લોકોની ખુશી ગઈ અને અમારું શિક્ષણ

02 December, 2020 04:00 PM IST  |  Mumbai | Pankaj Udhas

લોકોની ખુશી ગઈ અને અમારું શિક્ષણ

પાયાના પથ્થર: ‘ખઝાના’ની સેકન્ડ ઇનિંગ્સનો જશ જો કોઈને જવો જોઈએ તો એ નામમાં બડે ભાઈ અનુપ જલોટા અને તલત અઝીઝનું નામ પણ ચોક્કસ મુકાય.

૧૯૮૬માં એક તરફ ‘ખઝાના’ની સૌકોઈ રાહ જોતા હતા એ દરમ્યાન જ અમને બધાને એક બહુ મોટો શૉક લાગ્યો. ‘ખઝાના’ના સ્વપ્નદ્રષ્ટા એવા સંજીવ કોહલીએ મ્યુઝિક ઇન્ડિયા છોડ્યું. સંજીવ કોહલી વિશે મેં ગયા બુધવારે કહ્યું હતું. સંજીવ કોહલી બહુ મોટું નામ, બહુ મજાના અને ભલા માણસ. મ્યુઝિક ઇન્ડિયા કંપનીના આર્ટિસ્ટ ઍન્ડ રિપોર્ટ (A&R) ડિપાર્ટમેન્ટના તેઓ ઇન્ચાર્જ. સંજીવ કોહલીની એક બીજી ઓળખાણ એ કે તેઓ ખ્યાતનામ મ્યુઝિક-ડિરેક્ટર મદનમોહનસાહેબના સૌથી મોટા દીકરા. મ્યુઝિકનનો તેમને અદ્ભુત અને જબરો શોખ. જીન્સમાં અને લોહીમાં જેમના સંગીત ભર્યું હોય પછી કહેવાનું પણ શું હોય. સંજીવ કોહલી જ હતા જેમણે આખી સ્ટ્રૅટેજી બનાવી હતી કે ગઝલને કેવી રીતે પૉપ્યુલર કરવી જોઈએ. પૉપ્યુલરિટીને ચરમસીમા પર લઈ જવાનું કામ પણ સંજીવ કોહલીએ જ કર્યું હતું અને એ ભાગરૂપે જ ‘ખઝાના’નું તેમણે આયોજન કર્યું હતું. સંજીવ કોહલી જ મ્યુઝિક ઇન્ડિયાના કૉન્ટ્રૅક્ટ પર મોટા ભાગના ગઝલ-સિંગરોને લાવ્યા હતા. હું, તલત અઝીઝ, અનુરાધા પૌડવાલ, હરિહરન, અનુપ જલોટા, ભૂપેન્દ્ર સિંહ, મિતાલી સિંહ (જેમણે પછી ભૂપેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યાં હતાં), અહમદ હુસેન-મોહમ્મદ હુસેન, ચંદન દાસ, પિનાઝ મસાણી જેવા આર્ટિસ્ટને મ્યુઝિક ઇન્ડિયાની એક છત નીચે કરવાનું કામ તેમણે કર્યું હતું અને હવે તેઓ જ મ્યુઝિક ઇન્ડિયા સાથે નહોતા રહ્યા.

હવે કેવી રીતે ‘ખઝાના’ શક્ય બને?

અસંભવ.

‘ખઝાના’નો આખો વિચાર કે પછી આઇડિયા કે કન્સેપ્ટ સંજીવ કોહલીનો હતો. ‘ખઝાના’ માટે તેમણે ખૂબ મહેનત કરી હતી. ટોચના કહેવાય એવા કલાકારોને સાઇન કર્યા હતા તો ટોચ પર પહોંચી શકે એવા કલાકારોને શોધવા માટે તેમણે ખૂબ જહેમત ઉઠાવી હતી. હું તમને ‘ખઝાના’ પહેલાંની વાત કહું તો સંજીવ કોહલી પોતે એકેક કલાકારને પર્સનલી મળ્યા હતા અને રૂબરૂ મળીને તેમણે વાત કરી હતી કે હું આ પ્રકારનો એક પ્રોગ્રામ કરવા જઈ રહ્યો છું, એમાં તમે લોકો ભાગ લેશો ખરા? અમે બધાએ ઍગ્રી કર્યું, હોંશભેર હા પાડી. કહ્યું પણ ખરું કે ગઝલને મહત્તમ લોકો સુધી પહોંચાડવાનો અને ગઝલને લોકોમાં પ્રચલિત કરવાનો આ એક ખૂબ જ સુંદર પ્રયાસ છે, જે આપણે કરવો જ જોઈએ. અમે બધા સાથે છીએ. સંજીવ કોહલીએ જ નક્કી કર્યું કે આ પ્રોગ્રામમાંથી જેકોઈ ઇન્કમ થાય એ હૅન્ડિકૅપ સોસાયટી ઑફ ઇન્ડિયાના લાભાર્થે રહેશે અને નફો બધો એ સંસ્થાને આપવામાં આવશે. બહુ જાણીતી સંસ્થા છે આ. એણે ખૂબ બધાં સેવાકીય કાર્યો કર્યાં છે અને હૅન્ડિકૅપ લોકોને ખૂબ જ સારી રીતે પ્રસ્થાપિત થવામાં મદદ કરી છે. મારે એક બીજી પણ ખાસ વાત કહેવી છે. ‘ખઝાના’ માટે અમે કોઈએ મહેનતાણું લીધું નહોતું. ફક્ત મ્યુઝિશ્યન્સને જ પેમેન્ટ આપવામાં આવેલું અને બાકી બધી રકમ પ્રૉફિટ ગણીને ડોનેટ કરવામાં આવેલી. કારણ પણ બહુ સ્પષ્ટ હતું, હેતુ ઉમદા હતો. અમારો હેતુ ગઝલ રજૂ કરવાનો હતો, તો બાકીના સૌનો હેતુ સદ્કાર્યનો હતો. સદ્કાર્ય થતું હોય એવા સમયે કોઈ પેમેન્ટની અપેક્ષા રાખે એવું તો બને જ નહીં એટલે અમે ‘ખઝાના’ સાથે જોડાયેલા કોઈએ પણ પેમેન્ટ લીધું નહોતું અને ખુશી-ખુશી એ પેમેન્ટ પણ ડોનેશનમાં ઉમેરી દેવામાં આવ્યું હતું.

૧૯૮૧ પછી થયેલા તમામ ‘ખઝાના’ કાર્યક્રમોમાંથી જેકોઈ આર્થિક ફાયદો થયો એ મ્યુઝિક ઇન્ડિયાએ સંજીવ કોહલીના કહેવા મુજબ સંસ્થાને આપી પણ દીધો અને સંસ્થાને એનો ખૂબ લાભ પણ થયો, પણ વાત આવી ૧૯૮૬ની અને સંજીવ કોહલી કંપનીમાંથી જુદા પડ્યા તો આ જ અરસામાં એવું પણ બન્યું કે કેટલાક કલાકારોએ પણ મ્યુઝિક ઇન્ડિયાથી છૂટા પડીને બીજી કંપની સાથે ઍગ્રીમેન્ટ કરી લેતાં એ કલાકારો પણ ‘ખઝાના’માંથી અલગ થયા. અલગ થયેલા એ કલાકારોનું નામ યાદ કરું તો સૌથી પહેલું નામ મને તલત અઝીઝ દેખાય છે. તલતે એ અરસામાં એચએમવી સાથે કૉન્ટ્રૅક્ટ કર્યો અને એચએમવીએ ધમાકેદાર રીતે તલતના આલબમ-લૉન્ચનું કામ કર્યું હતું. મૂળ વાત પર આવીએ તો કાર્યક્રમના મૂળમાં જેઓ હતા તેઓ પણ રહ્યા નહીં અને કાર્યક્રમમાં જીવ પોરવી દેતા એ કલાકાર પણ સાથે રહ્યા નહીં એટલે ‘ખઝાના’ ફેસ્ટિવલ ૧૯૮૬માં થયો નહીં અને એ પછી એ કાયમ માટે બંધ થઈ ગયો.

સૌકોઈ પોતપોતાની કરીઅરમાં લાગી ગયું. કૉન્સર્ટ અને ટૂર વચ્ચે નવાં-નવાં આલબમ આવતાં રહ્યાં અને બધાએ ગઝલગાયકી ક્ષેત્રે નવી-નવી ઊંચાઈઓ હાંસલ કરી લીધી. ‘ખઝાના’ને કારણે હું અને તલત અઝીઝ સમયાંતરે મળતા રહેતા, પણ સાચું કહું તો અમને અંદરથી કંઈ ખૂટતું હોવાનું મહેસૂસ થતું હતું. વસવસો થતો, અફસોસ થતો કે આટલો સારો કાર્યક્રમ બંધ થઈ ગયો. આ એક કાર્યક્રમ માત્ર નહોતો, આ એક અનુભવ હતો.

મારે અત્યારે તમને સૌને એક વાત ખાસ કહેવી છે કે ‘ખઝાના’ માત્ર ઑડિયન્સને જ કંઈક આપતી હોય એવું બિલકુલ નહોતું, ‘ખઝાના’ અમારું ઘડતર પણ કરતો હતો. મેં કહ્યું એમ, ૧૯૮૧થી ૧૯૮૬ના સમયગાળામાં અમે પુષ્કળ શીખ્યા તો સાથોસાથ અમારામાં અઢળક નવી વાતો આવી, જે અમે ક્યાંયથી શીખી નહોતા શક્યા. ‘ખઝાના’એ બીજું એક બહુ સરસ કામ કર્યું હતું તે એ કે એણે અમારા બધા વચ્ચે હરીફાઈ આવે નહીં એવું વાતાવરણ ઊભું કરી દીધું હતું, જેને લીધે કોઈને કોઈ ગઝલ-કલાકારની ઈર્ષ્યા નહોતી થતી કે ન તો કોઈને એવું લાગતું કે આ તો નવો છે કે આમની તો હવે ઉંમર થઈ ગઈ. મોટાને માન આપવાની ભાવનામાં પણ ‘ખઝાના’ કારગત નીવડ્યું હતું તો નાનાને સ્નેહ આપવાની બાબતમાં પણ ‘ખઝાના’ ખૂબ ઉપયોગી નીવડ્યું હતું. હું ઘણા ગાયકોથી નાનો એટલે મને તેમની પાસેથી અપાર સ્નેહ મળતો હતો.

‘ખઝાના’ને મિસ કરતાં-કરતાં પણ અમે ગઝલક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરવાની કોશિશ તો કરતા જ હતા. અનુપ જલોટાએ ભજનોમાં ખૂબ મોટું નામ કર્યું હતું તો તલત અઝીઝે ગઝલક્ષેત્રમાં અત્યંત લોકચાહના મેળવી હતી. ઈશ્વરની દયાથી મારું પણ ખૂબ નામ થયું હતું. જોકે એ વ્યસ્તતા વચ્ચે પણ અમે એટલે કે હું, તલત અને અનુપ જ્યારે પણ મળતા ત્યારે વાત થતી કે ‘ખઝાના’માં કેવી મજા આવતી. સાથે ગાવાનું, હરવા-ફરવાનું, મજા કરવાની અને એ બધા ઉપરાંત ઑડિયન્સને પણ ખૂબ મજા કરાવવાની. વાતો થાય અને એ વાતો સાથે મનમાં રહેલો પેલો આછોસરખો વસવસો પણ થાય કે ગઝલોનો એ ફેસ્ટિવલ એટલે કે ‘ખઝાના’ શું કામ દટાઈ ગયો, શું કામ?

ઑડિયન્સનો એક વર્ગ એવો હતો જે ‘ખઝાના’ને યાદ કરતો હતો. અમુક એવા પણ હતા જેના મન પરથી ‘ખઝાના’ની જૂની યાદો ભૂંસાવા માંડી હતી, પણ એક ચોક્કસ વર્ગ હતો જે ‘ખઝાના’ને હજી પણ મિસ કરતો હતો. એ વર્ગ હજી પણ ઇચ્છતો હતો કે ‘ખઝાના’ ફરીથી આવે અને ફરીથી બધાને એક મંચ પર સાથે માણવાનો અવસર મળે, પણ એ અશક્ય હતું, અસંભવ હતું. કોઈ આગેવાની લે એવું પણ શક્ય નહોતું રહ્યું અને બધા પોતપોતાના કામમાં પણ એટલા વ્યસ્ત થઈ ગયા હતા કે હવે એકસાથે બધાને એકત્રિત કરવાનું કામ પણ લગભગ અસંભવ બની ગયું હતું. જોકે એમ છતાં, મેં કહ્યું એમ, હું, તલત અને અનુપ જલોટા મળીએ ત્યારે અમે એ જૂની વાતો યાદ કરીએ, જૂની વાતો વાગોળીએ અને સાથોસાથ અફસોસ પણ કરીએ કે ખરેખર આપણી લાઇફનો એ ગોલ્ડન પિરિયડ છૂટી ગયો, હવે ક્યારે એ તક આપણને મળશે?

એ તક અમને મળવાની હતી અને એ પણ સાવ અનાયાસ જ મળી જવાની હતી. કેવી રીતે એ તક અમને મળી એની વાત કરતાં પહેલાં કહેવાનું કે ‘ખઝાના’ની આ સેકન્ડ ઇનિંગ્સનો જશ જો કોઈને જતો હોય તો એમાં તલત અઝીઝ અને અનુપ જલોટા પણ પૂરતા હકદાર છે. ‘ખઝાના’ના એ રીબર્થની વાત કરીશું આપણે હવે પછી.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists pankaj udhas