મુંબઈની આન, બાન અને શાન સમાન સૌથી જૂનાં અને ફેમસ વડાપાંઉ ક્યાંનાં?

17 July, 2019 01:18 PM IST  |  મુંબઈ ડેસ્ક | ચિંતન ઠક્કર

મુંબઈની આન, બાન અને શાન સમાન સૌથી જૂનાં અને ફેમસ વડાપાંઉ ક્યાંનાં?

વડાપાવની વરાઇટી

ફૂડ ફન્ડા

વડાપાંઉ એ મુંબઈની જાન અને મહારાષ્ટ્રની શાન છે. મુંબઈ ફરવા આવનારા લોકો જો અહીંનાં વડાપાંઉ ન ચાખે તો મુંબઈનગરીની સફર અધૂરી કહેવાય. દુનિયાના ગમે એ છેડેથી આ શહેરમાં વસવાટ કરવા આવેલો માણસ જ્યારે વડાપાંઉ ખાતો થઈ જાય ત્યારે જ તે ખરો મુંબઈગરો બને છે. રાજા અને રંક સૌને દાઢે વળગે એવી આ વાનગી માટે સહજ સવાલ થાય કે આ ચીજ શોધાઈ કઈ રીતે? વડા અને પાંઉ એ બેનું કૉમ્બિનેશન કરવાનો વિચાર ક્યાંથી અને કેવી રીતે આવ્યો હશે? આ બાબતે એક કરતાં વધુ લોકવાયકાઓ પ્રચલિત છે. કેટલાક લોકો માને છે કે ગિરગામ વિસ્તારમાં મિલમાં કામ કરતા કામદારોને ઓછા ખર્ચે પેટ ભરાય એ માટે બટાટાવડાની સાથે પાંઉ ખાવા આપવામાં આપવામાં આવતાં હતાં. એ પછી કલ્યાણ પાસે એક દંપતી પોતાના ઘરમાં જ બનાવેલાં વડાંને પાંઉ સાથે વેચતું હતું. બહાર રેંકડી કે સ્ટૉલ ઊભો કરવાને બદલે તેઓ ઘરની બારીમાંથી જ વેચાણ કરતાં. એ લસણની લાલચટક ચટણી સાથેનાં ખિડકી વડાપાંઉ આજે પણ કલ્યાણમાં મળે છે અને હવે તો એની ત્રણેક બ્રાન્ચ પણ થઈ ગઈ છે. જોકે વડાપાંઉના ઇતિહાસમાં દાદર સ્ટેશન પાસેના અશોક વૈદ્યની ભૂમિકા બહુ મહત્ત્વની મનાય છે. મુંબઈના સૌથી અતિવ્યસ્ત રેલવે સ્ટેશનની બહાર ભાગદોડમાં રહેતા લોકો માટે અશોકભાઈએ વડાપાંઉ વેચતી રેંકડી શરૂ કરેલી. લૂખા પાંઉને બદલે એમાં તીખી-મીઠી ચટણી અને મરાઠી સ્ટાઇલની લસણની સૂકી ચટણી સાથે વડાપાંઉ વેચાવાનું શરૂ કરેલું જેનો સ્વાદ લોકોને દાઢે વળગી ગયો અને વડાપાંઉના જનક તરીકે તેમનું નામ પણ પ્રચલિત થઈ ગયું. એ જમાનામાં ઉડીપી રેસ્ટોરાંઓ ચોરે અને ચૌટે હતી. મોટા ભાગે કર્ણાટકથી આવેલા લોકો દ્વારા ચાલતી રેસ્ટોરાંઓને કારણે ઇડલી-ઢોસા કલ્ચર વધી રહ્યું હતું. એની સામે શિવસેનાએ આમચી વાનગી તરીકે વડાપાંઉને પ્રચલિત કરવાનું લિટરલી કૅમ્પેન શરૂ કરેલું જેના પ્રતાપે આજે વડાપાંઉ મુંબઈનો ટ્રેડમાર્ક બની ગયાં છે.
બટાટાવડામાં વપરાતા બટાટા અને પાંઉ એ બન્ને આમ તો પોર્ટુગીઝોની દેન છે, માત્ર ચણાનો લોટ જ ભારતીય શોધ છે. જોકે આ ચીજોનું કૉમ્બિનેશન જે રીતે તૈયાર થયું એ હવે આમચી મુંબઈની શાન બની ગયું છે.
આમ તો વડાપાંઉ ખાવાની કોઈ ચોક્કસ સીઝન નથી, પરંતુ વડાપાંઉ ખાવાની સૌથી વધુ મજા ચોમાસામાં જ આવે છે. જોકે મુંબઈ એટલું મોટું છે અને અહીં દરેક ગલીએ વડાપાંઉના ખૂમચા જોવા મળી જાય છે ત્યારે એમાંથી ઑથેન્ટિક અને ટેસ્ટી વડાપાંઉ ક્યાં મળે છે એ ખોળી કાઢવાનું થોડું અઘરું છે. ગઈ કાલે આપણે મુંબઈના ગુજરાતી સેલિબ્રિટીઓને ક્યાંનાં વડાપાંઉ ભાવે છે એ જાણ્યું. સાઉથ મુંબઈમાં બોરકર, બોરીવલીમાં મંગેશ, દાદર કીર્તિ કૉલેજ પાસેના અશોક, વિલે પાર્લેમાં મીઠીબાઈ કૉલેજની સામેના આનંદના વડાપાંઉ સેલિબ્રિટીઝમાં જબરા ફેમસ છે. એ ઉપરાંત પણ બીજા કેટલાક એવા ઑપ્શન્સ છે જ્યાંનાં વડાપાંઉ એક વાર તો મુંબઈગરાએ ટેસ્ટ કરવા જેવાં છે. ચાલો આજે જરા પરંપરાગત અને ટેસ્ટી વડાપાંઉની શોધમાં મુંબઈને ધમરોળીને મસ્ટ ઇટ ઑપ્શન્સ જોઈએ.
સીટીઓ વડાપાંઉ
ફોર્ટમાં સેન્ટ્રલ ટેલિગ્રાફ ઑફિસને અડીને એક નનામો સ્ટૉલ છે જે મૂળે એક ટેક્સ્ટાઇલ મિલના વર્કરે શરૂ કરેલો. આ વિસ્તારમાં કામ કરતા ઑફિસ-ગોઅર્સ અને હાઈ કોર્ટના વકીલોમાં અહીંના વડાપાંઉ પ્રખ્યાત છે. વડાનું કડક પડ અહીંની ખાસિયત છે, પરંતુ મોંમાં મૂકતાં જ અંદરના સૉફ્ટ બટાટાના માવા સાથે કડક પડનો ટેસ્ટ મજાનો આવે છે. કર્ણાટક અને આંધ્ર પ્રદેશના સુપરહૉટ ગણાતા બેગી મરચાંથી લાલ સૂકી ચટણી બની હોય છે એટલે સિસકારા લેતા જાઓ અને ખાતા જાઓ. એ ઉપરાંત ગ્રીન ચટણી સૌમ્ય મસાલાવાળી હોય છે જેમાં કોથમીર સાથે લીમડો, લીલા મરચાં અને આદુંનો સ્વાદ અલગ તરી આવે છે.
આરામ વડાપાંઉ
મૂળ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે-સ્ટેશનની બહાર મસમોટી સાઇઝનાં સોનેરી વડાં સમારેલી ડુંગળી, કોથમીરની લીલી ચટણી અને લસણની સૂકી ચટણી સાથે આપવામાં આવે છે. વર્ષોજૂની આ જગ્યાનાં વડાપાંઉની ખાસિયત એની લીલી અને લાલ ચટણી છે. કહેવાય છે કે શરૂઆતથી જ અહીંની ચટણીનો સ્વાદ સેમ છે અને હજી જરાય બદલાયો નથી. સમારેલી કાચી ડુંગળીમાં સહેજ મસાલો છાંટીને પાંઉની અંદર જ નાખવામાં આવે છે. હવે તો આરામની બીજી બે બ્રાન્ચ ખૂલી ગઈ છે. એક છે ફોર્ટમાં અને બીજી લોઅર પરેલમાં. જોકે ઓરિજિનલ સ્વાદ માટે તો છત્રપતિ શિવાજી ટર્મિનસ પાસેનું આઉટલેટ જ બેસ્ટ છે. હવે ચીઝ અને બટર ચીઝ વડાપાંઉ પણ મળે છે અને એ પણ યમ્મી છે. સાદા વડાપાંઉના ૧૬ રૂપિયા અને બટર ચીઝ ગ્રિલ વડાપાંઉના ૩૨ રૂપિયા છે. સવારે સાડાઆઠથી રાતે સાડાઆઠ સુધી નૉન-સ્ટૉપ અહીં ગિરદી જોવા મળે.
ગ્રૅજ્યુએટ વડાપાંઉ
ભાયખલા સ્ટેશન રોડ પર રેલવે રિઝર્વેશન ઑફિસ પાસે લગભગ ૧૬-૧૭ વર્ષ પહેલાં આ સ્ટૉલ ખૂલેલો. અહીં મોટા ભાગે સ્ટુડન્ટ્સ અને ઑફિસ-ગોઅર્સની ભીડ ખૂબ હોય છે. માણસોની ભીડ પણ એટલી થાય કે એમાં નાનકડો સ્ટૉલ ઢંકાઈ જાય. ખૂબ ચપોચપ વડાપાંઉ ઊપડતાં હોવાથી ડાયરેક્ટ કડાઈમાંથી નીકળેલાં ગરમાગરમ વડાં મળે. બહુ સ્પાઇસી નહીં એવાં તાજાં વડાંની સાથે અહીં લસણ, કોપરાની સૂકી અને આમલીની ચટપટી ચટણી અહીંની ખાસિયત છે. સવારે સાત વાગ્યાથી રાતે ૧૧ વાગ્યા સુધી અહીં લોકોની પડાપડી રહે અને કિંમત પણ કિફાયતી.
ગજાનન વડાપાંઉ
છેક ૧૯૭૮થી થાણેમાં આ સ્ટૉલ છે. એના ચાહકો એટલા છે કે હવે એની થાણે-ઈસ્ટ, થાણે-વેસ્ટ, ડોમ્બિવલી-વેસ્ટ, મુલુંડ-વેસ્ટ અને અંધેરી-ઈસ્ટ એમ પાંચ બ્રાન્ચ છે. કોઈ પણ સમયે અહીં વડાપાઉં ખાવા માટે મોટી સંખ્યામાં લોકો હોય જ છે. અહીંનાં વડાપાઉંની ખાસિયત છે ખાસ પીળી ચટણી અને લીલાં મરચાંનું ઠેચું. પીરસવાની સ્ટાઇલ પણ એકદમ ઇકો-ફ્રેન્ડ્લી. પતરાવળીના પાન પર વડાપાઉં, પીળી ચટણી અને લીલાં મરચાંનું ઠેચું પીરસવામાં આવે છે. આ વડાપાઉંનો લુત્ફ ઉઠાવવો હોય તો પાંઉને પીળી ચટણીમાં ડુબાડવું અને પછી ચપટીક લીલાં મરચાંનું ઠેચું લઈને વડા સાથે ખાવું. સવારે સાડાસાતથી રાતે દસ વાગ્યા સુધી નૉન-સ્ટૉપ અહીં લોકોની ભીડ રહે છે.
ખિડકી વડાપાંઉ
૧૯૬૦ના દાયકામાં કલ્યાણના તિલક ચોકમાં યશવંત મોરેશ્વર વઝેએ ઘરમાં જ વડાપાઉં બનાવીને રોડ પર પડતી બારીમાંથી એ વેચવાની શરૂઆત કરેલી. એને કારણે આ સ્ટૉલનું નામ જ પડી ગયું ખિડકી વડાપાંઉ. આ જગ્યાની પ્રખ્યાતિ એટલી વધી કે અન્ય વડાપાંઉવાળા દરવાજા વડાપાંઉ જેવા સ્ટૉલ્સ લાવીને ગ્રાહકોને ભરમાવવાની કોશિશ કરવા લાગ્યા. ૧૯૯૧માં આ સ્ટૉલના નામનું ટ્રેડમાર્ક રજિસ્ટર થયું હતું. અહીંનાં વડાપાઉંની ખાસિયત છે સાઇઝ. જેની સામે પાંઉ નાનું પડે એવાં મોટાં મરાઠી સ્વાદનાં વડાં અને ટિપિકલ મરાઠી ચટણીને કારણે આસપાસના વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાત છે.

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

પાર્લેશ્વર વડાપાંઉ
વિલે પાર્લેના પાર્લેશ્વર વિસ્તારમાં હોવાથી એનું નામ પાર્લેશ્વર વડાપાઉં સમ્રાટ પડ્યું. અહીં ૧૫થી પણ વધારે વિવિધ જાતનાં વડાપાઉં છે જેમ કે વડાપાઉં, બટર વડાપાઉં, સેઝવાન વડાપાઉં, ચીઝ વડાપાઉં, મેયોનિસ વડાપાઉં, ગ્રિલ વડાપાઉં વગેરે. જોકે અહીંનાં વડાંમાં બટાટાની સાથે છીણેલું કોપરું પણ હોય છે જેને કારણે સ્વાદમાં ક્રીમી ટ્વિસ્ટ આવે છે. હવે તો પાર્લેશ્વર વડાપાંઉ સમ્રાટની પાર્લા-ઈસ્ટમાં ત્રણ અને મલાડના માંડલિક નગરમાં એક એમ ચાર બ્રાન્ચ ખૂલી ગઈ છે.

columnists mumbai food