પાંચ પ્રકારના જ્ઞાનમાં કેવળજ્ઞાન શ્રેષ્ઠ, પણ મહત્તા શ્રુતજ્ઞાનની

06 January, 2019 11:45 AM IST  |  | Chimanlal Kaladhar

પાંચ પ્રકારના જ્ઞાનમાં કેવળજ્ઞાન શ્રેષ્ઠ, પણ મહત્તા શ્રુતજ્ઞાનની

જૈન દર્શન 

જ્ઞાન આત્માનું અજવાળું છે, જીવનની તેજોમય જ્યોતિ છે. જ્ઞાન વિના કોઈ પણ વસ્તુ કે વિચારનું સ્વરૂપ જાણી શકાતું નથી. જ્ઞાન વિના કોઈ પણ પ્રાણી કે પદાર્થ વિશે બોધ થઈ શકતો નથી એટલું જ નહીં, જ્ઞાન વિના કોઈ પણ ક્રિયા કે ઘટનાનું રહસ્ય સમજી શકાતું નથી. એટલે જ જ્ઞાનને તૃતીય લોચન, દ્વિતીય દિવાકર અને પ્રથમ પંક્તિનું ધન કહેવામાં આવ્યું છે. સંસ્કૃત સાહિત્યમાં જ્ઞાનનો મહિમા કરતાં કહેવાયું છે:

જ્ઞાનાદ્વિદન્તિ ખલુ કૃત્યમ્ કૃત્ય જાતં

જ્ઞાનાચ્ચરિત્રમમલં ચ સમાયરન્તિ

જ્ઞાનાચ્ચ ચરિત્રમમલં ચ રામાયરન્તિ

જ્ઞાનાચ્ચ ભવ્યભવિકા : શિવમાપ્નુવન્તિ

જ્ઞાનં હિ મૂલમતુલં સકલ શ્રિયાં તત્

અર્થાત્ જ્ઞાનથી મનુષ્યો કરવાયોગ્ય અને ન કરવાયોગ્ય વસ્તુ-સમુદાયને જાણે છે અને નર્મિલ એવા ચારિત્રયનું આચરણ કરે છે. વળી ભવ્ય જીવો જ્ઞાન વડે જ શિવસુખ પામે છે. તેથી જ્ઞાન એ સકળ લક્ષ્મીનું ઉપમારહિત મૂળ છે.

જૈન ધર્મમાં જ્ઞાનનો ભારે મહિમા દર્શાવવામાં આવ્યો છે. જૈન શાસ્ત્રોમાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે. એ છે : (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવવિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન અને (૫) કેવળજ્ઞાન. મતિ વડે, બુદ્ધિ વડે થતું જ્ઞાન એ મતિજ્ઞાન. સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત એ પાંચ ઈન્દ્રિયો તથા છઠ્ઠા નોઇãન્દ્રય એવા મન વડે થતો વસ્તુનો અર્થાભિમુખ નિશ્ચિત-મર્યાદિત બંધ એ મતિજ્ઞાન. શ્રુત વડે સાંભળવાથી થતું જ્ઞાન એ શ્રુતજ્ઞાન. શબ્દના નિમિત્તથી ઇãન્દ્રયો અને મન દ્વારા થતું મર્યાદિત જ્ઞાન એ શ્રુતજ્ઞાન. ઇãન્દ્રયો અને મનની સહાય વિના માત્ર આત્માની શુદ્ધિ અને નર્મિળતાથી, સંયમની આરાધનાથી સ્વયંમેવ પ્રગટ થાય એવા અતિન્દ્રિય અને મનાનીત જ્ઞાનમાં અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન ગણાય છે. ઘાતિકર્મના ક્ષયોપક્ષમથી અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે અને ઘાતિકર્મના સંપૂર્ણ ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. એ પછી ફક્ત એક જ જ્ઞાન રહે છે. બાકીનાં ચારે જ્ઞાનનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. કેવળજ્ઞાનમાં એ ચારે જ્ઞાનનો વિલય થઈ જાય છે. જે જીવને કેવળજ્ઞાન પ્રગટે છે એ જીવ મોક્ષગતિ પામે છે અને એ પછી એ જીવનો પુનર્જન્મ નથી.

જૈન ધર્મમાં દર્શાવેલાં પાંચ પ્રકારનાં જ્ઞાનમાં કેવïળજ્ઞાન શ્રેષ્ઠ છે, પરંતુ મહત્તા તો શ્રુતજ્ઞાનની છે; કારણ કે એ એક જ જ્ઞાન બોલતું છે અને બીજાં જ્ઞાન મૂંગાં છે. તેથી જ કહેવાયું છે:

જાણે કેવલે કેવલી, શ્રુતથી કરે વખાણ

અઉ મૂંગા શ્રુત બોલતું, ભાખે ત્રિભુવન ભાણ

કેવળજ્ઞાની પોતાને ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન વડે બધું જાણી શકે છે, પણ તેનું વ્યાખ્યાન તો શ્રુતજ્ઞાનથી જ કરી શકે છે. ત્રણ ભુવનના સૂર્ય શ્રી ર્તીથંકર દેવોએ કહ્યું છે કે બીજાં ચાર જ્ઞાન મૂંગાં છે અને એક શ્રુતજ્ઞાન જ બોલતું છે.

તત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિ મહારાજ કહે છે, ‘સમ્યગજ્ઞાન-દર્શન-ચારિત્રાણી મોક્ષમાર્ગ:’. અર્થાત સમ્યગજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યગચારિhય એ મોક્ષનો માર્ગ છે. શ્રુતજ્ઞાનની આરાધના માટે, યથાર્થ ઉપાસના માટે જ્ઞાનાચારનું સ્વરૂપ જાણવું જોઈએ. જૈન શાસ્ત્રોમાં (૧) કાલ, (૨) વિનય, (૩) બહુમાન, (૪) ઉપધાન, (૫) અનિહ્વતા, (૬) વ્યંજનશુદ્ધિ (૭) અર્થશુદ્ધિ અને (૮) તદુભયશુદ્ધિ આમ આઠ પ્રકારના જ્ઞાનાચાર કહ્યા છે. જ્ઞાનારાધના માટે જૈન ધર્મમાં સ્વાધ્યાય પર સવિશેષ ભાર અપાયો છે. સ્વાધ્યાયના મુખ્ય પાંચ પ્રકાર કહ્યા છે. એ છે : (૧) વાચના, (૨) પૃચ્છના, (૩) પરિવર્તના, (૪) અનુપ્રેક્ષા અને (૫) ધર્મકથા.

આ પણ વાંચોઃ  વિષયવાસના સામેનો સંઘર્ષ જીવનમાં સૌથી કપરો સંઘર્ષ

જ્ઞાનારાધના માટે લિપિ અને ભાષાનું જ્ઞાન તો જરૂરી જ છે, પરંતુ સાથે શાસ્ત્રભ્યાસ પણ જરૂરી છે. એમાં પણ સૌથી વધારે જરૂર છે આત્મજ્ઞાનની. આત્મજ્ઞાનમાં સતત રમણતા રહે એ માટે તત્વસંવેદનની આવશ્યકતા રહે છે, પરંતુ આવું તત્વસંવેદન જ્ઞાન એકદમ પ્રગટ થતું નથી. તેથી જ્ઞાનની વિધિસર ઉપાસના કરતા રહેવું જોઈએ જેથી તત્વસંવેદન પ્રગટ થતાં આત્માનો ભવરોગ દૂર થાય. જગતના સર્વ જીવો સમ્યગજ્ઞાનની ઉપાસના

દ્વારા ભવદુ:ખને દૂર કરવામાં સફળ નીવડે એ જ અભ્યર્થના. છેલ્લે...

જ્ઞાન વિના પશુ સારિખા, જાણો ઈણ સંસાર

જ્ઞાન આરાધનાથી લહે, શિવપદ સુખ શ્રીકાર

columnists