોય એટલી જાણકારી આપણા દેશના ચોક્કસ વર્ગના લોકોને આવી ગઈ છે. આ વાતને જરા પણ હસવામાં નહીં લેતા. સાવ સાચું કહું છું તમને. CAA વિશે જેટલી જાણકારી સાચા સૂત્રધારોને પણ નથી એટલું આ કહેવાતા દેશપ્રેમીઓને છે. સિવિક સેન્સનો તેમનામાં અભાવ છે, ક્યાં પીપી અને છીછી જવું એનું પણ તેમને ભાન નથી, નો એન્ટ્રીમાં રિક્ષા ઘુસાડવી ન જોઈએ એટલું સાદું જ્ઞાન પણ તેમનામાં નથી, પણ આ બધાનું માનવું એ છે કે CAA દેશ માટે હાનિકારક છે, એનો અમલ ન થવો જોઈએ.

જે પ્રકારે CAAનો વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ દેખાડે છે કે આ વિરોધની પાછળ કોઈ નાટ્યાત્મક અભિગમ જવાબદાર છે. તમે જુઓ કે CAAનો વિરોધ કરવામાં હું કે તમે કોઈ જોડાઈ નથી રહ્યા. તમે જુઓ આ CAAના વિરોધમાં તાતા-બિરલા કે અંબાણી પરિવારના કોઈ સભ્યો પણ જોડાઈ નથી રહ્યા. શું કામ? જો હમણાં ટૅક્સના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવે તો આ અને આવાં જ બીજાં ઉદ્યોગગૃહોનો દેકારો સામે આવી જશે. જો હમણાં કાંદાનો ભાવ ફરીથી વધવાનો શરૂ થશે તો તરત જ આપણા પેટમાં ફાળ પડશે, પણ આપણને કોઈને CAAની સામે વાંધો નથી, CAAનો કોઈ વિરોધ પણ આપણે કરવો નથી. આના જવાબમાં સાવ સાદું ગણ‌િત છે, હું આ દેશનો છું અને મને કોઈ હેરાન કરવાનું નથી, પણ આટલી સામાન્ય વાત, આટલી સરળ વાત કોઈને સમજાતી નથી અને એ સમજાતી નથી એની પાછળનું ગણ‌િત કોઈને ગળે ઊતરતું નથી.

CAAનો વિરોધ શું કામ થવો જોઈએ, શું કામ એ કાયદો દેશમાં લાગુ ન કરવો જોઈએ એના વિશે આજ સુધી, આજ સુધી એક પણ ભડવીર આવીને સાચું કારણ રજૂ નથી કરી ગયો.

ટૂંકમાં કહેવાનું હોય અને અઘરી રીતે સમજાવવાનું ન હોય તો કહી શકાય કે CAA લાગુ થયા પછી દેશમાં એકસૂત્રતા આવશે અને જેકોઈ વગર કારણે દેશમાં રહી રહ્યું છે એ લોકોને દેશમાંથી જવા માટે કહેવામાં આવશે. CAAમાં જે બંધ બેસતા નથી એ લોકો આ દેશના નાગરિક નથી એ પુરવાર થશે અને આ પુરવાર ન થાય એની વેતરણમાં પણ એ જ લોકો છે જે આ દેશના નથી. કાં તો કાગળ પર આ દેશના નથી અને કાં તો દિલથી આ દેશ સાથે નથી. હિન્દુસ્તાનમાં શાંતિ રહે અને હિન્દુસ્તાન વિકાસ કરે એવું નહીં ઇચ્છનારાઓને જ CAA સામે વાંધો છે. જો CAAની અમલવારી કડક રીતે શરૂ થાય તો દેશમાં ઘૂસનારા દુશ્મન દેશના લોકોની ઓળખ સરળતાથી છતી થઈ જશે અને જો એવું બનશે તો દેશમાં આતંક ફેલાવવાનું કામ અઘરું થઈ જશે. આવી ગંદી માનસિકતાને લઈને જ CAAનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. બંગલા દેશ અને પાકિસ્તાનથી હજારો-લાખો લોકો આ દેશમાં ઠલવાયા છે. કેટલાક મજબૂરીથી આવ્યા છે તો કેટલાક બદઇરાદાથી આ દેશમાં ઘૂસ્યા છે. મજબૂર લોકોની મજબૂરી જોઈને સરકારે નક્કી કરવાનું છે કે તેમને નાગરિકતા આપવી કે પાછા ધકેલવા અને જેમના બદઇરાદા છે તેમને માટે સરકારે નક્કી કરવાનું છે કે તેમને પાછા મોકલવા કે સ્વધામ.

manoj joshi columnists