ચિઠ્ઠી

04 December, 2022 10:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપણી વચ્ચે નોટોની જે આપલે થતી હતી, તે તેને મળવાના તારાં બહાનાં હતાં, એમ તે સમજતી હતી કદાચ. અને પછી નોટમાં મૂકેલી, ‘ફરી ક્યારે મળશો?’વાળી ચિઠ્ઠી બતાવીને કહેલું કે, આ અક્ષરો ઇલાના હતા. મેં તો આવી કોઈ ચિઠ્ઠી મૂકી જ નહોતી’

પ્રતીકાત્મક તસવીર

‘ઇલા માટે તું પહેલો પ્રેમી હતો અને છે. મને એવું લાગતું હતું અને એટલે જ તે આપણાં લગ્નમાં ના આવી. આપણું નક્કી થયું ત્યારથી જ તેણે મારી સાથે સંબંધ ઓછો કરી નાખ્યો હતો. આપણી વચ્ચે નોટોની જે આપલે થતી હતી, તે તેને મળવાના તારાં બહાનાં હતાં, એમ તે સમજતી હતી કદાચ. અને પછી નોટમાં મૂકેલી, ‘ફરી ક્યારે મળશો?’વાળી ચિઠ્ઠી બતાવીને કહેલું કે, આ અક્ષરો ઇલાના હતા. મેં તો આવી કોઈ ચિઠ્ઠી મૂકી જ નહોતી’

ઇલા અમદાવાદથી ટ્રેનમાં ચડી. પોતાની સીટ બારી પાસે નહોતી, બાજુમાં હતી, પણ 
અમદાવાદથી ગાડી ઊપડી ત્યાં સુધી કોઈ આવ્યું નહોતું એટલે તે બારી પાસે બેસી ગઈ. તેણે મોબાઇલમાં ધ્યાન પરોવ્યું. પછી  ગાડી અટકી ત્યારે તેનું ધ્યાન નહોતું, એટલામાં અવાજ સંભળયો. 
‘તમારી સીટ કઈ છે?’ 
‘ઓહ! મારી સીટ તો બાજુમાં છે. કોઈ આવ્યું નહોતું એટલે હું બારી પાસે બેઠી, સૉરી.’ ઇલાએ ખસતાં કહ્યું. 
‘વાંધો નહીં, મારે મણિનગરથી બેસવાનું હતું એટલે. અમારી બે સીટ છે. મારો કઝિન ભાઈ વડોદરાથી બેસવાનો છે.’ 
‘અચ્છા.’
ઉતારુઓની અવરજવર થતી હતી એની ચહલપહલ અને અવાજો ધીમે-ધીમે ઓછા થયા એટલે ઇલાએ વાત શરૂ કરી, 
‘હું ઇલા, આપ સફેદ કપડાંમાં?’ 
‘હા. એવા પ્રસંગે જ જવા નીકળ્યાં છીએ. હું જયા, તમે પણ મુંબઈ જવાનાં?’
‘હા, હું સેન્ટ્રલ ઊતરીશ.’
અમે પણ. ત્યાંથી ચર્ની રોડ સુખસાગર જવું છે. મારાં કઝિન ભાભી બિચારાં! તેમના ભાઈએ નવો ફ્લૅટ લીધો એની વાસ્તુપૂજામાં મુંબઈ ગયાં હતાં. આવતી કાલે વાસ્તુ હતું પણ ગઈ રાતે ભાભીને હાર્ટઅટૅક આવ્યો અને તરત ખલાસ! ભાઈ તો કામને લીધે વડોદરા જ હતો. તે આજે જવાનો હતો! પણ હવે તે પત્નીના મરણમાં જવાનો!’ 
‘અરે ભગવાન!’ 
વડોદરાથી જયાનો કઝિન મૌલિક ગાડીમાં ચઢ્યો, તે ચૂપચાપ બેઠો. જયા તેને જોઈને રડવા લાગી. આખું વાતાવરણ ગંભીર થઈ ગયું હતું. સૌ ચૂપચાપ બેસી રહ્યાં. સુરત આવ્યું એટલે મૌલિક ઊઠ્યો. 
‘ભાઈ, ત્રણ ચા લાવજે ઇલાબહેન પણ પીશે. તેઓ પણ સેન્ટ્રલ ઊતરવાનાં છે.’ 
‘ના, ના પ્લીઝ એવું ના કરતા.’
બન્નેએ એકબીજા પર અછડતી નજર નાખી. 
‘તમારી ભાભીનું નામ શું?’ 
‘માલતી.’ 
‘એમ? મારી એક ખાસ ફ્રેન્ડનું નામ પણ માલતી હતું.’
મૌલિક આવ્યો એટલે બધા ગંભીર ચહેરે ચા પીવા લાગ્યાં. ઇલાએ મૌલિકને થૅન્ક્યુ કહેવા તેની સામે જોયું. તે જોઈ રહી. 
‘થૅન્ક્યુ, પણ તમને ક્યાંક જોયા હોય તેવું લાગે છે.’
‘હા, મને પણ એવું જ લાગે છે. શું તમે ઇલા છો? માલતીની ખાસ સખી? મને લાગે છે તમે એ જ છો. મારે તો માથે ટાલ પડી ગઈ છે એટલે તમે ક્યાંથી ઓળખી શકો!’
‘હા હું ઇલા. તો-તો એનો અર્થ કે, મારી સખી માલતી જ નથી રહી હવે?’
‘હા ઇલા!’
અને તે રડી પડ્યો. અત્યાર સુધી માંડ રોકાયેલાં આંસુ, છએ છ આંખોમાંથી સતત વહેવા લાગ્યાં. થોડો સમય એમ જ પસાર થયો. 
‘ઇલા તને યાદ છે? તું ૬ઠ્ઠા ધોરણમાં હતી ત્યારે અમે બન્ને ૮મા ધોરણમાં હતાં.’ 
‘હા, બાળપણની એ વાતો હું તો ભૂલી જ નથી શકતી, હું અને માલતી તો નજીક-નજીક રહેતાં હતાં. એટલે તો યાદ છે? હું તેની ખાસ મિત્ર પણ હતી.’
મૌલિક વિચારમાં ગરકાવ થઈ ગયો. તેને યાદ આવ્યુ. ૮મા ધોરણથી જ માલતી મને ગમતી હતી. પણ પછી તે મોટી થઈ ગઈ એમ ગણીને તેના બહાર નીકળવા પર બંધનો લાગુ પડી ગયાં હતાં. જ્યારે ઇલા થોડી નાની હતી એટલે બિન્દાસ ફરતી રહેતી. પોતે ઘણી વાર ઇલા સાથે માલતીને નોટબુક મોકલતો અને મગાવતો પણ ખરો. દર વાર્ષિક પરીક્ષા પછી બધાં ઉપલા વર્ગમાં જતાં સાથે વય પણ વધતી ને સમજ પણ. મૌલિક તો પ્રેમનો અર્થ પણ સમજવા લાગ્યો હતો. માલતી થોડી બેખબર હતી. મૌલિક, ઇલા પાસે જુદાં-જુદાં બહાનાં કાઢી માલતીની જુદા-જુદા વિષયોની નોટ મગાવતો અને પાછી મોકલતો. 
‘ઇલા, તને યાદ છે, એક વાર મેં નોટમાં દિલનું ચિત્ર મૂક્યું હતું - વચ્ચે તીરવાળું?’ 
‘હા મૌલિક, એ દિવસ હું કેમ ભૂલું? મેં એ ચિત્રનો કાગળ જોયો તો મને લાગ્યું કે, તારું ચિત્ર ભૂલમાં રહી ગયું હશે. એટલે મેં તે બાળસહજ બુદ્ધિમાં કાઢી લીધું હતું.’
‘હેં? એટલે માલતીએ કહેલું કે, તારા પ્રેમના ઇજહારનું એ દિલ મને નથી મળ્યું. ઇલાડીએ પાડી નાખ્યું હશે, પણ તેં તો મને પાછું નહોતું આપ્યું. ફાડી નાખેલું કે શું?’
‘ના ના ફડાતું હશે? મારી પાસે હતું, પણ છોડો એ વાતો, તમારાં બાળકો ક્યાં છે? તેમને ખબર આપ્યા?’
‘મારે એક દીકરો જ છે, તે અમેરિકા છે. તે કાલે સવારે આવશે, પણ મને પાછું યાદ આવ્યું. શું તને સાંભરે છે? માલતીના ૧૮મા જન્મદિવસે માત્ર તમે બે પાડોશીઓ અને અંગત સગાંઓને જ  બોલાવ્યાં હતાં. એમાં હું તો ક્યાંથી હોઉં? પણ તું અચાનક તેની એક નોટ લઈને મને આપવા આવી અને બોલી, 
‘આજે માલતીની વરસગાંઠ છે. લો આ નોટ અને આપવાને બહાને ચાલો જલદી, બધાં આવી ગયાં છે.’
‘હા, તમે પૂછ્યું હતું કે, માલતીએ તને મોકલી? તો મેં શું કહેલું યાદ છે?’
‘ના, શું કહેલું?’
‘છોડો એ બધું. જલદી ચાલો.’ 
‘ હા, તને વાત ઉડાવવા માટે ‘છોડો’ બોલવાની ટેવ હતી, પણ ઇલા, તું નહીં માને, તે દિવસે, જે  સિફતથી અને પ્રેમથી માલતીએ મને મળવા બોલાવ્યો હતો એ વાતથી હું એટલો ખુશ થયેલો કે મેં ત્યારે જ નક્કી કરી લીધું હતું કે પરણીશ તો માલતીને જ.’
‘તમને એ યાદ છે કે ફંક્શન પત્યા પછી તમે જતા હતા ત્યારે?’
‘હાસ્તો તેં મને પેલી જ નોટ પાછી આપી અને અમારા આગલા મિલન માટેનો પ્લાન તૈયાર કર્યો હતો. તું પણ ખાસી મોટી ને સમજદાર થઈ ગઈ હતી એનો ત્યારે મને ખ્યાલ આવ્યો હતો!’
ફિક્કું હસીને બોલી, ‘હા, તેં નોટ પાછી આપી, કારણ માલતીએ એમાં એક ચિઠ્ઠી મૂકી હતી. ફરી ક્યારે મળશો? એમ જ ને?’ 
‘હા, બસ પછી તો તમે બન્ને કૉલેજમાં જતાં રહ્યાં. સાથે જ રહ્યાં, પછી મારી કોઈ જરૂર પણ ના રહી.’
‘હા જો ઇલા, મને યાદ આવ્યું, તું અમારાં લગ્નમાં કેમ નહોતી આવી? અમે બન્ને તને ખૂબ યાદ કરતાં હતાં. શોધતાં હતાં.’
‘મને પણ કંઈ યાદ નથી, કદાચ કંઈ કામ આવી ગયું હશે, કદાચ મારી પરીક્ષા પણ હોય.’
‘ઓળખાણ નીકળી એ સારું થયું, વાતોમાં ને વાતોમાં જૂની યાદોમાં સમય પસાર થાય છે. બાકી આવા પ્રસંગે જતાં હોઈએ ત્યારે ગાડીમાં સમય પસાર કરવો અઘરો પડે.’ જયા બોલી. 
‘સાચી વાત, દુઃખનો સમય તો કીડીવેગે ચાલે. શું માલતી સાચે જ નથી હવે? જયાબહેન?’ 
બોલીને ઇલાએ દુખથી નિસાસો નાખ્યો. 
‘ઇલા, તું ક્યાં રહે છે? અમે તો લગ્ન પછી વડોદરા સેટ થયાં હતાં. તારા પતિ, બાળકો બધાં મજામાં?’
‘ના ભાઈ ના, આપણે તો સંસારની જંજાળમાં પડ્યાં જ નથી. મારી એલઆઇસીમાં ક્લાસ વન ઑફિસરની જૉબ છે. અત્યારે હું અમદાવાદ છું. બાકી ટ્રાન્સફર થતી રહે છે. જુદી-જુદી જગ્યાએ ફરું છું ને મજા કરું છું. મારો ભાઈ કૅનેડા સેટ થયો છે. પપ્પા નથી હવે, મમ્મી તો હજુ એ જ ઘરમાં રહે છે. તેને મળવા જતી રહું છું. આજે પણ તેને મળવા જ જઈ રહી છું. વાસ્તુ આવતી કાલે હતું એટલે આજે તો તમે જૂના ઘેર જ જશોને? સેન્ટ્રલ ઊતરીને આપણે એક જ ટૅક્સીમાં જઈશું, માલતીને જોઈને હું ઘેર જઈશ.’
બધાં ઘેર પહોંચ્યાં ત્યારે સૌની આંખોમાં ચોધાર આંસુ હતાં. બીજા દિવસે સવારે દીકરો આવ્યો પછી માલતીને કાઢી ગયા, ત્યારે મૌલિક રંજ સાથે રડતો હતો. ઇલા મમ્મી સાથે રહેવા ૧૫ દિવસની રજા મૂકીને જ આવેલી હતી. 
બીજી બધી વિધિ માલતીના ઘેર વડોદરા રાખી હતી. એટલે મૌલિક અને સૌ સગાંઓ બે દિવસ પછી વડોદરા ગયાં. થોડા દિવસ મમ્મી સાથે રહીને, ૧૩માની વિધિમાં હાજર રહેવા ઇલા પણ વડોદરા પહોંચી ગઈ. બધું પતી ગયાં પછી બધા વેરાવા લાગ્યાં. ઇલા પણ અમદાવાદ પોતાના ઘેર પહોંચી અને પહોંચીને તરત જ એક અગત્યનું કાર્ય કર્યું, જે તેણે બહુ પહેલાં કરવું જોઈતું હતું, એવી તેની માન્યતા હતી. તે હવે નિશ્ચિંત થઈને બેઠી હતી. માલતીના મૃત્યુને દોઢ વર્ષ થઈ ગયું છતાં તેની સાથે ગાળેલા દિવસો જાણે ભુલાતા નહોતા. 
lll
આજે રવિવાર હતો. ઇલા આરામથી ઊઠીને, ચા સાથે સવારનું છાપુ વાંચતી હતી. ત્યાં તો ડોરબેલ વાગી. તેણે ડોર ખોલ્યું તો સામે તેની મમ્મી ઊભી હતી. તે આશ્ચર્યથી બોલી,
‘મમ્મી તું? અચાનક? તારી તબિયત? પ્લીઝ, શુ થયું છે જલદી બોલ’
મમ્મીએ કંઈ બોલ્યા વગર એક કવર તેના હાથમાં પકડાવ્યું. ત્યાં જ ઊભાં રહીને તેણે કવર ખોલ્યું. 
‘આ તારી પાસે ક્યાંથી આવ્યું, મમ્મી.? આ તો મેં?’ 
ત્યાં તો પાછળ મૌલિક દેખાયો. 
‘સાચવીને રાખેલી યાદગીરી તેં મને મોકલી હતી તે મળી હતી, પણ હવે મેં ને મમ્મીએ ખૂબ વિચાર કરીને નક્કી કર્યું છે કે, આ યાદગીરી તારી પાસે જ રહેશે કાયમ, અને તું મારી પાસે.’
‘મૌલિક પ્લીઝ, મારી સખીના મોતનો મલાજો રાખ અને જા અહીંથી.’
‘તને ખબર છે ઇલા? તું અમારાં લગ્નમાં નહોતી આવી ત્યારે માલતીએ મને શું કહ્યું હતું? તેણે કહેલું, 
‘ઇલા માટે તું પહેલો પ્રેમી હતો અને છે. મને એવું લાગતું હતું અને એટલે જ તે આપણાં લગ્નમાં ના આવી. આપણું નક્કી થયું ત્યારથી જ તેણે મારી સાથે સંબંધ ઓછો કરી નાખ્યો હતો. આપણી વચ્ચે નોટોની જે આપલે થતી હતી, તે તેને મળવાના તારાં બહાનાં હતાં, એમ તે સમજતી હતી કદાચ. અને પછી નોટમાં મૂકેલી, ‘ફરી ક્યારે મળશો?’વાળી ચિઠ્ઠી બતાવીને કહેલું કે, આ અક્ષરો ઇલાના હતા. મેં તો આવી કોઈ ચિઠ્ઠી મૂકી જ નહોતી.’
બધાં હજુ દરવાજે જ ઊભાં હતાં.

નવા લેખકોને આમંત્રણ
તમે પણ જો શૉર્ટ સ્ટોરી લખવા માગતા હો તો લગભગ ૧૩૦૦ શબ્દોમાં રોમૅન્ટિક અથવા સંબંધોના તાણાવાણાને સુંદર રીતે રજૂ કરતી નવલિકા ટાઇપ કરીને featuresgmd@gmail.com પર મોકલો. 
સાથે તમારું નામ અને કૉન્ટૅક્ટ નંબર અને ફોટો પણ મોકલશો. 
જો વાર્તા સિલેક્ટ થશે તો જ પબ્લિશ થશે. એ બાબતે પૂછપરછ ન કરવી.

columnists