કૉલમ : મનની સ્ટેબિલિટી માટે પ્રાણાયામ કરો

14 June, 2019 12:54 PM IST  |  | રુચિતા શાહ

કૉલમ : મનની સ્ટેબિલિટી માટે પ્રાણાયામ કરો

પ્રાણાયામ

‘ચલે વાતં ચલે ચિત્તં’ એટલે કે શ્વાસની ગતિ પ્રમાણે તમારા મનમાં પણ ઉતાર-ચડાવ આવતા હોય અને મનના ઉતાર-ચડાવની અસર શ્વાસ પર થાય છે એટલે જ ગુસ્સામાં કે અતિચિંતામાં હો ત્યારે શ્વાસોશ્વાસ ઝડપી બને છે. આસન જેમ શરીરને સ્થિર કરે છે એ મનની સ્થિરતા માટે યોગશાસ્ત્રોમાં શ્વાસોશ્વાસની ગતિના નિરોધની વાત કરવામાં આવી છે.

ગઈ કાલે આપણે જોયું કે શરીરની સ્થિરતા માટે આસન કરવાનાં હોય છે. જોકે શરીર તો જ સ્થિર રહેશે જો મન સ્થિર રહેશે. એ માટે શું કરવાનું? જવાબ છે શ્વાસને કાબૂમાં લઈ લો.

ક્યારેક તમે ખૂબ ગુસ્સામાં હો ત્યારે તમારા શ્વાસોશ્વાસની ગતિ વધી ગઈ હોય એવું તમે મહેસૂસ કર્યું હશે. ક્યારેક ખૂબ જ ચિંતા અને વ્યગ્રતા અનુભવતા હો ત્યારે પણ બદલાયેલા શ્વાસની ગતિ પર તમારું ધ્યાન ગયું હશે. એની સામે મગજ જ્યારે ખૂબ જ શાંત અને સ્વસ્થ હોય ત્યારે પણ ધીમી પડેલી શ્વાસની ગતિ તમે અનુભવી હશે. આ શું છે? એ જ કે તમારા મનની સ્થિતિનો શ્વાસ પર પ્રભાવ પડે છે. યોગશાસ્ત્રમાં સેંકડો વર્ષ પહેલાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ૧૫મી સદીમાં લખાયેલા હઠયોગ પ્રદીપિકા ગ્રંથમાં રચયિતા સ્વાત્મારામજી એક શ્લોકમાં કહે છે, ‘ચલે વાતં, ચલે ચિત્તં, નિશ્ચલે નિશ્ચલં ભવેત, યોગી સ્થાણુત્વમ આપ્નોતિ, તતો વાયું નિરોધયેત્.’ એટલે કે વાયુ ચલિત થાય એમ ચિત્ત પણ ચલાયમાન થાય છે. જો શ્વાસ નિશ્ચલ હોય તો મન પણ નિશ્ચલ બને. યોગનું મન નિશ્ચલ બનાવવા માટે વાયુનો નિરોધ કરો.’

ઓશો કહે છે કે માનવચેતનાની કોઈ મહત્તમ અને શ્રેષ્ઠતમ શોધ હોય તો એ પ્રાણાયામ છે. દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટની જેમ જ દરેક વ્યક્તિના શ્વાસોશ્વાસનો લય પણ જુદો હોય છે. ઓશોની દૃષ્ટિએ પ્રાણાયામ એ લયને ઓળખવાની યાત્રા છે. દરેક જુદા-જુદા સંજોગોમાં જાતે જ તમારા બદલાતા શ્વાસોના લયને ઓળખીને શાંત અને વિચારવિહીન અવસ્થામાં તમારા શ્વાસની ગતિને જો તમે સમજી જાઓ તો એ સૌથી મોટી ખોજ તમે તમારી જાત માટે કરેલી ગણાશે.

એક વાત તો હકીકત છે કે શ્વાસોશ્વાસ વિના આપણે જીવી જ ન શકીએ. પાંચ મિનિટ માટે જ નાક અને મોઢું બંધ કરીને શ્વાસ ન લો તો રહી શકાશે? કરોડો કોષોથી બનેલા આપણા શરીરના પ્રત્યેક કોષની મુખ્ય જરૂરિયાત કોઈ હોય તો એ ઑક્સિજન છે. આ ઑક્સિજન પૂરતા પ્રમાણમાં શરીરના પ્રત્યેક કોષને મળે એ માટે તમારું બ્રિધિંગ મહત્ત્વનો ભાગ ભજવે છે. મનુસ્મૃતિમાં પ્રાણાયામને શારીરિક અને માનસિક ખરાબીને દૂર કરવાના ઉપાય તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન યોગીઓએ એટલે સુધી કહ્યું છે કે મનની દુષ્ટ પ્રવૃત્તિઓ એટલે કે ઘૃણા, ઈર્ષ્યા, અભિમાન પર નિયંત્રણ લાવવાનું કામ પ્રાણાયામ દ્વારા થઈ શકે છે. ચંચળ મનને એકાગ્ર કરવામાં પ્રાણાયામ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જ્યાં સુધી શરીરમાં વાયુ છે ત્યાં સુધી પ્રાણ છે, શરીરમાંથી વાયુ નીકળી જાય તો વ્યક્તિ પણ મૃત્યુ પામે છે એટલે જ વાયુનું યોગ્ય નિયમન જરૂરી છે. પ્રાણાયામથી વિવેકબુદ્ધિને કુંઠિત કરનારા અજ્ઞાનનો નાશ થાય છે તેમ જ મનની ક્લૅરિટી આવે તેમ જ ચંચળ મન સ્થિર થાય છે.

પ્રાણાયામ એટલે પ્રાણઊર્જા, શ્વાસોશ્વાસની ગતિને લાંબી કરવી. પ્રાણ એટલે શ્વાસ, આયામ એટલે ઊંધી દિશામાં ગમન. શ્વાસોશ્વાસનું એવી રીતે નિયમન કરવું જેથી મન સ્થિર બને એને સાદી ભાષામાં પ્રાણાયામ કહેવાય છે. આ સંદર્ભે યોગના વિવિધ પ્રકારના રિસર્ચમાં વર્ષોથી કામ કરી રહેલા, યોગની ૫૫ વર્ષ જૂની સંસ્થા શ્રી ઘંટાલી મિત્ર મંડળના વાઇસ પ્રેસિડન્ટ, યોગના પ્રોફેસર અને આયુષ મંત્રાલયમાં યોગ વિભાગ સાથે સંકળાયેલા ગાયનેકોલૉજિસ્ટ ડૉ. ઉલ્કા નાતુ કહે છે, ‘શ્વાસ પ્રચ્છ્શ્વાસની ગતિનો નિરોધ કરવો એ પ્રાણાયામ છે. પ્રાણાયામ તમને સંપૂર્ણ રીતે સંતુલિત કરે છે. સંતુલિત શ્વાસ મનને સંતુલિત કરે જેની અસર તમારા શરીર પર પણ પડે છે. પતંજલ‌િ ઋષિ કહે છે કે પ્રાણાયામ તમારા મનનો અંધકાર દૂર કરે છે એટલે કે માઇન્ડને ક્લૅરિટી આપે છે. તમને બધું સ્પષ્ટ દેખાય છે. યોગ સાધનામાં પ્રાણાયામની સ્થિતિ આગળની સાધના માટે વ્યક્તિને ઉપયુક્ત બનાવે છે. જોકે સામાન્ય જીવનમાં પણ ફિઝિકલ, મેન્ટલ અને સોશ્યલ હેલ્થ માટે પ્રાણાયામ મદદરૂપ થાય છે. પ્રેગ્નન્સીમાં પ્રાણાયામ ગર્ભવતી મહિલા અને તેના બાળક બન્નેને ખૂબ ફાયદો કરે છે એ મેં મારા અંગત રિસર્ચ દરમ્યાન ઑબ્ઝર્વ કર્યું છે. ઍન્ગ્ઝાયટી ડિસઑર્ડર, સાઇકોસોમેટિક ડિસઑર્ડર, હાઈ બ્લડપ્રેશર જેવી તકલીફોમાં પ્રાણાયામની પૉઝિટિવ અસર અમે સર્વેક્ષણ અને રિસર્ચ દ્વારા સાબિત પણ કરી છે.’

પ્રાણાયામની ખોટી રીત રોગ લાવી‍ શકે!

જો ખોટી રીતે પ્રાણાયામ કરવામાં આવે તો રોગ ભાગવાને બદલે રોગ આવી શકે એવી ટકોર પંદરમી સદીના હઠયોગ પ્રદીપિકા નામના ગ્રંથના ગ્રંથકાર સ્વાત્મારામજીએ કરી છે. એક શ્લોકમાં તેઓ કહે છે, ‘પ્રાણાયામેન યુક્તેન સર્વરોગકષ્હયો ભવેત, અયુક્તાભ્યાસ યોગેન સર્વ રોગ સમુદ્ગમ’ એટલે કે પ્રાણાયામ જો સાચી રીતે થાય તો સર્વ રોગ અને કષ્ટો દૂર થાય છે, પરંતુ અયોગ્ય અભ્યાસ સર્વ રોગને નિમંત્રણ આપે છે. આ જ સંદર્ભે બીજો પણ એક મહત્ત્વનો શ્લોક છે, ‘યથા સિંહો ગજો વ્યાઘ્રો ભવેદ્વશ્ય શનૈઃ શનૈઃ, તથૈવ સેવિતો વાયુરન્યથા હન્તિ સાધકમ.’ એટલે કે સિંહ, હાથી અને વાઘની જેમ ધીમે-ધીમે નિયંત્રણપૂર્વક શ્વાસ લેવાવો જોઈએ એને બદલે જો બળપૂર્વક અને ઝડપથી શ્વાસ લેવામાં આવે તો એ સાધકને મારી શકે છે.

આ પણ વાંચો : કૉલમ: જે આસાનીથી થાય છે એ આસન

પ્રેગ્નન્સીમાં પ્રાણાયામ ગર્ભવતી મહિલા અને તેના બાળક બન્નેને ખૂબ ફાયદો કરે છે એ મેં મારા અંગત રિસર્ચ દરમ્યાન ઑબ્ઝર્વ કર્યું છે. ઍન્ગ્ઝાયટી ડિસઑર્ડર, સાઇકોસોમેટિક ડિસઑર્ડર, હાઈ બ્લડપ્રેશર જેવી તકલીફોમાં પ્રાણાયામની પૉઝિટિવ અસર અમે સર્વેક્ષણ અને રિસર્ચ દ્વારા સાબિત પણ કરી છે.’

-ડાૅ. ઉલ્કા નાતુ

columnists